કલ્પન-પંખીઓનો મુક્ત ગગનવિહાર… – રાધેશ્યામ શર્મા

તડકો

લાભશંકર ઠાકર

પરોઢના ઝાકળમાં તડકો

કવિવર લાભશંકર ઠાકરનાં બે કાવ્યો, તડકો–૧ અને તડકો–૨ વાંચતાં, ફરીફરી વાંચતાં એમના લયલીલાનાં લાવણ્ય સાથે લેજીમદાવ પણ અનુભવાય! વળી લયનું અનુસંધાન ફ્રી-એસોસિએશન, ઇમેજિનેશન જોડે એટલું સહજ હોય કે મુક્ત સાહચર્યો અને કલ્પનમય કલ્પના વચ્ચે સાંધો શોધવો દુષ્કર લાગે. શોધી શકીએ તોપણ — સુન્દરમ્ એમને ગમતા છંદ પૃથ્વીનો ભંગ કરે ત્યારેય કાવ્યની આકૃતિ વિકૃત નહોતી લાગતી — એના જેવા ખેલ માણવા મળે.

લાભશંકર એક ઉન્મુક્ત બેફિકર કવિ લેખે મને, બ્રિટિશ લેખક જેરાલ્ડ બ્રેનાનની કલ્પના વિશેનાં મંતવ્યની હરોળમાં બેસતા વરતાય છે :

‘Imagination means letting the birds in one’s
head out of their cages and watching them
fly up in the air…’

‘(Thoughts in a dry season’, ૧૯૭૮)

લા૰ઠા૰નું જે કાંઈ સફળ કવિકર્મ છે એનો નિષ્કર્ષ પણ કંઈક આવો નીકળે. તેમની તરલસરલ સર્જકચેતનામાંથી શબ્દપંખીઓને પાંજરામાંથી બહાર કાઢી આકાશમાં ઉડાડવાનો લુત્ફ તે લૂંટતા રહ્યા — છાંદસ્, અછાંદસ્ના બહુરંગી સળિયાની પરવા કર્યા વગર.

‘તડકો–૧’માં પંખી ઝડપાયું છે ને –

વાડ પરે એક બટેર બેઠું બટેર બેઠું બટેર બેઠું
ફફડે ફફડે ફફડે એની પાંખ

ત્રણ વાર બટેર બેઠું અને ફફડેને ત્રણ વાર એક જ રિધમમાં પ્રયોજી કલમ અટકી નથી, ‘ફફડે એની પાંખ’ સાથે પ્રાસયોજના અને કલ્પના ઊડીને અણધાર્યો કૅમેરા એન્ગલ દર્શાવે છે તે જુઓ :

ફફડે ફફડે ફફડે એની આંખ
દાદાની આંખોમાં વળતી ઝાંખ.’

લોન્ગ શોટ વાડ પરના બટેરને ઝડપી ‘દાદાની આંખોની ઝાંખ’નો ક્લોઝઅપ ધારણાથી અધ્ધરનો વિસ્મયપ્રદ નથી?

કાવ્યારંભે પણ સૂર્યકિરણોની પરિવર્તનગતિને પ્રવાહી રૂપ અર્પ્યું છે :

પરોઢનાં ઝાકળમાં તડકો
પીગળે,
પીગળે પીગળે પડછાયાના પ્હાડ

ઝાકળમાં તડકો, તે અહીં પણ ત્રણ પુનરાવર્તનોમાં (પીગળે પીગળે પીગળે) વિકસ્યો અને કવિ એક નવો જ પહાડ (હનુમાનવત્?) ઉપાડી લાવ્યા : ‘પડછાયાના પ્હાડ!’

(થોમસ માન યાદમાં અવતર્યા, ‘મૅજિક માઉન્ટન’ નવલ સાથે!)

પ્રારંભમાં, ‘ઝાકળ’ ભેળો તડકો, સાથોસાથ પહાડ રચ્યો એ જ સર્ક્યુલર રીતિથી રચનાન્ત આવ્યો :

સવારના શબનમસાગરને તળિયે જઈને અડકું.’

