કવિ ઉમાશંકર જોશીની પ્રભાવક રચના : એક પંખીને કંઈક — લાભશંકર ઠાકર

કવિ ઉમાશંકર જોશીનાં એકાધિક કાવ્યો વિશે મારા પ્રતિભાવનના અવાજને લખીને સાંભળવાની મનીષા તો થાય. પણ તે તો તેવી મનની ઇચ્છા હોય. વાસ્તવમાં એમ કંઈ આ કાર્ય સરળ નથી. થાય છે, બે પોએમ્સ પર મારા અવાજને સાંભળવાનો નિજાનંદ પામ્યો છું તો લાવ, એક ત્રીજા પોએમ પરના મારા ભાવન સંચલનોને સાંભળું.

કવિના ધારાવસ્ત્ર(૧૯૮૧)માં એક રચના છે. તે નવી દિલ્હીમાં તા. ૨૭-૮-૧૯૭૯માં રચાઈ છે. તેનું શીર્ષક છે. ‘એક પંખીને કંઈક…’

કાવ્યના આરંભની પંક્તિઓ સાંભળીએ.

એક પંખીને કંઈક કહેવું હતું,
માનવીની પાસે આવતાં ખમચાતું હતું;
ઊડી ગયું દૂર, ટેકરી પર, ઊંચા વૃક્ષની ટગડાળે,
આગળપાછળ જોયા વિના, ભૂખ-થાક-વિરહ-ઑથાર નીચે
કંઈક બબડી નાખ્યું એણે.

પાંચ પંક્તિના પૂર્ણ વિરામ પછીની, આગળની પંક્તિઓ, પછી સાંભળીશું.

ના, બધાં પંખીને કંઈક કહેવું હતું તેમ નથી; જેમ બધા માણસોને કંઈક કહેવું છે તેવું જનરલ સ્ટેટમેન્ટ ન કરીએ. મનુષ્યોમાં ય એકાધિક વ્યક્તિચેતનાઓ એવી હોય, હોય છે, જેમને કંઈક કહેવું હોય છે. તે કહેતા હોય છે. દા.ત. નરસિંહ મહેતા. એ તો એવા સર્જક વિશેષ છે કે જેમની ચેતનાએ કંઈને કંઈ કહેવામાં કદી વિરામ નથી લીધો. હાસ્તો, એ તો વિરલ એવી સર્જકચેતના હતા, છે. આ તો એમ જ આમ લખવાના સ્વૈર આનંદમાં નરસિંહે કહેલા શબ્દો, સ્મૃતિમાં ઉપસ્યા છે તો અહીં યાદ કરી લઉં. એમણે કહ્યું હતું: ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્ત્વનું તુંપણું તુચ્છ લાગે.’

ના, નરસિંહના કથન વિશે આ ક્ષણોમાં કંઈ જ કહેવું નથી.

કવિ ઉમાશંકર જોશીના પંખીમાં મન પરોવીએ. હા, એ, એક પંખીને કંઈક કહેવું હતું. ‘માનવીની પાસે આવતાં ખમચાતું હતું.’ ન આવ્યું માનવીની પાસે. તે ઊડી ગયું દૂર, ટેકરી પર, ઊંચા વૃક્ષની ટગડાળે, આગળ પાછળ જોયા વિના, ભૂખ-થાક-વિરહ-ઑથાર નીચે કંઈક બબડી નાખ્યું એણે.

તે ઊડી ગયું દૂર. હા, માનવીથી દૂર એવો અર્થભાવ ભાવકની ચેતનામાં ઉપસે છે. તે ટેકરી પરના ઊંચા વૃક્ષની ટગડાળે પહોંચી ગયું છે, એને પંખીનું એકાંત કહીશું? એમ કહીએ, સમજીએ ભાવનમાં છતાં સત્ય એ છે કે પંખીને કંઈક કહેવું હતું. આ એની ચેતનાની ઈનર need છે. હા, કહેવું હતું એટલે કોઈને સંભળાય, સમજાય એમ કહેવું હતું. શ્રોતાની અપેક્ષા તો પંખીના અંતઃકરણમાં છે જ. માનવી પાસે આવતાં ‘ખમચાતું’ હતું. ત્યાં તો અભયનો અનુભવ નહિ કરી શકતું હોય. પછી, ટેકરી પર, ઊંચા વૃક્ષની ટગડાળે, આગળ પાછળ જોયા વિના ‘કંઈક બબડી નાખ્યું એણે.’ આમ બબડી નાખનાર પંખીની આંતરચેતના વિશે કાવ્યસર્જકે કાવ્યમાં જ કહ્યું છે: ‘ભૂખ-થાક-વિરહ-ઑથાર નીચે’ કંઈક બબડી નાખ્યું એણે.

