ઇચ્છાઓનું અક્ષયપાત્ર – વેણીભાઈ પુરોહિત

જગદીશ જોષી

એક હતી સર્વકાલીન વારતા

ધારો કે એક સાંજ આપણે મળ્યાં,

ઇચ્છાઓ અમૃતના સાગરની છે અને અંજલિ ભરીને અમૃત મળી જાય – તો તૃપ્તિ થાય? ઊલટાન અતૃપ્તિ આમળા લઈ લઈને ફૂંફાડા મારે… પણ આ જીવન જ એવું છે કે જેમાં જરાકવારના જોગાનુજોગમાં જીવી લઈને તેને પછી જીવનભર વાગોળ્યા વિના છૂટકો નથી.

મિલનાતુર બે જીવને મિલનની તક લાધી ગઈ. ઓતપ્રોત થવાનો આનંદ મણ્યો, પણ તેથી શું? પણ પછી શું? જીવનભરનો સહવાસ, સહપ્રવાસ, તો છે નહિ, મિલન એક ઘડીનું તે વિજોગ આખા આયખાનો! આ તે કેવી વિડમ્બના! આ સ્થિતિને જોનારી આંખ જાણે કે દર્પણ જેવી છે. દૃશ્યો આવીને ચાલ્યાં જાય છે. આંખમાં કશું અંકિત થતું નથી. અંકિત રહેતું નથી, કોરી કિતાબ જેવી એ આંખમાં પછી વાંચવું શું?

ઇચ્છા અચાનક સામી મળે અને હોઠ પર મખમલિયો મલકાટ આવી જાય, હૃદય રોમાંચ અનુભવે. મેઘધનુષના ગંગો જેવી મોહકતા મુગ્ધ બનાવી દે પણ વચ્ચેની ભેદરેખા છે તેનું શું? વચ્ચે એક અખાત છે. એ અખાતને પાર કરવાની પરિસ્થિતિ નથી. લક્ષ્મણરેખા લાહ્ય લગાડે છે તેનું શું?

પુષ્પોને પ્રેમ કરવાની એષણાઓના આકાશને ઊલટ આવે છે. એ આકાશ ઝૂકે છે અને પુષ્પોની ખબરઅંતર લે છે. પણ એ આવેશપૂર્ણ અને આત્મીય હોવા છતાં કેવું ઔપચારિક બની જાય છે! પુષ્પ આકાશમાં ઊગી શકતું નથી અને આકાશ ભ્રમરની જેમ બેધડક આવીને પુષ્પની પાંદડીઓ સાથે ગુંજન-ગોઠડી કરી શકતું નથી. આ સ્થિતિની વેદના તો ભવ આખો હૃદયમાં ભંડારાયેલી જ રહે છે. સંવેદનાનું સંતૃપ્તિમાં સ્વરૂપાંતર થઈ શકતું નથી.

અસલમાં તો આપણા ઓરતા જીવનભર ઝૂરતા રહે છે એ જ સર્વકાલીન વારતા છે. આમ ઉપર ઉપરથી આપણે સ્ફૂર્તિથી, સંસ્કારિતાથી, સ્નેહભાવથી, ખુશમિજાજથી સલૂણી રીતે જીવતા હોઈએ છીએ, પણ ગરદન ઝુકાવીને ગિરેબાંમાં જોઈશું તો આપણી ભીતર જુગજુગની અધૂરી ઝંખના પોતીકી છતાં સાવકી થઈને પડી હોય છે. બહારથી ગમે તે બોલીએ પણ અંતરમનમાં તો આપણે આપણી અધૂરી એષણા વિશે જ સતત વિચારતા હોઈએ છીએ. બાકી રોજિંદા જીવનમાં તો આપણી કહેવાતી ઇચ્છાઓ આપણે પૂર્ણ કરીએ છીએ. કદાચ આપમેળે પૂરી થતી હોય છે, પણ માંહ્યલી અણબોટ ઝંખનાનું શું? ઇચ્છાઓનું અક્ષયપાત્ર કદી ખૂટતું નથી શું એક અલંકૃત અભિશાપ નથી? ઇચ્છાઓ અધૂરી રહે છે એટલે આયખું ય અધૂરું અને અતૃપ્ત રહે છે. બાકી, બહુ સાંભળે એવા તૃપ્તિના ઓડકાર તો વાયુવિકાર છે. ‘ઓહિયા’ના બે અર્થ થાય છે.

(કાવ્યપ્રયાગ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book