અહીં ‘ઝાકળ’ શબ્દને વિદાય… પછી સમાનાર્થ ‘શબનમ’ શબ્દ ઊતર્યો ‘શબનમસાગર’ નવસ્વરૂપે. સર્જક એના તળિયે જઈને અડકે છે! સમય સવારનો. અહીંયે પડછાયાના પહાડ પીગળ્યા તો છે પરંતુ કર્તા પોતાને ઇન્વોલ્વ કરી, આભાસી પહાડ સાથે પીગળતા જાય છે :

મારી કર કર કોરી ધાર પીગળતી જાય.’

‘કર કર’ના નાદ સમેત કોરી કટ શુષ્ક, સુક્કી ધારને ગળતી-પીગળતી દેખાડી તીક્ષ્ણતાને પ્રવાહિત કરી છે.

મધ્યમાં, દાદાની ઝાંખ સાથે કાવ્યનાયક અવાજના એક ધ્વનિ સાથે પ્રગટ થયો છે :

ઠક્ ઠક્ ઠક્ ઠક્ અવાજમાં
હું ફૂલ બનીને ખૂલું

પછી તો ‘ઝૂલું’, ‘ડૂબું’, ‘કૂદું’, ‘તૂટું’ — પ્રાસની છુક્કછુક્ક ગાડી ભાવકને સૅર કરાવે છે!

તડકો–૨ કૃતિમાં, તડકો–૧નું અનુસંધાન એક આધાર તરીકે ખડું છે. જોઈએ, તડકો–૧ના અંતની પંક્તિઓ :

તૂટું તડકો થઈને
વેરણછેરણ તડકો થઈને

હવે તડકો–૨માં, વેરણછેરણ તડકો ‘ટુકડાઓ’ રૂપે પુન: પ્રવેશ કરે છે :

તડકાના ટુકડાઓ
જ્યારે
અસ્તવ્યસ્ત થઈ
આળોટે
દરિયામાં’…

ઉમાશંકર ‘છિન્નભિન્ન’-તાને જે વૈયક્તિક દૃષ્ટિથી કાવ્યરૂપ નિમિર્ત કરે છે એનાથી વિભિન્ન ‘બિનઅંગત’ રીતે લાભશંકર નિજી લાક્ષણિકતાથી વેરણછેરણપણાને અભિવ્યક્ત કરે છે.

ઉપર્યુક્ત ‘ધાર’ તો અહીં પણ છે : ‘માછલીઓની — મોંફાડોમાં વાગે એની (તડકાની) ધાર.’

સાચાં રે ભાઈ સાચાં
તમેય સાચાં
અમેય સાચાં
સાચાંપહેલાંની પંક્તિ છે :
ઢગલો પંખીનાં ફળ કાચાં

કાચાં સાથે સાચાંનો પ્રાસ બેઠો ને પેઠો. એ તો ઠીક, તેમ છતાં પંખીને વૃક્ષપદે સ્થાપી ‘પંખીનાં ફળ’ દર્શાવવું સ્વાદેન્દ્રિયનો જુદો જાયકો લહેરાવે છે. કાચાં-સાચાંની માયામાંથી નીસરી ઓચિંતી તત્ત્વ-આલાપ કરતી પ્રશ્ન પંક્તિ પ્રસરી છે :

જાણો છો?
સાચજૂઠને સંભોગે છે?’

ભાવક જાણતો હોય કે ના માણતો હોય; ‘તડકા’ સાથે નાયકની એકરૂપી તદ્રૂપતા સંભોગ-શૃંગારમાં, વિશદ ચિત્રકૃતિ સમી મૂર્ત થઈ છે :

કેશ કરીને ઢગલો
આછાં વસ્ત્ર કરીને અળગાં
એકાન્તે વાડામાં લક્ષ્મી
આળસમાં નિરાંતે બેસે ન્હાવા.
તડકો એનું રોમેરોમ સંભોગે.’

