નયણાં કાવ્ય વિશે – ચંદ્રકાન્ત શેઠ

વેણીભાઈ પુરોહિત

નયણાં

ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં—

ગુજરાતી સાહિત્યમાં ગીતની વાત કરતાં કવિ શ્રી વેણીભાઈ પુરોહિતનું નામ-કામ તુરત યાદ આવે. ગુજરાતી ફિલ્મી ગીતથી માંડીને પ્રશિષ્ટ ગીત સુધીની એમની ગતિ – એમની પહોંચ, કોઈના રૂપની પૂનમમાં પાગલ થઈ શકનારા આ કવિ હરિદર્શનની હેલમાંયે હેલે ચડે એવા! ગુજરાતી ગીત-કવિતામાં રોમેન્ટિક ઊર્મિ-આવેગવાળા એમના જેવા કવિઓ પ્રમાણમાં તો ઓછા જ.

એમનું એક સુંદર સુગેય ગીત છે `નયણાં’. ખૂબ ગવાયું છે; તેથી તો લોકસાહિત્યમાળાના મણકામાં એ લોકગીત તરીકે પણ લેવાઈ ગયું છે! અલબત્ત, આ કવિનાં ગીતોમાં લોકગીતની લયઢાળ, બાની, મસ્તીમિજાજ જેવી અનેક લાક્ષણિકતાઓ જરૂર જોવા મળે છે. એમણે લોકપ્રિયતા સાથે લોકોત્રરતા પણ સાચવી હોય એવાં જે કેટલાંક રમણીય ઉદાહરણો છે તેમાંનું એક ઉદાહરણ તે આ `નયણાં’ નામનું ગીત.

આ ગીતનો વિષય જ આરૂઢ છે. જે રીતે આ કાવ્યમાં `આંખ’ની રજૂઆત થઈ છે તે અપૂર્વ છે. મીન જેવી સુંદર આંખોને અનુલક્ષીને `મીનાક્ષી’ શબ્દ તો કેટલીયે વાર પ્રયોજાતો રહ્યો છે; પરંતુ એ હવે એટલો રૂઢ કે એમાં કોઈને કાવ્ય-સૌંદર્યની ચમત્કૃતિનો અનુભવ થતો નથી; પરંતુ એ જ મીનનું-માછલાનું ઓઠું લઈને વેણીભાઈએ જે રીતે પ્રસ્તુત ગીતને ઉપાડ્યું છે તેથી તો સાચે જ મર્મસ્પર્શી થયેલું જણાય છે. વેણીભાઈએ તો નયણાંને સીધાં જ માછલાં તરીકે ઓળખાવ્યાં છે; એ માછલાંય પાછાં ઊનાં પાણીનાં એટલે કે આંસુનાં; માટે તો એ `અદ્ભુત’ છે – અસામાન્ય છે. આ એવાં માછલાં છે, જે ઊનાં પાણીમાં જીવે છે. ઊનું પાણી – આંસુ એ જ એમનું જીવન છે. આ નયણાંમાં અસીમ આકાશની આર્દ્રતા, તો સાથે આત્માનું અજવાળું પણ ચમકતું નજરે ચઢે છે. આંતરબાહ્ય વિશ્વમાં એની દૃષ્ટિ અબાધિતપણે વિલસી શકે છે. આંતરબાહ્ય વિશ્વનો ઉજાશ-ઉઘાડ એ દ્વાર પામી શકાય છે. આ આંખો ચર્મચક્ષુ તરીકે તો કાચનાં કાચલાં જેવી ભંગુર છે પણ એ જ આંખો અંતદૃષ્ટિની સચ્ચાઈને ગહરાઈ સુધી – શાશ્વતી સુધી એના દર્શનાર્થીને લઈ જવાની ક્ષમતા શક્તિયે ધરાવે છે.

