નેણ ના ઉલાળો વિશે – ચંદ્રકાન્ત શેઠ

નેણ ના ઉલાળો

હરીન્દ્ર દવે

નેણ ના ઉલાળો તમે ઊભી બજાર

આપણા એક ઉત્તમ ગીતકવિ હરીન્દ્ર દવેનાં જે કેટલાંક જાણીતાં ને માનીતાં ગીતો છે તેમાનું એક ગીત તે આ ‘નેણ ના ઉલાળો તમે’. આ કવિ પાસે પ્રણયગીતો માટેની એક ખાસ રગ છે! એનો મીઠો ધબકાર — એનો સુકુમાર સ્પંદ અહીં આ ગીતમાં સ્વાભાવિકતયા ઊતરેલો, અંતઃશ્રુતિને સ્પર્શતો, આપણા સંવિતને ભાવરસે ભીંજવતોને સીંચતો પામી-માણી શકાય છે.

પ્રેમ એટલે બે હસ્તીઓનો મેળ — સુરીલો સંવાદ. પ્રેમ એટલે બેનું મળીને એક થવું. બેએ એકબીજાને કેમ જોવાં, એકબીજાને કઈ રીતે મળવું, એકબીજામાં કેવી રીતે ઢળવું, એકબીજાના મર્મભાગ સુધી કેમ વળવું ને વિસ્તરવું એની લીલા-કળાનો કંઈક મધુમય સ્વાદ આ ગીતમાંથી સાંપડે છે.

આ ઊર્મિગીત છે — ભાવગીત છે — પ્રણગીત છે, પણ નાટ્યાત્મક રીતિનું. કવિ એક નાજુક-નમણું, મોહક-મીઠું દૃશ્ય — પ્રેમી યુગલનું સ્તો — આપણી સમક્ષ ખડું કરી દે છે. એમાં અમૂર્ત ભાવને વ્યંજનાત્મક રીતે મૂર્ત કરવાની, પ્રણયના સૂક્ષ્મ-તરલ ભાવને સઘનતાથી શબ્દોમાં પ્રત્યક્ષ કરી દેવાની કવિપ્રતિભાની ઉન્મેષમૂલક નીતિ-રીતિનું આકર્ષક દર્શન થાય છે.

આ કાવ્યનો નાયક પ્રણયદક્ષ છે. પ્રણયરસનું એણે એવું તો આકંઠ પાન કર્યું છે કે એનો નશો — એનો છાક, એ પ્રયત્ન કદાચને કરે તોયે દબાવી કે છુપાવી શકે એમ નથી. પ્રણયનું પાતાળ ફૂટ્યું છે તો એની છોળ-છાલક આંખમાંયે વરતાવાની જ. કવિ સુન્દરમે તો કહ્યું જ છેઃ ‘બધું છૂપે, છૂપે નહિ નયન ક્યારે પ્રણયનાં.’ આ કાવ્ય જ એના પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે. અહીં કાવ્યનાયકન પ્રેમ બિન્ધાસ્ત રીતે પ્રગટ થાય છે. પ્રેમ કંઈ છાની રીતે — સાદી રીતે પ્રગટ થાય કે? પ્રેમને પોતાનો ગતિ-લય-છંદ, પોતાનો નર્તન-લય હોય ચે. અહીં નાયકની આંખોમાં પ્રેમ રમણીય રીતે પ્રગટ થાય છે — આંખોનેય સવિશેષ રમણીય કરીને! પ્રેમનું આ પ્રાગટ્ય ખૂબ સુંદર — મોહક — આકર્ષક છે. નાયકની પ્રેમસભર આંખોને જોયા વગર નાયિકા — પ્રિયતમા કેવી રહી શકે? પ્રેમ નાયકના નેણમાં રમણીય રીતે ઊછળતો હોય — નાયકના નેણમાં ઉલાળો — સ્નેહનું ઉછાળ-નૃત્ય હોય — તો એ માણવાનો અવસર ચતુર — સ્નેહવશ નાયિકા ચૂકે ખરી? અહીં ગીતના ઉપાડની પંક્તિમાંથી જ સમજાઈ જાય કે એ પ્રેમકટારીએ ઘાયલ નાટકનાં નેણ એના પોતાના જ કાબૂમાં નથી! ને સન્મુખ જ્યારે પ્રિયતમા જ હોય ત્યારે એ કાબૂમાં કઈ રીતે રહે? કાવ્ય-નાયકનાં નેણ તો અનેકાનેક (કવિ તો લાખો કહે છે!) લોકોની જ્યાં અવરજવર છે — ભીડ છે ત્યાં વિના કોઈ ક્ષોભ-સંકોચ-સ્થળસંકોચ તોફાને ચડ્યાં છે — બેફામ બન્યાં છે. ભીતર નાયિકા માટેનો ભરપૂર પ્રેમ અને સન્મુખે ‘પ્રેમની ઇર્ષા’ જેવી મુગ્ધ પ્રિયતમા! ચંદ્રની સંનિધિમાં સમુદ્ર શાંત રહી શકે? અહીં પ્રિયતમાના ચારુદર્શને જ નેત્રનિર્વાણ પામેલા નાયકની પ્રણયાભિવ્યક્તિ નેણ દ્વારા પ્રતિકૂળ પરિસ્થિતિમાં તો સવિશેષ પ્રબળતાથી થતી દેખાય છે. પ્રેમની વાત મુખથી ન થાય એટલા જોરશોરથી નેણના ઉલાળા દ્વારા થાય છે!

