નિગૂઢ સ્પર્શની ઉત્પ્રેક્ષ – રાજેન્દ્ર શુક્લ

પાનખર

હરીન્દ્ર દવે

હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે,

દશકાઓથી ચિત્તમાં જડાઈ રહેલી આ રચના આ ક્ષણે પણ એવી જ સ્થિરદ્યુતિ, એવી જ પ્રત્યગ્ર અને એટલી જ રસાવહ રહ્યા કરી છે.

રતનાસ્વરૂપ ગીતનું છે, છતાં એનો ગોત્રસંબંધ આપણી ગીતપરંપરા સાથે નથી, તે એનાં લયવિધાન કારણે. અહીં પરંપરાપ્રાપ્ત ચતુષ્કલ, સપ્તકલ કે પંચકલ સંધિઓનાં આવર્તનોનો વિનિયોગ નથી, લયનું કોઈ લટકણિયું પણ નથી કે જે તેને રૂઢ દેશીઓની કોઈક ચાલ સાથે જોડી દઈ શકે.

ભાવવિશ્વની અરૂઢતા અને આગવી નિરૂપણરીતિ પણ એનું સર્વથા ભિન્ન પ્રસ્થાન સ્પષ્ટતયા પ્રકટ કરી આપે છે.

રચના જેટલી પઠનમનોહર છે તેટલી જ ગેય-ગાનધર્મી-તાથી ભરીભરી પણ. ઉર્દૂમાં જેને નજન કે નગ્મા કહે છે તે કાવ્યપ્રકારની રચનાઓ સાથે પ્રસ્તુત રચનાનો આંતરબાહ્ય સંવિધાનનો નિકટનો ગોત્રસંબંધ જોઈ શકાય.

એકમાત્રિક અને દ્વિમાત્રિક શ્રુતિની ત્રિકલ આવૃત્તિથી રચાતી આ બહર ઉર્દૂ કાવ્યમાં ભિન્નભિન્ન રીતે અને ક્વચિત્ થોડાં પરિવર્તનો સાથે પણ પ્રયોજાતી જોવા મળે છે. ‘અભી તો મૈં જુવાન હૂં’ કે (૧) કારવાં ગુઝર ગયા, ગુબાર દેખતે રહે. પ્રથમ ઉદાહરણની માદકતાનો અહીં સૂઝ અને ક્ષમતાપૂર્વક પરિહાર કરવામાં આવ્યો છે તો દ્વિતીય ઉદાહરણના અવસાદનો યત્કિંચિત યથાવશ્યક સ્વીકાર.

આ ઉપરાંત, ‘सबिंदुसिंधुसुस्खलतरंगभंगरंजितं’ કે ‘जटाकटाहसंभ्रामन्ध्रामन्निलिंपनिनिर्झरी’ — એ નર્મદાષ્ટક અને શિવતાંડવસ્તોત્રના પંચચામર કે નારાચછંદના સંસ્કાર ગૌણભાવે પદાવલીની શ્લિષ્ટતા પૂરતાં અહીં ઝિલાયા હોય તેમ જોઈ શકાય છે. ચારણી છંદ સમાનિકા કે આપણા ગુલબંકીનું પણ અહીં સ્મરણ થાય. આમ છતાં સમગ્ર છંદ સમાનિકા કે આપણા ગુલબંકીનું પણ અહીં સ્મરણ થાય. આમ છતાં સમગ્ર રચનારૂપમાં નજમની ઝાંય વિશેષ અનુભવાય. મકરંદભાઈ તથા હરીન્દ્રભાઈનું આ યુગપત્ પ્રસ્થાન ગુજરાતી ગીતકવિતાને એક આગવું પ્રદાન છે.

મંદ્રના આલાપની જેમ આ રચના આરંભાય છે — રૂઢ મધ્યયતિયુક્ત, ‘ફરી ઉદાસ’ના પુનરાવર્તનવાળા બે સંતુલિત વાક્યખંડો દ્વારા. સ્પર્શગ્રાહ્ય ‘હવા’ અને ‘દૃષ્ટિગ્રાહ્ય ચમન’ પર ‘ઉદાસ’ત્વની મનોગ્રાહ્યતા કે મનોવ્યાપ્યતાના અધ્યારોપ દ્વારા સારોપા અતિશયોક્તિનું એક સમગ્ર રચનાવ્યાપી વાતાંદોલન રચાય છે. ‘ફરી’ પદ અને તેની દ્વિરુક્તિ દ્વારા અનુભૂતિની અપૂર્વતા તથા અનન્યતાનો સાભિપ્રાય નિષેધ તેની તીવ્રતા તથા ઉત્કટતાને રચનાના આરંભપૂરતી સંયંત્રિત કરવા અર્થે હોય તેવું સમજાય છે, કેમ કે અભિવ્યક્તિને ઇષ્ટ અનન્યતા અને ઉત્કટતા પછીની પંક્તિમાં સિદ્ધ કરવાનું લક્ષ્ય છે. એટલે તો તરત જ મધ્યયતિ ઓગળી જઈ પંક્તિ સળંગ, અનવરુદ્ધ વહે છે —

નિગૂઢ સ્પર્શ પાનઘર તણો શું આસપાસ છે!

