અમર આશા વિશે – ચંદ્રકાન્ત શેઠ

મણિલાલ દ્વિવેદી

અમર આશા

કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે;

નર્મદ જેમ `જય! જય! ગરવી ગુજરાત!’થી, કાન્ત જેમ `સાગર અને શશી’થી, કલાપી `આપની યાદી’થી તેમ મણિલાલ નભુભાઈ દ્વિવેદી આ `અમર આશા’ કાવ્યથી સવિશેષ જાણીતા થયા છે. `અમર આશા’ કાવ્ય મણિલાલનું સર્વોત્તમ અને અંતિમ કાવ્ય છે, જેનો ગાંધીજીએ આસ્વાદ કરી – કરાવીને સમાદર કરેલો.

પ્રસ્તુત કાવ્ય દસ શેરની સળંગ ગઝલ છે, જેમાં કવિએ સાદ્યંત રદીફ-કાફિયા જાળવ્યા છે. આ કાવ્ય સૂફી શૈલીમાં રચાયું છે. આમાં જે સનમ અથવા માશૂકનો નિર્દેશ આવ છે તે હકીકતમાં પરમાત્મા માટે પ્રયોજાયેલો છે. આ કાવ્ય સ્નેહ-સમર્પણ અને અવિચલ શ્રદ્ધાનું કાવ્ય છે. કવિની આધ્યાત્મિકતાનાં મૂળિયાં પરમ સ્નેહની – અદ્વૈતની ભૂમિમાં ઊંડાં ઊતરેલાં છે અને તેથી જ કવિ અતિ વિષમ પરિસ્થિતિમાંયે શ્રદ્ધામૂલક સ્વસ્થતા ને સમતા ગુમાવતા નથી.

આ કાવ્યનો આરંભ શેર – મત્લાનો શેર કહેવતની પંક્તિ જેવો બની રહ્યો છે. કવિ કહે છે : ભલે લાખો નિરાશાઓ હોય, પરંતુ એ નિરાશાઓ છતાં, એ નિરાશઓ વચ્ચેય એક અ-મર આશા છે જ છે. અંગ્રેજીમાં કહેવાય છે કે Every could has a silver lining. (અર્થાત્ દરેક વાદળમાં કોઈક રૂપેરી તજરેખા હોય છે.) જીવનમાં ભલે દુઃખો, આફતો ઢગલોબંધ આવે, એ બધાં વચ્ચેય સુખ-આનંદની કોઈ ઊજમાળી આશા તો હોય જ છે. પરમાત્માએ આ સમગ્ર વિશ્વનું સર્જન આનંદ માટે કર્યું છે. તેથી જ આ વિશ્વમાં અનેક કઠોર-કડવા અનુભવો પછી પણ – અંતતોગત્વા તો પ્રસન્નતાનો – આનંદનો અમૃતાસ્વાદ જ મળવાનો છે. કવિને જીવન અને જગતની આનંદમૂલક અને આનંદ પર્વસાયી ભૂમિકામાં અપાર શ્રદ્ધા છે. ગુલાબને કાંટા ઘણા હોય છે પણ એ જ ગુલાબ રમણીય સુગંધીદાર પુષ્પનો લાભ આપણને આપે છે તે કેમ ભુલાય? પેલા કાંટાઓ એના આવા સુકુમાર – સુંદર પુષ્પનાં જતન-રક્ષણ માટેય કેમ ન હોય? જેઓ કાંટા ખમે છે તેઓ ગુલાબના ફૂલના ખરા હકદાર બને છે. દુઃખો તો પરમાત્માના છૂપા આશીર્વાદ સમાં હોય છે. દુઃખોથી આપણી ધાતુ – આપણું સત્ત્વ સોનાની જેમ કસાય છે અને તે વધુ શુદ્ધિ અને દીપ્તિ દાખવે છે. નિરાશાથી હારી જાય એવા જીવનનો શું અર્થ છે? નિરાશાઓનો સામનો કરી, અંધકારનો ઉગ્ર પ્રતિકાર કરી જે પોતાની આંતરજ્યોતિનો પ્રકાશ રેલાવીને રહે એ જ ખરો ઝિંદાદિલ, પુરુષાર્થી જીવ લેખાય.