હા. તે પંખીને ભૂખ છે. તેણે ખાધું નથી. હા, થાક છે. સૃષ્ટિ સમગ્રના જીવો રાત પડતાં કુદરતી રીતે જ ઊંઘી જતા હોય છે. આ લખનારે તો ભર બપોરે, અમદાવાદમાં, ચિત્રોની એક ગૅલેરીમાં, કંપાઉન્ડના એક લેબર્નમ (ગરમાળા)ના (હા તે પુષ્પિત હતું) વૃક્ષની શાખા-પ્રશાખાની ઑથમાં એક ખિસકોલીને નિદ્રાધીન જોઈ હતી. કહું કે જોયા જ કરી હતી. નિદ્રાસુખના સમયમાં જીવનું આંતરિક તંત્ર એવું સક્રિય હોય છે કે શરીરતંત્રમાં કોઈ કૅમિકલ છૂટે છે. જે બ્રેઈનમાં અંકાયેલા થાકના પ્રભાવને ભૂંસી નાખે છે. જેથી નિદ્રા પછી જાગનાર જીવ થાક વગરની સ્ફૂર્તિનો, તાજગીનો અનુભવ કરે. હા, આપણા પ્રાચીનોએ નિદ્રાને ‘ભૂતધાત્રિ’ કહી છે. તે ભૂતો (જીવો)નું ધારણ-પોષણ કરનારી છે.

તે પંખીએ આગળ પાછળ જોયા વિના, ભૂખ-થાક-વિરહ-ઑથાર નીચે કંઈક બબડી નાખ્યું.

ભૂખ-થાક વગેરે સંકેતોમાં એક સંકેત છે, વિરહ-ઑથાર પણ વિરહનો હશે અને બની ગયેલી કોઈ ઘટનાનો હશે. તે છે એકલું. ભૂખનો સંકેત છે. પણ એમ કંઈ પંખીના આ કે તે ખાદ્યનો અભાવ કલ્પી શકાતો નથી. વૃક્ષ છે તો આ કે તે કણ પણ હોય. ઊંઘના અભાવનું કારણ પણ એકલતા છે. વિરહનું દુઃખ ઘણું મોટું છે. મનુષ્યો તો કહેતા હોય છે: to be is to be related. પંખી વગેરે જીવોમાંય રિલેશનની જૈવિક, પ્રાકૃતિક નિકટતા સાહજિક છે.

હા, કવિએ, જે ઘટના ઘટી છે તેને સ્ફુટ કરી નથી. એક પંખીની ભાવદશાનું વર્ણન સંકેતાય છે. ‘વિરહ’નો સંકેત જીવનસાથીના વિરહનો હોય. હા, એની આ એકલતાની ક્ષણોમાં આ એક પંખી જીવનસાથી વગરનું છે. આ પંખીને ‘કંઈક કહેવું હતું’ એમ તો કથક કવિ દ્વારા કહેવાયું છે. વળી કથક કવિએ એમ પણ કહ્યું છે કે: માનવીની પાસે આવતાં ખમચાતું હતું. ના, એ માનવીની પાસે આવ્યું નથી. ઊડી ગયું દૂર. ટેકરી પર, ઊંચા વૃક્ષની ટગડાળે એણે કંઈક બબડી નાખ્યું.

(એક) પંખીને કંઈક કહેવું હતું. જેની પાસે આવતાં તે ખમચાતું હતું, સંભવ છે, તે માનવીને જ એણે કંઈક કહેવું હશે.

એ તો વ્યક્ત થયું છે કે પંખી એકલું છે. તેનું જીવનસાથી નથી. કેમ નથી? હા, આ ભાવકની ચેતનામાં જે ચિત્ર ઉપસે છે તેમાં તો પંખીનું જીવનસાથી, ધ બર્ડ ઈઝ શૉટ ડેડ. હા, આ કે તે હથિયારની પંખીને મૃત કરનાર મનુષ્ય છે. (શિકારી પંખીઓ પણ હોય.) પંખીને કંઈક કહેવું છે અને (કદાચ) તે મનુષ્યને કહેવું છે, કેમકે તે ‘માનવી પાસે આવતાં ખમચાતું હતું.’

