શરણાઈવાળો વિશે – ચંદ્રકાન્ત શેઠ

દલપતરામ કવિ

શરણાઈવાળો

એક શરણાઈવારો સાત વર્ષ સુધી શીખી,

કવિ દલપતરામનું આ એક અતિપ્રસિદ્ધ કાવ્ય છે. દલપતરામ તો જનતાના કવિ. જનતાએ એમને `કવીશ્વર’ માનેલા. `કવિ તો જનતાનું મુખ’ – એ વ્યાખ્યા એ કવીશ્વરને બરાબર લાગુ પડે. જનહિત એમના હૈયે. કવિતાકસબનો ઉપયોગ પણ તેમણે જનહિતાર્થે જ કર્યો કવિકર્મ ને કવિધર્મની સાર્થકતા તેમણે કવિતા દ્વારા અપાતા નીતિશિક્ષણ ને સંસ્કારઘડતરમાં જોઈ. તેમણે રસરીતિ ને નીતિના સમન્વય દ્વારા જે પથ્ય કાવ્યરસ પીરસ્તો તેનો સ્વાદ આપતી દલપતરામની એખ શકવર્તી રચના તે આ `શરણાઈવાળો’.

`રચ્યા છે રૂડા છંદ દલપતરામે’ – એ ઉક્તિનું સમર્થન પણ આ રચના કરે છે. આ છંદ-રૂડપ કાન્તની છંદ-રૂડપ કરતાં જુદા પ્રકારની – કહો કે, વિશેષે પદ્યકૌશલનો રચો કરાવનારી. અહીં દલપતરામના પ્રિય છંદ મનહરની રૂડપ માણવા મળે છે. એમાંથી દલપતરામની વર્ણાનુપ્રાસ, યમકપ્રાસ વગેરે પરની પ્રભુતા કેવી છે તે પણ પામી શકાય છે.

આ રચના પદ્ય-ટુચકા જેવી છે. તેમાં ટુચકાની સચોટતા-ચમત્કૃતિ છે, લાઘવ છે અને કહેવત સરખી છેલ્લે ઉક્તિ પણ સિદ્ધ કરી છે. આમ, આ રચના સ્ફટિક-શી પહેલદાર લાગે છે.

આ રચનામાં એક શરણાઈવાળા કલાકારની ઘટના છે. શરણાઈ લોકવાદ્ય છે ને શાસ્ત્રીય વાદ્ય પણ. જે વાદ્ય શીખવામાં શરણાઈવાળાએ એની જિંદગીનાં સાત વર્ષ આપ્યાં હોય એ વાદ્યનો એ સાચો વાદક – કલાસાધક તો ખરો જ. દલપતરામ જણાવે છે તેમ, એ શરણાઈ પર એવી સરસ રીતે રાગરાગિણી છેડે છે કે તેનાં સમાજમાં વખાણ થાય છે. એની શરણાઈવાદનની કળા એ રીતે સુપ્રતિષ્ઠિત થયેલી છે.

આ શરણાઈવાળો માગણની કક્ષાનો નથી; એનામાં કલાકારનાં ખમી અને ખુમારી છે. એ અજાચક વ્રતધારી છે. જીવનમાં માગવું તો બસ, એક જ વાર માગવું એવી એની ટેક છે. એ ટેક પ્રમાણે તો એક શેઠને પોતાની શરણાઈ સંભળાવવા તૈયાર થાય છે. શરણાઈવાળાએ દેખીતી રીતે જ એવો શેઠ પસંદ કર્યો કે જેની પાસે સારી એવી ધનદોલત હોય; જે મોકળાશથી ઇચ્છે તે લક્ષ્મીદાન કરી શકે. એ રીતે શરણાઈવાળાએ પોતાના કલાવાદ્યના ભાવક તરીકે જે શેઠની પસંદગી કરી એનું ધમ એણે જોયું, પણ મન જોયું નહીં અને એ કારણે એક લકાકાર તરીકે જિંદગીમાં કદી ન કરવી ઘટે એવી મોટી ભૂલ કરી બેઠો. જે શેઠને એ શરણાઈ સંભળાવવા માગતો હતો એ શેઠ તો કેજૂસ હતા. ચમડી તૂટે પણ દમડી ન છૂટે એવી કક્ષાના. એ શેઠને ધનનું મૂલ્ય હતું; કલાકારની કલાનું કે કલાકારના જીવનનું કે એના મનનું એમને કોઈ મૂલ્ય નહોતું. શરણાઈવાળાની શરણાઈ વગાડવાની કલા એમને મન `કારીગરી’થી વિશેષ નહોતી. શરણાઈવાળાએ સાત સાત વર્ષ જે શરણાઈને શીખવામાં ગાળ્યાં એ શરણાઈના સંગીતમાં પેલા શેઠની કશી જ દિલચસ્પી વરતાતી નથી. એમને તો કલાકારની શરણાઈ વગાડવાની મસ્તી ને ખુમારીયે સ્પર્શતી નથી. એ શેઠ તો માને છે કે શરણાઈવાળાએ જે શરણાઈ વગાડી તે તો પોલી હોવાથી વાગી; એમાં શરણાઈવાળાએ શું ધાડ મારી! પોલું હોય તો વાગે. સાંબેલા જેવી નક્કર શરણાઈ હોય, ને તે જો શરણાઈવાળો વગાડે તો એણે કંઈક ધાડ મારી એમ કહેવાય! આમ, આ શેઠ શરણાઈવાળાને કશું ધનદાન કરવું ન પડે એવી યુક્તિ જાણતાં કે અજાણતાં અજમાવે છે. પેલા શરણાઈવાળા કલાકારને એ `સાંબેલું બડાવે તો હું જાણું કે તું શાણો છે.’ – એમ કહીને સાવ કોડીનો કરી દે છે! કલાકારને એ એવો આઘાત આપે છે કે એને કળ ન વળી શકે. કલાકારની કલાની કદરદાની તો વેગળી રહી, ઊલટું એને `ફોગટ ફુલાતો’ ફૂલણજી કહીને ભાંડે છે! આમ, જેમ અપાત્રે કરેલું દાન વ્યર્થ જાય છે, તેમ અપાત્રે (અપાત્ર આગળ) કરેલું ગાન(-વાદન) પણ વ્યર્થ જતું હોય છે. અહીં એવું થતું જોઈ શકાય છે.

