‘છિન્નભિન્ન છું’ અને ‘શોધ’ — નલિન રાવળ

પ્રમુખ કવિનું એક લક્ષણ એ રહ્યું છે કે એનામાં પૂર્વકાવ્ય-વલણોનો એક સમૃદ્ધ સંસ્કાર સમરસ થઈ ગયેલો હોય છે. એનામાં એની પૂર્વે રચાઈ ગયેલી કવિતાનું એક સળંગ સાતત્ય જળવાઈ રહેલું જણાય છે. વળી એનામાં એકથી વધુ કવિજનોની કાવ્યઢણોને પોતાની આગવી કાવ્યલઢણમાં પળોટી લેવાની ક્ષમતા રહેલી હોય છે. આ શક્ય ત્યારે બને જ્યારે કવિના મનમાં કાવ્યસમૃદ્ધ અતીત માટે સ્નેહ, આદર અને અનુકંપાની લાગણી હોય, એનું સંવેદનતંત્ર જેટલું સાંપ્રતને વ્યાપી રહેલું હોય તેટલું જ અતીત અને ભાવિને વ્યાપી રહેલું હોય—આ અર્થમાં જોઈએ તો કવિનો હૃદય-ધબકાર સમગ્ર કાળપટ પર ધબકી રહેલો ગણાય. ઉમાશંકરની કવિતામાં માત્ર ગુજરાતી કાવ્યપરંપરાનો આદર થયો છે એમ નથી; એમની કવિતામાં પ્રાચીન-અર્વાચીન ભારતીય કાવ્યપરંપરાનો પણ આદર થયો છે. પ્રાચીન ગુજરાતી કવિજનોની ભાષાના એ જેટલી ખપમાં લે છે તેટલી અર્વાચીન કાવ્યભાષાને પણ એ ખપમાં લે છે. (‘શોધ’માં એ પ્રેમાનંદનો શબ્દ લે છે ‘ફાંસુ’ અને એનો એ પ્રાસ મેળવે છે ‘આંસુ’ સાથે:

એને જાંબુ આવ્યાં, ને મને આંસુ;
વધ્યો ને ફળ્યોએ, હું વધ્યો ફાંસુ.

ઘરની સામેનો છોડ વધ્યો—ફળ્યો—વૃક્ષ થયો અને આવ્યાં એને જાંબુ, જ્યારે ‘મને આંસુ.’ પંક્તિમાંના આંતરપ્રાસ-જાંબુ: આંસુ—ને કવિ દઢાવે છે અસફ ળ રહેલા મનુષ્યજીવનની નિરર્થકતા તેમ જ ક્યાંક હશે ક્રિયાશીલ રહી ફળરૂપે પ્રગટવાની તેની અશક્તિના નિદર્શન રૂપે અને અંતે તે સાર્થ આંતરપ્રાસને ‘ફાંસુ’ સાથે મેળવી અને કલાત્મક એવા, કરુણસુંદર ભાવ પ્રગટાવી જાય તેવા અખંડ પ્રાસમાં પલટાવી આપે છે. આપણા કેટલાક વિરલ પ્રાસોમાંનો આ એક વિરલ પ્રાસ છે.)

