ફરી જોજો કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

કપિલ પરમાનંદ ઠક્કર — મજનૂ

ફરી જોજો

જિગર પર જુલ્મ કે રહેમત ઘટે જે તે કરી જોજો,
તમારા મ્હેલના મહેમાનની સામું જરી જોજો.

મુસાફર કંઈ બિચારા આપના રાહે સૂના ભટકે,
પીડા ગુમરાહની, ઊંચે રહી આંખો ભરી જોજો.

ઊછળતા સાગરે મેં છે ઝુકાવ્યું આપની ઓથે,
શરણમાં જે પડે તેને ડુબાવીને તરી જોજો.

વિના વાંકે છરી મારી વહાવ્યું ખૂન નાહકનું,
અરીસા પર નજર ફેંકી તમારી એ છરી જોજો!

કટોરા ઝેરના પીતાં જીવું છું એ વફાદારી,
કસોટી જો ગમે કરવી બીજું પ્યાલું ધરી જોજો.

અમોલી જિંદગાની કાં અદાવતમાં ગુમાવો છો?
કદર કો’ દિ ઘટે કરવી, મહોબત આદરી જોજો.

વરસતાશ્યામ વાદળમાં મળ્યા’તા મેઘલી રાતે,
વચન ત્યાં વરલનું આપ્યું, હવે દિલબર! ફરી જોજો!

‘મધુવન’

હું છું તમારો મહેમાન; ને તમે છો મારાં યજમાન. તમારી દૃષ્ટિમાં અમૃત પણ છે, ને ઝેર પણ છે. હૃદયને એ સ્પર્શતાં, હૃદય પાંગરી પણ ઊઠે, ને બળીને ખાક પણ થઈ જાય. તમે એક વાર જુઓ એટલે હૃદયના સંતાપ શમી પણ જાય, ને તમને પામવાનો તેનો તલસાટ દુર્દમ પણ થઈ જાય. મારા હૃદય પર અમૃત કે વિષ, તમને ઠીક લાગે તે વરસજો પણ મારી સામે જરા જોજો તો ખરાં.

તમારી ઝાંખી કરીને પોતાની આંખો ઠારવાને કેટલાય મુસાફરો ભટક્યાં કરે છે, તમારા સૂના રાહ પર. પણ એ સાચો રાહ છે કે ખોટો, એ માર્ગે ચાલતાં ચમારો મહેલ આવશે કે નહિ તેટલું કહેવાવાળું પણ કોઈ નથી મળતું ત્યાં. તમે વસો છો ઊંચા ઊંચા મહેલમાં, આકાશના સ્વર્ગના નન્દનવનના પ્રાસાદોમાં. ત્યાંથી જરા જોજો તો ખરાં કે પેલા ગુમરાહ મુસાફરો, તમારો રાહ શોધવા માટે ઘડીક ડાબે તો ઘડીક જમણે, ઘડીક આગળ તો ઘડીક પાછળ અથડાયાં કરતા પેલા પ્રવીસાઓ કેટલા પિડાય છે!

મેં તો ઝંપલાવ્યું છે આ તોફાને ચડેલા જીવનસાગરમાં એક તમારે જ આધારે. તમારું જ શરણ જેણે સ્વીકાર્યું હોય, તેને તરછોડી, આઘું હડસેલી, તમે તરી જોજો તો ખરા! તમારે ચરણે વળગ્યું હોય તને ડૂબવા દઈને, તમે તમારી જાતને બચાવી લો એવી નિષ્ઠુરતા જ ક્યાં છે તમારામાં?

હું ક્યાંય તમારા માર્ગમાં આડે ઊતર્યો નહોતો, કે તમારા વાંકગુનામાં આવ્યો નહોતો. અને છતાં તમે મને છરી હુલાવી દીધી, તમારી નજરથી મારા હૃદયને ઘાયલ કરી નાખ્યું. તમારી એ છરી, તમારી નજર, કેવી કાલિત છે તે હું તમને શું કહું? અરીસામાં તમે જોશો એટલે ખબર પડશે કે તમારી આવી ભોળી, નિર્દોષ ને નમણી લાગતી આંખમાં કેટલી કાતિલતા ભરી છે!

તમને મારી વફાદારી વિશે હજી શંકા છે? નિરાશા, ઘૃણા, ઉપેક્ષા, ધુત્કાર વગેરેના કડવા ઘૂંટડા ગળતાં ગળતાં પણ હું તમને વળગી રહ્યો છું. હજી તમને મારી વફાદારીની ખાતરી ન થઈ હોય અને મારી વધારે કસોટી કરવી હોય તો ધરી જોજો બીજું ઝેરનું પ્યાલું.

આ જિંદગી કેટલી અમૂલ્ય છે? શા માટે એને વેડફી નાખો છો અદાવતમાં ને અદાવતમાં? આ અબોલા ને આ રિસામણાં ને આ આઘાં ને આઘાં રહેવાં ને એ બધાંથી અમે તો તરફડીએ છીએ રાત અને દી’, પણ તમારા જીવનમાં ય તે શો સંવાદ રહ્યો હશે? અદાવત છોડીને મહોબત આદરી જોશો તો તમને પણ જિંદગીની કદર થશે ને જિંદગી કેટલી મધુર ને કેટલી મોહક છે તેનો ખ્યાલ આવશે.

મેઘલી રાત હતી ને વાદળ વરસી રહ્યાં હતાં ત્યારે તમે મને મળ્યા હતા, ને મને મિલનનો કોલ આપ્યો હતો. હવે ફરી જોજો, ઘનશ્યામ! જો ફરી શકાય તો! હું તમને એવો તો વળગીશ કે તમે છટકી જ નહિ શકો ને તમને છૂટકો જ નહિ રહે તમારું વચન પાળ્યા વિના!

કાવ્યના કેટલાક શબ્દો અપુષ્ટાર્થ છે તો કેટલીક પંક્તિઓ, ખાસ કરીને ત્રીજી અને છેલ્લી કડીઓ ઘણી સુંદર છે.

(આપણો કવિતા-વૈભવ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book