અગાઉ, તડકો સર્પની જેમ ‘અંધકારની યોનિમાંથી’ સરકતો દીઠો છે! કોઈ ભાવકને સાચજૂઠને નહીં, કાવ્યમાંથી ગુજરતાં જૂઠ સાચને સં-ભોગતું લાગે તો લા૰ઠા૰ એને પણ ‘યેસ’ કહી ચૂપ કરી શકત, કદાચ…

ઘણી બધી પંક્તિઓ ટાંકી શકાય — જેવી કે ‘તડકો ધોળું પીળું થરકે’… ‘ચંબેલીનાં પાન’, ‘ખિસકોલીના કાન’ વળી તરત ચૅપ્લિન અદાથી ‘ખિસકોલીના કાન બન્યા છે મોટા’ જોઈ શકે લા૰ઠા૰!

મારી ગમતી પંક્તિઓ :

તડકાનું શબ લઈ જાય તડકાનું ટોળું
તડકાની એક ગાય ચરે છે.’  

તડકો એક વચનમાંથી બહુ રૂપે પરિવ્યાપક બની ‘તડકાનું ટોળું’ તડકાના શબને લઈને જાય અને તે જ ક્ષણે તત્કાલ ‘તડકાની એક ગાયને’ ચરતી ચીતરવી એ સર્રિયલ લેખિનીના જાદુગર લાભશંકરની જ કમાલ!

‘નાગા થઈને નાચો’, લા૰ઠા૰ કથી શકે. ‘તડકાનું ચંદન, તડકાના પથ્થરને જઈ અર્ચે’, ‘તડકો બંબં, મંમં’, ‘તડકો તારી બોચીનો છે મેલ’, ‘તડકાની તલવાર વડે તડકાનું માથું કાપો’ (તાત્પર્ય કે આતંકવાદને આતંકવાદની રીતેભાતે ન્યાય આપો) રચનાનો ઉત્તરાર્ધ મૂળ કવિતાનું પૂરું પઠન કર્યા સિવાય પામી નહીં શકાય એટલે અ-ટકું.

હરીન્દ્ર દવેએ ‘સૂર્યોપનિષદ’ રચેલું ને?

લાભશંકરે તિલસ્મી ‘તડકો’ સ્તવન રચી, પૂર્ણાહુતિ કરી આ પંક્તિથી :

તડકો મૂંગો રે
તડકો ભૂંડો રે

એક તરફ કવિતાક્ષેત્રે લા૰ઠા૰ સૂર્યરશ્મિને ભાંડવાની નિર્દંભ વિદ્રોહઘન ચેષ્ટા કરે ત્યારે ભિન્ન પૌરાણિક સંસ્કૃતિ-સંદર્ભ સમા સામવેદનો એક શ્લોક પ્રસ્તુત કરવાનું મન થાય છે :

पवमानस्य विश्ववित् प्र ते सर्गा असृक्षत ।
सूर्यस्येव न रश्मयः ।।

(હે સર્વજ્ઞેશ્વર! પવિત્ર કરતા આપની વૈદિક ઋચારૂપી ધારાઓ એવી વરસે છે — જેવાં સૂર્યનાં કિરણો.)

ઉમાશંકર-સુન્દરમ્‌ના, રાજેન્દ્ર-નિરંજનના યુગ બાદ લાભશંકર-સિતાંશુના રચનાકાળમાં પ્રવર્તમાન સર્જકચેતના પણ — એવી અને એટલી પ્રાંજલ, પરિષ્કૃત અને વિસંવાદી, વિરૂપતામાંયે સૌંદર્યશોધન કરતી પ્રવર્તી છે.

(પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ ૨૦૧૬)

અહીં પ્રસ્તુત કાવ્યપંક્તિઓ શ્રી ચંદ્રકાન્ત શેઠના સંપાદન ‘ખખડતી ખેંચે કવિતા કોણ?’માંથી નોંધી છે. — રા. શ.

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book