પરમાત્મા જ આપણી તો પ્રિયતમા! એ આપણને દુઃખ આપે તો તેય આપણા ભલા માટે જ હોય. આપણી જ પ્રિયતમા ખંજર લઈ આપણી સામે આવે તો આપણે શું કાયર થઈને ભાગી જઈશું? એવા ભાગેડાપણામાં તો પ્રેમ જ ક્યાં રહ્યો? પ્રિયતમા એના ખોફનું ખંજર ઉગામે ત્યારેય આપણે તો એની આગળ હસતે મુખે આપણી છાતીને ખુલ્લી કરીને ધરી દેવી જોઈએ. એવી મરદાનગીમાં જ આપણા પ્રેમની – આપણી કુરબાનીની સાચી કસોટી છે.

પ્રિયતમારૂપ પરમાત્મા તરફ દુઃખાદિ જે કંઈ પ્રાપ્ત થાય તે સર્વને એના પ્રેમનો – એની કૃપાનો મોંઘેરો ઉપહાર લેખી – એનું વરદાન લેખીને સ્વીકારવામાં જ આપણી સમજદારી છે; એમાં જ આપણી પ્રીતિની સાચકલાઈ કે ખરાઈ છે. આપણે પ્રિયતમારૂપ પરમાત્મા તરફથી જે કંઈ મળે તે સ્વીકારીનેય એના પ્રત્યેનાં આપણાં સ્નેહ – અદબ – સદ્ભાવમાં રજમાત્ર પણ ઓછપ ન આવે એ જોઈશું. આપણે તો હરહાલતમાં પરમાત્માને ખરેખરો પ્રેમ કરે છે તેને પાછા પડવાપણું હોય જ નહીં. જે ખરેખર પરમાત્મામાં દૃઢ શ્રદ્ધા ધરાવે છે, જે સાચેસાચ આસ્તિક છે તેને હતાશા કે નિરાશા અનુભવવાની હોય જ નહીં. ઈશ્વર જે કરે છે તે સારા માટે. એ ઉજ્જ્વળ શ્રદ્ધાથી આપણે તો પ્રત્યેક ક્ષણને પરમાત્મા પ્રત્યેની પ્રણયની ક્ષણ બનાવીને જ સાર્થકતાનો આનંદ લઈ શકીશું. પરમાત્માને માટે જ આપણી હસ્તી છે. એના સ્નેહના ભરપૂર અનુભવ માટે જ આપણું જીવન છે. આ સંસાર અને સૃષ્ટિ દ્વારાયે આપણે પહોંચવાનું છે પરમાત્મા પ્રતિ. એની સાથેનું અદ્વૈત આપણે તો અનુભવવાનું છે. અને એવા અનુભવમાં તો નિરાશાના તત્ત્વને લેશ પણ સ્થાન નથી.

