અમારો ગુણિયલ ગુર્જર દેશ – જગદીશ જોષી

સદાકાળ ગુજરાત

ખબરદાર

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત

કવિશ્રી ખબરદારની આ કૃતિ સાંભળતાંની સાથે જ ગુજરાત-પ્રશસ્તિ-કાવ્યની આખી હારમાળા યાદ આવી જાય. પ્રત્યેક દેશનાં-પ્રદેશનાં પ્રશસ્તિકાવ્યોમાં અંતરનો ઊભરાતો ઉમળકો એની લાક્ષણિકતા બની જાય છે. પ્રશસ્તિ-કાવ્યોનો તો એક અલાયદો સંચય થઈ શકે. પ્રેમાનંદે પાઘડી માથે નહીં મૂકવાની પ્રતિજ્ઞા લીધેલી તેમાં પણ એનો ગુજરાત અને ગુજરાતી પ્રત્યેનો અનુરાગ જ હતો. નર્મદના ‘જય જય ગરવી ગુજરાત’થી માંડીને તે આજ સુધીના કવિઓની કલમે લડાવાયેલી ગુજરાત-પ્રીતિ ધ્યાન ખેંચે જ છે. ઉમાશંકરનાં ગુજરાતસ્તવનો યાદ આવે જ. આદિલ જેવાની નામ પાડીને કહ્યું ના હોય એવી છૂટક કૃતિઓ, જેમ કે, ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’, એ પણ આ અવિરત પ્રવાહની સાખ પૂરે છે. આ થોડીક કૃતિઓને યાદ કરવી તે તો એટલા માટે જ કે આ તો પોતાની માતૃભૂમિની પ્રશસ્તિનાં થોડાં થાણાંઓને જ યાદ કરી લઈએ. બાકી આ રળિયામણો પ્રદેશ કેમ આવરી શકાય?

‘બધે ઉર-મઢૂલીઓ ગુજરાતી’ કહીને ગુજરાતી પ્રજાની આગવી અમીરાતને બિરદાવતા ઉમાશંકરની તો કેટકેટલી કૃતિઓ યાદ કરવી? ‘મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત’ ગાનાર ઉમાશંકરે ‘હું ગુર્જર ભારતવાસી’ કે ‘એ તો કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?’ લખીને ગુજરાતપ્રીતિ જાળવીને, પ્રાંતીયવાદ ભૂંસીને વિશ્વનાગરિકત્વનો ઇશારો કર્યો છે. સ્થળસંકોચની થોડી મર્યાદા સ્વીકાર્યા છતાં પણ ‘મળી માતૃભાષા મને ગૂજરાતી’ કહેતા ઉમાશંકરની થોડીક પંક્તિઓ અહીં ટાંકવાનો લોભ જતો કરી શકાયો નથી:

‘મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.
ધ્રુવા સત્ય-સાથી અહિ સા-સુહાની
નમો ધન્ય ગાંધીગિરા ગૂજરાતી!’

એ સાચું કે અંતે તો માણસે વિશ્વનાગરિક થવાનું છે: પણ કોઈ પણ મનુષ્યમાં પોતાની ભૂમિમાં પાથરણાં પાથરીને પલાંઠી લગાવીને બેઠેલાં પોતાનાં મૂળિયાંનો મહિમા ભાગ્યે જ ઓસરવાનો …આ સંદર્ભમાં વર્ષો પહેલાં સુન્દરમ્ જે ‘દક્ષિણાયન’માં લખે છે તે મનમાં ચોંટી જાય એવી વાત છે. વર્ષો પહેલાં દક્ષિણના પ્રવાસે નીકળેલા ત્યારે રાત્રે અગાસીમાં બેઠાં તેમને કોઈ ગુજરાતી શબ્દો અચાનક કાને પડે છે. અને તેમને ‘અંધકારમાં કોઈએ દીવાસળી પેટાવી હોય તેવો’ આનંદ ને આશ્ચર્યનો અનુભવ થાય છે. પ્રત્યેક ભાષાને એનો સ્વાદ હોય છે. પ્રત્યેક પ્રદેશને એના પહેરવેશ વગેરેની વિશિષ્ટતા હોય છે. ગુજરાતી ગરબા કે મરાઠી લાવણી કે પંજાબી ભાંગડા કે બંગાળી બાઉલગીતો એક પોતીકો ભૂમિનો રંગરાગ વ્યક્ત કરે છે.

