નર્યા પથ્થરયુગમાં અપહરી, સૌને સંડોવતી કૃતિ – રાધેશ્યામ શર્મા

મનહર મોદી

નર્યો પથ્થર

એક માણસની જેમ ઊભો છે

મધ્યમ કદની બહર કહેવાય એવી આ ગઝલનું મથાળું નથી. માત્ર અનુક્રમણિકાની સુવિધા ખાતર ‘પથ્થર’ શીર્ષક છે. આ નર્યો પથ્થર આખરી શેઅરમાં દેખાય છે.

પ્રસ્તુત ગઝલને અદ્યતન ગઝલ કહી શકાય, તે એટલા માટે કે પરમ્પરાને અનુસરી લખાયેલી ગઝલોના વસ્તુવિષયોમાં યાસ–(નિરાશા), ઇશ્ક–મોહબ્બત (પ્રેમ), ઇશ્તયાક (ચાહના), ફિરાક (વિરહ), હસરત (કામના) અને વસ્લ (મિલન) મુખ્ય હતાં.

અહીં તો પ્યારની વાત જ નથી. રદીફ સતત અ–ફર ‘પથ્થર’ છે. કાફિયાનો ઉપયોગ પથ્થરની ક્રિયાઓ–ક્રિયાપદો માટે લેવાયો છે. જેમ કે ફર્યો પથ્થર, સર્યો પથ્થર, ઠર્યો પથ્થર, ડર્યો પથ્થર, મર્યો પથ્થર, ખર્યો પથ્થર અને છેલ્લે નર્યો પથ્થર.

પથ્થર સાથે સંકળાયેલાં પાત્ર–પ્રસંગ–પરિસ્થિતિના વિભિન્ન સંદર્ભોને અનુરૂપ કાફિયાનું સંચાલન સરસતાથી થયું હોઈ કર્તાની આ એક નોંધપાત્ર ગઝલ–આકૃતિ, સાત શેઅરમાં વહેંચાઈ છે.

પણ સાહિત્યપ્રકારની વ્યાકરણગત શાસ્ત્રીય મર્યાદાનું પાલન કરીને આવેલી રચના ઉત્તમ કળા રૂપે તો ત્યારે જ પ્રગટે જ્યારે સામગ્રી સંસિદ્ધ થઈ આવી હોય. આમ ક્યારે બને જ્યારે કવિની આત્મલક્ષી અનુભૂતિ વસ્તુલક્ષી પ્રતિરૂપોમાં વ્યક્ત થાય. ‘નર્યો પથ્થર’માં કેવુંક થયું છે?

મત્લાથી આરંભીએ: એક માણસની જેમ ઊભો છે. / એટલું કેટલું ફર્યો પથ્થર?

બે પંક્તિની ખૂબી જોવી હોય તો – પહેલીમાં માણસના ઊભા રહેવાની સ્થિર બાબતને, ઉપમામાં સાંકળી લઈ પથ્થરને કેટલું ફર્યોની ગતિમાં પ્રદર્શિત કરી દીધી. ‘એટલું’ સાથે ‘કેટલું’ની અનુપ્રાસયોજના પણ સમુચિત થઈ. પથ્થર હજુ ઊભો જ છે. પણ એને માણસની જેમ ઉપમા આપી પદાર્થની જડતાને ઓગાળી મનુષ્યત્વ અર્પ્યું અને બીજી પંક્તિમાં રખડી ફરી થાકી ખડેલા પથ્થર પછી પ્રશ્નાર્થચિહ્ન મૂક્યું. કર્તાનું અત્રે anthropomorphic concern – માનવગુણારોપણ સ્પષ્ટ થાય.

બીજો શેઅર મહત્ત્વાકાંક્ષી છે. ‘કાચબો ને સમય પડ્યા ત્યારે’ મિસરામાં મૂર્ત પ્રાણી અને અમૂર્ત કાળને સાથે સાથે સંડોવ્યા છે. કૂર્માવતાર સાંભરે પણ વધુ તો કાચબા–હરણની દોડ સ્પર્ધા–કથા યાદ આવે. કાચબાની ગતિ અતિ ધીમી (slow motion) છે જ્યારે સમયની હરણગતિ કહી શકાય… આ બંને વિચિત્ર સંગથી પડી ગયા ત્યારે મહાભારતના વેદવ્યાસ ‘ઊર્ધ્વબાહુ’ બની ઊભેલા એ મુદ્રામાં ‘હાથ ઊંચા કરી સર્યો પથ્થર’ પંક્તિ અવતરી છે. હાથ ઊંચા કરી દેવાનો ભાષાપ્રયોગ જવાબદારીમાંથી છટકી નીકળી જવું અથવા આમાં કાંઈ નહીં થઈ શકેની મજબૂરી સૂચવે. વળી સુજ્ઞ ભાવકને સિસિફસ સાંભરે જે ટેકરી પર પથ્થર ચઢાવતો ને ટોચે પહોંચેલા પથ્થર નીચે સરી ગબડી પડતો…

કવિતા સજગ ભાવકમાં રસસંક્રમણ કેટકેટલી વિધિરીતિએ કરી શકે એનો આવા પંક્તિઉદાહરણથી અંદાજ આવી શકે. કાચબા–હરણદોડની બોધકથા, મહાભારતના વ્યાસનો શ્લોક–પોઝ અને સિસિફસનો ગબડતો પથ્થર આ ત્રણેનું અનોખું કોલાજ બબ્બે ‘કોલાજ–ઇમેજ’ ઉલપબ્ધ કરાવવાની ક્ષમતા અહીં છતી થાય છે.

