બંદર છો દૂર છે! કાવ્ય વિશે – ચંદ્રકાન્ત શેઠ

સુંદરજી બેટાઈ

બંદર છો દૂર છે!

અલ્લા બેલી, અલ્લા બેલી,

સુંદરજી બેટાઈ, એમની `બેટાઈ’ અટક સૂચવે છે તેમ બેટના – બેટ દ્વારકાના. એમને તો દરિયાનું પાણીયે પોતાના લોહી જેવું જ પોતાનું લાગે ને?! દરિયો એમના કાવ્યપ્રદેશમાં ઊંડે સુધી ઊતરેલો લાગે. એવું ન હોત તો આ `બંદર છો દૂર છે!’ ગીત સ્ફુરત ખરું?

સુંદરજી તો સંસાર તથા તેના સર્જનહાર પ્રતિ ઊંડી આસ્થા – નિસબત (કન્સર્ન) ધરાવનારા કવિ. એમનાં કેટલાંક કાવ્યોમાં તો એ આસ્થા – નિસબતનું સરસ – સચોટ નિરૂપણ થયેલું જોવા મળે છે. એવાં કાવ્યોમાંનું એક તે આ. કવિ વાત માંડે છે દરિયા ને બંદરની, પણ એ દરિયો સંસારનો અને બંદર તે એમની અધ્યાત્મયાત્રાની મંજિલ હોવાનું સમજાય છે. આમ, અહીં `દરિયો’ અને `બંદર’નો અર્થ ભૌતિક ભૂમિકા પૂરતો સીમિત ન રહેતાં આધ્યાત્મિક ભૂમિકા સુધી વિસ્તરે છે. અહીં માત્ર સમુદ્રયાત્રા જ નહીં જીવનયાત્રા – સંસારયાત્રા – અધ્યાત્મયાત્રાની વાત પણ છે. કવિએ એમની એ વાત, વહાણવટાની દુનિયાની આબોહવા ભાવસ્તરે તેમ જ વાક્સ્તરે બરોબર જમાવીને કરી છે. ગીતનો આરંભ જ થાય છે `અલ્લા બેલી’ના ઉદ્ગારોથી. એ શબ્દોનું રટણ હલેસાંથી હંકારતી હોડીના લય-તાલ સાથે મેળસંવાદ સાધીને ચાલે છે. હોડી પોતાની, હલેસાં પોતાનાં, હોડી હંકારવાનો પુરુષાર્થ પોતાનો; પરંતુ હોડી તોફાનો વચ્ચેથી કાઢીને બંદર સુધી પહોંચાડવામાં પરમાત્માની – અલ્લાની રહેમત – દુઆ – સહાય પણ ખરી જ. આમ તો પોતાનાં સત્ત્વ-શક્તિથી સંસારસાગરને તરીકને પાર કરવાનો રહે છે, એ રીતે પોતે જ પોતાના બેલી બનવાનું રહે છે ને તે સાથે જ અલ્લા બેલી હોવાની શ્રદ્ધા ભીતર અડીખમ રહે એ જોવાનું રહે છે. અલ્લા બેલી હોવાની શ્રદ્ધા જ કાવ્યનાયકના દિલમાં હોંશ, હામ અને બળ પૂરનારી પરમ આશ્વાસક શક્તિ બની રહે છે. અલ્લા પોતાના બેલી હોવાથી જ કાવ્યનાયકમાં પોતાની સાગરયાત્રા – સંસારયાત્રા સફળ થવાની ભાવના મનમાં બંધાય તે સ્વાભાવિક છે. હોડીને તરાવી શકે એવો દરિયો છે, દરિયાના જળમાં તરી શકે એવું હોડી જેવું સાધન છે અને કાવ્યનાયકમાં હોડીથી દરિયો તરી જઈને સામે પાર, નિર્ધારિત બંદરે – મંજિલ પહોંચવા જરૂરી હોંશ, હિંમત ને હિકમત – બધુંયે છે ને છતાં પરમાત્માની – અલ્લાની મહેરની આવશ્યકતા – અનિવાર્યતા તો રહે જ છે. પરમાત્માની કૃપાદૃષ્ટિ હેઠળ, એની રહેમ હેઠળ આ યાત્રા તો ચાલવાની છે. આ યાત્રાની સફળતાનો દામોમદાર એ પરમાત્મા પર જ છે. એ બેલી હોય તો પછી બંદરે પહોંચવામાં મુશ્કેલીઓ આળે તોય રુકાવટ તો નહીં જ આવે. આ ખાતરી, આ શ્રદ્ધા જ અહીં કાવ્યનાયકની યાત્રાનું પ્રેરક – પોષક ને માર્ગદર્શક બળ બની રહે છે.

