અવની પરથી નભ ચઢ્યું વારિ કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

ગોવર્ધનરામ ત્રિપાઠી

અવની પરથી નભ ચઢ્યું વારિ

અવની પરથી નભ ચઢ્યું વારી,

સરસ્વતીચંદ્ર દેશપ્રીતિ અને લોકકલ્યાણની ભાવનાઓનું સેવન કરનાર બુદ્ધિમાન ને સૌમ્યાશથી યુવાન સજ્જન છે. એનું વેવિશાળ કુમુદ સાથે થયું છે. પણ લગ્ન થાય તે પહેલાં તે ગૃહત્યાગ કરીને ચાલી નીકળે છે. કુમુદના પિતા કુમુદને સુવર્ણપુરના કારભારી બુદ્ધિધનના પુત્ર પ્રમાદધન સાથે પરણાવી દે છે. ફરતો ફરતો સરસ્વતીચંદ્ર સુવર્ણપુર જઈ ચડે છે ને બુદ્ધિધનને ત્યાં નવીનચંદ્રને નામે રહે છે. કુમુદ તેને ઓળખી જાય છે. ને તેને લાગ્યાં જ કરે છે કે સરસ્વતીચંદ્ર લોકકલ્યાણનાં મહાન કાર્યો કરવાને નિર્માયો છે, ખોબા જેવડા એક દેશી રજવાડાની નમાલી ખટપટોમાં જીવન વેડફી નાખવા માટે નહિ. એટલે એનું સ્થાન નાનકડા સુવર્ણપુરમાં નહિ, પણ માનગરી મુંબઈમાં હોય. તેથી એક દિવસ રાત્રે એ નવીનચંદ્રના ઓરડામાં જઈ, તેના ખિસ્સામાં એક પત્ર મૂકી આવે છે. આ કાવ્ય તે પત્રનો એક અંતરંગ ભાગ છે.

કુમુદ કહે છેઃ જળનું સ્વાભાવિક સ્થાન છે પૃથ્વીતલ. એના પરથી એ વરાળ થઈને ઊંચે આકાશમાં ચડે ખરું, પણ વહેલુંમોડું એણે પાછા આવી જવાનું હોય છે, હતાં ત્યાંને ત્યાં, પૃથ્વીના તલ પર જ. ગરીબનું નસીબ ગરીબ જ હોય. અમે પૃથ્વીતલ પરનાં જળનાં બિન્દુ જેવાં; ને તું ભાવનાઓના નિરવધિ ગગનમાં યથેચ્છ વિહાર કરનારો ગરુડરાજ! પૃથ્વી પરનું જલબિન્દુ કંઈક પૂર્વકર્મને યોગે આકાશમાં ચડ્યું ને ત્યાં સેલતા ગરુડરાજની પાંખોના સંપર્કમાં આવ્યું. જળ તો હતું જળ જ–રંગહીન, રૂપહીન, પઆ ગરુડરાડની સોનેરી પાંખના પરિચયમાં આવતાં તેની શોભા ખીલી નીકળી ને એ પણ સુ-વર્ણ ને સુભગ બની ગયું. પણ ભાગ્ય એનું ટૂંકું. એટલે એની આ સમુન્નત દશા લાંબું ટકી નહિ. ગરુડરાજ સાથેનો સંપર્ક પૂરો થયો. ને એ હતું તેવું જ રંગહીન અને રૂપહીન થઈને પટી ગયું પાછું પૃથ્વી પર. અમે અલ્પભાગ્ય અબલાજનઃ પૂર્વભવમાં પાપ કરતાં કંઈક પાછું વાળીને જોયું હશે એટલે તારા જેવા ઉદારચરિત સાધુજનના પરિચયમાં આવ્યાં. તારા સંપર્કને લીધે અમારા જીવનમાં પણ ભાવનાશીલતાનું સૌંદર્ય કંઈક ખીલ્યું. પણ ભાગ્ય જ અમારું ટૂંકું; એટલે તારી સાથેનો અમારો પરિચય ઝાઝું ટક્યો નહિ. અમારા વ્યોમવિહારનો, અમારા આદર્શપરાયણ ભાવના જીવનનો ઘડીમાં અંત આવ્યો ને અમે આવી પડ્યાં પાછાં, હતાં ત્યાં ને ત્યાં.

