મૃત્યુ ગંગાજળિયું દે વિશે – રમણીક અગ્રાવત

એસ. એસ. રાહી

મૃત્યુ ગંગાજળિયું દે

મેલું ઘેલું ફળિયું દે,

સંતોષ સઘળા સંતાપોનું ઠારણ છે. ઉધામાઓ થતા રહેવાના, પણ એ ઉધમાતોનું આયુષ્ય બહુ લાંબુ હોતું નથી. આપણી તમામ ગતિ સમજણ ભણીની જ હોય છે. વહેલી કે મોડી સમજણ આવે, આપે ને આવે. સમજણનાં ઉગમ સાથે જ ઉધામાઓ ઠરે છે. આપ ઉધમાત ઓળખાઈ જાય છે તે ક્ષણ જ એક મહત્ત્વનો વળાંક છે. સંતોષમાં ઠરવાં માટે આતુર થયેલું મન ‘બધું’ જાણી ચૂક્યું હોય છે. એ આપ-જાગૃતિની ક્ષણમાં ઊભેલી વ્યક્તિ બહુ બધી માગણીઓનો ઘોંઘાટ પછી નહીં કરે. માંગયાદીઓનું ફિતૂર પછી પોતાને અને પરને બહુ ન કનડે. આવા કશાક નરવા સ્વીકાર પાસે શ્રી એસ. એસ. રાહીની આ સુંદર કૃતિ ઠરેલી છે.

મેલું ઘેલું પણ પોતાનું ફળિયું એ પોતાનું ફળિયું. એની હાશ જ ન્યારી. તૂટેલા નળિયાંનો દોમદોમ વૈભવ અમને કબૂલ છે. નાનું, સાંકડમૂકડ, મેલું ઘેલું પણ પોતીકું ફળિયું જીવનની મોકળાશને સમાવવા માટે પૂરતું છે. એ ફળિયામાં સારા અને નરસા બધાનો ઉચિત સમાદર હશે. દિશાઓની મોકળાશ એમાં હરતીફરતી હશે. ઘરની વિશાળતા એ ઘરમાં વસનારાઓનાં મનમાં માપે ઉપસે છે. જેનું જેવું આપ, તેનું તેવું માપ.

જીવન પર ચારે તરફથી આક્રમણો થતાં જ રહેતાં હોય છે. આ આક્રમણો સામે સંરક્ષણ જરૂરી છે. ભારે અને ઉપદ્રવી નજરથી બચી રહેવા કોઈ માદળિયું મળી જાય તો તે ઉપચારનો પણ ખપ છે. ભારે નજરોને ઓળખું અને એનાથી દૂર ખરવાના શાણપણમાં વસું એટલી નિરાંત દે. અહીં પણ ભારે નજરથી દૂર ખસવામાં જ ડહાપણ વસ્યું છે તેમ તો સમજાય જ છે.

ડહાપણ તો એમ કહે છે બહુ ઊંચે જવામાં મજા નથી. અમસ્તી ઊંચાઈઓનો મને લોભ કે ખપ ન હો. ક્યારેક કશીક ઉતાવળમાં હોઉં ત્યારે મને આ યાદ આવી જાય એટલી સમજણ દે. ઊંચાઈઓને નજરથી માપી માપીને ઠાલા હરખાવાનું બહુ થતું હોય છે. જ્યારે તળિયાનો અનુભવ તો પોતાના જ પગના સ્પર્શથી સાક્ષાત થાય છે, પોચું તો પોચું, નક્કર તળિયું ધરપત તો ધરીને જ રહે છે એટલે તેનો સ્વીકાર.

ધોધમારનો અનુભવ બધાંને નસીબ નથી હોતો. એ તો સઘળા સંજોગો ખાંગા થાય ત્યારે જ વરસે. એવી રાહમાં શા માટે ટાંપીને બેસી રહેવું? કલ્પનાના હવાઈ ધોધ કરતાં વાદળિયાં હવામાનની ધૂંધળાશ ઉત્તમ. એમાં મનગમતાં આકારોનું આવાગમન તો માણી શકાય. બહાવરા બનાવોની ઉતાવળ ઘેરી લે અને ધક્કા મારી મારીને અણગમતી સ્થિતિમાં કેદ કરી દે, તેના કરતાં એવી ગતિશીલતા નહીં હોય તોપણ કશો વાંધો નથી.

એક તો અંધારું ને તેમાં વળી તમરાંના અવાજની કનડગત, ઉછીના અજવાળે તો કેટલોક રસ્તો કપાય? એના કરતાં પોતીકા પ્રસ્ફુરણથી ઓપતું નકરું અંધારું બહેતર છે. પોતાની સમજણના દીવે કપાય એટલું અંધારું કાપતાં રહેવાની નિરાંત દે. દેવું હોય તો એવું ઝળહળિયું અંધારું જ દે. મથ્યાં કરવું એ જ અમારી નિયતિ છે. નિયતિના આ નરવા પ્રફુલ્લનને સલામ!

સંપૂર્ણતા તો બહુ વસમી વસ છે. અતૃપ્તિઓની છાલકો જીવનમાં વાગ્યા જ કરવાની. પરંતુ આ સ્થિતિના દોરનો બીજો છેડો દરેક જીવન જીવનારના પોતાના હાથમાં હોય છે. ‘પોતાના હાથની વાત’ એના જેવી સંતૃપ્તિ બીજી કશી નથી. બધી જ અતૃપ્તિઓ આત્મ-સંતુષ્ટિનાં એકાદ બુંદથી શમી રહે તો ઘણું. ગંગાજળનું એક જ બુંદ મૃત્યુની અપરૂપતાને ઉત્સવમાં પલટી શકે છે. એવાં ગંગાજળિયાં મૃત્યુમાં જીવનભરની તરસની તોડ પડેલો છે. જીવનભરની તરસ આ એક બુંદથી શમી રહે. સંતુષ્ટિની છીપમાં સમજણનું પકવેલું સાચું મોતી ધરીને ઊભી છે આ ગઝલકૃતિ.

(સંગત)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book