સૂનકાર સામે ઊભો છે – હરીન્દ્ર દવે

ઉશનસ્

વળાવી બા આવી!

રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહીં

માળો કિલ્લોલ અને કલબલાટથી સભર હોય, એકાએક ચાંચો-પાંખો આવતાં બાળુડાં ઊડી જાય અને કેવો સૂનકાર વ્યાપી વળે? પુત્રો નોકરીધંધા અર્થે દૂરના ગામે વસવા જાય, ત્યારે તેના વૃદ્ધ માતા-પિતાના હૃદયમાં આવો જ સૂનકાર ફેલાઈ જતો હોય છે. પુત્ર કે પુત્રવધૂનું તો ઠીક — પૌત્ર, પૌત્રીઓનું વળગણ કંઈ સહેજમાં છૂટે છે? દાદાને જોઈ ખિલખિલાટ હસતા બોખા શિશુનો ચહેરો આંખ સામેથી ખસે ત્યારે એક દુનિયા ખસી જતી લાગે છે.

છતાં રજાઓ આવે અને કુટુંબમેળો જામે છે. પૌત્રો દાદાને ઘેરી વલે છે અને પરાક્રમકથાઓ સાંભળે છેઃ દાદીના સ્મરણમાંથી પરીકથાઓનો ખજાનો ઉલેચાવે છે. મોડી રાત સુધી ટોળટપ્પા ચાલે છે. જૂની વાતો ઉખેળાય છેઃ ‘તું નાનો હતો, ત્યારે આ બાબાની જેમ જ અજાણ્યાને જોઈ રડતો!’ ‘આ છોકરી તો એની વડદાદી જેવી છે.’ ‘મોટાને નિશાળે બેસાડ્યો ત્યારે ખૂબ રડ્યો’ ‘નાનો તો દફતર માસ્તરના મોં પર ફગાવીને ચાલ્યો આવ્યો’તો, આ અને આવી કેટલીયે વાતો ચાલે. ત્રણ પેઢીઓની આ મિલનવેળાએ અતીતનો તાર અનાગત સાથે સંધાઈ જાય. સૌ કોઈ જીવનના જે વહેતા પ્રવાહના ભાગરૂપે પોતે છે એનો મહિમા પામે. આવી રીતો તો જાણે હમણાં આવીને ગઈ, એમ જ વીતી જાય અને એક એવી રાત આવે જ્યારે ‘કાલ સવારે કેટલા વાગે જાગવું પડશે?’ ‘ટાંગાવાળાને પાંચ વાગે બોલાવ્યો છે.’ પિન્ટુ ઊઠશે કે એને ઊંઘતા જ લઈ લેવો પડશે?’ એની વાતો ચાલે.

કોઈને ખબર ન પડે એ રીતે વાતચીતનો સંદર્ભ બદલાઈ જાય છે. મિલનના વાતાવરણ પર જુદાઈનો ઓથાર ફરી વળે છે. કલ્લોલતાં મેળામાં વિરહ ગુપસુપ આવીને બેસી જાય છે. અને જુદી જુદી રીતે સૌ કોઈ આ વિદાયની ક્ષણ માટે તૈયારી કરવા લાગે છે.

ઘરમાં સ્થાયી રહેવાવાળા ત્રણ માણસો છેઃ પિતા, માતા અને ઘરમાં વરસોથી રહેતાં બાળવિધવા એટલે જ સદાના ગંગાસ્વરૂપ ફોઈઃ બાકીનાં સૌ ચાલ્યા જવાનાં છેઃ છોકરાઓનાં મન એમના ધંધારોજગારના સૂત્રને સાંકળી લેવામાં પરોવાયાં છે. પુત્રવધૂઓ પોતપોતાને ઘેર લઈ જવાની સામગ્રી બરાબર લીધી કે કેમ એ ચકાસી લેવામાં ગૂંથાઈ છે અને બાળકો તો પીપગાડીમાં જવાનું છે એની મોજમાં આવી ગયાં છે કે આજે દાદા-દાદીની વાતો સાંભળવાની તો શું, તેમના સવાલોનો જવાબ આપવાની ફુરસદ નથી. આ ત્રણે વૃદ્ધો બરાબર પામી ગયાં છે કે મિલનની આ ક્ષણ ધીરે ધીરે સંકોચાતી જશે અને છેલ્લે શૂન્યશેષ થશે.

સવાર પડી અને મોટાભાઈ ગયાઃ કવિ કેવા શબ્દો વાપરે છે? ‘ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા!’ મોટી વહુ ઘરનો ભાર ઊપાડી લે એવી અને એમને બાળકો પણ ઝાઝાં. આ ભર્યું કુટુંબ જતાં ઘર સૂનું થઈ જાય છે. બપોરે બંને ભાઈઓ એમની નવોઢા-નવી પરણેલી પત્નીઓને લઈને ગયા. નાની વહુઓ હજી-હમણાં જ આ ઘરમાં આવી છે એટલે ધીમું બોલે છે, મીઠું બોલે છે.

વૃદ્ધ પિતા કે ફોઈ તો બારણેથી જ ‘આવજો’ કહી દે છે, પણ બાનું કાઠું હજી ચાલે છે. એ સૌને વિદાય આપવા ગલીના નાકા સુધી જાય છે ટાંગાની ધૂળ ઊડતી બંધ થાય, ત્યાં સુધી જોયા કરે છે અને પાછી ફરે છેઃ ગઈ રાત્રે કુટુમ્બમેળાની વચ્ચે ગુપચુપ પેસી ગયેલો વિરહ હવે આખાયે ઘરમાં પથરાઈ ગયો છે.

બાએ સૌને કઠણ મન કરીને ‘આવજો’ તો કહ્યું: પ્રસ્થાનની મંગળ ઘડીએ મોં રડમસ થઈ ગયું. પણ બાએ આંસુ ન આવવા દીધાં. પણ પાછી ફરી ત્યારે ઘર આખામાં વ્યાપી ગયેલો સૂનકાર જ દરવાજે સ્વાગત કરવા ઊભો હતો. મા પગથિયે જ ફસડાઈ પડે છે. પાછળ જે પળે પળે દૂર ને દૂર જતા પુત્રો અને પરિવાર અને આગળ છે ભર્યો ભર્યો સૂનકાર.

માનાં હૃદયની આ છબી શિખરિણીના અર્ધા જ ચરણમાં કવિએ કેવી ઉપસાવીએ છીએ!

(કવિ અને કવિતા)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book