વિદગ્ધ નાયિકાને નાયકના — પ્રિયતમના નેણના ઉલાળામાં પ્રગટતો પ્રેમની મસ્તીનો છંદ સદ્ય સ્પર્શી જાય છે. તે આસપાસની પરિસ્થિતિથી સભાન બની જાય છે. એના સ્ત્રી-સહજ લજ્જાભાવ સાથે લોકલાજનો ખ્યાલ પણ વળગેલો રહે છે. પોતાનો પ્રિયતમ પોતાને જોઈને એની આંખો નચાવે ત્યારેએ જોઈને તીરે ઊભી તમાશો જોનાર વર્ગના કેટલાક લોકો (મિષ્ટાન્ન ભૂખ્યા ઇતર લોકો) આછુંઆછું મરકતા હોય — મલકી લેતા હોય તો કેટલાક વળી ઠેકડીયે કરી લેતા હોય! કેટલાક તો પ્રેમની મીઠી નયન-લીલાને ટગરટગર જોઈ લેવાની ધૃષ્ટતાયે દાખવતા હોય. નાયિકાથી પોતાની અત્યંત અંગત એવી જે પ્રેમની મિરાત, તે નાયકની પ્રગલ્ભ પ્રણયચેષ્ટાના કારણે, આમ જાહેર જોણાનો કે તમાશાનો — લોકની વાદચર્ચાનો સરિયામ વિષય બને તે કેમ વેઠ્યું જાય? એમાં તો પોતાનાં અંગત મીઠાં સ્વપ્નો જાહેર હટાણાનો વિષય બની જતાં હોય એવું લાગે! નાયિકા તેથી જ જે પોતાને સૌથી વધુ ગમે છે એને સભાનપણે સૌનાથી છુપાવવાનું પસંદ કરે છે અને તેથી પોતાના પ્રિયતમને નેણ નહિ ઉલાળવાની (પોતાને મૂળભૂત રીતે તો અણગમતી એવી) શીખ આપે છે!

પ્રેમની ચાલ, પ્રેમી ગમે તેટલી છુપાવવા ચાહે, એ ન જ છુપાઈ શકે! પ્રેમની લીલાનું તો સૌને આકર્ષણ હોય. તેનું દર્શન-શ્રવણ-મનન સૌને પ્રસન્નકર જ હોય! કોઈને પ્રેમ કરતાં જોઈને તો રાજી જ થવાનું હોય! કોઈ નાયકની આંખનાયિકાને જોતાં પ્રેમાવેગમાં નાચી ઊઠે તો એના જેવું રૂડું-મીઠું દૃશ્ય કયું હોય? રસ્તા ચાલનારનેય એ જોઈ લેવાનું મન થાય ને અહીં એવું જોવા મળે જ છે!

વિચિત્રતા તોએ છે કે જ્યારે બજારની ભીડ ન હોય, ગામના સીમાડાનું શાન્ત એકાન્ત હોય, જ્યાં મન ભરીને પ્રેમ ઢોળવા-ઠાલવવાની સર્વાધિક અનુકૂળતા હોય ત્યાં નાયક નર્યો સંકોચ અનુભવે છે. નાયક પોતાની નજર પોતાની પ્રિયતમા પર એકાગ્રતાથી ઠેરવવાના બદલે, પોતે એને આડીતેડી ગુમાવે છે! મન જેનાથી ભર્યુંભર્યું છે તેને નજરમાંયે મોકળાશથી ભરી દેવાની તક માણતાં નાયક સંક્ષોભ પામે છે. આ સંક્ષોભ પણ એના નાયિકા પ્રત્યેના પ્રગાઢ ને નિગૂઢ પ્રેમનો જ સંકેત કરે છે. જે નાયક નાયિકાને એકાન્તમાં જોતાં પોતાની નજરને આમતેમ વાળી લે છે એ નાયક જ્યાં લાખો લોકોની અવરજવર હોય એવી ભીડમાં જાણે ધૃષ્ટ બની રહે છે! એની આંખોને જાણે પાંખો આવી જાય છે! વળીવળીને એની નજર ભરી ભીડમાંથી પોતાની પ્રિયતમાને જ ચહેરે જઈને ઠરે છે! વળીવળીને એની નજર ભરીભીડમાંથી પોતાની પ્રિયતમાને જ ચહેરે જઈને ઠરે છે! પોતાની પ્રિયતમાને પોતાની પ્રેમભીની નજરે સ્પર્શીને એના સંવિતમાંયે પોતાના મનનું તોફાન જ નાયક સંક્રાન્ત કરતો હશે! નાયિકાની પોતાનેય પોતાના પ્રિયતમનાં તોફાની નેણના આક્રમણ સામે પોતાને સંભળાવાનું ખાસ્સું મુશ્કેલ જ બની જતું હશે ને તેથી આસપાસની ભીડનું બહાનું આગળ કરીને પોતાના પ્રિયતમને પ્રણયના પ્રગલ્ભ વ્યવહારમાં કંઈક સંયમ-શાણપણ દાખવવા કહે છે! જોકે ચતુર નાયક તો સમજી જ ગયો હોય છે કે નાયિકાને જે સૌથી વધુ ગમે છે એ રોકવાની તેની હિમાયત કે સૂચના તેના હૃદયની આજ્ઞાથી પ્રેરિત નથી જ. નાયિકાના હૃદયની આજ્ઞા એક છે ને એની જીભનું ચાલવું અલગ છે! પ્રેમમાં ગળાડૂબ નાયકને તો એ સહજતયા-લીલયા સમજાય જ ને?!

