ગીત-શિખરિણી વિશે – રમણીક અગ્રાવત

મનોહર ત્રિવેદી

ગીત-શિખરિણી

ચરણ સરતા જાય મિતવા…

ક્યારેક હરણફાળ ભરતો સમય, ક્યારેક કાચબાની ગતિએ સરતો સમય. સમયની ગતિ મનની સ્થિતિ પર નિર્ભર છે. મન કશીક અડચણમાં અટવાયેલું હોય તો સમય પણ ભારેખમ થઈ મંથર ગતિએ માંડ માંડ ખરાતો લાગે. એ જ સમય મન પ્રસન્નતામાં હોય તો હરણઠેકે સરસર વહેતો ભાસે. વિજ્ઞાને કહેલી સાપેક્ષતા અત્ર તત્ર સર્વત્ર વ્યાપેલી છે. સૂર્ય ફરતે કુંડાળે ઘૂમતી પૃથ્વી પોતાની ધરી પર પણ ચરકડીએ ભમતી જાય. વળી અક્ષાંશ રેખાંશોના આડાઊભા લીટાઓમાં વહેંચાઈ કેટકેટલા સમયો ધબકતા હોય ચે આ પૃથ્વી પર! ઉમરી લો એમાં દરેદ દરેક સજીવોનો નિજી શારીરિક સમય. સમયોના આ લીલામય મહોત્તસવમાં ઉજવાતી પૃથ્વી વળી સૂર્યમાળામાં આગવી ગુણકજાળ ગૂંથણી રચે! આ અદ્ભુતતાને પામીને જ ઋષિકવિઓ બોલી પડ્યા હશેઃ ચરૈવતિ. ચરૈવેતિ. બધું જ ચલિત છે. કશું જ સ્થિર નથી. જે ચાલે છે તે ટકે છે. જે અટક્યું-જે સ્થિર થયું તે ગયું! માણસ ઝાડ પરતી ઊતરીને ચાલવા માંડ્યો ત્યારથી આ ચલયજ્ઞ આરંભાયો છે. એ આફ્રિકાથી દરિયા, ડુંગરો ઓળંગતો છેક ઓસ્ટ્રેલિયા સુધી પહોંચ્યો. ચાલવાનું તેના જીનસૂત્રોમાં લખાઈ ગયું છે. સતત ચાલતો જ રહ્યો છે માણસ. પગે ચાલતા માણસથી શરૂ થઈ મોટર, બસ, ટ્રેઇન, વિમાન સુધી આ ચલયજ્ઞ વ્યાપી વળ્યો છે. ચાલવું એ જીવમાત્રનો સ્વભાવ બની ગયું છે.

સુંદર વાર્તાઓ અને રમણીય કાવ્યોથી સતત સર્જનરત રહેતા શ્રી મનોહર ત્રિવેદી કોઈ ચલ મુહૂર્તને ઉજવતા હોય એ ગીત-શિખરિણી કાવ્ય રચે છે. ચરણ સરતા જાય મિતવા… સાવ અનાયાસ, કોઈ વિશેષ પ્રયત્ન વિના ચરણ ચાલ્યા કરે. બસ એમ જ ચાલ્યા જતા ચરણ પણ કાવ્ય વિષય બને! મિતવા સંબોધન કરી એમણે જાણે એક હળુ-સ્પર્શથી સૌને પોતીકા ગણી લીધા. આંખ ઊઘડે કે કેલેન્ડરનાં પાનાં પર નજર પડે. પાનું ફરે કે ન ફરે, દિવસ તો અચૂક ફરે જ. કેલેન્ડર પરથી કૂમકૂમ મુખે મલકાતો સૂર્ય ખરે. સવારના સ્વપ્નીલ આયનાને છલકાવતો એનો મલકાટ આપણને પણ મલકાવી જાય. મન કશીક પ્રસન્નતામાં વસેલું હોય તો એનો મઘમઘાટ અવનવાં સ્મિત-કુસુમો ખિલવે. ઝાકળ સવારના કૂણા સમયમાં જ બંધાય. મીરાંનાં પદ હવામાં ટપકતાં સાંભળવા મન તૈયાર હોવું જોઈએ. તો ઝાકળની ઝીણી ઝીણી ઘૂઘરી રણકતી સંભળાય એમ મીરાંનાં પદ સંભળાય! અજાયબ મન-સંયોગ રચાઈ રહે! આ મનને ચાનક કોણ ચઢાવે છે. ઝીણી ઝીણી ઘૂઘરી ખનકાવતું ઝાકળ કે મીરાંનાં ગુલાલ ઉડાડતાં પદ?

