નજરું લાગી વિશે – જયા મહેતા

નજરું લાગી

હરીન્દ્ર દવે

સોળ સજી શણગાર

નજર, આંખ, નયન, નૈન, લોચન, પાંપણ… આ બધાં નામ જાણે અનિવાર્ય જ હોય એમ એ પ્રણયકાવ્યોમાં ગૂંથાતાં જ રહ્યાં છે. એકલા હરીન્દ્ર દવેની કવિતામાથી પણ એનાં અનેક ઉદાહરણો મળી રહેઃ

નેણ ન ઉલાળો તમે ઊભી બજાર

*

એની આંખમાં ઉજાગરાની લાલી

*

હોઠ હસે તો ફાગુન
ગોરી! આંખ ઝરે તો સાવન

*

તવ દર્શનની પાર સજન, બે લોચન મારાં અંધ

*

તમે કહો તો આ પાંપણને ઊંચકું ગાર
મારાં નયણે અંજાયું રૂપ ક્યારનું

*

નીલ નેણે સંગે હજી નેણ જરા પ્રોયાં

*

સજન મેં હસતાં લીધી વિદાય,
નયનમાં છલકાતી અરુણાઈ

*

અને આંખને તો જળની માયા છે ખૂબ

*

હરપળ આ આંખમાં રહી ‘આવો’ની ચમક

*

ભોળાં પારેવાંને નેણે અંજાય
એ હથેળીનો રંગ થોડો રાતો

*

હજી આવી ઘણી પંક્તિઓ મળી શકે. બીજા એક કાવ્યની નાયિકા કહે છેઃ

કોઈ અગોચર ઇજન દીઠું નયનભૂમિને પ્રાંગણ

‘નજરું લાગી’ ગીતમાં પણ નાયિકા એક ઇજન જુએ છે એની અભિવ્યક્તિ છેઃ

સોળ સજી શણગાર, ગયાં જ્યાં જરીક ઘરની બ્હાર,
અમોને નજરું લાગી!

એક વાર સુરેશભાઈ દલાલે વાતવાતમાં કહ્યું હતું તે યાદ આવે છેઃ હરીન્દ્રે એક જમાનામાં ફિલ્મી પત્રકારત્વ કર્યું હતું. એમાંથી પણ એ કશુંક સારું લઈને, આપણને ઉત્તમ કરીને આપતો હતો. દા.ત., એક ફિલ્મની પંક્તિ છે ‘કભી આર, કભી પાર, લાગા તીરે નજર’. હરીન્દ્રના ‘નજરું લાગી’ ગીતનાં મૂળ કદાચ આ પંક્તિમાં હોય. ફિલ્મીપંક્તિના સંસ્કાર ભલે હોય, હરીન્દ્રે તેને આપણા વાતાવરણમાં સરસતાથી વણી લીધા છે.

કાવ્યનાયિકા કહે છે ‘અમોને નજરું લાગી’. ‘નજર’ એટલે શું? ન એનો અર્થ ઝટ જઈને સમજાવી શકાય. ન એને વ્યાખ્યામાં બાંધી શકાય. આંખ તો આપણને દેખાય. નજર આપણને દેખાય છે છતાં દેખાતી નથી, મૂર્તરૂપે તો દેખાતી નથી જ; પણ પ્રસ્તુત ગીતમાં હરીન્દ્ર દવેએ નજરને એકરૂપ આપ્યું છે, અને મૂર્તિમંત કરી છે, એટલું જ નહિ એને ક્રિયાન્વિત પણ કરી છેઃ

બે પાંપણની વચ્ચેથી એક સરકી આવી સાપણ
ડંખી ગણ વરણાગી.

કાવ્યનાયિકા મુખરિત છે. આરંભમાં જ કહી દે છે, ‘ડંખી ગઈ વરણાગી’ ડંખ છે, પણ એ ઝેરી નથી, વરણાગી છે, મોહક છે, વહાલો લાગે છે. હરીન્દ્રભાઈનાં પ્રણયકાવ્યો ઉલ્લાસનાં હોય કે વિષાદનાં, એનો સૂર, એની નિરૂપણશૈલી વરણાગી — રોમેન્ટિક જ રહી છે.

આરંભમાં કહ્યું કે ‘અમોને નજરું લાગી.’ નજર લાગવી એટલે શું? નુકસાન કરે એવી નજરની ખરાબ અસર થવી; પણ અહીં નાયિકાને નજર નથી લાગી, ‘નજરું લાગી છે.’ કાઠિયાવાડી લોકબોલીની રીતે ‘નજર’નું બહુવચનનું રૂપ ‘નજરું’ કરીને નાયિકાએ ‘નજર લાગવી’ના અનિષ્ટ અર્થને દૂર કરીને એનું વરણાગીકરણ કર્યું.

‘ડંખ’ અને ‘વરણાગી’ એ વદતોવ્યાઘાત લાગે; પણ આ ગીતની નાયિકાને ‘નજરુંનો ડંખ’ મીઠો લાગે છે. એ કહે છેઃ

…એ દરદ હવે મનભાવ્યું.
હવે નજરનો ભાર જીવનનો થઈ બેઠો આધાર.

આનું કારણ છે. નજરું દેખાતી નથી. એમ બીજું પણ એવું કંઈક હોય છે, જે દેખાતું નથી, પણ સ્પર્શી જાય છે. અન્ય એક કાવ્યની નાયિકા કહે છેઃ

મગથી ઝીણાં મરી, ઓ વ્હાલમ્, સૌથી ઝીણી રાઈ,
એથી નાજુક ચીજ, નરી આંખે જે ન દેખાઈ;
દાખવ તો ઓ પિયુ!
તને દઉં હૈયાની ઠકરાત.