મનુષ્ય અને પંખીનો સંબંધ અનેક રૂપોમાં આ ક્ષણોમાં ભાવકની ચેતનામાં પ્રત્યક્ષ થાય છે. હા, તે મનુષ્યનું ખાદ્ય છે. અન્યથા માણસની તે સૅન્ટિમેન્ટલ નીડ છે. હા, પિંજરસ્થ પંખીઓ આ અને તે કથામાં કે આ અને તે મનુષ્યોનાં ઘરોમાં ઝૂલતાં દેખાય છે. હા, કેદ અને કન્ડિશન્ડ, ટેવગ્રસ્ત કરી નખાયેલાં પંખીઓ. મનુષ્યોનો માત્ર અને માત્ર સાઈકોલૉજિકલ, સૅન્ટિમેન્ટલ, રુગ્ણ, પઝેસિવ આધાર, પ્લેઝર.

કવિ, કવિ છે. એ વિગતોનો આલેખ આપે. પણ અર્ધું જ કહે. અર્ધું ભાવકની ચેતનામાં ઊગવા-પ્રસરવા દે. હા, ભાવકમાં ભાવનની પ્રક્રિયા અપેક્ષિત છે. હા, ભાવન પણ પ્રતિભા છે. કારયિત્રી પ્રતિભા જેમ અપૂર્વ વસ્તુનિર્માણ ક્ષમા હોય તેમ ભાવયિત્રી પ્રતિભા પણ જેવી સર્જનક્ષમતા ધરાવતી હોય.

હથિયારથી, દૂરથી ય, પંખીને મૃત કરનાર મનુષ્ય છે. હા, તે ઘાતક હથિયારોનો સર્જક છે. ના, તેને પંખીનો ઘાત ન કરવો હોય. મનોરંજન માટે પિંજરસ્થ કરવું હોય. મનુષ્યો અને એમનાં તંત્રો પંખીઓને અને અન્ય જીવોને મનોરંજન માટે પિંજરમાં પુરતાં હોય છે. હા, આ એમનું ‘જોવાનું’ સુખ છે. એવું પણ બન્યું હોય કે આ એક પંખીના જીવનસંગીને, માણસે પકડ્યું હોય અને મનોરંજન માટે કેદ કર્યું હોય.

કવિ ઉમાશંકર જોશીની આ વ્યંજનાગર્ભ કાવ્યકૃતિને આગળ સાંભળીએ. હા, ‘કંઈક બબડી નાખ્યું એણે.’ તે પછીની પંક્તિઓ નીચે ઉતારું છું.

કંઈક બબડી નાખ્યું એણે. સરતી સરિતાએ
સાંભળી લીધું, ‘હું એને પહોંચાડી દઈશ, રસ્તે
મળી જશે કદાચને!’ ગબડતી, મેદાનોમાં રસળતી,
લોથપોથ સમંદરમાં ઢબૂરાઈ ગઈ બુદ્બુદરવે કંઈક
કહેવા કરતી.

હા, એક હયાતીરૂપે, કહો કે ચરિત્રરૂપે નદી પ્રવેશે છે. હા, સરવું તે તેનો સ્વભાવ છે. (પંખીએ) ‘કંઈક બબડી નાખ્યું એણે’ તે ‘સરતી સરિતાએ સાંભળી લીધું.’ સરિતાએ એમ પણ કહ્યું (સરતાં સરતાં સ્તો) ‘હું એને પહોંચાડી દઈશ, રસ્તે મળી જશે કદાચને!’

સરિતાએ જે કહ્યું તેમાં ‘એને’ પહોંચાડી દઈશ એટલે ‘કોને’? ના, તે બાબતમાં સીધા સંકેતરૂપે કાવ્યમાં કંઈ જ કહેવાયું નથી.

