ગાંધીજીને કેદખાનામાંથી મુક્ત કરવાનો વિપુલ કાવ્યકસબ – રાધેશ્યામ શર્મા

પ્રવીણ ગઢવી

વાચાહીનની વાચા થાઉં

વાચાહીનની વાચા થાઉં,

કવિશ્રી પ્રવીણ ગઢવીના કાવ્યસંચય ‘મા નિષાદ’ શ્લોકનો રામાયણી સંદર્ભ ‘કવિવર વાલ્મીકિને’ કૃતિમાં પણ પ્રતિધ્વનિત થયો છે. ક્રૌંચવધ ના કરવા શિકારીને કરેલી આર્દ્ર અપીલ કર્તાએ આત્મસાત્ કરી, ‘અનુષ્ટુપ છંદનું ઝરણું’ વાલ્મીકિએ વહાવ્યું એને બદલે ‘ભુજંગી છંદ ન જન્મ્યો કેમ?’ એમ ફરિયાદ–પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે.

પ્રસ્તુત પ્રશ્ન, ભુજંગ કહેતાં સર્પની ફેણ રૂપે ‘નિષાદ’ સંગ્રહ આખામાં અત્રતત્ર પ્રસરી વળ્યો છે. ક્રૌંચ વિભિન્ન વેશે, દલિત વર્ગની વાચાવિહીનતાનું વ્યાપક પ્રતિરૂપ છે. નિષાદનું રૂપ સવર્ણોના તીરતલવારનું પ્રતિનિધિત્વ કરે છે. ક્રૌંચની તો શોષકના શરઘાતથી નીકળેલી ચીસ જ એની મરણાન્તક વાચા છે. અને એની વાચા શૂન્યતાની વાચા બનીને પ્રવર્તવાનું સર્જનાત્મક ઝનૂન (ક્રિયેટિવ ફેનેટિસિઝમ?) ‘નિષાદ’ના પાને પાને અભિધાસ્તરે ફેલાયું છે – એનો ઉત્કટ આસ્વાદ પ્રવીણની આ સં–રચનામાંથી, એની પંક્તિએ પંક્તિના લયરણકારમાં અનન્ય રીતિએ ઝિલાયો છે.

સંગ્રહના ‘અર્પણ’માં પણ ‘વાચાહીનની વાચા’ બનવાનો આદર્શ સૂચવાયો, જે ‘વાચાહીનની વાચા થાઉં’ કૃતિમાં સચોટતાથી પરિણમ્યો છે. પૂરી રચના આખા સંગ્રહની ઝગમગતી કલગી છે. પહેલી બે શ્લોકપંક્તિમાં જ રચનામાં ગૂંથેલી યાદીની સમસ્ત સમસ્યાઓનો સાર ઊતર્યો છે.

‘વાચાહીનતાની વાચા થાઉં, કો ન આવે સંગ એકલો જાઉં.’ દલિત પીડિતોની વાચાવિહીનતા હવે એટલી માત્રામાં તો છે નહીં, બલકે હમણાં તો ભરપૂર શૂરત્વ સાથે ઘોડાપૂર પેઠે પ્રચંડપણે વહેવા માંડી છે, તોયે હજુયે નિરક્ષરતામાં સબડતા છેવાડાના જનવર્ગનો દમિત અવાજ, સર્જકોને સાવજ ગર્જનાપૂર્વક ત્રાડવાનું બળ પ્રેરે છે.

‘કો ન આવે સંગ, એકલો જાને રે’ પંક્તિ પરત ભાવક સુજ્ઞને સુઝાડે, ‘તારી હાક સુણી કોઈ ન આવે રે તું એકલો જાને રે.’ એકલા જવા કટિબદ્ધ થનારાની આ અનુભૂતિ કૃતક છે એમ નહિ કહી શકીએ. દશેરાના દિવસે ઘોડું બેસી જતું હોવાનો સામાન્ય અનુભવ ઘણાનો છે. એટલે માત્ર શબદના શર–તીરતરકસ સાથે એકલા જવાનું તેજાબી ઝનૂન ના ચઢે તો જ નવાઈ.

દલિત અસ્મિતા, અસ્તિત્વનું વ્યક્તિ–કર્તામાં થયેલું અંતઃસ્ફુરણ – દૂ…૨ ફ્રાન્સમાં ઊછરેલા સાર્ત્રમાં જુદા પરિવેશે ચોખ્ખું ઝળક્યું હતું:

‘We only become what we are by the radical and deep-seated refusal of that which others have made of us’

(introduction to ‘The Wretched of the earth’ by Erantz Fanon 1961)

ફ્રાન્સનો પ્રખ્યાત કલાકાર જ્યૉર્જિઝ રોઑલ્ટ પણ બોલી ઊઠેલો: ‘ઍનીવન કૅન રિવૉલ્ટ.’