પ્રમુખ કવિનું એક બીજુ અને કદાચ મહત્ત્વનું લક્ષણ એ એનો અવાજ. આ અવાજમાં એનો સમય, એની પ્રજા અને એની સંસ્કૃતિના સઘળા સંસ્કારો એકરસ થઈ મળી ગયા હોય છે. એની કવિતામાં નિજસ્વર અને લોકસ્વરનું કોઈ અદ્ભુત રસાયણ થયેલું જોવા મળે છે. લોકસ્વરનો એ જેટલો સ્વીકાર કરે છે તેટલો અસ્વીકાર પણ કરે છે; કારણ કે કાવ્યમાં અંતે મહત્ત્વ છે અનન્ય એવા આત્મસ્વરનું. એનામાં કોઈ પણ સ્વરૂપમાં આવતા કાવ્યને ગ્રાહ્ય કરવાની એક એવી તીવ્ર વૃત્તિ રહેલી હોય છે જેને લઈ જુદા જુદા પરસ્પરવિરોધી કાવ્યપ્રયોગોનો એ સહજ રીતે આદર કરી શકે છે. ક્યારેક તો એ નવકવિઓના પ્રયોગોમાંના કેટલાંક તત્ત્વોને પોતાની વિશાળ એવી કાવ્યભાવનામાં વણી લેવાનું સાહસભર્યું ઔદાર્ય પણ દાખવે છે, જે વિરલ ગણાય. ઉમાશંકરમાં આ સાહસ અને ઔદાર્ય બન્ને છે અને તેને કારણે એ આજના કોઈ પણ સમકાલીન કવિ કરતાં સવાયા સમકાલીન કવિ છે. કવિતાની કદાચ આ એક મોટી કસોટી છે: દરેક કાળે તે કોઈ ને કોઈ અર્થમાં ટકે છે કે કેમ? ઉમાશંકર — એમની કેટલીક રચનાઓને કારણે — આ અર્થમાં એક વિશિષ્ટ તરીકે જુદા તરી આવે છે. આવતી પેઢીઓે એમની કવિતામાંથી સમકાલીન એવું કશુંક તત્ત્વ મળી જરહેશે એમ માનવાને એકથી વધુ કારણો છે.

કવિ તરીકે એ સતત એક એવા તત્ત્વની ખોજમાં રહે છે ‘દિનરાત’ એમના હૃદયની રંગભૂમિ ઉપર રમમાણ રહ્યા કરે છે, જે એમની નસેનસે અને રુધિરે વહી ‘મત્ત ગીતસ્વરે’ ઝંકૃત થઈ ઊઠે છે. કવિ આ સૌંદર્યમય-રહસ્યમય એવા જીવનતત્ત્વનો શબ્દમાં સાક્ષાત્કાર કરવા પ્રાર્થે છે:

ખેલાયું દિનરાત જે હૃદયની આ રંગભૂમિ પરે,
રેલાયું રુધિરે નસેનસ મહીં જે મત્ત ગીતસ્વરે;
નેવે જે ચમકી કદીક સ્ફુરતું કો દિવ્ય આનંદમાં,
તે સૌંદર્ય – રહસ્ય જીવન તણું સાક્ષાત્કારું શબ્દમાં.

(આ કાવ્ય–કવિની પ્રાર્થના —માંનો એક શબ્દ-સૌંદર્ય-જુદો તારવીને તેમ જ અન્ય બેત્રણ કાવ્યોની પંક્તિઓને મૂળ સંદર્ભથી છૂટી પાડી તેને ઉમાશંકરની કાવ્યવિભાગ નાના બલકે એમની કાવ્યપ્રક્રિયાના સંદર્ભમાં જોવાનો એક પ્રયત્ન શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાએ કર્યો છે. એમનું કહેવું એમ થાય છે કે કાવ્ય રચાતી વેળાએ સૌંદર્ય રચાતું આવે છે; જ્યારે ઉમાશંકરમાં એમ થતું નથી. એમનામાં પહેલેથી જ તે આવી જાય છે અને તે પછી કાવ્ય આવે છે. એ ભાઈ આ કારણને લઈ ઉમાશંકરની કાવ્યભાવનામાં ક્ષાતે જોવાનો પ્રયત્ન કરે છે, જે બરોબર નથી. કાવ્યપ્રક્રિયા એ સ્વયં એક એવું મહાન રહસ્ય છે કે એનો તાગ મેળવવો સર્વથા શક્ય નથી. વળી કવિએ કોઈ એક કાવ્યમાં કે કોઈ બેત્રણચાર પંક્તિમાં કાવ્યજન્ય કે પંક્તિજન્ય જરૂરિયાતને લઈ જીવન-કાવ્ય-રહસ્ય-સત્ય કે સૌંદર્યના સંદર્ભમાં કંઈ કહ્યું હોય તેને કવિની સિદ્ધિ કે મર્યાદા માની લઈ અન્ય પ્રમાણો ખાસ કરીને કાવ્યપ્રક્રિયા અંગેનાં પ્રમાણો આપવા જવાં તેમાં મોટું સાહસ રહેલું છે કવિતા હજાર રસ્તે આવે છે. તમે કેટલાનાં નામ પાડશો?)