આ આંખો વેદનાનાં આંસુએ જ અમિયલ લાગે છે. માનવહૃદયમાં ઊછળતી વડવાનલની આગ એને દહે છે. એને ઊનાં આંસુએ ઊભરાવી દે છે અને છતાંય એ એનું દૃષ્ટિ-તેજ ગુમાવતી નથી; બલકે એ એની વિશેષ વેધકતા, સૂક્ષ્મતા ને ગહનતા દાખવી રહે છે. છીછરાં લાગતાં ચર્મચક્ષુ માનવહૃદયની વેદનાગર્ભ ગહરાઈનાંયે ખરેખરાં દ્યોતક બની રહે છે. માનવમનની એ ગહરાઈનો તાગ મેળવવો તો અશક્ય જ છે. મનુષ્યની નાની શી આંખો – એનાં ચર્મચક્ષુઓ જે બધું જુએ છે, પામે છે એનો પૂરો અંદાજ પામવો શક્ય નથી. તેથી તો ઉપેન્દ્રાચાર્ય જેવાએ મનુષ્યની આંખોને `અજબ’ કહેલી; આપણા આ કવિ એ જ માર્ગે આગળ વધીને મનુષ્યની આંખોને `અદ્ભુત’ કહે છે – માછલાં જેવી ચંચળ ને ઊનાં પાણીમાંયે તરવરતી – ચમકતી, મનુષ્યને અંતરતમ ગહરાઈમાં ને વૈશ્વિક ઊંચાઈમાં પ્રેરી-દોરી શકે એવી સક્ષમ ને સમર્થ! આવેદનાની આગને જીરવી શકનારાં જિંદાદિલીભર્યાં સબળ નયણાં જ મનુષ્યના કે ઉન્નયનનાં પ્રેરક ને માર્ગદર્શક થાય છે – અગ્નિગર્ભ દીપશિખાની જેમ જ.

આ આંખો મનની બારીઓ જેવી છે. આ આંખોમાં કંઈ કંઈ સ્વપ્નાંનો સંચાર પણ જોવા મળે છે. જે મનુષ્યના જીવનમાં સ્વપ્ન જ ન હોય એને ખાલીખમ જ સમજવો જોઈએ. જે બાળકો વિનાનું ઘર ખાવા ધાય તેમ સ્વપ્નાં વિનાની આંખો ભેંકાર લાગે. જે આંખોમાં નમણાં-રૂપાળાં બાળકોની જેમ સ્વપ્નાંનો મસ્તીભર્યો લીલાવિહાર હોય તે આંખો ભરી ભરી મધુરમીઠી લાગે છે. આ કવિ એવી સ્વપ્નભરી આંખોના આશક અને ગાયક છે. તેઓ આંખોની ચમકમાંય જેમ આંસુની તેમ સ્વપ્નાંની ચમક પણ ભળી ગયેલી પ્રતીત કરે છે. એ નથી ચ્છિતા કે મનુષ્યની આંખોનાં અદ્ભુત માછલાં સપનાંના સંગરંગ વિનાનાં હોય.