વળાંકોથી શોભતા ચઢાણો અને ઢાળ ચઢતા-ઊતરતા રસ્તાઓ, છાયાઓનો પકડદાવ આ બધું પણ મનની પ્રસન્નતાને વધારનારું છે. પ્રફુલ્લિત મન આ બધામાંથી અવનવા અર્થો નીપજાવી લે. ઘાસ, છોડ અને વૃક્ષો હાથ ઊંચા કરી કરી એને આવકારતાં લાગે. ભીની ભીની લહરમાં રમતું મન ચોતરફ આ પ્રસન્નતાના વ્યાપને જ નિહાળે છે. કોઈ મનભાવન કેફમાં જાણે મુસાફરી મંડાઈ છે.

જે પોતાની સાથે પ્રસન્નતા લઈને ફરે છે, તેને બધેથી પ્રસન્નતા જ મળે છે. કવિ મકરંદ દવેએ ક્યાંય એવું કહ્યું છેઃ ‘જે આનંદમાં રમતું થાય છે તે અકારણ અને અવાવરણ આનંદમાં બસ ન્હાયા જ કરે છે.’ ક્યાંય પણ જાવ સામેથી પ્રસન્નતા જ પ્રસન્નતા મળવાની. ‘ઝાંપામાં પ્રવેશું ત્યાં તો વાલ વરસે’ ક્યાંય પણ પ્રવેશો એ પ્રવેશ આનંદમાં જ હોય, પ્રસન્નતામાં જ હોય. જે વહાલનું વાવેતર કરે એને ફળ વહાલનાં જ મળે. ભર્યાં ભર્યાં એકાન્તોમાં જે દૃષ્ટિપાશ વીંચળાઈ વળે છે એ મખમલી છે. જેને કશેથી કંઈ લેવું નથી તેને સઘળેથી બધું મળ્યાં જ કરે છે. આ અકારણ પ્રસન્નતાએ દીધેલું વરદાન છે. નિરંજન ભગતની આ કાવ્ય પંક્તિઓ ગણગણતું મન જાણે પ્રસન્નપથ પર વિચરી રહ્યું છે.

‘હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે તમારું કે મારું કામ કરવા આવ્યો છું?
હું તો બસ ફરવા આવ્યો છું!’

સરતા ચરણને આવી અવારણ પ્રસન્નતા ફળે છે. જે ચાલે છે તે પામે છે. કશુંક પામી જવું — એ ઉક્તિ પણ પોતાનામાં કેવો અર્થ સંઘરીને બેઠી છે. સરતા ચરણને દિવસને અંતે ગોખલાઓમાં પ્રગટી ઊઠતા દીવડાઓની હૂંફ મળે છે. જેણે દિવસના ઉઘાડની સાથે જ પોતાની કૂચ આરંભી છે એ ચરણોને ઝળહળતા દીપોથી શણગારાયેલી કેડી મળી રહે છે. દરેક મુસાફરીના અંતે એનો આનંદ રાહ જોતો જ હોય છે. અરે મુસાફરી સ્વયં આનંદ બને છે. આ યાત્રા કદી અટકતી નથી. સૂર્યમાળામાં જ્યારે પૃથ્વીનો પિંડ બંધાયો હશે ત્યારે જરૂર ચલ ચોઘડિયું હશે. આ પ્રસન્ન વારસો પૃથ્વી માટે અવતરતાં પિંડે પિંડને ચલિતવ્ય રૂપે મળે છે.

(સંગત)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book