પ્રેમઝરૂખેથી વહેલ આત્મખોજ અને અફસોસ… – રાધેશ્યામ શર્મા

દિનેશ દેસાઈ

એમ મળવાનું

એમ મળવાનું હવે ક્યાં થાય છે?

મધ્યમ બહરની આ ગઝલમાં ‘થાય છે’ રદીફ સળંગ સચવાયો છે.

રચનાનું શીર્ષક નથી તોપણ યોજવું હોય તો શીર્ષક લેખે ‘હવે ક્યાં થાય છે?’ નભી જાય.

સ્મૃતિસિતાર પર કૃતિ વાંચતાં જ ગાલિબની અમર પંક્તિઓ ઝંકૃત થઈ ગઈ: યે ન થી હમારી કિસ્મત વિસાલે યાર હોતા…અહીં મતલાની મિશ્ના–એ–શાનીમાં યાર’ શબ્દ એમ જ ખાસ પ્રવેશી ચૂક્યો છે.

ગઝલની પ્રતિષ્ઠિત પરમ્પરામાં ‘થીમ’ તરીકે મોટા ભાગે વસ્લ (મિલન) અને ફિરાક (વિરહ)ની ગૂંથણી વિભિન્ન પરિવેશમાં થતી હોય છે.

અહીં મિલન નથી થતું એના અફસોસથી કૃતિ આરમ્ભાઈ છે, એમ મળવાનું હવે ક્યાં થાય છે? પણ બીજી પંક્તિમાં ‘યાર’નું સંબોધન મળવા કરતાં ‘હળવા’નો મહિમા વિશેષ કરે છે. ‘હળવા’ શબ્દનો સંકેત અનુરક્તિ સાથે આડા સંબંધની જિકર સૂચવે અને અહીં યાર’ હાજરનાજર હોવાથી હળવાનું ઢળવાનું નાયકના ભાવને અનુરૂપ છે.

પ્રત્યેક શેરની સંઘટના સ્વતંત્ર હોવા છતાં, આગળના શેર સાથે અનુસન્ધિત પણ છે. બીજો શેર મત્લા સાથે જોડી શકીએ. હળવા–મળવાનું બનતું નથી એ મુદ્દે એક સાંજે, કદાચ ઝઘડી પડ્યા – (‘પડ્યા’ નહીં, ‘પડ્યાં’ જોઈએ) હોત પણ ફરિયાદ યોગ્ય છે, કે મળાતું નથી ત્યારે ઝઘડવાનું હવે ક્યાં થાય છે?

મુલાકાતની પૂર્વ પરિસ્થિતિ કેવી હતી તે ત્રીજા શેરમાં ઝબકી છે.

રાહ જોતો હું કલાકો; યાદ છે…

પરંતુ જ્યારે કોઈ આવનારું આવવાનું જ નથી ત્યાં રાહ જોવાનું ક્યાં થાય છે? ‘વેઇટિંગ ફૉર નોબડી…’

બીજા શેરમાં ‘સાંજ’નો સમય ઊતર્યો તો ચોથામાં ‘ચાંદની’ આવી એટલે રાત ઊતરી. ચાંદનીના પાનની બીના સાથે રોજ પીવાની વિગત શું સૂચવે? કે ચાંદની શરાબ છે, નશો છે, એ પીવાથી હાલહવાલ થઈ જતા પણ એ જમાનો ગયો એટલે કથ્યું, રોજ પીવાનું હવે ક્યાં થાય છે? ‘રોજ’ શબ્દનો સૂર એવો થાય કે રોજ નહીં તો કદીક-મદીક પીવાનું સંભવે છે ખરું!

ચાંદની કેફ બાદ રાતભર ભીંજવી દેવાની, પલળવાની ક્રીડાવાળો પાંચમો શેર, રચનાના ભાવ–શિલ્પસંદર્ભે અતિરિક્ત (redandant) લાગશે. એવું જ પલળવાની ક્રીડા સાથે તાપથી બળવાની–સળગવાની બાબતને જોઈ શકાય. છતાં પંક્તિરચના તરીકે ‘લ્યો’નો લહેકો આસ્વાદ્ય છે:

લ્યો, સળગવાનું હવે ક્યાં થાય છે?

પલળવાનું–સળગવાનું ક્યાં રહ્યું હવે? ‘ભલું થયું ભાંગી જંજાળ’ કેમ કે આખરે કાફર હતી એ છોકરી, આંખ લડવાનું હવે ક્યાં થાય છે?

અન્તે મક્તામાં તો ગઝલકવિ મેદાન સર કરી શક્યા છે. અહીં આત્મશોધની સાથે પ્રિયાવિરહનું દર્દ ઠપકા સાથે ઝમ્યું છે:

હું શોધું છું મને શ્હેરમાં,
શોધવાનું મન તને ક્યાં થાય છે?

કૃતિનો આ હાસિલે-ગઝલ શેર રચવા માટે કવિ દિનેશ દેસાઈને દિલી અભિનંદન. કાવ્યનાયક જાતે જ આ નિબીડ નગરમાં શોધી શક્યો નથી એવા ઈમાનદાર કન્ફેશન છતાં એક ખૂંચગૂંચ ઉપાલંભ રૂપે સચોટ વ્યક્ત થઈ છે, શોધવાનું મને તને ક્યાં થાય છે?

(રચનાને રસ્તે)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book