એને એટલે કોને? જેનો વિરહ છે તે જીવનસાથીને? જીવનસાથી (પંખી) કંઈ એમ આ જીવનસાથીને ત્યજીને ન જાય. જે ઘટાટોપ સાંસ્કૃતિક શક્યતાઓના સંકુલ ઘટનાવિસ્તારને કારણે મનુષ્યજીવનમાં શક્ય છે તે પંખીના જીવનવ્યવહારમાં શક્ય નથી. ના, એમ કંઈ પંખી મુંબઈ નોકરી કરવા ન જાય કે વિદેશમાં ભણવા ન જાય. પંખીલોકમાં માયગ્રેટિંગ બર્ડ્ઝ, યાયાવર પંખીઓ, સમૂહમાં સિઝનલ સ્થળાન્તર કરતાં હોય છે. ના, એમ કંઈ અન્ય પંખીને મૅસેજ કમ્યુનિકેટ કરવા માટે આ એક પંખીે દૂર ટેકરી પર ઊંચા વૃક્ષની ટગડાલે જે બબડી નાખ્યું છે તે જીવનસંગીને પહોંચાડવાના આશયથી વ્યક્ત થયું નથી. હા, કાવ્યના આરંભમાં જ કવિએ કહ્યું છે: ‘એક પંખીને કંઈક કહેવું હતું.’ કોને કહેવું હતું? આ ભાવકના ભાવનમાં એમ સમજાય છે કે તે પંખીને, માણસને કંઈક કહેવું હતું. પણ માણસની પાસે આવતાં (હા કહેવા માટે સ્તો) તે ખમચાતું હતું.

આ કાવ્યકૃતિની લોક્‌ડ વ્યંજનાની કળ ખોલવા ભાવકની ચેતના તત્પર છે. તેથી તેના ભાવનમાં તે આમ અને તેમ પ્રસરણ અનુભવે, કળને ખોલવાના આશયથી.

કવિ ઉમાશંકર જોશીની પ્રથમ કાવ્યકૃતિ તે, ‘વિશ્વશાંતિ.’ તે એક લોંગ, લૌંગર પોએમ છે, વિશ્વેતિ સર્વમ્. એ દીર્ઘ કાવ્યમાં વિશ્વની એટલે સર્વની શાંતિ સર્જક ચેતનાનું લક્ષ્ય છે. તે દીર્ઘ કાવ્યની બે પંક્તિઓ સ્મૃતિમાં ઉપસી આવે છે.

વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી
પશુ છે પંખી છે પુષ્પો વનોની છે વનસ્પતિ.

તરતની પંક્તિઓ પણ અંતઃશ્રુતિપટ પરથી સંભળાય છે.

વીંધાય છે પુષ્પ અનેક બાગનાં!
પીંખાય છે પાંખ સુરમ્ય પંખીની!
જીવો તણી કાય મૂંગી કપાય છે!
કલેવરો કાનનનાં ઘવાય છે!

હા, કળ ખૂલી ગઈ ભાવકની ચેતનામાં. એ વિશે હવે વિસ્તરણ કરવાની જરૂર નથી.

હા, (પંખીએ) કંઈક બબડી નાખ્યું. સરતી સરિતાએ એ સાંભળી લીધું. એનો પ્રતિભાવ પણ પ્રગટ થયો. ‘હું એને પહોંચાડી દઈશ, રસ્તે મળી જશે કદાચને!’ હા, સરતી સરિતા મૅસેન્જર બની ગઈ. પણ એનું (સરિતાનું) સત્ય કવિએ વર્ણવ્યું છે.

ગબડતી, મેદાનોમાં રસળતી, લોથપોથ
સમંદરમાં ઢબૂરાઈ ગઈ
બુદ્બુદરવે કંઈક કહેવા કરતી.

ના, સરસર સરકતી સરિતા હોવાના તેના નિત્ય સત્યમાં તો ગબડવાનું, મેદાનોમાં રસળવાનું અને અંતે લોથપોથ સમંદરમાં ઢબૂરાઈ જવાનું છે. નદીનું સાતત્યસત્ય સર્જક કવિએ શ્રવણીય અને ચાક્ષુષ કર્યું છે. હા, એ મસૅજ ભૂલી નથી. લોથપોથ થયેલી સરિતા સમંદરમાં ઢબૂરાઈ ગઈ, તે ક્ષણોમાં ‘બુદ્બુદ્ રવે કંઈક કહેવા કરતી’ હતી. જે એણે એના બુદ્બુદ્ રવે વ્યક્ત પણ કર્યું.

કાવ્યની અંતિમ પંક્તિઓ સાંભળો.

