માધવ નાચે કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

નરસિંહ

માધવ નાચે

મેહુલો ગાજે ને માધવ નાચે, રૂમઝૂમ વાજે ઘૂઘરડી;

ગ્રીષ્મ અને વર્ષાનો સંધિકાલ છે. ગ્રીષ્મ હજી સાવ વિદાય નથી થઈ, એટલે કોયલ પણ કૂજે છે; ને પ્રથમ વર્ષાની પધરામણી થઈ ચૂકી છે, એટલે દેડકાં પણ ‘ડ્રાંઉં ડ્રાંઉં’ કરી રહ્યાં છે. આકાશમાં ખડા ખેંચીને ગોરંભેલો શ્યામ અને સજળ મેઘ રહી રહીને ગડૂડે છે ને ધરતી પરના મોર ડોકના ત્રણ ત્રણ કટકા કરીને કેકા કરી રહે છે ને બપૈયા આર્ત સ્વરે ‘પિયુ! પિયુ!’ પોકારી રહે છે.

આકાશ અને પૃથ્વીએ આ નાટારંભ માંડ્યો છે ત્યારે બંસીધર બાલકૃષ્ણ અને ગોકુળની ગોપવનિતાઓ જમનાના તટ પર વૃન્દાવનની કદંબકુંજમાં એકઠાં થયાં છે. કૃષ્ણના મુખ પર છે મોરલી, કેટ પર છે ઝીણી ઝીણી ઘૂઘરીઓવાળો કંદોરો ને પગમાં છે ઘૂઘરું. મેઘની મંદ્ર-ગભીર ગર્જના ને દાદુરમોરબપૈયાનો શોર, કદાચ, જમનાના જલનો કલરવ ને જલથલ પર રસળતા પવનનો સરવો સુસવાટ, આ બધા વિવિધ ને એકબીજાની સાથે ભળી જતા સૂરોની સાથે ગૂંથાઈ જાય છે આછાં વસ્ત્રાભૂષણોથી સજ્જ થયેલી ગોપાંગનાઓએ બગાડેલા તાલ અને પખવાજમાંથી ઊઠતા સૂર; અને આકાશ અને પૃથ્વી, પ્રકૃતિ અને મનુષ્ય, બધાંએ સાથે મળીને સરજેલા એ મહાસંગીતને તાલે તાલે થનગન થનગન નૃત્ય કરી રહ્યો છે મનમોહન માધવ; ને તેના કંદોરાની ને તેના ને કદાચ, ગોપીઓના પણ પગના ઝાંઝરની ઘૂઘરીઓનો રણઝણતો રવ રૂમઝૂમ કરતાં ભળી જાય છે એ મહાસંગીતમાં.

ભલું થાય કે સાધુઓનું પરિત્રાણ અને દુર્જનોનો વિનાશ કરવા માટે ભગવાને કૃષ્ણરૂપે અવતાર લીધો! તો એ બાલકનૈયાના નર્તન-વાદનથી વૃંદાવન ને જમનાતટ ધન્ય બન્યાં ને એ અલૌકિક સૌંદર્ય-મંડિત લીલાનાં દર્શન-શ્રવણથી ઊભરાઈ જતા અંતરના આનંદને કાલેરા રાગમાં ગાઈને નરસિંહની વાણી પણ ધન્ય બની!

(આપણાં ઊર્મિ-કાવ્યો)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book