તારા જેવાના સંપર્કને પરિણામે અમને ઉચ્ચ અને અભિજાત ભાવનાઓના ગગનમાં વિહાર કરવાનું ઘડીક મળ્યું હોય ભલે, પણ અમે સંસારના જીવ. વહેલામોડાં પાછાં સંસારમાં જ ખૂંપી જઈએ તેમાં નવાઈ નથી. નવાઈ તો તું, અગાધ આકાશમાં ઊંચે ને ઊંચે વિહારનાર પક્ષિરાજ, આ પૃથ્વી પર આવે ને પૃથ્વી પર જ રહી જાય એ વાતની હોય. તારા જેવો દેશોદયનાં મહાન અને ભવ્ય સ્વપ્નોનો પ્રતિભાસંપન્ન શિલ્પી આ ખોબા જેવડા દેશી રજવાડામાં આવી તેના કાવાદાવાના કીચડમાં ખૂંપી જાય એ કેવું? તારે તો ભાવનાઓના અને આદર્શોના ગગનમાં વિહરવાનું હોય; તેને બદલે આ ક્ષુદ્ર અને મલિન વાતાવરણમાં તું ક્યાંથી ફસાયો? આ તો પક્ષહીનનો દેશ છે. અહીં કોઈને પાંખ નથી. કોઈમાં ભાવનાઓ અને આદર્શોના ગગનમાં વિહાર કરવાની આય નથી. કોઈની નજર પોતાના પગની પાનીથી આગળ જતી નથી. કોઈને કોઈની પડી નથી. સૌ મશગુલ છે પોતપોતાના તાનમાં, પોતપોતાની ચાલબાજીમાં. તારું સ્થાન અહીં ન હોય. ઊડી જા, ઊડીને ચાલ્યો જા તું જ્યાંથી આવ્યો છે ત્યાં, ઊંચા ને અમાધ આકાશમાં. તું ગરુડ, સોનેરી પાંખોવાળો પક્ષિરાજ. તારી પાંખો પ્રસારીને ઊડ તું રસધર મેઘમાળાની વચ્ચે ને રચ તેમાંથી રસયંત્રો; ગગનસ્પર્શી કલ્પનાવિહારો વડે કર નવરસરુચિરા સૃષ્ટિની નિર્મિતિ. તારે તારી પાંખો વડે આખા અનંતા નંત આકાશને માપી લેવાનું હોય ને પૃથ્વીના આ પંકિલ ખાબોચિયામાં નહિ પણ સૂર્યકિરણના સરોવરમાં અંઘોળ કરવાના હોય. બુદ્ધિ કે કલ્પના કોઈના પર કશું જ બંધન કે નિયંત્રણ સ્વીકાર્યા વિના, તારે જ્ઞાન અને તેજની આ ભૂમિમાં મહાલવાનું હોય.

તું સોનેરી પાંખોવાળો ગરુડરાજ; તું જ્યારે આ પૃથ્વીતલથી ઊંચે પર્વતના શિખર પર, પર્વતના શિખરથી ઊંચે વાદળોમાં, વાદળદળથી ઊંચે આકાશમાં અને ત્યાંથી પણ ઊંચે ને ઊંચે ઊડતાં ઊડતાં દૂર દૂર પહોંચી જશે ને તારી સોનેરી પાખોની ભભક સૂર્યનારાયણનાં સોનેરી કિરણોના અંબાર સાથે એકરૂપ થઈને તેમાં ભળી જશે—ઊંચે ને ઊંચે ચડતાં માત્ર ઘર કે નગરના જ નહિ, પ્રદેશ કે દેશના જ નહિ પણ જગતના ઉત્તમોત્તમ લોકહિતચિંતક મહાત્માઓમાં તું સ્થાન મેળવી લેશે ને તારો ડંકો દશે દિશાઓમાં વાગશે—ત્યારે અમે આ પૃથ્વી પર રહ્યે રહ્યે પણ તારી કીર્તિને જોઈશું, તેનો મહિમા ગાઈશું ને અમારા ઉરમર્મથી તેનું અનુમોદન કરીશું. તારો માર્ગ જ સાચો છે એવી હૃદયની પ્રતીતિથી આનંદ પામીશું.

હળવા કર્મનાં અમે; એટલે તારી સાથે અમારો પરિચય થયો તો પણ તે લાંબું ટક્યો નહિ; ને અમે આવી પડ્યાં અહીં, કેવળ પશુદશામાં જીવતા માનવનામધારીઓની વચ્ચે. દેશપ્રીતિ અને લોકકલ્યાણના ભાવનાગગનમાં વિહાર કરવાનું અહીં અમારાથી તો હવે ક્યાંથી બને? પણ તું અમારો પ્રિય, મુગ્ધ સ્ત્રીજનના હૃદયની પ્રથમ પ્રીતિનું અધિષ્ઠાન, વિમાનગતિ કરે — વિમાનની માફક આકાશમાં ઊંચે ઊડે, મહાન અને ભવ્ય આદર્શો સેવે અને એ જોઈને અમે રાચીએ, એટલું જ ભાગ્ય અમારું તો હવે રહ્યું છે. એટલું ભાગ્ય તો હવે રહેવા દે; ને અહીંથી ચાલ્યો જવાને બદલે તું પણ અહીં પડ્યો રહેશે ને અમારી જેમ વ્યવહારના કાદવમાં ખદબદતો કીડો જ બની જશે તો અમારા દુર્ભાગ્ય પર આંસુ સારીને બેસી રહેવા સવાય અમે કરીશું શું?

(આપણો કવિતા-વૈભવ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book