ખરી વેદના પરમાત્માથી અલગ – જુદા રહેવું પડે – જીવવું પડે એમાં છે. તો પરમાત્માને માટે થઈને ઝૂરવાનું થાય એ તો ઇષ્ટ બાબત છે. પરમાત્માના મિલન માટે, એની સાથે આપણી પૂર્ણ એકતા સધાય એ માટે જે કંઈ સ્વાર્પણ – સમર્પણ કરવું ઘટે તો કરવામાં પાછી પાની ન કરાય. પરમાત્માને તા, કવિ બ્રહ્માનંદ કહે છે તેમ, શિર સાટે મળવાનું હોય છે, હરિના પ્રેમના માર્ગમાં પહેલું મસ્તક મૂકવાનું હોય છે. પ્રેમ કરતાં હૃદયમાં અપાર ધીરજ પણ રાખવાની હોય છે. આપણી ધારણા પ્રમાણે જ્યાં, જ્યારે ને જે રીતે પરમાત્માનું મિલન ઇચ્છીએ ત્યાં, ત્યારે ને તે રીતે તેનું મિલન નયે થાય. તેથી વ્યગ્ર થવાનું ન હોય. પરમાત્મા પ્રત્યે આપણને ખરા દિલનો પ્રેમ થયો, એને ખાતર ઝૂરવાનું થયું, એને માટે રાતોની રાતો ઉજાગરામાં ને વાતોમાં પસાર કરી એ જ આપણી કમાઈ. જેને જીવનમાં પ્રેમ કરવા જ મળતો નથી એનાથી તો આપણે અનેક ગણા સદ્ભાગી ને?! આપણે આપણઆ પ્રેમને ત્યાગ અને સમર્પણ દ્વારા દૃઢમૂર બનાવીએ તો તે ફળદાયી થવીનો જ છે. સાચા પ્રેમમાં તેથી જ, આ પૂર્વે નિર્દેશ્યું તેમ નિરાશાનું હોવું નિરાધાર છે.

સાચા પ્રેમની રીત જગતની રીતથી ન્યારી – નિરાળી હોય છે. નરસિંહ – મીરાં જેવા ભગતોએ જગતના જાતભાતના ઘા ખમીનેય પ્રેમ-ત્યાગમાં અવિચળ – દૃઢ રહીને, સહન કરીને, સ્નેહની સાચી લગન અને શક્તિની સૌને ખાતરી કરાવી છે. સાચી કુરબાનીમાં સાચી શરણાગતિ અને એવી શરણાગતિમાં સાચું દૈવત – ખરી ખુદાઈ હોવાની ગવાહી તેમણે તેમના પ્રેમશૌર્ય દ્વારા પૂરી પાડી છે. ઇશ્કેમિજાજી (મનુષ્યપ્રેમ) હોય કે ઈશ્કેહકીકી (પ્રભુપ્રેમ) સર્વ પ્રકારના પ્રણયજીવનમાં ફનાગીરીનો – કુરબાનીનો મહિમા સર્વોપરી છે. પ્રણયમાં લેવાપણા કરતાં દેવાપણાનો ભાવ મહત્ત્વનો હોય છે. શમામાં ખાક થવા પરવાનાઓનાં તો શીરીન પાછળ કુરબાન થવા ફરહાદ જેવા પ્રેમીઓનાં દૃષ્ટાંતોમાં સમર્પણ પ્રેમના સત્યતેજને કેટલી હદે ઉત્કર્ષકારક થાય છે તે જોવા મળે છે. પ્રેમીઓની કુરબાનીમાં મસ્તી હોય છે; એમની ફનાગીરીમાં ખુદાઈ તેજ હોય છે. તેઓ તો મરીને ખરા અર્થમાં કેમ જિવાય છે તેનો મંત્ર – મર્મ ઉદ્ઘાટિત કરીને રહે છે. સાચો પ્રેમ પરિગ્રહમાં નહીં, પરિત્યાગમાં એનાં ઓજસ – ઉઘાડ દાખવે છે. એ તો પ્રેમીને ખાતર તડપવા ને તૂટવામાં એનું તેજ દાખવે છે. પ્રિયતમારૂપ પરમાત્મા જે કંઈ આપે તે – ઝેર આપે તો તે પણ – પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમથી સ્વીકારી લઈ, તેને આત્મસાત્ કરવામાં જ આપણા પ્રેમની સચ્ચાઈ છે. શંકરની જેમ, મીરાંની જેમ, જીવનમાં ને જગતમાં જે કંઈ ઝેર હોય તે બધું સામે ચાલીને મેળવી, ગટગટાવી જઈ સૌને સ્નેહામૃતનું પ્રદાન કરવું એમાં આપણા પ્રેમીપણાની સાર્થકતા છે.