કાવ્યનાયકનો સંકલ્પ દૃઢ છે તેથી જ કહે છે : બંદર દૂર હોય તો ભલે, પણ જવું છે એ વાત નક્કી. અહીં બંદરની દૂરતાથી કાવ્યનાયક હિંમત હારતો નથી કે નાસીપાસ થતો નથી. બંદર દૂર ભલે હોય, પણ એ છે – એ ખાતરી જ મહત્ત્વની છે. બંદર જો છે તો જરૂર આજે નહીં તો કાલે, કોઈક સમયે તો ત્યાં પહોંચવા ચાહનાર પહોંચી જ શકશે. હોડીને તેથી જ હંકારવાનું ચાલુ રાખવું પડે. સાધ્ય સાંપડશે જ, જો શ્રદ્ધાપૂર્વક સાધના ચાલતી રહેશે તો. અહીં કવિ સુંદર રીતે કાવ્યનાયકના આત્મવિશ્વાસ ને આત્મશક્તિનોયે સંકેત કરે છે. આમ, તો અલ્લા – પરમાત્મા જ બેલી; પણ તેથી તેની કૃપાની રાહ જોતાં, હાથ જોડીને બેસી રહેવાય નહીં. પરમાત્માનેય પુરુષાર્થી જીવ, સાધનારત ભક્ત જ ગમે છે. કાવ્યનાયકે પોતે `અપના હાથ જગન્નાથ’ની રીતે પોતાના બળ પર પૂરતો ભરોસો રાખીને નિર્ધારીત બંદરે પહોંચવા પ્રયત્ન કરવાનો રહે છે.

એવા પ્રયત્નમાં દૈન્ય કે પલાયનને તો અવકાશ જ ક્યાંથી હોય? ઉગ્ર (કવિ એ માટે `તીખાતા’ જેવો સચોટ શબ્દપ્રયોગ કરે છે.) અને તોફાની પવનો હોડી આઢે આવવાના; પણ એવા પવનોનો હિંમતપૂર્વક સામનો કરવાનો રહે છે. પડકારભરી પરિસ્થિતિમાં પારોઠનાં પગલાં ભરે તે તો પામર જ ગણાય. સાચો પુરુષાર્થી ને પરાક્રમી તો વિપરીત પરિસ્થિતિ સામેય આત્મબળે જ ઝૂઝવાનો. તોફાની પવનો સામેય હોડીનો ખરો ખેવટિયો તો હલેસાં છોડવાનો કે મૂકવાનો નહીં, બલકે, બમણા જોરે એ ચલાવવાનો ને ધૈર્યથી નિર્ધારિત બંદરે પહોંચીને જ જંપવાનો. અધ્યાત્મ સાધનામાં સંકલ્પબળ અને આત્મવિશ્વાસના અભાવવાળા, મિથ્યા અહંકારી જીવો જ ગભરાય ને મૂંઝાય છે. ધીરવીર સાધકો તો પોતાનું સાધ્ય – ધ્યેય હાંસલ કરીને જ વિરમે છે.

વળી, આ સમુદ્રયાત્રામાં જેમ તોફાની પવનો તેજ વીજ-વાદળનાં વરસાદી તોફાનો પણ અવરોધક થતાં હોય છે. ક્યારેક તો એવાં તોફાનોની ઉન્માદક બનેલો દરિયો જ હોડીને માટે અને એના હાંકનાર માટે જોખમરૂપ બની રહે છે; પરંતુ જોખમ આગળ જેઓ ઝૂકી પડે છે તેઓ તો પેલા બંદરે પહોંચવા માટે અનધિકારી ઠરે છે. બંદરે પહોંચવાના સાચી અધિકારી તો એ જ જિંદાદિલો છે, જેઓ જોખમો સામે વીરતા ને ધીરતાથી ઝૂઝે છે અને જોખમોનેયે ઝુકાવે છે.