ત્રીજા શેઅરમાં આભઊંચું મકાન ઓળંગી પથ્થર જ્યાં ‘ઠર્યો’ કોની આંખમાં? તો પંક્તિનો ઉત્તર છે એમની આંખમાં. આ ‘એમની’ એટલે કોની આંખમાં? અધ્યાહાર રાખ્યું છે એ પાત્રને. ઘણે આઘેથી ઊંચેરું મકાન અંડોળી હવામાં જોરથી ફંગોળાયેલો પથ્થર કોઈની આંખમાં ભમ્મ લેતોક ‘વાગ્યો’ કહેવાને બદલે કર્તાએ ‘ઠર્યો’ કથ્યો. તાત્પર્ય કે જેમની આંખમાં પથ્થર વાગ્યો તે વાગ્યાની અરેરાટી નથી પણ ‘ર્યો હોવાથી કેટલાકોનો જીવ આવું જોઈ ‘ઠર્યો’ હોય!

ત્રીજા શેઅરનું પરિસ્થિતિવશ અનુસધાન ચોથા સાથે ભળાય. શેઅરમાં પેચીદો, પેચીલો કટાક્ષ છે. પથ્થર મારવાના માણસકૃત્યથી માણસો ગભરાયા જાણ્યા, પણ કદી પથ્થર ડર્યાનું સાંભળ્યું છે?

પથ્થર મારતા ટોળાને ઈસુએ ટોક્યા-રોક્યા હતા કે પાપણ બાઈને એ જ પથ્થર મારી શકે જેણે એક પણ પાપ ના આચર્યું હોય. માત્ર ત્યારે જ કવિજનો કલ્પના કરે: પથ્થર થરથર ધ્રુજે..બાકી પથ્થર ડરતા નથી.

પાંચમો શેઅર કર્તાની દિલી નિસ્બત પ્રદર્શિત કરે છે:

પથ્થરો ક્યાં ગયા ખબર કાઢો
જુઓ ત્યાં પણે મર્યો પથ્થર

એ શેઅર ચોથામાં પથ્થરને નીડર કથ્યો. પાંચમામાં ‘મર્યો પથ્થર’! પણ પ્રથમ મિસરામાં પથ્થરની નહિ, પથ્થરોના ઉપયોગની ગતિ અને નીતિરીતિથી ખ્યાલ આવી જાય: ‘પથ્થરો ક્યાં ગયા ખબર કાઢો, ઓ જુઓ ત્યાં…પણે’ પછી ‘મર્યો પથ્થર’ સંદર્ભથી સ્પષ્ટ થાય કે પથ્થર નહિ, મનુષ્ય મર્યો છે અને તે પથ્થરયુગના બચ્યા હોય એવા માણસો મારફત ફેંકાયેલા પથ્થરોથી!!

જેને વિચિત્ર સુન્દર structuring – સંરચન કહેવાય એવી પંક્તિઓ આખી કૃતિમાં છઠ્ઠા શેઅરમાં છે:

લાગણીનું ટીપું અડે નહીં,
તારો, આકાશથી ખર્યો પથ્થર.

ઊર્મિમાંથી બચીને ગઝલપ્રકારમાં પ્રવર્તવું દુષ્કર છે, જ્યારે અહીં ખુલ્લંખુલ્લા તદ્દન લાગણીશૂન્યતાની ઘટના ગૂંથવા છતાં તારકને પથ્થર સાથે સંકલિત કરી ‘ઑબ્જેક્ટિવ કોરરિલેટિવ’ કડી! માણસ જ નહીં પણ પથ્થર પણ મરવાનું પસંદ કરે એવા લાગણીહીન માહોલમાં અહીં પૃથ્વીપટે પડતા પથ્થર – અને એનાથી મરતા માણસ – ખરતા તારા સમા છે. પૃથ્વી અને આકાશ વચ્ચેની અમાપ અંતરવાળી દૂરતા પથ્થર અને તારાના પ્રતીકથી કલ્પનાસન્ધાન પામી.

મક્તાના શેઅરમાં નાયક મનુષ્યને મનુષ્ય જ પથ્થરથી પ્રહારવા- મારવા પરસ્પરને ચીંધે છે એ કર્મમાં ગઝલકારની ખુદની સંડોવણી એમના ‘મોરલ કન્સર્ન’ને અંજલિ રૂપ ખરી પણ ત્યાં ત્યારે દેખાય છે નર્યો પથ્થર! મનહરની ગઝલની છેલ્લે બે પંક્તિ ‘હાસિલે–ગઝલ–શેઅર’ કહેવાનું મન થાય… બ્રિટિશ વૈજ્ઞાનિક જેકબ બ્રૉનોવ્સ્કીના વિચારમિનાર પાસે લઈ ગયો આ આખરી શેઅર:

The Wish to hurt, the momentary intoxication with the pain, is the loophole through which the pervert climbs into the minds of ordinary men.

(રચનાને રસ્તે)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book