ગુલાબને આપણી પ્રતીક્ષા છે, પરમાત્માને આપણી પ્રતીક્ષા છે. આપણે તેથી જકાંટાઓને ન ગણકારતાં, એમના થકી પ્રાપ્ત થનારા જખમો – ઘાવોને ગુલબદન પ્રિયતમાના પ્રેમની પ્રસાદીરૂપ લેખીને, એની સાથે સર્વાત્મભાવે એકાકાર થવામાં જ આપણા અસ્તિત્વની સાર્થકતા કે ધન્યતા છે. હજારો ધર્મગુરુઓએ – અભેદ માર્ગના પ્રવાસીઓએ જીવનની પ્રસન્નતા ને સાર્થકતા પ્રિયતમારૂપ પરમાત્માની પાછળ ઝૂરવામાં અને એને ખાતર ખપી જવામાં પ્રતીતિ કરી છે. જેઓ પરમાત્માના પ્રેમના રંગે રંગાઈને, અહંવિગલન દ્વારા આડવાજથી મુક્ત થઈ, પરમાત્મામાં એકરૂપ થઈ નિ:શેષ થતા નથી તેઓ કમભાગી છે, જીવતેજીવ મરેલા જેવા છે. મણિલાલ તો અહીં જેમાં મરીને જિવાય એવા પ્રેમમાર્ગની, કદીયે નિષ્ફળ ન જવાય એવી, અ-મર આશાની સંસિદ્ધિરૂપ અદ્વૈત ભૂમિકાનો નિર્દેશ કરે છે.

આમ, જે પરમાત્માને ચાહે છે, જેનું જીવન પરમાત્માને ચાહવાની ઉત્કટ પ્રક્રિયારૂપ છે તે અદ્વૈત માર્ગના પ્રેમીને તો ક્યારેય કોઈરીતે હતાશ કે નિરાશ થવાપણું હોઈ જ ન શકે. પરમાત્મા સ્વયં ને તેમનું આ સમસ્ત સર્જન આંતરબાહ્ય ભૂમિકાએ હ્યાદૈકમયતાથી જ રસાયેલું છે અને તેથી જ લાખો દુઃખો કે નિરાશાઓ પરમ આનંદ માટેની – પરમ પ્રેમ માટેની આશા – શ્રદ્ધાનો કોઈ રીતે લોપ કરી શકતાં નથી એ હકીકત છે. એ `હકીકતની રફાઈ’માંથી નિષ્પન્ન થયેલું, પરમ ચૈતન્યની પ્રફુલ્લતા ને પ્રસન્નતાને વેધક રીતે અનુલક્ષતું, ઝિંદાદિલીને પ્રેરનારું ને પોષનારું આ સત્ત્વ સુંદર અને દર્શનદીપ્ત કાવ્ય મણિલાલની જ નહીં, ગુજરાતી કવિતાની પણ સમૃદ્ધિ અને સિદ્ધિરૂપ છે. જે વાદળો ઘેરાય છે તે જ જીવનને હરિટાળું કરનારી રસશ્રી અર્પી રહે છે તે અનુભવ જેમ પ્રકૃતિનો છે તેમ સંસ્કૃતિનોયે છે અને તેને મણિલાલે અહીં સૂફી જબાનમાં ને રંગમાં પ્રભાવક રીતે પ્રત્યક્ષ કહી બતાવ્યો છે. ભાવકના જીવનમાં આત્મબળ ને ખમીર પૂરનારાં આવાં કાવ્યો તો વિરલ જ હોવાનાં. આ કાવ્યને વળી વળીને શ્રવણમાં અને ચિત્તમાં ઘૂંટી જે રસ એક કાળે ગાંધીજીએ ગ્રહ્યો – માણ્યો તે આપણેય યથાશક્તિ ગ્રહીએ – માણીએ.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book