‘અભિજ્ઞા’નું કાવ્યસંગ્રહ લેખે શું મૂલ્ય? અહીં ઉદ્દેશ નથી. આગળ જેનો ઉલ્લેખ થયો તે તત્ત્વનો એટલે કે સાંપ્રત કાવ્યવહેણોનો સારવી ચાલતા તેમ જ કાવ્યપર પરાથી પુષ્ટ થયેલા કાવ્યલય વિશે અહીં આછો ઉલ્લેખ છે. ૧૯૫૬થી લઈ આજ લગી જે અવનવા લયપ્રયોગો કવિતાક્ષેત્રે પ્રગટ્યા તેમના કેટલાક સત્ત્વશીલ લયપ્રયોગોનો મેળ ઉમાશંકરે પોતાના હૃદયલય સાથે મેળવી એક સંકુલ એવો સૂક્ષ્મ નાટ્યછટા દાખવતો કાવ્યલય ગુજરાતી કવિતામાં સિદ્ધ કર્યો છે, જે સર્વથા નવીન એ અર્થમાં છે કે એમાં પ્રાચીન-અર્વાચીન કવિતાના લયસંસ્કારોનું આમૂલ રૂપાંતર થયેલું છે. અહીં એ સ્પષ્ટ થવું જોઈએ કે કવિતા માત્ર લયનિર્ભર નથી હોતી. ‘અભિજ્ઞા’ની કેટલીક રચનાઓની નિષ્ફળતા તેમ જ કેટલીક સારી રચનાઓની શિથિલતા લયથી ઇતર એવા કાવ્યતત્ત્વને લગતાં કારણોને આભારી છે. હકીકતમાં આ સંગ્રહમાંનાં કેટલાંક કાવ્યો લયની દૃષ્ટિએ કવિનાં આગળનાં કાવ્યોથી એ અર્થમાં જુદાં તરી આવે છે કે એમાં અનુભવ થાય છે કવિની નવાં લયપરિમાણો શોધવાનનૂચન એવી તીવ્ર સર્જનાત્મક દૃષ્ટિનો. (પ્રશ્ન એ રહે છે કે અહીં આટઆટલા લોકસ્વરના રણકાઓને અનેક સંદર્ભમાં સાંકળતો જતો કવિનો આત્મસ્વર કાવ્યમાં સળંગ પ્રસરી રહી, નાટ્યાત્મકતાની દૃષ્ટિએ સંકુલ કહી શકાય તેવું અને કાવ્યાત્મકતાની દૃષ્ટિએ સૂક્ષ્મ કહી શકાય તેવું સંતુલન સિદ્ધ કરી શક્યો છે?)

સંગ્રહમાંની પહેલી જ કૃતિ—‘છિન્નભિન્ન છું’—માં કવિની લયશોધ માટેની તીવ્ર ઝંખના પ્રગટ થઈ છે. કાવ્યલયના લોપમાં જીવનલયના લોપનું જે સૂચન રહ્યું છે તેમાં જ એક ઊંડો ધ્વનિ ભર્યો પડ્યો છે:

