મરણને પરભારું જ મારવાનો કીમિયો – રમેશ પારેખ

અનહદનો સૂર

હરીન્દ્ર દવે

શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,

માનવીય વ્યવહારમાં ખાલી અને અર્થહીન લપટા શબ્દો ખખડે છે તે છોડીને કવિને અનેરા, સંપૂર્ણ અર્થવત્તાથી ભર્યાભર્યા દિવ્ય એવા અનહદના સૂર કે શબ્દની અપેક્ષા છે. અનહદનો સૂર એ પરિભાષાનો શબ્દ છે. આ વાત ગોરખવાણી આ રીતે વ્યક્ત કરે છેઃ

સૂર માંહી ચંદ, ચંદ માંહી સૂર
અપંકિ તીનિ તેરુડા બાજલ તૂર
ભણન્ત ગોરખનાથ એક પદ પૂરા
ભાજંત ભૌંદુ સાધંતિ સૂરા

પંડિતશ્રી પીતાંબર બડથ્વાલે આ પદનો અર્થ આપતાં લખ્યું છેઃ ‘જ્યારે સૂર્ય (પિંગલા નાડી) અને ચંદ્ર (ઇડા નાડી) અથવા આધારપદ્મસ્થ સૂર્યનો સહસ્રરસ્થ ચંદ્રમા સાથે મેળાપ થાય છે, અને ત્રણ તરકટ અર્થાત્ સત, રજસ અને તમસ એ તત્ત્વોને દબાવી લેવામાં આવે છે ત્યારે (અનાહતરૂપી) તૂર બજી ઊઠે છે, જેને શૂરા સાધકો પ્રાપ્ત કરે છે. અનહદનો સૂર એટલે આઘાત વિના એને મેળે થતો અનહદ ધ્વનિ.’

અનહદ અને અનાહત બન્ને શબ્દો જુદા નથી, એકમેકના પર્યાય છે. અનાહત નાદ એટલે યોગીઓને સંભળાય છે એ ધ્વનિ. કવિ એવા પહોંચેલા પુરુષના પગે બેસી આર્જવ સાથે માગે છેઃ

શબ્દોની સંગત દઉં છોડી મારા, સાધુ!
મને આપો એક અનહદનો સૂર
એક વાર ઓરેથી સંભળાવો,
દૂરદૂર વાગે છે ક્યારનાં નૂપુર.

અનદરના સૂરના ભણકારા તો વાગે છે પણ એ તો આઘેઆઘે છે. પોતાની પ્રતીતિની પકડમાં હજુ આવ્યા નથી. કવિ એ સૂર ઓરેથી સાંભળી આત્મસાત્ કરવા માગે છે, અણુએ અણુમાં અનુભવવા માગે છે. કવિને દૂરદૂર નિત્ય-યુવા, અજર, અમર વિશ્વસુંદરીના નૂપુરનાદ તો ક્યારના સંભળાઈ રહ્યા છે, પણ એનો સ્વર સ્પષ્ટ નથી. એ નાદ પકડાય ને દુન્યવી શબ્દોના ખખડાટમાં ખોવાઈ જાય છે. અનાહદ નાદ સાંભળવા માટે શ્રોતાએ વીંધાઈ જવું પડે છે એટલું જ નહિ, શરીરે પણ આપાદમસ્તક છેડાઈ જવું પડે છે, જેમાંથી અહંકાર અને અહંભાવ ઓગળીને બહાર વહી જાય ને મન અબરખ જેવું ભાર વિનાનું અવિકૃત બની જાય ત્યારે જ્ઞાનદેવે કહેલી અવસ્થા પ્રાપ્ત થાય છે. જ્ઞાનદેવ કહે છેઃ

હું મારી ભીતર જોઉં છું તો
મારું મારાપણું જતું રહેલું દેખાય છે.
એને કારણે મન એકદમ થંભી ગયું છે.
મારી અંદર વિઠ્ઠલ
હું પોતે પણ વિઠ્ઠલ!
અને આ બધું અનુભવનારી પાછી હું જ!
આને શું કહેવું?
મારાપણું ખોવાઈ ગયું એમ કહેવું?
કે અલાયદાપણું શેષ રહ્યું નથી
અને મારાપણું વ્યાપક થયું એમ કહેવું?
ગમે તે કહો
પણ નિવૃત્તનાથે
મારી આવી સ્થિતિ કરી મૂકી છે ખરી!

કવિએ બહુ ઊંચું નિશાન તાક્યું છે. એને જેની લગની અને તાલાવેલી છે તે સિવાય ક્યાંય શાતા અનુભવાતી નથી. જીવને અણોસરું-અણોસરું લાગ્યા કરે છે. જુઓનેઃ

હમણાં હમણાં આ શીળી રાતનો સમીર
મારા વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે
ઝાઝાં પગલાંની ભાત પડી ચીલે

કહે છે — હમણાં તો એવું થાય છે કે શીળી રાત્રિનો પવન મારી આરતના શબ્દોને ક્યાંય પહોંચાડતો નથી, એનો આઘાત અનુભવાય છે. મન જે મારગે ચાલવા પ્રયાસ કરે છે તે માર્ગ પર તો અનેક જણે ચાલીચાલીને ચીલા પાડી દીધા છે. એમનાં પગલાંની ભાતમાં હું અટવાઈ પડું છું. સંશયમાં પડું છું ને મન અધવચ્ચેથી પાછું ફરે છે — એમ કહીને કે આ માર્ગ આપણો નહિ. મારા માટે કોઈ જુદો જ રસ્તો નિર્માયો છે. રસ્તો છેતરતો હોય તેવી પ્રતીતિ કવિને થાય છે. કૃષ્ણવિરહે તરફડતી ગોપીઓને જે અનુભવ થયો હતો તેવી જ દશા કવિની છેઃ

