ધમાલ ન કરો – હરીન્દ્ર દવે

રા. વિ. પાઠક

છેલ્લું દર્શન

ધમાલ કરો, જરા નહિ નેનભીનાં

જ્યારે જીવનમાં સૌથી વધુ સંક્ષુબ્ધતા પથરાઈ જાય છે, એ ક્ષણનું આ ચિત્ર છે: જ્યારે મન અશાંત બની જાય, હૃદય કકળી રહ્યું હોય ત્યારે, અચાનક જ કોઈ કહી ઊઠે—‘ધમાલ ન કરો’ અને આપણે સ્તબ્ધ બની જઈએ છીએ; પછી જ્યારે ચોધાર આંસુ નેત્રમાંથી પ્રગટવા મથી રહ્યાં હોય ત્યારે અચાનક જ કોઈ આજ્ઞાના રણકા સાથે કહે — ‘નહીં નેનભીનાં થશો…’ ત્યારે થોડુંક કરુણ વિસ્મય અનુભવીએ છીએ.

વિષાદની પરમ ક્ષણનું આ ચિત્ર છે. એ ક્ષણ રુદનથી ભીની ન કરવા માટે કવિ કહે છેઃ આ વૈયક્તિક અનુભૂતિની તીવ્રતમ સંવેદન-ક્ષણમાં મન સાથે કરાયેલો સંવાદ છે.

આ જે થોડીક ક્ષણો મળી છે એને નેત્રનાં જળથી ધોઈ નાખવાનો કોઈ જ અર્થ નથી.

કોઈક આત્મીય સ્વજનનું મૃત્યુ થયું છે—એ સ્વજન કોણ એ જાણવા માટે એક ઉતાવળી નજરે સોનેટની છેલ્લી બે પંક્તિ સુધી જઈ આવવું પડશે. જેની સાથે અગ્નિની સાક્ષીએ મળ્યા અને અગ્નિની સાક્ષીએ છૂટા પડ્યા એ સ્વજન પત્નીના અવસાન પ્રસંગે લખાયેલી આ કૃતિ છે.

મૃત્યુ માણસને સ્તબ્ધ બનાવી દે છે — અને પછી અશ્રુતર, પણ એ ક્ષણે અશ્રુને ખાળીને કંઈક ગંભીર વિચારણા કરનારને જ એ અવસરની કૃતાર્થતા સમજાય છે. અશ્રુ સારી લેવાં એ વેદનાને ભૂલવા માટેનો સૌથી સરળ રસ્તો છે. પણ કશુંક જે મૂર્ત હતું તે હવે અમૂર્ત બની રહ્યું છે. એની છેલ્લી જ ઝાંખી હવે મળી શકે એમ છે. આ ક્ષણે આંસુનો પડદો આંખની આડે આવશે તો કશું જ નહીં દેખાય. જે મંગળતાનું વાચક તત્ત્વ હતું તેની ચિરવિદાયની ક્ષણ હમણાં જ લોપાઈ જશે.

આ ક્ષણને આંસુની અર્ચના ન આપોઃ અગરુ, દીપ, ચંદન, ગુલાલ અને કુંકુમથી એને અર્ચો. એને શ્રીફળ અને પુષ્પ ધરોઃ આ જીવનો ફરી યોગ થવો શક્ય જ નથી. તો આ જે ક્ષણ છે એને એળે ન જવા દો.

જ્યારે કોઈક ચિરવિદાય લઈ રહ્યું હોય ત્યારે આપણો પ્રયત્ન એનાં સ્મરણ-ચિહ્નો જાળવવાનો હોય છે — પરંતુ કોઈ પણ સ્થૂળ વસ્તુ ક્યારેય આપણા એ નિકટના સ્વજનનું પૂરક બની શકે ખરી? સ્મરણચિહ્નો ફોગટ હોય છે — ‘મરીઝ’નો એક શેર અત્યારે યાદ આવે છેઃ

તને ભૂલી જઈશ હું એવી
            શંકા હોય છે એમાં
     મને ના યાદ રૂપે આપજે કોઈ
                 નિશાનીને.

અહીં કવિ એથી પણ આગળ જાય છે અને કહે છે કે પ્રિયજનનું હૃદયસ્થાન હવે કોઈ સ્મરણ લઈ શકે એમ નથી. — એમના સ્મરણ માટે હવે કોઈ જ ચિહ્ન જરૂરી નથી.

પરંતુ કોઈ ચિહ્ન નથી હોતું ત્યારે જ સ્મરણ સૌથી વધારે તીવ્ર હોય છેઃ છબી દીવાલનો નાનકડો ખંડ જ રોકે છે; પરંતુ છબી ઉઠાવી લો, પ્રિયજનનો એ ચહેરો આખી યે દીવાલને ભરી દેશે. તમે જ્યારે આંખનાં આંસુને અટકાવો છો ત્યારે જ એ વધારે વેગથી વહે છે, તમે ધમાલ ન કરવા કહો છો ત્યારે જ અસ્વસ્થતા સૌથી વધારે હોય છેઃ આ ભારેલી વેદનાની સ્વસ્થ અભિવ્યક્તિની પરાકાષ્ઠા છેલ્લી બે પંક્તિઓમાં આવે છેઃ

અગ્નિમાં પ્રિયજનના પાર્થિવ અવશેષો વિલય પામી રહ્યા છેઃ જે અગ્નિની સાક્ષીએ પ્રિયજનનું મિલન થયું હતું — એની જ સાક્ષીએ આ વિદાયનું દૃશ્ય પણ ભજવાઈ રહ્યું છે — અને અશાંત મનમાંથી ચિત્કાર જાગે છે —

ધમાલ ન કરો—

(કવિ અને કવિતા)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book