નાયકને પ્રેમના માર્ગે ઠાવકાઈ વર્તવાની શીખ દેનારી નાયિકા પોતે જ પોતાને ક્યાં કાબૂમાં રાખી શકે છે? ગીતની ત્રીજી કડીમાં તે પોતાની પ્રેમવશ હાલતથી નિખાલસતાથી વાત કરે છે, વસ્તુતઃ એ પોતે જ ભરીભીડમાં પોતાને પ્રેમના પૂર આડે સંભાળી નહિ શકે એની ભીતિ છે અને તેથી જ પોતાના પ્રિયતમને આંખો નહિ ઉલાળવાની સૂચના કરે છે. પરંતુ નિર્ભેળ ને નિર્બંધ પ્રેમાચારમાં લોકાચારનું ભાન કેમ ટકી શકે? પ્રેમનું પ્રાગટ્ય તો એની પોતાની રીતે જ થાય! નાયક પોતાને નહિ, પ્રેમના હવાલે છે, તો નાયિકાનુંયે એવું જ છે! બંનેયના વિચાર-વાણી-વર્તનનું પ્રેરક ને નિયામક બળ પ્રેમ છે. એ પ્રેમના ધીટ વ્યવહારને તો નાયિકાનુંયે અંદરખાને પ્રસન્નતાપૂર્વકનું સમર્થન જ હોય!

નાયિકાનેય નાયકે જે પ્રેમરસ પીધો છે એની પાકી અસર છે! નાયકની પ્રેમદૃષ્ટિના પ્રભાવે એય આસપાસનું લૌકિક બધું વિસારે પાડી દઈ નાયકને પોતાની નજરમાં ને પોતાના જિગરમાં પૂરેપૂરો ભરી લેવાની જ તજવીજમાં લાગે છે! એની ડોક વળીવળીને એના નાયકનાં મદભર નેણાં તરફ જ વળે છે! જે ફરિયાદ નાયિકા નાટક માટે કરે છે એને પાત્ર ખુદ પોતે પણ છે! પ્રેમ જો નાયકને ગાંઠતો નથી, તો નાયિકાને ય ગાંઠતો નથી! લૌકિકતાની ભીડમાંથી લોકોત્તર પ્રેમ તો એમ જ સોંસરવો પાર ઊતરે છે! આમ પ્રેમની અદમ્ય શક્તિ — સત્તાનો સુભગ સંકેત આ કાવ્યમાંથી સાંપડે છે.

આ આખું ગીત નાયિકાની ઉક્તિરૂપે રજૂ થયું એમાંયે ભાવ-કલાગત ઔચિત્યની પ્રતીતિ થાય છે. નાયિકાના મુખના નિષેધ-નકારનીયે મજા ને મોજ હોય છે. એના નકારમાં ભારોભાર હકારનું વજનન વરતાય તો જ નવાઈ. નાયિકાની સ્નેહસક્તિ વાણીનું માર્દવ-માધુર્ય આસ્વાદ્ય છે. એની વાણીના કાકુ અર્થપૂર્ણ ને અસરકારક વ્યંજના સિદ્ધ કરે છે.

નાટ્યાત્મક ઊર્મિગીતમાં અનિવાર્ય એવી બોલચાલના લહેજા-લહેકાવાળી કથનરીતિની — અભિવ્યક્તિની નજાકત-નકશી અહીં માણવા મળે છે. કંઈક લોકગીતના સ્વાદ લઢણવાળી અહીંની રજૂઆત-બાની ગીતના મર્મને ઉઘાડવા-ઉપસાવવામાં પૂરતી કામયાબ લાગે છે. શબ્દ ને સૂરની — કવિતાને સંગીતની — ભાવાત્મકતા ને ગેયતાની સંપૃક્તિ અહીં આસ્વાદ્ય છે. આ ગીતને ગવાતું સાંભળતાં નાયક-નાયિકાની જેમ આપણાંયે નેણ ઉલાળે ચઢી જાય તો… તો…!

(ભમરો વાત વહે ગુંજનમાં)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book