કાવ્યનું શીર્ષક ‘પાનખર’ છે. ત્રણ વખત અને તે પણ ધ્રુવપંક્તિઓમાં ‘પાનખર’પદ પ્રયોજ્યું છે. છતાં કાવ્યનું કેન્દ્ર પાનખર નથી. કેન્દ્ર તો છે તેનો ‘નિગૂઢ સ્પર્શ!’ પાનખર તો ‘ફરી’, ‘ફરી’ આવે ને જાય. પણ એની સહચરી ઉદાસીનો ‘નિગૂઢ સ્પર્શ’ તો ક્વચિત્ જ અનુભવાય. તો રચના પાનખરવિષયક નથી. પછી પણ પાનખરની કોઈ વિગત નથી પાન ખરતાં નથી પણ બીજું કશુંક ઘણું બધું ખરી પડે છે. રચના કેવળ ઉદાસી વિશે પણ નથી. ઉદાસી યે કૈં સર્વથા અજાણી ન હોય. આસપાસનું ઉદાસ તો રચનાનું આરંભબિંદુમાત્ર. રચના ખરેખર તો કોઈક અદ્યાવધિ અપરિચિત નિગૂઢ સ્પર્શ વિશે છે. જેનાં બાહ્ય લક્ષણો ઉદાસીના અનુભવને મળતાં આવે છે એટલે એને કહેવો હોય તો કહેવા પૂરતો ઉદાસીનો સમાનજાતીય અનુભવ કહી શકાય. નિગૂઢનો સ્પર્શ પણ ત્વચાગ્રાહ્ય કરતાં મનોગ્રાહ્ય વિશેષ છે.

નિગૂઢ સ્પર્શ નિગૂઢ છતાં ક્રમેક્રમે પ્રકટ થતો અને એની લાક્ષણિકતાને પ્રકટ કરતો રચનાને અતિ સંયત એવો એક મંદ મંથર ઉઘાડ જે આપે છે તે પરમ આસ્વાદ્ય છે.

પ્રસન્નતાથી ભર્યાભર્યા રાગનો ગુંજનરવ વિલુપ્ત થઈ રહ્યો છે. કશુંક પ્રસન્નકર ઓસરતું જતું નિઃશેષ થઈ રહ્યાનું નિરૂપણ અહીં શ્રુતિગ્રાહ્ય કલ્પન દ્વારા થયું છે. કોઈક લહરના પ્રગાઢ રહસ્યમય સ્પર્શથી મહેકતા પરાગના શ્વાસ સમેટાઈ ગયા છે. અહીં ઘ્રાણસંવેદ્ય લ્પનનો વિનિયોગ થયો છે.

અવશિષ્ટ જે છેલ્લું કિરણ, તે પણ વિલુપ્ત થવાની આ ક્ષણ અને ત્યાં સુધીનો જ તો ઉજાસ — આ બધું જ ઇન્દ્રિયપરિગૃહ્યમાણ જાણે કે નિગૂઢ ઇન્દ્રિયાતીતમાં વિલીન થવાનું છે, આ સાર્વત્રિક, અપરિમિત આસપાસમાં આ બધું જ પરિમિત આસપાસ ઓગળતું જશે!

જે લોચનો આ નિગૂઢ સ્પર્શથી જે પ્રતીક્ષામાં જ કદાચ સતત નિર્નિમેષ રહ્યાં હતાં તે પ્રતીક્ષાનોય જાણે કે અંત આવી જતાં હળુહળુ બિડાઈ રહ્યાં છે. આ પરિદૃશ્યમાન જગતના રંગમંચને સ્વયં રાત્રિ જ અદર્શનના અંધકારથી હવે તો સજે… હવે દૃશ્યકલ્પનોનો, દૃશ્યનો અને દૃષ્ટાનોય લોપ, અવશિષ્ટ કેવળ નિગૂઢ સ્પર્શ (બંને અંતરાનું પ્રાસકૌશલ્ય અત્યંત ધ્યાનાર્હ છે.)

છતાં હૃદયમાં ભાર ભાર છે — નિગૂઢ સ્પર્શનાં વિરલ સંવેદનનો ગૌરવભાર… અધર પે પ્યાસ અને એટલે જ તો આ કવિતા…

(ભમરો વાત વહે ગુંજનમાં)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book