જેઓ અધ્યાત્મ વીર નથી તેઓ તો અંધારું જોઈને જ ડરવાના. રાત જોતાંની સાથે જ ભયના માર્યા શાહમૃગની જેમ તેઓ આંખો મીંચીને તેમના દીવા બુઝાવી દેવાના. એ રીતે રાત પડતાં જ એમની યાત્રા તો અટકી જવાની. વળી, એમની નાનકડી છાતીયે ભયથી ફફડી ઊઠવાની, એમના હૃદયની ધડકનો વધી જવાની; પરંતુ જેઓ `હરિના મારગના શૂરા’ છે તેઓ, ઉપર કહ્યું તેવા અધ્યાત્મ વીરો – જીવન વીરો તો આવી વિપરીત પરિસ્થિતિમાં વધુ મક્કમ – વધુ સ્વસ્થ થઈ, જે એમની નિર્ધારિત મંજિલે પહોંચવાની ભાવના છે તે સિદ્ધ કરીને જ રહેવાના. તેઓ તો પોતાની અંદર અને બહાર તોફાનો – અવરોધો આવતાં તેમનું સત્ત્વ – તેજ વધુ ને વધુ દાખવવાના. તેઓ તો વધારે મજબૂત રીતે હલેસાં ચલાવી હોડીને પોતાના ગંતવ્ય સ્થળ પ્રતિ હંકારી જવાના. મંજિલ સર કરવામાં પ્રમાદ એમને પોસાય નહીં તો પુરુષાર્થ વિના – પરિશ્રમ વિના મંજિલે પહોંચાય પણ નહીં.

જેઓ ખરા ખેવટિયા છે તેમને તો અલ્લા – પરમાત્મા મદદ કરીને જ રહેવાના. એ અલ્લા જ એમના શુભેચ્છક ને હિતેચ્છક, માર્ગદર્શક ને સમર્થક અંતરના ભેરુ. છેવટે તો આ પરમાત્માની મરજીથી જ કાવ્યનાયક પોતાની હોડીને મઝધારનાં તોફાનોમાંથી સલામત રીતે ઉગારી – હંકારીને બંદર સુધી પહોંચાડી શકશે.

આનંદ બંદરે પહોંચવાનો તો હોય જ; પણ કદાચ એથીયે અદકેરો આનંદ તો તોફાનો વચ્ચે સંકલ્પ દૃઢ કરવામાં અને અણનમ રહીને, એ તોફાનોનો વીરતાથી સામનો કરવામાં, ધીરતાથી હોડી સલામત રીતે બંદરે પહોંચે એવું કરવામાં જ હોય. બંદરે હોડી પહોંચાડતાં કાવ્યનાયક પોતેય બંદરે પહોંચવાનો અને ત્યાં પેલા અલ્લા જ કદાચ એને આવકારતા સન્મુખ – સાક્ષાત્ થવાના; અને ત્યારે સફર માટે લીધેલો બધો પરિશ્રમ, બધો થાક ઊતરી જઈ, સાર્થકતાના – ધન્યતાના ભાવે પ્રેરિત કોઈ અનિર્વચનીય આનંદનો અનુભવ પણ થવાનો. આ કાવ્યની અને કાવ્યનાયકની સમુદ્રયાત્રાની એ સ્તો છે ફળશ્રુતિ! એવી ફળશ્રુતિએ જ સમુદ્રયાત્રા આનંદયાત્રાના પર્યાયરૂપ પ્રતીત થવાની.

કવિએ અધ્યાત્મ સાધનાના ઉત્તમ અનુભવને અહીં સમુદ્રયાત્રાના રૂપકમાં ઢાળીને જે રીતે રજૂ કર્યો છે તે સાચે જ એમની સર્જકતાનો રુચિકર પરચો આપી રહે છે. સરળ, વિશદ, પ્રાસાદિક પ્રાસયુક્ત લય – બાનીમાં નૌકાયાત્રાનો જે અનુભવદોર કવિએ સાદ્યાંત દૃઢતાથી નિભાવ્યો છે તેમાં જ તેમની ખૂબી છે. બંદર ભલે દૂર હોય, પણ અલ્લા બેલી અંતરમાં નિકટ હોઈને, પોતાનામાં જ એનો સત્ત્વાંશ હોઈને કાવ્યનાયકનું આ નૌકાયાન એક સફળ – સાર્થક આનંદાયનનો સંકેત આપી રહે છે. કાવ્યનાયકની સાથે આપણનેય કાવ્યનો લય હલેસાતી હોડીમાં ખેંચી જઈ આપણી અંદરના અલ્લા બેલી સુધી પહોંચાડવામાં નિમિતભૂત બની રહે છે.

નાતાલ, ૨૫-૧૨-૨૦૦૦

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book