કલાપીએ કહ્યું જ છે : `ભોક્તા વિણ કલા નહીં.’ કલા દ્વિમુખી વ્યાપાર છે. સર્જક અને ભાવક સહૃદયતાના સંબંધે સંકળાય, એમનો એ રીતે ભાવાત્મક સેતુ – સર્કિટ બંધાય ત્યારે આનંદમય ચેતનાનો કલાત્મક પ્રકાશ પ્રગટે છે. અહીં એવું થઈ શકતું નથી. શરણાઈવાળો કલાકાર હોઈ સંવેદનશીલ છે પણ સામે પક્ષે શેઠ ધીટ અને જડસુ છે. શરણાઈવાળો આવા શેઠ આગળ પોતાની કલા પ્રસ્તુત કરવાની બેવકૂફી કરી અજાણતાં પોતાની કલાનું અપમાન થાય એવી પરિસ્થિતિના નિર્માણમાં નિમિત્ત બન્યો. શેઠે તો કલાકાર ને કલા પ્રત્યે બેઅદબી કાધવી, પરંતુ કલાકારે-શરણાઈવાળાએ શેઠ જેવા અપાત્ર શ્રોતાની ધનલાલસાએ પ્રેરાઈ પોતાની કલાના ભાવક તરીકે પસંદગી કરી અજાણતાં પોતની કલાની બેઅદબી કરી અને એને શેઠનું નફટાઈભર્યું `સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે!’ – જેવું વચન સાંભળવું પડ્યું અને એ શેઠ દ્વારા અપમાન બેઠતાં પોતાને વરવી – હાસ્યાસ્પદ ભૂમિકામાં મુકાવું પડ્યું. કલાકારનું શાણપણ, એનો યોગ્ય કલાવિવેક પોતાની કળાના સુપાત્ર શ્રોતાની – ભાવકની પસંદગીમાંયે પ્રગટ થવો જોઈએ. એવું અહીં ન થયું ને પરિણામે સંપત્તિની સત્તા સામે કલાની ગુણવત્તાને, બેહૂદી – અપમાનિત પરિસ્થિતિમાં કલાકાર મુકાતાં, વેઠવાનું આવ્યું.

આમ, આ કાવ્યમાં દલપતરામની કાવ્યચાતુરી બરોબર ખપ લાગ્યાની પ્રતીતિ થાય છે. આ કાવ્ય વસ્તુધ્વનિનું એક ઉમદા ઉદાહરણ પણ બને છે. અહીં શેઠના ધીટવચન દ્વારા કલાગત-ભાવનાગત ઘટના સંબંધનો મર્મ સચોટ રીતે વ્યંજિત થાય છે. આ કાવ્યની છેલ્લી પંક્તિ તો લગભગ કહેવત જ બની ગઈ છે! દલપતરામે સભારંજની શૈલીમાં અહીં માર્મિક કલાબોધ આપવામાં – રસબોધ સિદ્ધ કરવામાં પ્રશસ્ય નિપુણતા દાખવી છે એમ કહેવું જોઈએ.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book