છિન્નભિન્ન છું
નિશ્છંદ કવિતામાં ધબકવા કરતા લય સમો,

આ બે પંક્તિમાં ચિત્તની વિશીર્ણતાનો-શૂન્યતાનો-વિષાદમય ઝંખનાનો જે એક લય સાંભળવા મળે છે. તે આખીય રચનામાં સંભળાય છે? કાવ્યધ્વનિ કક્ષા પછી કક્ષા નીચે ઊતરતો જઈ અંતમાં વાચ્યાર્થની સામાન્ય કક્ષાએ આવી અટકી જાય છે એમ નથી લાગતું? યાદ્‌ચ્છિક લયઘટકોમાં યાંત્રિકપણે વહેંચાઈ જતા મૂળ ધ્વનિને અનુપકારક એવા કાવ્યવિભાગોમાં કાવ્યાંતર્ગત એવું સંતુલન જાણે કે નથી જળવાયું એમ લાગે છે. વસંત આવી અને ગઈ, પણ મનમાં હર્ષોલ્લાસની આછી ટશર સરખી ફૂટી નથી:

કોણ બોલી? કોકિલા કે?
જાણે સ્વીચ્ ઑફ્ કરી દઉં.
તરુઘટમાં ગાજતો આ બુલબુલાટ—
કુદરતના શું રેડિયોનો
સાંસ્કૃતિક કો કાર્યક્રમ!
ચાંપ બંધ કરી દઉં? શું કરું એને હું?
વસંતપંચમી કેમ એવી ને કેમ ગઈ,
મને ખબર સરખી ના રહી!

આ પંક્તિઓમાં એકથી વધુ લયની સરો ગુંથાયેલી છે. વળી કેટલાક શબ્દગુચ્છોમાં અહીંતહીં પરિચિત છંદના લયસંસ્કારો પણ વાંચી શકાય. જેમ કે ઉક્ત ઘટકની પહેલી જ પંક્તિ—‘કોણ બોલી? કોકિલા કે?’—માં હરિગીતનો લયટહૂકાર કોઈ સાંભળી શકે. કવિના ઉદ્ગારોમાંથી જલ યતો બંધાતો આવે છે. લય હોતો નથી, ઉદ્ભવે છે. આ કાવ્યમાંઅને વિશેષ તો ‘શોધ’માં કવિના ઉદ્ગારોમાંથી અનેક અણપ્રીછ્યા લયખંડકોની એક પછી એક સુંદર ભાત ઊપસી આવતી દેખાય છે. કુદરતમાં જે લય પ્રસરી રહ્યો છે તેનો સંવાદ હૃદયલય સાથે કેળવી શકવામાં નિષ્ફળ નીવડેલી વ્યક્તિનો ચિત્કાર ‘સ્વીચ્, ઑફ કરી દઉં,’ જેવી પંક્તિમાં માર્મિક રીતે ધ્વનિત થયેલો નજરે ચડે છે. યંત્રસંસ્કૃતિના ઓથાર તળે રંધાતું ચિત્ત પ્રકૃતિથી કેવું કરુણ રીતે વિખૂટું થતું ચાલે છે તેનું હૃદય વલોવી નાખે તેવું ચિત્ર અહીં અંકાયું છે. અહીં આ લયઘટકોમાં મર્માળા કટાક્ષની તેમજ વિષાદની જે રેખાઓ ગૂંથાતી ચાલે છે તે મૂળ ધ્વનિને સરસ રીતે ઉપસાવી આપે છે; પણ જે ત્યાંથી કાવ્ય ઓસરવા માંડે છે, અને ત્રીજા વિભાગના અંતમાં—

— માની લીધેલી એકતા વ્યક્તિત્વની
શતખંડ ત્રુટિત મેં નજરોનજર દેખી લીધી છે—

તો કાવ્ય ગદ્યના સીમાડામાં પહોંચી ગયું હોય છે. કવિતાનું સ્થાન અહીં વાગ્મિતાએ લઈ લીધું છે. યુગવિષાદની ઝાંય ઝીલી શકે એવા આત્મવિષાદની એક રેખાથી આરંભાયેલું કાવ્ય અસ્પષ્ટ ચિંતન-ગર્ભ સૂત્રાવલિઓમાં ખોવાઈ જાય છે.

