પ્રીતપાગલ હાલરડાનો ધ્વનિ-વૈભવ! – રાધેશ્યામ શર્મા

દિલીપ ઝવેરી

હું પ્રેમ કરું છું

મેં તો ખિડકીથી શેરીને,

પ્રેમમાં ‘હું’નો નહિ, ‘તું’નો મહિમા હોય. જ્યારે અહીં તો નાયક વારે વારે ‘હું પ્રેમ કરું છું’ નો ઢંઢોરો પીટે છે. પરંતુ પૂરા પાંચ સોપાન–સ્તબક પરથી પસાર થતાં પ્રતીત થાય કે આ ‘હું’ તો દિલબર ચકોરી’ અર્થાત્ ‘તું’ના ચકરાવે ચઢી બરફની જેમ ઓગળી થીજી પડ્યો છે – પ્રેમપ્રવાહમાં. અહમ્ ‘ફ્રીઝ્ડ’ થયો પણ ચેતના-જ્યોતો તો થીરકતી ફરકતી જ રહે છે વિરલ પ્રેમગીતમાં. અંતિમ પદગુચ્છમાં સાચુકલું મજનૂ રૂપ છતું થયું તે આવું, ‘કે પહેરણ ફાડીને ધૂળ અંગ અંગ ચોળી / લઈ હાથમાં અબીલ ને ગુલાલ’ લઈ નાયક પ્રવર્તે છે.

કાવ્ય પ્રેમનું, સમજી સમજીને પઢવા કરતાં નાયકની વિવિધ વિ-ચિત્ર રંગીન અવસ્થાઓમાં હોવા–ભોગવવાનું છે. આત્મલક્ષી આલાપો–પ્રલાપોમાંનું જલ્પન ભાષાની સામાન્ય અર્થચ્છાયાઓને અંડોળી વિલસ્યું છે. પ્રથમ સ્તબક પછી ત્રીજું અને પાંચમું એના વિલક્ષણ નાદવૈવિધ્યથી ધ્યાનાર્હ બન્યું છે: ‘અલબલિયાં ગલગલિયાં અય્યય્યો હું પ્રેમ કરું છું’, અડબડિયું ગડબડિયું બોલી હું પ્રેમ કરું છું, કાવ્યાન્તે હેલેલુઇઆ હેલેલુઇઆ ડૂબું? હું પ્રેમ કરું છું.’

નાયક જ્યારે આરડી ‘હાય હાય હાટની વચાળ હાથ ઝાલીને માંગ્યું કે’, વળી ત્રીજા સ્તબકમાં ‘એને બાવડેથી તાણીને ચૂમી ઊંચે સાદે ગાય છે ત્યારે બજાર વચાણ માલણ, દરજણ, ધોબણ અને શેરીનાં ટોળાંના સમાજમાન્ય પ્રતિભાવોની સ્પૃહાની એસીતેસી કરે છે. ઊલટાનું આ સૌ પાસે મેંદી–ઝાંઝર–કાજળ મગાવે છે ને વિચારતોપણ નથી કે દિલબરનાં ઝુલ્ફાંને–મેંદી સિવાય–ઝાંઝર–કાજળ સજાવવા કામ નથી આવવાનાં! છેલ્લે ‘લઈ હાથમાં અબીલ ને ગુલાલ’ પ્રિયતમાને ત્રણ વાર લાલ-લાલ–લાલ કરવા નાયક નીકળવા ચાહે છે ત્યાં ૧પ૬૪માં જન્મેલો કવિ ક્રિસ્ટોફર માર્લો ભાવકને ક્વોટ કરવા ઉશ્કેરે છે:

‘Come Live With me and be my love And We Will all the pleasures prove….

…And I will make the beds of roses And a thousand fragrant posies.’

(The passionate shephered to his love)

દિલીપ ઝવેરીનો ‘હીર’ હીરો (રાંઝા માટે?) અબીલ–ગુલાલ વાંછે છે, માર્લોનો નાયક ગુલાબોની શય્યાનો શૃંગાર રચે છે!

ત્રીજો પદગુચ્છ–રોમાન્ટિક કલ્પના ગગનવર્તી વિસ્તરીને ‘સૂરજને છાપરે ઉતારે છે, અને સર્જક એની પ્રિયતમાના જાજરમાન ક્લોઝ–અપમાં નાયકનો સૂક્ષ્મ વૈભવ પ્રદર્શિત કરે છે: ‘હીરાથી મોંઘાદાટ ચળકમ્હેક પરસેવા ગુલગુલગુલ ગાલે…’

રાત્રિને મહાશક્તિ સિદ્ધ કરતી અભિવ્યક્તિ અન્ધકારનું અભિનવ રૂપ ચમકાવી શકી:

આગિયા ટાંકેલું ઝીણું અંધારું ઓઢી
રાત ચાંદને ચડાવે ચકરાવે

પાગલ પ્રેમી પોતાને ‘ઠોઠ જાહેર કરે છે, કે’ છે ‘જાણું નઈ પ્રેમ.’ ચોથા સ્તબકની એક કડી એના અભણપણાનો આલેખ આપે છે: ‘ચિઠ્ઠી લખું તો શાહી લેખણથી લસરીને ધોળા પર રેલી દે સાત’ (આ ‘સાત’ શબ્દનું ભાવકનું સ્વતંત્ર અર્થઘટન–સપ્તરંગી ઇન્દ્રધનુ?) ત્રીજા અને પાંચમા ગુચ્છમાં બે ઉપમા અનુપમઃ ‘ને પોઠ છૂટી બોરીથી વેરાથી ખાંડ જેમ વણરોકી જીભ’ અને ‘જેમ બરફ તરે ઓગળે ને થીજે તે સંગેમરમરી મારી મહેબૂબા.’

અવનવા સમાસ, નામ–ક્રિયાને સંલગ્ન કરી રચનાનિબદ્ધ કરવાની આ સર્જકની કાયમી ખાસિયત અહીં પણ પ્રસ્તુત છે. દા.ત. હાર–છૂટ્યાં, પોઠ–છૂટી, ચળકમ્હેંક–‘દયા રે દયા’, ‘અલ્લા રે અલ્લા’ જેવા હવા હળવા લહેકા રચનાના લયને ઘૂંટે છે.

અન્તે, સ્નેહસમુદ્રમાં ડૂબવાના તરંગતુક્કા ભેળા ‘હેલેલુઇઆ હેલેલુઇઆ’ ધ્વનિઅંશો પ્રીતપાગલ નાયકને બેબ્લિગ–બબડાટ વેરતા બાળકની નિર્દોષ સ્થિતિમાં પ્રકટ કરે છે. સર્જક દિલીપ ઝવેરીની કળાદૃષ્ટિ અહીં યથાર્થ રીતિએ તર્કમિતિ–રિઝનને છાજલી ઉપર ચઢાવી ધાર્યું નિશાન તાકી શકી છે. બ્રિટિશ કવિ રૉબર્ટ ગ્રેવ્ઝ પણ શાહેદી પુરાવવા હાજર છે –

Love is a Universal Migraine
A bright stain on the vision
Blotting out reason.

(‘Collected Poems’ 1961)

જોકે ‘ઓસવાર’ ‘સમોર’ જેવા પ્રયોગો સાર્થ ગૂજરાતી જોડણીકોશમાં ના જડવાથી આ ક્ષણે ભાવકની બુદ્ધિ બબડી રહી છે, બચાવો, બચાવો…

(રચનાને રસ્તે)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book