સ્નેહરશ્મિનાં હાઇકુ વિશે – ઉદયન ઠક્કર

હાઇકુ

સ્નેહરશ્મિ

(1)

ઝાપટું વર્ષી
શમ્યું; વેરાયો ચંદ્ર
ભીનાં ઘાસમાં

(2)

ફરતી પીંછી
અંધકારનીઃ દીપ
નહીં રંગાય

(3)

નવવધૂએ
દીપ હોલવ્યોઃ રાત
રૂપની વેલ

(4)

રાત અંધારીઃ
તેજ-તરાપે તરે
નગરી નાની

(5)

ભરું પાણીડાઃ
સવા લાખની મારી
ચૂંદડી કોરી

સત્તર અક્ષરમાં અઢાર વાત તો ક્યાંથી થાય? માંડીને વાત કરવી હોય તો આખ્યાન લખવું. છાંડીને વાત કરતાં આવડે તો હાઇકુ. ભાવક પર ભરોસો ન હોય તેણે હાઇકુના ધંધામાં પડવું નહિ.

હાઇકુ એટલે શું? ત્રિપગી ચમત્કૃતિ? સત્તરાક્ષરી ઉખાણું? પંદરમી સદીમાં સોકાને લખ્યું,

મૂકી શકાય
ચન્દ્રે દાંડી તો પંખો
ફૂટડો થાય

ચાલો, પંખો તો થયો, પણ કવિતા?

સ્નેહરશ્મિનાં હાઇકુ વાંચીએ. ઝાપટું શમી ગયું છે. ઘાસની કેડે બાઝેલું એક બચુકડું ટીપું ઊંચે જુએ છે ને મલકાય છે. ચાંદીનું ચૂર્ણ ચમકતું ચારેકોર. જાણે મોતી વેરાણાં ચોકમાં —

સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે
હું નથી માનતો, આ ચન્દ્ર તો ગપોડી છે.

રાત પડી; અંધકારનો ખડિયો ખૂલ્યો; આકારો ઓગળ્યા નિરાકારમાં; ગોરી ધેનુ, લીલા કદંબ અને જામલી મોરપિચ્છ હવે શ્યામમય થયાં.

અલકમલક સીમને છેડે
વડની તળે જલમાં કાળી શાહીનું ટીપું ભળે

(મણિલાલ દેસાઈ)

ફરતી પીંછી અંધકારની. પણ જ્યોતિનો સ્વભાવ જ અડવો. તિમિરોના સ્નેહસંમેલનમાં ભળી ન શકે. જમાનાના રંગે બધાં રંગાતાં નથી. અડાબીડ અન્યાયો વચ્ચેય કેટલાંક ઉજ્જ્વળ રહી શકે છે.

અંધકાર સામે પ્રકાશની પટાબાજી ખેલતો દીપક નવોઢાની પહેલી જ ફૂંકે પરાસ્ત થઈ જાય છે અને જાગી જાય છે રાતનું રૂપ. ‘શું કોઈ પદમણી નારીને નિજ કેશ ઉઘાડા મૂક્યા છે?’ દીવો હોલવીને કવિ કલ્પનાને સંકોરી મૂકે છે.

રાતને સમે હિલ સ્ટેશનેથી ઊતરતાં ઊતરતાં તળેટીના કાળા જળમાં તેજનો તરાપો તરતો દેખાય છે. આ તે કઈ નગરી? ને આ નગરીમાં ‘ન’ ‘ત’ ‘ર’ની કેવી નવતર ‘વર્ણ’વ્યવસ્થા!

આશાના આભલે ટંકાઈ, મનોરથના મોરલે ચિતરાઈ, પછી કુંવારિકાની ચૂંદડી કાં ન હોય સવા લાખની? પાણિયારેથી આવતી બાળા શૃંગારરસનું વહન કરી રહી છે, પાન નહિ, એટલે તરસી જ છે. સંત અને કવિમાં આટલો ફેર. એક ચુનરિયા કોરી રાખવા માગે, બીજો રસછાંટણે ભીંજવવા.

કોક વાર એક જ પનઘટ પે સરખેસરખી બે સૈયરો પાણીડાં સાથે સીંચતી હોય. સરખાવોઃ

સોળ વરસની છોરી,
સરવરિયેથી જળને ભરતી
તોયે એની મટકી રહેતી કોરી

(પ્રિયકાન્ત મણિયાર)

(જુગલબંધી)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book