‘વણલખ્યાં કાવ્યનો વિષાદ’ The agony of unwritten poems હરિશ્ચંદ્ર ભટ્ટે અનુભવેલો. ઉમાશંકર પરના પત્રમાં એમણે આ વિષાદનો ઉલ્લેખ કરેલો. કવિ માત્રને આ આત્મવિદારક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. જે મનહૃદયમાંથી કાવ્યો આવેલાં તે ભૂમિ જ ઊશરભૂમિ બની જાય, જ્યાં એક અદ્ભુત સત્ત્વ સતત ક્રિયાશીલ રહેતું સહજ રીતે કાવ્યરૂપમાં પલટાય ત્યાં શૂન્યતા વ્યાપી વળે તેનો વિષાદ કેવો દમી રહે એ વ્યક્તિને જે જીવનનું ધ્રુવસત્ય શોધતી હોય કવિતામાં!

‘શોધ’માં જાગી ઊઠે છે ક્યાંક ક્યાંક આર્ત્રસ્વરે આ વણલખ્યાં કાવ્યોનો વિષાદ જે મનનમાં ઊડે અને ઊંડે ઊતરતો જઈ, અનેક સંસ્કારો જગાવતો જઈ વિરમે છે એક એવા સ્થાનમાં જ્યાંથી એ જાગે છે પુનઃ આ પ્રશ્નાર્થમાંઃ ‘ક્યાં? ક્યાં છે કવિતા?’

કાવ્ય સર્વત્ર અને ક્યાંય પણ નથી; કારણ કે કવિ સર્વત્ર છે અને ક્યાંય પણ નથી, જ્યાં જે પદાર્થમાંથી કાવ્ય જડેલું ત્યાંથી પુનઃ તે જડતું નથી. જે શબ્દ, જે છંદ, જે લય કાવ્યની નજીક એક વાર લઈ જવામાં સફળ રહ્યો તે શબ્દ, તે છંદ, તે લય જૂઠો ઠરે બીજીવાર અન્ય કાવ્યની નજીક લઈ જવામાં કોઈ અપૂર્વ શબ્દ કાવ્યાંતર્ગત મૌનનો અપાર અનુભવ કરાવી જાય એટલે ગાઈ ઊઠે કવિ:

શબ્દને ખોલીને જોયું
મળ્યું મૌન

વિવેચકો પણ કાવ્યના અશબ્દત્વના ગુણ (wordless puality) વિશે સોત્સાહ લખે. (આર્કિબાલ્ડ મેકબિશના એક સુંદર કાવ્યમાં કવિતાના નીરવ સૌંદર્યનું વર્ણન થયું છે. એ કાવ્યની આ પંક્તિઓ કાવ્યાંતર્ગત મૌનનો અપૂર્વ મહિમા કરે છે:

A poem should be wordless
As the flight of birds

આની સામે નર્યા વર્બલ સ્ટ્રક્ચર પર સડસડાટ ચાલી જતી કવિતાનું સૌંદર્ય ક્યાં ઓછું છે? શેક્સપિયરનાં નાટકોની કવિતા શબ્દબાહુલ્યવાળી ભાષાના અદ્ભુત ધ્વનિબંધારણ ઉપર કેવી નિર્મર છે? પ્રો. ઠાકોરનું કાવ્ય– ‘બંદાની લવરી’ ‘શબ્દ, લય, છંદ અને ભાષાને તોડીફોડીજોડી કેટકેટલા આહ્લાદક ખડખડાટ અને ભડફડાટ કરતું, અજબ ઉક્તિવૈચિત્ર્યો અને ભાવકલ્પનો પોતાના વેગમાં ઘસડતું ચાલે છે? નર્યા શબ્દબંધારણની કે નર્યાલયબંધારણની ભૂમિકાએ રહીને પણ કાવ્ય સિદ્ધ કરી શકાય છે. એનું મહાન ઉદાહરણ ‘બદાની લવરી’ છે. એટલે કાવ્યનું અંતિમ પ્રમાણ મૌનમાં શોધવા જેવું એ કંઈક વધુ પડતું ગણાય. (જોકે કવિતાની ઉત્તમ કસોટી તેના અતિ સંકુલ એવા નીરધ્વનિમાં રહેલ છે.) તેવી જ રીતે કવિતા ધરા પર અમૃતસરિતા કે ‘આત્માની માતૃભાષા’ કે કાવ્ય ‘સમયની ચીસ શાશ્વતી અર્થે’ કે ‘શબ્દ ચિરંતન જ્યોતિસ્તંભ’ જેવા વ્યાખ્યામૂલક ઉદ્ગારો પરથી કવિતા વિશે નિશ્ચિત ધારણાઓ બાંધી લેવામાં મોટું સાહસ રહેલું છે. કવિતા અવ્યાખ્યેય છે. કેમ કે એમાં સતત એવો ક્રિયાપ્રવાહ વહી રહ્યો હોય છે જે પ્રત્યેક ભાવકના ચિત્તમાં જુદા જુદા અસંખ્ય સંસ્કારો જગાવતો જે બિંદુ પર ઠરે છે તે બિંદુ સ્વયં કાવ્યનિરપેક્ષ એવી સૂક્ષ્મ ક્રિયાનું મૂળ બને છે.