આ નયણાં એ જ દીવા, મનુષ્યના દેહરૂપી બંગલાના તેમ એના સંસાર જીવનના – અધ્યાત્મજીવનના માર્ગના, ચર્મચક્ષુથી આંતરચક્ષુ સુધીની ઉત્તરોત્તર ચડતી, ક્રમિક સોપાનમાળાના, મનુષ્યનાં આ નયણાંના દીવાની અદ્ભુતતા – ખૂબી કે કેવીક છે? સામાન્ય દીવા બળે ડળે – ઝળહળે તેલ-ઘીથી; જ્યારે આ નયણાંના દીવા તો બલે જળે – ઝળહળે છે અશ્રુ જળે! આ દીવાઓનું સત્ત્વ તેજ તો આંતરવેદનાને આભારી છે! જીવનની જ યમુનામાં આ દીવાઓ સૌંદર્ય ને તેજ પૂરે ચે – વેદનામય તપના બળે. આ નયમાંમાં જાતજાતની રંગ-ચમક જોવા મળે છે. ક્યારેક એ હસતાં હોય છે, ક્યારેક પ્રણય તોફાને શમશે એ નાચતાંયે હોય છે તો ક્યારેક આશ્ચર્યમાં વિસ્ફારિત થતાં કે ભક્તિભાવનામાં વિનત પણ થતાં હોય છે. આ નયણાં ક્રોધની આગ દાખવે છે તો ક્યારકે કરુણાની શીળપ પણ દાખવે છે. આ આંખોમાં ઉન્મત્તતાના ઉછાળ કે વિલાસના ઝાકઝમાળ હોય છે તો એમાં પ્રભુભક્તિની આરત ને પ્રભુમિલન માટેનો તલસાટ પણ હોય છે. આ નયણાંમાં દ્વેષ, અસૂયા, આશંકા આદિનાં વિષ પણ ઘોળાતાં જણાય છે તો એમાંથી પ્રેમરસના, ભક્તિરસનાં અમૃત પણ ઊભરાતાં વરતાય છે. એ રીતે આ ઊના પાણીમાં જીવતાં, તરતાં – સહેલતાં માછલાંની જીવનલીલાયે અનોખી ને અદ્ભુત છે. આ ઊનાં પાણીનાં અદ્ભુત માછલાંની ગતિવિધિનું દર્શન કરતાં કરતાં મત્સ્યાવતારી પરમાત્માનાં દર્શન સુધીયે પહોંચી શકાય! જેણે આપણા પંડના સરોવરમાં આવાં માછલાં તરતાં મૂક્યાં એ આપણને વખત આવ્યે તરાવીને તારી પણ શકે! માટે જ આ નયણાંની અદ્ભુતતા નીરખતાં નીરખતાં આ નયણાં દેનારની અદ્ભુતતા નીરખતા પણ આપણે થઈ શકીએ!

આપણાં દુઃખો, આપણી વેદના, આપણાં આંસુ, આપણી બળતરા – આ બધાંમાં એવું જીવન-સત્ત્વ છે, જે ન કેવળ આપણાં આ સ્થૂળ નયણાંને કે આપણા ચર્મચક્ષુને, પણ આપણાં આંતરચક્ષુનેય તેજ-બળે સંચારિત કરી, સંસારજીવન અને અધ્યાત્મજીવનની વાટે પ્રેરી-દોરી આપણામાંના દૃષ્ટવ્યનેય દાખવીને રહે!

આમ, આ કાવ્યમાં કવિએ `નયણાં’ને નિમિત્તે જીવનની લીલપ, જીવનની મીઠપ વેદનાની આદ્રતામાં હોવાનું સૂચવ્યું જ છે. જીવનની શક્તિ અને શ્રી અશ્રુજળે પ્રાદુર્ભાવ પામતી ને પુષ્ટ થતી લાગે છે. મહાન સર્જનોના મૂળમાં વેદનાનાં આંસુ હોય છે; પરમાત્માના `મનુષ્ય’ રૂપ મહાસર્જન માટેય આ વાત સાચી છે. માણસાઈની શ્રી અને શક્તિ અશ્રુજળે સિંચાતી લાગે છે. અસુબન સિંચ સિંચ પ્રેમવેલ જ નહીં; જીવનવેલી પઉ ઊછરતી ને વિસ્તરતી-વિકસતી હોય છે. કવિ આ સત્ય અહીં ઊનાં પાણીનાં અદ્ભુત માછલાંરૂપ નયણાંને અનુલક્ષીને વ્યંજિત કરે છે. આપણે ઊનાં પાણીનાં અદ્ભુત માછલાંરૂપ આપણાં નયણાંને બરોબર ઓળખીને હવે શાંત-પ્રસન્ન ગતિપ્રતિ પ્રેરવા ઉદ્યત થઈએ.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book