‘હેઈસો હેઈસો’ : એક આસ્વાદ! – યજ્ઞેશ દવે

હેઈસો… હેઈસો

લાભશંકર ઠાકર

‘હેઈસો’ ‘હેઈસો’ના અવાજો હવે તો ભૂતકાળ બની ગયાં. એક કાળે મોટાં વહાણો હલેસાંથી ચાલતાં ત્યારે બંને તરફની હારનાં હલેસાં મારનારાઓને પાનો ચડાવવા તેમનો લય જાળવવા ‘જોર લગા કે હેઈસા’ કે ‘હેઈસો હેઈસો’ જેવી હલામણી બોલાતી. સામૂહિક મહેનતથી કોઈ ભારે સામાન ખસેડતી વખતે પણ આ ‘હેઈસો’ પાનો ચડાવતું. પણ અહીં તો કોઈ સમૂહ નથી. કવિ એકલાં છે અને ‘Self Suggession’થી કવિ પોતાને જ પાનો ચડાવી રહ્યા છે — દરિયો ખેડવા કે હંકારવા નહીં પણ દરિયો ઉલેચવા બેઠા છે. પણ કેવી રીતે? કવિ તો તૃણની ટોચથી ટીપે ટીપે દરિયો ઉલેચવા બેઠા. ટિટોડીનાં ઈંડાં ચોરી ગયેલ સમુદ્ર પર રોષે ભરાઈ ચાંચેથી એક એક કણ કાંકરી લઈ સમુદ્ર બૂરતી ટિટોડી યાદ આવી ગઈ. ગળા સુધી આવી ગયેલી, જીવ પર આવી ગયેલી વ્યક્ત શું ન કરે!

‘ઊંડો કૂવો ને કાણી ડોલ’ જેમ લઘરો થાક્યો છે કાણી ડોલ તાણી તાણી. ટેકરી પર પથ્થર ચડાવવાના સિસિફસના યત્ન-પ્રયત્ન રોજેરોજ નિષ્ફળ છતાં રોજ પથ્થર ચડાવવાનો, તે ગબડી નીચે આવવાનો, તેને ફરી ચડાવવાનો — નિષ્ફળતાનું નિર્ભ્રાંત દર્શન થયું હોય તોપણ.

માણસને નરવો માણસ ન રહેવા દેતો આ વરવો દરિયો — ડહોળાયેલો દરિયો છે — પિતૃસત્તાક પિતૃકુળ-માયાવી મરિચિક જેવું માતૃકુળ, ઉત્ક્રાંતિના પહેલા પગથિયે રહેલું મત્સકુળ, એકબીજામાં ગૂંચવાઈ ગયેલા જ્ઞાનકોષ ચિત્તકોષ શબ્દકોષ. કૅન્સરની ગાંઠ જેવી વકરતી જાતજાતની ગ્રંથિઓ, સાચી-ખોટી વ્યાખ્યાઓ, માણસને તોલવાનાં જુદાં જુદાં ત્રાજવાંઓ — આ દરિયો તેનાથી ભરિયો.

આમ તો છે એ એકાલાપ-પ્રલાપ. પોતાની એક જાત પોતાની જ બીજી જાતને કહે તેવું. એક રીતે આ છે અર્હનિશ ચાલતું આત્મખનન. અંદર જે ભરાઈને પડ્યું છે તેને ઉલેચવાની વાત — જેમ ‘પ્રવાહણ’માં અંદર ગંઠાઈને જે પડેલું તેને કોમોડ પર બેઠાં બેઠાં કરાંજતા કરાંજતા ઉત્સર્ગ કરવાની વાત પણ આ જ.

વહાણમાંથી છિદ્ર પાડી દરિયો વહાણમાં આવવા લાગ્યો છે સતત. એને તો ઉલેચવો જ રહ્યો — નહીંતર બેડલીને બુડાડી દેશે. ધર્મબર્મ અગડમ્ બગડમ્, બાંધી રાખતા કર્મકાંડ — જેમાંથી સર્જાય છે અનેક કાંડ — તેને ઉલેચી ફેંકી દો. ઉત્ક્રાંત થઈ આપણે Homo sapien — Thinking man — વિચારપુરુષ બન્યા છીએ તો એ બુદ્ધિને ખપમાં લઈ વાસ્તવ લાગતી આ રજ્જુસર્પ ભ્રાંતિને ઉલેચો. કુળમૂળ બધું. ગંગાસતી કહે છે તેમ જાતિવિજાતિ એ પણ ભ્રાંતિ. સત્-અસત્ ઇવિલ-ફિવિલ બધું ભ્રાંતિ. રામ સાથે નામ સાથે ગામ સાથે પરધામ સાથે જોડાયેલી નાળ એ પણ ભ્રાંતિ. ઉલેચવાની ઇચ્છા ધરાવનાર જે છે — એ સભાનજાતને — પણ નિર્મમતાથી ઉલેચો. ઉલેચવાનું સાચું કારણ પણ ભૂલી જવાય એ રીતે ઉલેચો. ઉલેચવાનું જે છે તે ઉલેચાઈ રહ્યું છે કે નહીં તેવું ભાન ખોઈ બેસી માત્ર યંત્રવત્ ઉલેચો. કશોક વળગાડ વળગી ગયો હોય તેમ નાચતાં-નાચતાં ભમરડાની જેમ ફેરફુદરડી ફરતાં પોતાના ગતિના કેન્દ્રમાં સ્થિર થઈ નાચતાં-નાચતાં જ થાકીને ઢગલો થઈ જાવ ત્યાં સુધી ઉલેચો.

લા૰ઠા૰ કહેશે શબ્દની ડોલ કાણી. તેમ અર્થનીય કાણી. ઉલેચો. ઉલેચ્યા જ રાખો. ભ્રૂકુટિ તંગ કરી રોષપૂર્વક લા૰ઠા૰ મને કહે ‘‘આ શું માંડ્યું છે? મેં ક્યાં આવા અર્થમાં લખ્યું છે? આસ્વાદના નામે ડિંડકમાં તારા ઘરનું તેં ક્યાંથી ઘાલ્યું? પહેલાં કવિતાપદાર્થનો સ્વાદ લે — ચોષ્ય પદાર્થની જેમ ધીમે ધીમે તેનો રસ અંદર ઉતાર ને પછી આસ્વાદ-ફાસ્વાદનાં લફરાંમાં પડ. મારી કવિતા અને તેના ભાવક વચ્ચે તારી દરમિયાનગીરી નહીં ચલાવી લઉં. મ્યાન કરી બેસી જા. જોકે લા૰ઠા૰માં રહેલો બીજો લા૰ઠા૰ તો ખુશ જ થશે ને કહેશે ‘‘યજ્ઞેશ, આ જ તો છે કવિતાની મજા. હું કશુંક એક ધારું તમે કશું બીજું. આમ કવિતા એ નિશ્ચયતાની, અંતિમતાની દાસી ન બની રહે પણ શક્યતા, સંભાવના ધારણા તરીકે મુક્ત રહે. જૈન સ્યાદ્વાદની જેમ મેં લખ્યું તે સાચું, તને જે દેખાયું તે સાચું ને બીજાને જે દેખાશે તે પણ સાચું.

(પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ ૨૦૧૬)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book