‘શોધ’માં કવિની વાણી માત્ર સૂત્રોમાં રાચતી નથી; એમાં કવિની તીવ્ર આત્મવ્યથા ધ્વનિત થતી રહે છે જેને લઈ કાવ્ય વિશેષ સ્પર્શે છે. કવિના સઘળા પ્રિય વિષયો — પુષ્પો, બાળકો, વૃક્ષો, તડકો, યુગલ, પંખી, માનવો, કન્યાઓ કાવ્યો, — અહીં વિશેષ સંદર્ભ સાથે આવે છે અને આ સંદર્ભોની સાંકળ ગૂંથાતી ગૂંથાતી કાવ્યમાં પથરાઈ જાય છે. આ બધા જ જીવનભર ગાયેલા અનુભવો સામે આવીને ઊભા છે; અને છતાં, ક્યાંય કવિતા દેખાતી નથી. કવિતા દેખાતી નથી કારણ કે પેલો સર્જનાત્મક એવો સમય રહ્યો નહિ. આખીય શોધ સમયને મેળવવાની છે: આ સમય સૂર્યે આંકેલો ભૌતિક સમય નથી; એટલે કે ભૂત, ભવિષ્ય કે વર્તમાનમાં સહેલાઈથી વહેંચી શકાય તેવો સમય નથી તેમ જ આ સમય માત્ર મનહૃદયે ઘડ્યો એવો સમય પણ નથી. આ સમય છે ક્રિયાત્મક એવી આત્માનુભૂતિમાંથી જન્મેલો સમય. આધ્યાત્મિક કલાનુભૂતિમાંથી કાવ્ય જન્મે છે એવી કવિને પ્રતીતિ છે અને એટલે કાવ્યમાં સૂત્ર તરીકે આવતી હોવા છતાં પણ આ પંક્તિ—

કવિતા આત્માની માતૃભાષા

એક ઊંડો હૃદયભાવ સત્યની સાથે, આનંદની સાથે, સૌંદર્યની સાથે સંલગ્ન એવો ઊંડો હૃદયભાવ જગવી જાય છે. કાવ્યમાં સતત પ્રગટ અને પ્રચ્છન્નપણે એક સૂક્ષ્મ ક્રિયાનું વહન રસળતું જ રહે છે જેને કોઈ નાનીમોટી કાવ્યાત્મક ઘટનાઓ ઉદ્ભવતી રહે છે. ક્યારેક આ ઘટના સીધા કથનમાંથી જન્મે છે:

પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં.

પવિત્ર સૌન્દર્યના સાતત્યનું, પૃથ્વીની આંતરગતિની ઊર્ધ્વમય અભીપ્સાનું તેમ જ મનુષ્યના અસ્તિત્વને પ્રાણમય તેજથી ભરતી પુષ્પસૌરભનું સત્ત્વ કવિતાનું અંતઃતત્ત્વ છે એવો અનુભવ છે. પણ આ એક એવી શૂન્યમય સ્થિતિ સમય પર પથરાઈ રહી છે કે જેના ઓથાર તળે — પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં.

