હવે તું વિશે – રમણીક અગ્રાવત

રામચન્દ્ર પટેલ

હવે તું

તમે પ્હેલાંવ્હેલાં મુજ સમય મોંઘો બની અહીં

ચકો લાવે ચોખાનો દાણો, ચકી લાવે મગનો દાણો. મુકાય રૂડાં ખીચડીનાં આંધણ. રોજેરોજનાં આંધણના મઘમઘાટમાં તરબતર આંગણે આંગણની આ ઘૂંટાતી વાત છે. યુવક કે યુવતી પહેલી વાર અરસપરસ મળે ત્યાં સુધીનો સમય તો જાણે સમય જ નથી. એક અમસ્તા બુગડામાં બન્નેએ લાઆં… બી મજલ કાપી છે. અને દૃષ્ટોદૃષ્ટ મળતાં નવા સમયમાં બન્ને જાણે ફરી જનમે છે. તે પહેલાં તો બધો સમય અમસ્તો હતો, હવે ‘કંઈક’ ઉમેરાયું છે સમયમાં. કાવ્યનાયકને જડ ઉંબર કહેવા લગી કવિ ગયા છે.

આ તમારો અંગૂઠો પહેલી વાર જરીક ઉંબરને લાગ્યો, આ ઉંબર વળોટી તમે મારી દુનિયામાં આવ્યા કે ખૂલી ગયા અનેક દરવાજા! જો જો તમારા અંગૂઠાને ઠેસ ન વાગે. ભલું પૂછવું ઉંમરનું એ તો જડ જેવો પડ્યો હોય અમસ્તો, વાગી બેસે! હું તો આડા પડેલા લાકડા જેવો હતો, આ તમારા સ્પર્શે બેઠી થઈ કૂંપળો! આ શરીરમાં જ કેટકેટલાં ફૂલો છૂપાઈને બેઠાં હતાં એ તો હવે જામ્યું. કંકુપગલાં પાડીને તમે આ બધું જગાડી દીધું. કળાયેલ મોરથી કલગી જેમ હું ફરફરી ઊઠ્યો અમસ્તી હવામાં! મારું મન તો બની ગયું કોઈ પંખી. ફરુરુક ઊડીને જઈ બેઠું એ કોઈ ડાળે. જોઉં છું તો રૂપાળાં તોરણ જેમ તમે આંગણામાં અહીંથી તહીં લહેરાવ છો. મારું ચાલે તો પીંછાંમાં પલ્ટી નાખું મારી જાત અને તમારી આગળ આગળ પથરાતો જાઉં. એ’ય ને ઢોલિયો ઢાળ્યો હોય ને તમને ઘરમાં આઘાપાછા થતાં આડી નજરે નિહાળતો હોઉં. ચાની અડાળી હોઠે મેલી હોય કે બીડી કે ચલમની ફૂંક રગરગમાં ઘૂંટાતી હોય… નર્યાં નકરાં સુખ સુખને સુખમાં જ હોય એ મુકામ.

આ હજી હમણાં લગી તો કાચી કુમળી કળી હતી એ પણ કેવી લટકાઈ ગઈ છે ઘડીભરમાં! એનામાંથી એક ગૃહિણી જાગી ગઈ છે. આજ સુધી એને જે જે કામ સાવ કનડગત જેવાં જ લાગતાં હતાં એ બધાં કામ એ હોંશેહોંશે ઉકેલે છે. એના હાથનો જાદૂ તો જુઓ. અભેરાઈ પર પડેલાં વાસણ, ઊંધું વાળીને મૂકેલું તબડકું, પાણિયારું, ઓરડો, નવેળી, હલાણ બધાંની જાણે સિકલ ફરી ગઈ છે. ઊતરડ ત્રાંબાની છે એ તો આજ જ જાણ્યું. ઊતરડની અંદર છૂપાયેલી ધાતુ ચકચકિત થઈને બહાર આવી ગઈ છે. ચારે તરફ ઝગઝગાટ. આ ચોક જેવો ચોક થનગનાટમાં આવી ક્યાંક મોરની જેમ ટહુકી ન બેસે!

વલોણું, સાંબેલું, જળથી છલકતું બેડું. વળગણી, તવી, ચૂલો, ઘંટી, દહીંની દોણી, નિસરણી આ બધાં ઓજારો છે આ જાદુગરણીનાં. એનાં ઇશારે જ બધી લે-મૂક થાય છે. એ કઈ ફૂંક મારીને આમાંથી સુખ પ્રગટાવતી હશે? એનો કેવો પડ્યો બોલ ઝીલે છે આ બધી ચીજવસ્તુઓય? સુખ કેવું સહજ આવી ચપોચપ ગોઠવાઈ જાય છે આ બધામાં. ખુદ એ કન્યા પણ વિસ્ફારિત હસે પોતાના આ નવતર રૂપથી! મોટી ફલાંગે કૂદતાં ઠેકતાં દોડતાં ધસમસ્યે જતાં આ સુખના દિવસો કેવી ઝડપે વીતે છે. હજી એને ઝાલીએ ન ઝાલીએ ત્યાં તો—

આ સઘળાં સુખને તારે ભોગવવાનું હતું, તે આવીને આ હાંફળાફાંફળા ઘરને ઠાર્યું. ‘તમે’માંથી અહીં પ્રિયવાચક તું કેવું સહજ થઈ ગયું છે. ઘરવટના ઉજળા છાપરે તારે ઠરવાનું હતું ત્યાં તો તું જાણે લૂખા લીંપણમાં ખૂંપી ગઈ. લીંપણ પૃથ્વીઅંગને બખૂબી ઉપસાવે છે. પૃથ્વીની દીકરીઓ ન જાણે કેમ પોતાના જ કાબૂ અને જાણ બહાર ધીરે ધીરે પૃથ્વીમાં ખૂંપતી જ જાય છે. રહે ઓકળિયાળા ફળિયાની એક રવરવતી યાદ. ભીંત પરના સ્પર્શોમાં પમાતી એક ટપકતી સ્મૃતિ. હજીય હજીય તું યાદ આવે છે ત્યાં લોહીમાં ઝનઝનાટ થાય છે. વળતી પળે એ જ લોહીમાં કોણ જાણે સરતી ક્યાં અલોપ થઈ રહે છે તું. આંખોની બળતરા થઈ એક આછા ચિત્કારમાં તું ક્યાંય ઊંડે ઊંડે સરતી હોય છે…

(સંગત)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book