કો જડ કો ચેતન
ન જાનત વિરહી મન

એમને મનનું તમસ પીડી રહ્યું છે. દિશાશૂન્યતાની સ્થિતિ તીણા નખો વડે ભીતરથી ખોતરી રહી છે. એટલે એ આર્જવ સાથે સદ્ગુરુને પ્રાર્થના કરે છે. ભીતરમાં પ્રગટાવો તેજ, હરી લો સંશયનો હેજ જેથી હું આત્મખોજને માર્ગે નિર્બાધ ગતિ કરી શકું. આંખો દેખાડે છે તે તો બહુરૂપિણી માયાના આવિષ્કારો છે ને તે મને વિપથગામી કરી મૂકે છેઃ

પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ,
પછી લઈ લો આ આંખડીનાં નૂર

સુરદાસ જેમ મનોચક્ષુ વડે નીરખી શકતા તેવી અલૌકિક શક્તિ આપવા માટે કવિ આર્જવભરી પ્રાર્થના કરે છેઃ તમે અંદરની મલિનતા બહાર ન કાઢો ત્યાં સુધી તમને પ્રાર્થના કરવાનો નૈતિક અધિકાર નથી. કવિનાં ભીતરનાં સર્વ દુરિતો ધોવાઈ ગયાં હશે તો જ તેમને આવી પ્રાર્થના સૂઝે. એક માગણી કરી તેમાં વિશ્વનાં તમામ રહસ્યોને સાર માગી લીધો!

પ્રાર્થનાના બીજા અંતરામાં કવિ કહે છેઃ

મનને આકાશ સૂર સૂરજનું રૂપ
અને સૂરજનું આભ કોઈ ઓર
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર

સૂર એટલે અનહદનો સૂર. કવિ કહે છેઃ મારા મનના આકાશમાં એ સૂર સૂર્યરૂપ છે જે બધી દિશાના દરવાજા ખોલીને ભીતર પ્રવેશે છે. આ સૂર્ય આપણે રોજ જોવા ટેવાયેલા છીએ એ આકાશ કરતાં કોઈ જુદા જ આકાશમાં ઝળહળે છે. એને નથી ઉદયાવસ્થા કે નથી અસ્તદશા. એ સૂર્યનું તેજ જુદેરો મુલક જ બતાવે છે, જ્યાં પહોંચવા યુગોના યુગો ઓછા પડે ને સદ્ગુરુ! તમે ધારો તો, એક પહોર કરતાંય ઓછા સમયમાં ત્યાં પહોંચાડી શકો. હવે વાર કેટલી છે! હું કપૂરની જેમ સળગી, મારું સર્વ વિસર્જિત કરી સુગંધરૂપે પ્રસરી જવા પ્રત્યગ્ર થઈ જવા બેઠો છું.

સદ્ગુરુ! તમારી કૃપાનો તણખો તેને ચંપાય એટલી જ વાર છે. કપૂરની કાયા ભડભડ બળી જાય પણ આખ્ખીયે હવા પર હક સ્થાપિત થઈ જાય. એવું અનસ્તિત્વ આર્જવપૂર્વક કવિ યાચે છે, જ્યાં સૃષ્ટિના સર્વનિષેધો ઓગળી જાય છે, જ્યાં કોઈ હદ નથી, કોઈ વાડો નથી. કોઈ મર્યાદા નથી. મરણ એ જીવનની સરહદની નીપજ છે. જ્ઞાનદેવ આ વાત બહુ સાદી અને માર્મિક રીતે ઉચ્ચારે છેઃ

જીવવાનું દેહને સોંપીને સ્વસ્થ રહેવાથી
મરણ પરભારું જ મરી જાય છે.
વસ્તુતઃ સ્વરૂપને
જન્મયે નથી અને મરણેય નથી.
સમુદ્રના બુદબુદને સમુદ્રથી અલગ કલ્પી લીધું
તો તે ક્ષણમાં જ સુકાઈ જવાનું છે
અને સમુદ્રથી અળગું ન પાડતાં
તે સમુદ્રમય જ છે એમ માન્યું
તો તે કદી સુકાવાનું નથી
અસંખ્ય પરપોટા થતાં જ રહેશે
અને સમુદ્ર સુકાવાનો છે જ નહીં!
ઈશ્વરને ચરણે જીવભાવનું સમર્પણ કરવું.
એટલું એક જ મરણ બસ જ્ઞાનદેવ જાણે છે…

અનહદના સૂરને પામવો એટલે જીવન-મરણની સર્વ મર્યાદાઓને વળોટી જવી, એને પેલે પાર આનંદનો પારાવાર ઘૂઘવે છે તેમાં બિન્દુ સમાઈ જવું ને મરણને પરભારું જ મારી નાખવું!

હરીન્દ્રનાં શ્રેષ્ઠ દસ કાવ્યોમાં આ ગીત કદાચ અવ્વલ નંબરે ઊભું રહે એવું સાચકલું છે. એમ કહેવામાં હરીન્દ્રની કવિતાના એક ખુદ હરીન્દ્રના મોટા ગજાના સર્જનને પ્રમાણવાનો પ્રયત્ન છે.

(ભમરો વાત વહે ગુંજનમાં)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book