કાવ્યસર્જનને માતાના ઉદરમાં પોષાતા બાળકની સામે મૂકી બંને સર્જનપ્રક્રિયાનું, જીવનપોષક એવી પ્રક્રિયાનું સુંદર તાદાત્મ્ય સાધી આપતી એવી અપૂર્વ કાવ્યબલથી સ્ફુરતિ ઉક્તિમાં વિગલન કરાવે છે કવિ:

ગર્ભમાં રહેલા બાળકનાં બીડેલી આંખો
માતાના ચ્હેરામાં ટમકે,
મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે
જોયું છે?

અહીં સુધી તો કાવ્ય કથનિર્ભર છે. કાવ્યત્વનો પુટ પામેલ કથન જે ક્ષણે ક્રિયાત્મક એવી ઘટનામાં પ્રવેશે છે, તે ક્ષણે કાવ્યનાં અંતરપટો ખૂલતાં જાય છે. સંધ્યાના તડકાથી વૃક્ષનું થડ રંગતો પ્રભુ પકડી પાડે છે કવિને, જે પોતાની આંખ વડે પ્રભુએ રંગેલા થડને ઓપ ચડાવતો હતો. આ એક સુંદર ચિત્રની પડછે એક અત્યંત કુમાશભર્યું અને મા નવ્યભાગની દીપ્તિથી ઓપતું બીજું ચિત્ર આવે છે ટ્રેનના ડબ્બામાં હાસ્યછોળો ઉછાળતું નવું નવું યુગલ પ્રવેશે છે:

પ્રભુએ તાજાં
નવવધૂના ચ્હેરામાં ગુલો છલકાવ્યાં હતાં.
ખસી ગયો બીજે ત્યાંથી હું, એ ગુલાબી છોળોમાં
શરમના શેરડાની છાયા આછી ઉઠાવીને.

આખાય કાવ્યમાં આ ચિત્ર મને અત્યંત ગમે છે. પ્રેમ વિશેની એક કેવી ઊંડી અને મહાન સમજ કેલી છે આ કવિજને! અપાર માર્દવથી પ્રેમનું ગૌરવ અને આદર કર્યે જતા આવા કવિસ્વરમાં સમૃદ્ધ જીવનસંસ્કૃતિનું રહસ્ય રહેલું હોય છે.

કાવ્યમાં પુનઃ પુનઃ પ્રભુની ઉપસ્થિતિમાં એના સાંનિધ્યમાં સ્વાનુભૂતિનો સાક્ષાત્કાર સહજ થઈ જાય છે એનો ગૂઢ અણસાર કવિ સાદી, સરળ અને સીધી ભાષામાં મૂકી આપે છે. સહસ્ર જોજન દૂરથી આવેલા પંખી સાથે પ્રભુ મુલાકાત ગોઠવી આપે છે કવિની. એની દૃષ્ટિનું મિલન સાધી આપે છે કોઈ તારક સાથે આ એ જ નિગૂઢ ચિરંતન તત્ત્વ.

આજ લગીની માનવની જીવનયાત્રાની પતાકા જે હાસ્યમાં લહેરાઈ જાય છે તે શિશુહાસ્ય — ‘મારી કવિતાનો શુભ્રછંદ’ — માણવાનો ‘સમય રહ્યો નહીં’. કવિશ્રદ્ધા શિશુકુલ પર વારંવાર ઠરે છે. સંગ્રહની છેલ્લી કૃતિ — ‘શું શું સાથે લઈ જઈશ હું?’ — માં પણ વિદાયટાણે સાથે લઈ જવાની એ વાત આ કરે છે:

બાળકના કંઈ અનંત આશ ચમકતાં નૈનાં
    લઈ જઈ શ હું સાથે.

