વાતાવરણ રચી આપતી કવિતા – હરીન્દ્ર દવે

રમેશ પારેખ

યાદ

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે,

‘યાદ’ એ હૃદયકોષનો શબ્દ છે. એ શબ્દ સાંભળતાં જ કશુંક યાદ આવી જાય છે—જેને હૃદય સાથે સંબંધ છે એવું કશુંક. ટેકરીઓ આમ તો સ્થિર છે પણ કવિ એને ગતિશીલ બનાવે છે. જે ચેતનવંત હોય એની જ સાક્ષી કામ લાગે ને? બે પ્રેમીજનો ધીરે ધીરે ટેકરીનો ઢાળ ઊતરી રહ્યાં છે ત્યારે માર્ગમાં ઊગેલા કોઈ સુંદર ફૂલને ચૂંટી પ્રિયજનને આપ્યું એ વાતની સાક્ષી આપે છે ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓ. લયલીન સ્થિતિમાં ગતિ કરતાં પ્રેમીજનોને પોતાની સાથે આખુંયે વાતાવરણ ગતિ કરતું લાગે છે.

ઢાળ ઊતરી તેઓ હવે ખેતરોમાં આવી પહોંચે છે. અહીં પણ કવિ કેવું ચિત્ર રચે છે! કેડસમાણી લીલોતરીમાં ખેતરશેઢે તરતું આ યુગલ અને પ્રિયતમાની ટગરફૂલ જેવી આંખોમાં ટગર ટગર ઝૂલતી નિજ છબીનું સ્મરણ… પણ સ્મરણની સૃષ્ટિ ત્યાં જ અટકતી નથી. એ એક આત્મીય અનુભૂતિનો સંકેત આપે છે—‘અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવે ભરી કેટલી વાર પીધાનું યાદ…’ હથેળીને ટેરવે ભરી પીવાની વાત પ્રેમની તીવ્રતમ અભિવ્યક્તિનો સંકેત બની રહે છે.

આસપાસ હવે વિજનતા નથી, અડખેપડખેનાં ખેતરોમાં હળ ફરી રહ્યાં છે. ક્યાંક એકલદોકલ સસલું દોડી જાય છે ત્યારે ઝાંખરાંનાં પાંદડાં ખરી પડે છે. આકાશમાં તરતી કોઈ સમળીના છૂટાછવાયા પડછાયા ઘાસમાં ફાળ ભરીને કૂદતા હોય એવું લાગે છે. આવા વાતાવરણમાં એકાદ ડાળ પર પંખીઓને પાણી પીવા માટે મૂકેલી ઠીબમાંથી પંખી ઊડે છે. ઠીબ પર બેઠું હતું ત્યારે તો એ નાનું સરખું હતું પણ એ ઊડે છે, પાંખ વીંઝે છે ત્યારે એને હવા જેટલો વિસ્તાર મળી જાય છે. ડાળ પર ટાંગેલી એ ઠીબમાંથી પંખીએ પાણી નહીં, સવાર પી લીધી છે.

પણ એ સવાર પીતાં પંખીને જોતાં પ્રેમીજનોની સ્થિતિ લક્ષ્યવેધી કરતા અર્જુન જેવી બને છે. ડાળ, ઠીબ અને છેવટે પંખી. તેઓનું બધું લક્ષ્ય એ પંખી પર જ સ્થિર થયું છે—એ કયું ઝાડ હતું એ યે યાદ નથી રહ્યું.

પ્રેમની સૌરભથી ભીની એક સવારનો સ્નિગ્ધ સ્પર્શ આખી યે રચનામાં અનુભવાય છે, એના પ્રલંબાતા લયમાં અતીતની વિસ્તરતી સૃષ્ટિ તરફની ગતિ જોઈ શકાય છે. નવો કવિ એના સંકેતોનો નવતર સમૃદ્ધિ આપે છે પણ લયના વારસાનો પણ પૂરેપૂરો ઉપયોગ કરે છે.

‘યાદ’ની એક યાદ રહી જાય એવી દુનિયા અહીં રચાઈ છે. એ વાંચતી વખતે ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓને કે ડાળ પર ટાંગેલી ઠીબમાંથી સવારનું પાન કરી સ્ફૂર્તિવંત બની હવામાં ઊડી હવા જેવડા થતા પંખીને આપણે જોઈ શકીએ છીએ. લયની અમૂર્ત રેખાઓમાંથી ઊપસતાં આ ચિત્રો એક વાતાવરણ રચી આપે છે.

…આવું વાતાવરણ રચી આપતી કવિતાઓ વિરલ છે.

(કવિ અને કવિતા)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book