‘કાંઈ નહિ, દુનિયાના ચોગમ કિનારાઓ પર
પહોંચાડીશ’ કહેતોક સમુદ્ર ઊપડ્યો,
દિનરાત અનવરત ખડકો પર મસ્તક અફાળતાં
સંદેશાના મૂળાક્ષર પણ ભૂલી બેઠો.
એક પંખીને કંઈક કહેવું હતું…

(નવી દિલ્હી: તા. ૨૭-૮-૧૯૭૯)

હા, સરિતાનો બુદ્બુદ્ રવ સમુદ્રે સાંભળ્યો. સાંભળીને એણે આ કરવા જેવું કામ (કર્તવ્ય) સહજભાવે સ્વીકારી લીધું. એનો તો વ્યાપ-વિસ્તાર પણ ઘણો મોટો છે. એ તો સહજભાવે કહે છે! ‘કાંઈ નહિ.’ અર્થાત્, જે મૅસેજ આપવાનો, પહોંચાડવાનો રહી ગયો છે તે કામ, કર્તવ્ય હું કરીશ. આ તો ‘દુનિયાના ચોગમ કિનારાઓ પર પહોંચાડીશ’ એમ કહેવાની ક્ષમતા ધરાવે છે. એમ કહેતોક તે સમુદ્ર ઊપડ્યો, દિનરાત અનવરત ખડકો પર મસ્તક અફાળતો (એ) સંદેશાના મૂળાક્ષર પણ ભૂલી ગયો.

કવિએ અંતિમ પંક્તિ લખી છે: ‘એક પંખીને કંઈક કહેવું હતું…’

હા, કાવ્યારંભની પંક્તિ જ કાવ્યાન્તે પુનરુક્ત થાય છે.

કવિએ નદીને શ્રાવ્ય પ્રત્યક્ષતાથી વર્ણવી છે તેમ સમંદરની પણ, પ્રત્યક્ષ, ઈન્દ્રિયગોચર કર્યો છે.

‘દિનરાત અનવરત ખડકો પર મસ્તક અફાળતાં, સંદેશાના મૂળાક્ષર પણ ભૂલી ગયો.’

આ ભાવનમાં ભાવકની ચેતનામાં જે કળ ખૂલી, વ્યંજના (ધ્વનિ)ની, તે કહું કે એક ભાવકના ભાવનમાં અનુભવાયેલ ભાવ અને તેના સાતત્યનું રસાયન છે. આ કાવ્યરચનાનો સમયપટ આ અથવા ગઈ સદીનો છે? ના. સમયપટ આ પૃથ્વી પર પંખી અને જીવ તથા માણસ નામનું સાંસ્કૃતિક પ્રાણી છે ત્યારથી જ આજ લગીનો, આ ક્ષણ સુધીનો છે. હા, સ્થળ પણ આ પૃથ્વી નામનો ગ્રહ જ્યારથી સજીવ ધબકતો છે ત્યારથી આ સમગ્ર ગ્રહનો સ્થળવિસ્તાર આ કાવ્યરચનામાં અનુસ્યૂત (ગૂંથાયેલો) છે.

કાવ્યરચના કે કોઈપણ કળાકૃતિ સ્થળકાળની સાપેક્ષ સંકુચિતતાને કળાધર્મની અનેરી રીતિથી ત્યજીને તે સર્વ-સ્થલીય અને સર્વકાલીન બની જતી હોય છે. આ રચનામાં સર્જક કવિએ એકવાર પણ પંખીના કથનને શબ્દપ્રત્યક્ષ કર્યું નથી, તે સંપ્રજ્ઞ સર્જકની કળાત્મક મુક્તિ છે.

કાવ્ય સાદ્યંત ઈન્દ્રિયાર્થોનો ઈન્દ્રિયગોચર અનુભવ કરાવે છે. સમગ્ર રચના લયાત્મક છે. લાગે છે. પ્રોઝ પોએમ. પણ આ ભાવકને સાદ્યંત લયાત્મકતા સ્પર્શી છે. શું તે ‘વનવેલી’માં સંરચાઈ છે? હા, ચતુરક્ષર સંધિનાં આવર્તનો છે. કવિ ઉમાશંકર જોશીએ ‘મહાપ્રસ્થાન’માં ય તે પ્રયોજ્યો છે.

હા, એક પંખીને કંઈક કહેવું છે. રે માણસને ય માણસને કહેવું છે. મારા આ ક્ષણોના ભાવસાતત્યમાં જે કથન ઉપસ્યું છે તે અનાયાસ અહીં વ્યક્ત કરું. જે દેશમાં બહુસંખ્ય મનુષ્યો આવાસ વગરના, બે ટંકના અન્ન વગરના, યોગ્ય ઔષધીય ઉપચાર વગરના હોય તે દેશના મહાનગરોમાં અને વિદેશોમાં કોઈ ધર્મસંપ્રદાયના નામે અબજો રૂપિયાની મોંઘીદાટ ઈમારતો રચે — એ ઉઘાડી, સ્થૂળ ક્રૂરતા નથી? એવા આચરણમાં પાયાનો અધર્મ નથી?

(ઉદ્દેશ)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book