એકલો બહાર પડવાના ઉદ્દેશ–વાળો ‘અનિરુદ્દેશે’ નીકળે નહીં એ સ્વાભાવિક છે. નિઃસંગ થઈ ગયા પછી તો તે ઓર જીયાદા જોર સાથે પોતાના મિશનને જળોની જેમ ચીપકી જાય! અંતતઃ ખંડન તરફ પણ વળી જાય:

બાળમજૂરની વાચા થાઉં,
કપરકાબી તોડીફોડી નાખું.

તોડવાનું બીજું પણ બન્યું:

મજબૂર વારાંગનાની વાચા થાઉં
કોઠીનાં તાળાં તોડી નાખું

આ પંક્તિઓની આસપાસ કોઈ વિરામચિહ્ન નથી એને શાનું સૂચક માનવું?

પાકિસ્તાન અને અન્યત્ર ઇસ્લામપરસ્ત મુલકોની નારી–પરતંત્રતા પરત્વેની સહાનુભૂતિ પણ જુનૂનરંજિત થઈ છે:

પરદાનશીંની વાચા થાઉં,
બૂરખા ઘૂમટા આકાશે ફંગોળું.

કવિ ગઢવી પ્રવીણને આ લખનાર, મુકેશના ગીતની પંક્તિ આ ઘડીએ અહીં મનોમન ગાઈ સુણાવે છે: ‘તું પરદાનશીં કા આશિક હૈ – યૂં નામે વફા બરબાદ ન કર / દિલ જલતા હૈ તો જલને દે’… પણ એનો જલવો જુદો છે, એટલે તો બૂરખા ઘૂમટા આકાશે ફંગોળવાનું કલ્પ છે.

મુખ્ય તો વાચાહીન છે હડધૂત અછૂત, તેથી એની વાચા બની નાતજાતના વાડા ભૂંસી નાખવાનો ખયાલી પુલાવ રાંધે છે! ૨૦૧૨–૧૩ સુધી તો ભૂસાયા નથી. (ઇલેક્શન-પ્રક્રિયામાં વૉટનૉટ માટે સિલેક્શન તો નાતજાત–મજહબના વાડામાંથી જ થાય છે ને?)

વૈયક્તિક સ્તરે આ પંક્તિ સાચે જ વિશુદ્ધ કવિતાની કોટિમાં માણવાપાત્ર છે:

રખડતા ભટકતા વાદીની વાચા થાઉં,
કરંડિયે પુરાયેલા સાપ છૂટા મૂકું.

કરંડિયો, ઉત્પીડિતોની વાચાને દમીદળી કાઢતું – સપ્રેસિવ – સિમ્બૉલ છે. દમન શોષણ, રવીન્દ્રનાથે વ્યક્ત કરેલ લજ્જારાશિના વ્યાપક પ્રવર્તનમાંથી ઝમે છે. માટે તો ‘નૈવેદ્ય’માં સર્જકને ટાગોરે લાઇસન્સ આપ્યું: ‘– એ મોટા લજ્જારાશિને ચરણના આઘાતથી ચૂર્ણ કરી દૂર કર.’

માણસ સંગ વગર એકલ પડી જાય પછી એ કરવાનું પૉઝિટિવ ભૂલી જાય અને એને ના–કરવાનું સૂઝી જાય: ‘અમારી કલમ કેવળ કલમ નહીં, તલવાર છે.’ (પૃ. ૨૪ પર છાપેલી આ પૂરી કૃતિનું મથાળું પણ કર્તાની ‘ટ્રૅજેડી’ જ સંકેતે છે! ક્યા કિયા જાય?) વાચા એક પક્ષી-સર્જકની ખીલી જાય તો કવિતા રચાય, નહીંતર કેવળ ખૂલી જાય તો?

બાર વર્ષે બાવા બોલ્યા, બચ્ચા કાલ પડેગા!’

‘અનુઆધુનિકતાની દિશાહીનતા’માં શ્રી હરિવલ્લભ ભાયાણીએ પણ સાહિત્યકળાને સર્વોચ્ચ આસને બેસાડવાની પેરવીને નકારી લખ્યું હતું: ‘લોકોને શૂદ્રકોટિમાં નાખવાના વ્યામોહમાંથી, એ ઠોકી બેસારેલા આધિપત્યમાંથી વહેલી તકે મુક્ત થઈ જવું જોઈએ.’ (પૃ. ૨૨)

વરસો પૂર્વે કલકત્તાના રસ્તા પર ગાંધીજી વિશે જગન્નાથ ચક્રવર્તીને દેખાયેલું કે ‘ગાંધીજી હજી કેદખાનામાં છે!’ પ્રવીણ ગઢવીએ કૃતિ કરી છે: ‘ગાંધી ગમે મને.’ તેથી તો કેદખાનામાંથી મહાત્માને મુક્ત કરવા પૂરા સંગ્રહમાં એકાધિક રચનાઓ પીરસી છે. વાહ…

(રચનાને રસ્તે)

 

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book