આત્મબોધાત્મક નિરીક્ષણ – જગદીશ જોષી

ગઝલ

ચિનુ મોદી

પારકા ઘોડા ઉપર અસવાર જેવા શોભશું,

હેત કે હેતુ વગરનું જીવન સદીઓથી મામસને પોતાની વીંછીની આંકડાની જેમ ડંખ્યા કરતું હોય છે. આપણું જીવન આપણા પોતા માટે પણ અનિવાર્ય ન લાગે એટલો બધો કંટાળો આ દિશા વગરના જીવનમાં દર કરી બેસે છે. આપણે પોતે પોતાને જ ખાલી શોભાના ગાંઠિયા જેવા લાગીએ!

આપણું જીવન આપણું છે ખરું? વિધાત્રી કે દૈવના દોરીસંચારની વાત સ્વીકારી લઈએ તોપણ જે રોજિંદું જીવન છે, કહેવાતાં સ્વજનો અને મિત્રોની કહેવાતી હૂંફ વચ્ચે જિવાતા જીવનમાં પણ આપણે આપણાપણું ઝાલી કે ઝીલી શકીએ છીએ? આપણે અસવાર ખરા પણ કોઈના ઉછીના લીધેલા પારકા ઘોડા ઉપર સવાર! કેવાક શોભીએ? આપણા હાથ પોતે જ પથ્થરના થઈ જાય – ‘જુઠ્ઠા ને જડ થઈ’ જાય – ત્યારે હાથમાં હથિયાર હોય તોય શું ને ન હોય તોય શું? પોતાના મીંઢોળનું પણ રક્ષણ ન કરી શકે એવા વરરાજાના હાથમાં ખાંડું એક ઉપચારમાત્ર કે વેશભૂષામાત્ર જ બની રહે એમ જ આપણે શોભશું. પણ આપણે ખરેખર શોભીએ છીએ કે કેમ એ જોવા ક્યારે થોભશું?

આ રમકડાં – માણસો – ખોટાં છે તે જાણીએ છીએ. ‘ને હજી રમડાં પડે’માં જે દંભનું નાટક આપણે ચલાવવું પડે છે એની જ નિઃસહાયતા છે. ગમે તેવો આકર્ષક શણગાર બનાવો પણ અંતે ઢીંગલી તો ઢીંગલી જ રહે છે. કદાચ આપણે જ આ નિર્જીવ ઢીંગલી છીએ. સહેજ જુદા સંદર્ભમાં સુરેશ દલાલ કહે છે:

‘રવિવાર અમારા હાથમાં મોટું રમકડું છે.
અમે શનિવારથી એને ચાવી આપીએ છીએ.’

‘ઘર વગરના ગામ’નું પ્રતિરૂપ બન્ને અર્થમાં અહીં ઉપકારક બને છે. આખા ગામમાં એક પણ ઘર નહીં એવું – એને ગામ જ કેમ કહેવાય! અથવા તો ગામ ખરું, એમાં રાતદિન આપણે ફરતાં ફરીએ પણ આખા ગામમાં આપણું ‘પોતાનું’ કહી શકાય એવું એકે ઘર નહીં. સમગ્ર જીવન સહરાના રણનો જ અવતાર હોય એવું ‘શોભશે’!

અફીણ ‘ઘોળવું’ અને કસુંબા ‘કરવા’ – બન્ને અર્થોની છાયા અહીં કદાચ ઉપકારક થતી લાગે છે. જીવનથી હારણ થનાર ધોળે. પણ મૃત્યુને સામે ચાલીને ભેટનાર મૃત્યુને પણ અવસર બનાવે. પરંતુ ‘મરવાનું ટાણું’ શબ્દપ્રયોગ બતાવે છે કે કદાચ બીજો વિકલ્પ જ કવિને અભિપ્રેત છે. આ સંદર્ભમાં મરવા ટાણે ડાયરામાં બેસીને કસુંબાની અંજલિઓ પી અને પિવરાવીને પગે ચાલીને ચિતા પર પોઢવા જનાર યુવાન પુત્રની ખુમારી અને પુત્રની રજપૂતાઈથી વૃદ્ધ પિતાની ઊછળતી છાતીની કથા અનાયાસ યાદ આવી જાય છે. ‘આજ’ને આ રીતે ઊજવી લેનાર અમે તમારા ‘સ્વર્ગમાં’ દરબાર જેવા શોભશું. દરબાર એટલે ‘વ્યક્તિ’ કે દરબાર એટલે ‘સભા’ એ પ્રશ્ન અહીં સહજ ઊઠે છે.

‘કોઈ કારણસર’ સમયરૂપી સ્તંભમાં જો તડ પડે – આપણને છેતરતા આપણા અહમ્‌માં! – તો આપણે ‘શોભશું’… લાચારના આધાર ‘જેવા’ આપણે જ સમયનો થાંભલો છીએ એમ માનવા-મનાવવા આપણું મન આતુર તો હોય છે જ… પરંતુ, આપણે પોતે જ લાચાર, નિરાધાર અને ઓિશયાળા છીએ એનું ભાન ઘણી વાર આપણને તત્ક્ષણ જિવાતા જીવનમાં નથી થતું: માત્ર સમયના વિશાળ પરિપ્રેક્ષ્યમાં જ આ આત્મબોધ થતો હોય છે. બધા પાસે તો બાળ પ્રહ્લાદ જેવી નિષ્ઠા ને ભક્તિ ક્યાંથી હોય કે થાંભલો ફાટે ને ઈશ્વર દેખા દે!

આત્મનિરીક્ષણ એ આજની નવી ગઝલનો ગુણ છે. ચિનુ મોદી ગઝલક્ષેત્રે પ્રયોગ કર્યા કરે છે અને ક્યારેક આવું ઉમદા પરિણામ પણ આપી શકે છે.

૨૦-૩-’૭૭

(એકાંતની સભા)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book