બાબાગાડી વિશે – રમણીક અગ્રાવત

પવનકુમાર જૈન

બાબાગાડી

એમના લગ્નસમયમાં સર્વોત્તમ વસ્ત્રો

એક બાબાગાડી લઈને એક સ્ત્રી-પુરુષનું જાડું એમના લગ્નસમયનાં સર્વોત્તમ વસ્ત્રો પહેરીને ફરવા નીકળ્યું છે. રસ્તે જતા-આવતા લોકોની નજર બાબાગાડી પર પડે છે. જે જે જુએ છે તેમની નજર અચૂક કંઈક વિચિત્રને નોંધે છે. કોઈક વળી વળીને આ બાબાગાડીને જોઈ લે છે. કોઈ કશીક ગુસપુસ કરે, કોઈ હસે. બાબાગાડીમાં બેઠો છે આ કાવ્યનો કથક એક પાંત્રીસ વરસનો બાબો. એક વિકલાંગ બાળક, જે જાતે ચાલી શકતો નથી. વિચારે છે ઘણું ઘણું, પણ બોલી શકતો નથી. બોલવા ધારે તો છે, પણ વિચાર અને શબ્દો વચ્ચે વધારે અંતર પડી જાય છે. આવા બાળકને ઘરના ઓરડામાં પૂરી દઈને કે એના પગે દોરી બાંધીને ક્યાંક ખૂણામાં ગોંધી રાખીને કે એને કોઈ સાચવનારને ભરોસે છોડીને આ માતા-પિતા નીકળી પડ્યા નથી. પાંત્રીસ પાંત્રીસ રસથી વેઠાતી પીડાને વિસારીને એમના લગ્નસમયનાં સર્વોત્તમ વસ્ત્રોમાં સજીધજીને નીકળ્યા છે. પોતાના પાંગળા બાળક સાથે, એક નવી સાંજને ઉજવી રહ્યા છે. શક્ય છે એ બાળક મનોમન તો પોતે જે બાબાગાડીમાં બેઠો છે એની આગળ આગળ દોડી રહ્યો છે. કલ્પી લઈએ કે જે બાળક પાંત્રીસનો થયો છે તેના મા-બાપ સાઠ વરસને પાર તો કરી જ ગયા હશે. આ દૃશ્ય હોવું તો એમ જોઈતું હતું કે પાંત્રીસનો યુવક મા-બાપની વચ્ચે એમને ટેકો આપીને ચાલી રહ્યો હોય કે ચાલતાં ચાલતાં જરાક આગળ નીકળીને થંભી પાછળ આવતા માતા-પિતાની સાથે થઈ જતો હોય. પણ રે નસીબ! જતા-આવતા લોકના મૂંગા હાસને વેઠતા, વેધક દૃષ્ટિઓને ઝિલતા આ મા-બાપ બાબાગાડીને ઠેલે છે. ઠેલી રહ્યા છે જીવવાની વિવશતાને, એ માતા-પિતા કોઈ બોજ લઈને નથી જ નીકળ્યા. એમના દિલના ટુકડાને લઈને નીકળ્યા છે. એટલે તો તેઓ સુંદરમાં સુંદર વસ્ત્રોમાં છે.

લોકો તો પોતાની ઘડીભરના કુતૂહલને વશવર્તી ગુસપુસ કરી આગળ વધી જશે પણ આ પીડિત માતા-પિતાની પીડામાં થોડુંઘણું ઉમેરણ જરૂર કરતાં જશે. ભલે કંઈ ભળતીસળતી વાત કરી લોકો મોં ફેરવી લે, પરંતુ આ મા-બાપ પોતાના દુભાયેલા બાળકથી કેમ મોં ફેરવી શકે? બાબાગાડીમાં બેઠેલો બાળક (કદાચ મનોમન) પૂછે છેઃ હું ભલે દોડી ન શકું, પણ ડગમગ પગલે ચાલી શકીશ તો ખરો જ. આ બાબાગાડીને ફગાવી દો અને મને ચલાવો. મા-બાપના હોઠ પીડામાં સહેજ વધુ ભીંસાઈ જાય છે. કદાચ આ સંવાદ રોજેરોજ ચાલતો હશે. રસ્તો ખખડાવતી બાબાગાડી પસાર થયા કરતી હશે. બાળક તો કમનસીબ છે જ, પાંત્રીસ વરસ લાંબી પીડા વેંઢારતો બાબાગાડીમાં એ બેસી રહ્યો છે. એના એનાથીય વધારે કમનસીબ તેના મા-બાપ છે. તેઓ કઈ રીતે એમના હતભાગી દીકરાને સમજાવે કે પાંત્રીસ રસની ઉંમર એ કઈ ડગમગ ચાલવાની ઉંમર નથી. એમ ચાલશે તોપણ લોકોને તો જોણું થશે જ. વળી કંઈ કટાક્ષો થશે, કોઈ હસશે, કોઈ દયા ખાશે. હકીકતે એ દીકરા-નું બાળક હોવું જોઈતું હતું આ બાબાગાડીમાં. શ્રી પવનકુમાર જૈન પહેલી વાર એક એવા બાળકની પીડાને ગુજરાતી કવિતામાં લઈ આવ્યા છે, જે સમજે છે બધું, પણ વ્યક્ત કરી શકતો નથી કંઈ પણ, કરી શકતો નથી કંઈ પણ. એક બાળક અને માતા-પિતાની આ બાબાગાડી સંવેદનશીલ સહૃદયોના કાળજામાં ચરચરાટ કરતી જઈ રહી છે. આ કાવ્યગાડી એક વિકલાંગ બાળક અને તેના બદનસીબ માતા-પિતાની પીડાને તો ઉઘાડી પાડે જ છે, સાથોસાથ રસ્તે જતાંય કોઈકને પીડા પહોંચાડવાનું નહીં ચૂકતી ઈતરજનોની હૃદયકૃપણતાને, અણઘડતાને પણ ઉઘાડી પાડે છે.

પોતાના લગ્નસમયનાં સર્વોત્તમ વસ્ત્રો પહેરીને પોતાના બીમાર બાળકને છાતીએ વળગાડી માતા-પિતા નીકળી શકે છે એ એમની વશેકાઈ છે. કહો કે દુઃખને વેઠવાની આ પણ એક રીત છે. પાંત્રીસ વરસની ઝીણી આંખો વડે ચશ્માના જાડા કાચમાંથી દુનિયાને જોતો બાળક બાબાગાડીમાં બેઠો બેઠો મૂંગો મૂંગો માગી રહ્યો છે એકાદ પ્રેમભર્યું સ્મિત કે બહુ બહુ તો એક અમસ્તો સ્પર્શ. એમ પણ ન થઈ શકે તેમ હોય તો એ (અને એના કરતાય વધુ થાકી ગયેલા એના માતા-પિતા) ખસિયાણા પડી જાય તેવી હરકત પર કાબૂ, માગણી બહુ મોટી નથી. પણ વિચારતાં જરૂર કરે. કોઈની દયા ખાવાની જરૂર નથી. કોઈને નજરથી પણ ઠેસ ન પહોંચે એવી વેદનશીલતા વિકસાવવી જરૂરી છે. આપણા પોતાના માટે. આપણી દેહભાષા પણ કોઈને ઈજા પહોંચાડી શકે. સંવેદના પામવા માટે સંવેદનશીલ બનવું પડે.

(સંગત)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book