પ્રસ્તુત કાવ્યની પ્રથમ પંક્તિ તો કહેવતની કક્ષાની થઈ ગઈ છે. કવિમુખેથી કેટલીક વાર કેવાં શાણપણનાં અર્ક જેવાં સત્યો સરી પડતાં હોય છે! ગુર્જરીની ‘મહોલાત’ દીપાવવા માટે એક ગુજરાતી બસ છે. સૂર્યનું કિરણ જ્યાં જ્યાં પડે ત્યાં ત્યાં સૂર્ય જ પ્રકાશે છે. પ્રત્યેક અંશમાં એની અખિલાઈની છબી હોય જ! ‘જેની ઉષા હશે હેલાતી’ એવી ‘હેલાતી’ ગુજરાતની ‘સુરવન તુલ્ય મિરાત’ને કવિ બિરદાવતાં ‘વાણી’, ‘લહાણી’ અને ‘શાણી’ના ચપોચપ આંતરપ્રાસ યોજે છે તે કેમ ભુલાય! ગુજરાતની વિશિષ્ટ વ્યક્તિઓ, વિભૂતિઓ અને પ્રજા તરીકે ગુજરાતીની આગવી મૌલિકતાની વાત કહી કવિ ‘ગર્વે’ ઝૂઝવાની એની શક્તિનો નિર્દેશ કરે છે. ધીમંત, શ્રીમંત, કાર્યદક્ષ, વ્યવહારદક્ષ અને કુશળ પ્રજાના ‘અણકીધાં કરવાના કોડ’ની વાત કરતાં કવિ ‘વૈભવરાસ’ની વાત કરે છે. ‘રાસ’ શબ્દનો અનેકઅર્થી વિનિયોગ તપાસવા જેવો છે. ‘સત્ય તણા ઉર’ને ઉજાળવા માટે આપણા ગાંધીજી જ એકે હજારાં નથી?

આપણી પારસી કોમ ગુજરાતી પ્રજા અને ભાષા સાથે ‘દૂધમાં સાકરની જેમ’ ભળી ગઈ છે એટલું જ નહીં, પણ જુદે જુદે ક્ષેત્રે અને ભાષાની વાત કરીએ તોપણ પારસીઓનો ગુજરાતી ભાષા પર ઘણો ઉપકાર છે. ખાસ કરીને શરૂ શરૂમાં પ્રેરણા અને પ્રોત્સાહન સક્રિય રીતે પૂરાં પાડવા માટે પણ ગુજરાતની રંગભૂમિ પારસીઓની ઋણી રહેશે. આપણે જાણીએ છીએ કે કવિને કે કવિતાને મૂલવતી વખતે કવિતાનો જ મહિમા હોય: છતાં પણ વર્ષો પહેલાં દક્ષિણમાં વસેલા, અંગત જીવનની મુશ્કેલીઓ વચ્ચે પણ, પોતાની માતૃભાષા પ્રત્યેનું ઋણ વ્યક્ત કરીને કવિતાદેવીની એકાત્મભાવે આરાધના કરી રહેલા ખબરદારની વાત કરીએ ત્યારે અન્ય પારસી ગુજરાતી સાહિત્યકારો જેવા કે સ્વ. મીનુ દેસાઈ કે શ્રી બેજન દેસાઈની યાદ સહજ આવે જ; અને પ્રવાહને ચાલુ રાખવાના એ સૌના પુરુષાર્થને વંદન કરવા મન પ્રેરાય જ.

૨૮-૮-’૭૭

(એકાંતની સભા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book