વ્યવહારથી વેગળો અનોખો તહેવાર – જગદીશ જોષી

અમી નહીં! અમી નહીં!

પ્રદ્યુમ્ન તન્ના

રમતું’તું રાત્યદંન જીભે જિનું નામ

સખ્ય તો વિશ્વાસની ભૂમિકા ઉપર જ રચી શકાય. પણ ધરેલો વિશ્વાસ જ્યારે વાસ્તવિકતાનો ઊંડો દમ ખેંચે છે. જ્યારે ઝંખેલાને પ્રાપ્તિનું વરદાન મળે છે, ત્યારે ફેફસાંની બુલંદીમાં નાભિના શ્વાસની ગહરાઈ ભળે છે. અહીં પ્રેમ અને પ્રિય વ્યક્તિ બન્નેની પ્રાપ્તિમાંથી ઉદ્ભવતો એક બુલંદ લલકાર છે. માંડ માંડ મળેલી સ્વપ્નિલ સિદ્ધિને છોડે ઈ બીજાં: અમે નહીં!

રાતદી જેનું નામ જીભે રમતું’તું એ વાલમ આજે તો જીવતોજાગતો ‘આમ’ આવીને મળ્યો છે; એને તો ‘ઝબ્બ’ લઈને ઝાલી લીધો. હવે એને છોડે ઈ તો બીજાં, ‘અમી નહીં.’

પ્રેમના વ્યવહારમાં પડેલા જગતને ઓળખ છે વ્યવહારુ પ્રેમની. જગતને તો જગતની રીતે થતા પ્રેમનો મહિમા છે, સાચા પ્રેમનો નહીં. પાડેલા ચીલાને ચાતરીને બાધડૂક દોડ્યે જતા પ્રેમીને તો આ લોકો કરડી ને સૂગભરી નજરથી જુએ છે. અમારો પ્રેમ સાચો છે માટે તો આ જગતની મરજાદ જૂઠી છે. અપવાદ જ નિયમને નાથવાનો કીમિયો છે. લોકો અમને હસે છે; પણ અમે તો હસી હસીને જૂઠી મરજાદનાં ઓહણ ઉતારી નાખ્યાં છે અને તેય છડે ચોક!

જે વ્યક્તિ ભીતરથી પ્રેમની સાધના અને આરાધના કરે તે જ તો મીરાં કે રાધા. મીરાંનો ‘કાળો કામળો’ કેટલી ઉજળિયાત ઊલટથી આપણી પ્રેમભક્તિની કવિતાને વીંટળાઈ વળ્યો છે! વગોવણીને વાગોળતા લોકો તો ઘેર ઘેર હાજર છે; પણ હવે અમારા જીવને જરીય ક્ષોભ થતો નથી. વહાલપનો નાતો તો આમેય આકરો છે; પણ એ માર્ગ તો અમે જાણીબૂજીને અપનાવ્યો છે. ભવભવના સદ્ભાગ્યની શરદપૂનમ અમારે લલાટે રેલાઈ રહી છે. ત્યારે હવે બીજા ચાંલ્લાને ચોંટાડવાની ઝંઝટમાં કોણ પડે!

આ ગીતમાં શબ્દોની તળપદી છટાઓ અને વાણીની મીઠાશ તરી આવે એવાં છે. અનોખી સદ્ગતિને વ્યક્ત કરવા માટે ભાષાને લડાવેલાં લાડ, કે કહો કે સાચે જ વપરાતી ભાષાનું પોત લાડલડામણથી જાળવી રાખવાનો કવિનો કોડ, જોવા જેવાં છે. જિનું, ઈ, અમીં, સુગાળવી, વાતું, વગોવણીની, છોભ, વૈવાર, લેલાડ — આવી ભાષા ગીતકાર પ્રયત્નથી નથી સાધી શકતો. લોહીમાં ભળેલા લયના ઉદ્ગાર રૂપે જ ભાષાનો લહેકો–લટકો આવે.

આધુનિક સાનને હૈયાઉકલત ભાનથી રચાતાં આવાં ગીતો કદાચ કઠે. પણ નાવીન્ય કદાચ વસ્તુમાં નહીં એટલું નિરૂપણની રીતિમાં છે. એક વયોવૃદ્ધ પશ્ચિમી કવિએ કહેલું કે આધુનિકતાની વાતો આપણે પ્રગટ કરીએ છીએ ભાષામાં; અને ભાષા પોતે જ તો એક રૂઢિ છે. જીભને ટેરવે જેટલી સ્વાભાવિકતાથી પ્રિય વ્યક્તિનું નામ રમે છે એટલી જ સાહજિકતાથી કલમને ટેરવે ભાષા રમે છે.

પ્રદ્યુમ્ન તન્ના કવિ અને ચિત્રકાર છે. એમના શબ્દમાં રાધા-કૃષ્ણની મસ્તી અને પીંછીમાં યૌવનનું માંસલ છતાંય નજાકતભર્યું રેખાંકન છે. એમનાં મોટા ભાગનાં ગીતો, પ્રસ્તુત ગીતની જેમ, નાવિકાની ઉક્તિ રૂપે હોય છે. આ ગીતના શબ્દો તો રાસમાં રમતી ગોપીના – હૈયાની ધરપતથી ઉતાવળે ચાલતા – શ્વાસ જેવા છે.

૨-૧૧-’૭૫

(એકાંતની સભા)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book