વૃક્ષોને જોતાં, એનાં લીલાં ઘેઘૂર પલ્લવને ડોલતાં જોતાં — જોવાઈ જતાં વૃક્ષોન રહ્યાં પણ રહ્યાં વૃક્ષમય કશુંક લોકોત્તર સત્ત્વ’. કોણ હતું એ જે આ ક્ષણે અંતરમનની આંખે આ જોઈ રહ્યું હતું જેની આભામાં કવિ વૃક્ષમય થઈ રહ્યાં?—

આંખોમાં એ કોઈક હતું અને તે આપળે બહાર
કદી શું રેલાઈ રહ્યું?
એ ક્ષણાર્ધ તો હું નર્યો વૃક્ષ-રચના-મય હતો.

કવિતા એટલે સર્વમય થવું. વિશ્વના પ્રત્યેક પદાર્થ સાથે ‘તદાત્મ’ થવું ‘કિંતુ’ શી રીતે એ હશે સાધ્ય? કાવ્યપ્રક્રિયા અને વિશ્વના સમગ્ર પદાર્થોમાં સતત ચાલતી પ્રક્રિયા વચ્ચે કંઈક સામ્ય છે. કંઈક નિગૂઢ સંવાદ છે. આ સંવાદ – કવિ અને નિસર્ગ વચ્ચેનો સંવાદ – જે ક્ષણે સધાય છે તે ક્ષણ સૌંદર્યાનુભૂતિની છે, કવિતાની છે:

સૌન્દર્યાનુભૂતિ દ્વારા
કવિતા દ્વારા અમોઘ.

કાવ્યનો છેલ્લો અને મહત્ત્વનો વળાંક કવિમાં રહેલી નાટ્યસૂઝનો અનુભવ કરાવે છે. જેમ કાવ્ય એ સર્જનનું પ્રતીક છે તેમ કન્યા પણ સર્જનનું પ્રતીક છે. કવિને માનવજાતની એક માત્ર શક્તિ પર, એટલે કે કન્યા પર અપૂર્વ શ્રદ્ધા છે. કવિતા અને કન્યા કવિના મુખ્ય ચિંતનનો – ધર્મનો વિષય છે. આ સ્તબકમાં જે ક્રિયાવેગ છે તેનું ભવ્ય ઉપશમ આ પંક્તિ — ‘કન્યાઓની આશા, મારી કવિતાની નસોનું રુધિર’–માં થયું છે. રાતે રસ્તાના વળાંકે મોટરની રોશનીએ ગૌરીના ઝુંડને અજવાળી દીધું. વર્ષાભીંજી મોડી સાંજે ઉત્સવ ઊજવી પાછી વળતી કન્યાઓને — ‘ભવિષ્યના સકલ આશારહસ્યને – નીરખી રહ્યા વૃદ્ધ વિસ્ફારિત નેત્રે.’ વૃદ્ધ વિસ્ફારિત નેત્રે આ ‘આશારહસ્ય’ નીરખે છે જે ફેલાયું છે કવિકૃષ્ટિની સંમુખ એમ કહેવામાં એક ઊંડો ધ્વનિ રહેલો છે તે જો ચૂકી જઈ એ તો આખું કાવ્ય ચૂકી જઈએ:

ભવિષ્યનું તે નિર્મલ સકલ આશારહસ્ય,
ફેલાયું મુગ્ધ નિજ દૃષ્ટિની સમક્ષ તહીં.

કવિ કાવ્યાંતે પુન: પેલા વિષાદ — વણલખ્યા કાવ્યોના વિષાદ —ની સંકુલ રેખાને દઢાવી લઈ કાવ્યના મૂળ ધ્વનિને સાચવી લે છે.

‘કન્યાઓનાં આશા-ઉલ્લાસ વધાવવાનો સમય રહ્યો નહીં.’ ‘ક્યાં? ક્યાં છે કવિતા?’ એ પ્રશ્નાર્થમાં કાવ્યશોધ એટલે કે આત્મશોધ અર્થે નીકળેલા કવિનો હૃદયસ્વર ઉત્કટ ભાવઝંખનાથી અભિભૂત થઈ ઊઠે છે.

(અનુભાવ)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book