નરી આંખે ન દેખાતું એવું કંઈક ‘નજરું લાગી’ની નાયિકા પામી ગઈ છે, એટલે જ એ કહે છે, ઘરની બહાર નીકળતાં જ નજરું લાગી. અને એના પ્રતિભાવ દર્શાવે છે. નાયિકા ચતુર છે. ડંખને ‘વરણાગી’ કહીને મોહક તો કહી જ દીધો, છતાં નજરું ઉતારવાની વાત કરે છે. ખરેખર તો એને કોઈ ઉતાર જોઈતા જ નથી. નજરુંનો પોતે સ્વીકાર કરી લીધો છે, એ ભાવ એ કાવ્યાન્તે સ્પષ્ટપણે વ્યક્ત કરે છે.

ભાવકને બાંધી લે એવી ગીતના ઉપાડની પંક્તિઓ પછી, જુદાજુદા ટુચકા વર્ણવીને, ભાવને ઘૂંટીઘૂંટીને સ્થિર કરીને, છેલ્લી કડીમાં ભાવની પરાકાષ્ઠા સાધી છે. ગીતનું અર્થ-ભાવ-પોષક નરસોંદર્ય, અંત્ય અને આંતરપ્રાસાનુસારી પદાવલી, ભાવોત્કટ ક્ષણનો કેફી લય, ‘રકાર’ અને ‘ઈકાર’ની પુનરુક્તિથી નિર્માણ થતું રવમાધુર્ય આ બધું ઊગતા પ્રેમની પ્રસન્નતા અને ઇજનના સ્વીકાર અને ‘નજરું લાગી’ના આનંદનું સૂચક છે. જીવનનો આધાર બની ગયેલી નજરું… એને ઉતારવાની વાત પણ નકારની નહિ, સ્વીકારની જ પ્રતીતિ આપે છે.

કાવ્યનાયિકાને મનોભાવની અભિવ્યક્તિમાં કાઠિયાવાડી ગ્રામસંસ્કૃતિ, લોકસંસ્કૃતિનો ઠીકઠીક આધાર મળી ગયો છે નજરું ઉતારવા માટે નાયકા કાંસાની વાટકીથી માંડીને ભૂવો બોલાવવા સુધીના ટુચકા કરે છે, મંતરજંતર કરે છે. પ્રેમઝરણે ફૂટવાનો હજી અણસાર જ થયો છે, ત્યાં તો એટલી પ્રસન્નતા છવાઈ જાય છે કે નાયિકાનું હૈયું ચૂપ રહી શકતું નથી. અંકુરાતા પ્રેમનો અચરજભર્યો ઉમળકો ‘અવળવાણી’ જેવી અનોખી કથનશૈલીમાં પ્રગટ થાય છે. અનેક ટુચકા કરીને નજર ઉતારવાની વાત તો વાચ્યાર્થથી અવળો જ અર્થ સૂચવે છે. કાવ્યનાયક પણ આ બરાબર સમજી ગયો હશે. એટલે જ, અત્યાર સુધી કેવળ નાયિકાના જ પ્રતિભાવ વ્યક્ત થતા રહ્યા હતા, હવે નાયક પ્રત્યક્ષ પ્રવેશ કરે છે, એ પણ કાંઈ ઓછો ચતુર નથી. કહે છેઃ

લો નજરું વાળી લઉં પાછી

નાયકને જે જવાબની અપેક્ષા હશે એ જ જવાબ સ્પષ્ટપણે મળે છેઃ

નજરું પાછી નહીં મળે એ દરદ હવે મનભાવ્યું

આ પહેલાં નાયક-નાયિકા વચ્ચે શબ્દોની કોઈ આપ-લે થઈ નથી. ફક્ત નજર મળી હશે. કાવ્યનાયિકા તો એટલું જ કહે છે ‘અમોને નજરું લાગી’ એટલે અહીં ‘મળી દૃષ્ટોદૃષ્ટ’ની વાત જ નથી. સોળ શણગાર સજીને નાયિકા હજી તો ઘરની બહાર નીકળી છે અને એને નજરું લાગે છે. નજરું લાગવાનું કારણ સોળ શણગાર સજેલી નાયિકાનું કેવળ દર્શન છે!

હરીન્દ્ર દવેએ ઘણાં પ્રણયકાવ્યો લખ્યાં છે. તેમાં પ્રેમ વિશે વાતો કે તત્ત્વજ્ઞાન નહિ, પણ પ્રેમની અભિવ્યક્તિ હોય છે. એમની આ પ્રકારની ઘણીખરી કૃતિઓ અંકુરિત પ્રેમની છે; ‘નજરું લાગી’ ગીતમાં ફૂટુંફૂટું થતા, અંકુરાઈ રહેલા પ્રણયની છે.

લોકગીતનું સહોદર હોય એવું આ ગીત એક ઉત્તમ કાવ્યકૃતિ છે, કેવળ લય-ઢાળ લઈને અવતરેલું ‘ગાયન’ નથી, એની પ્રતીતિ તો એના ઉપાડની પંક્તિઓ વાંચતા જ થઈ જાય છે અને એ પૂરું થતાં તો… ના, એ પૂરું થતું જ નથી, કંઠે ને હૈયે ગુંજ્યા કરે છે.

(ભમરો વાત વહે ગુંજનમાં)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book