માનવીના રે જીવન વિશે – સુરેશ દલાલ

મનસુખલાલ ઝવેરી

માનવીના રે જીવન!

માનવીના રે જીવન!

કાવ્યની પ્રથમ પંક્તિ જ કાવ્યનું શીર્ષક છે. આ પંક્તિનો મહિમા અસાધારણ છે. પ્રથમ પંક્તિમાં ‘માનવીના’ અને ‘જીવન’ની વચ્ચે રહેલો ‘રે’ અર્થપૂર્ણ છે. જીવનના પ્રારંભમાં તો હોય છે. ‘અહો’ પણ આ અહોભાવ ઝાઝી વાર ટકતો નથી જેમ જેમ સમજતા થઈએ છીએ અને પ્રત્યેક પગલે જીવનનો સામનો કરીએ છીએ અને એમાં જે શૂન્યતા અને અભાવ અનુભવીએ છીએ એને કારણે અને એને પરિણામે ‘અહો’નું ‘અરે’માં રૂપાંતર થઈ જાય છે. માનવીના જીવનની વચ્ચે રહેલા આ ‘રે’માં ઘૂંટાયેલી વ્યથા છે. કાળની આવનજાવન મિથ્યા હોતી નથી. ઋતુઓના રંગપલટાઓ ખુદ માણસને પોતાને મોડે મોડે ખબર પડે એવી રીતે ચહેરા પર અદીઠ આંગળીએ કરચલીઓ પાડી જાય છે. જીવનની રંગભૂમિ પર માણસ તો ક્યાંય ખૂણામાં હોય છે. જાણે કે કાળ જ પોતાના પળેપળે પલટાતા ચહેરાઓ સાથે વિવિધ પાઠ ભજવે છે. બીજી બધી મોસમોની વચ્ચે જો કોઈ સનાતન આસન માંડીને બેઠું હોય તો તે શ્રાવણ. સુખને તો ઓળખીએ અને અનુભવીએ એ પહેલાં તે અકળ રીતે સરી પડતં હોય છે જીવનમાં ફાગણ તો ઘડીક જ હોય છે વિએ પ્રયોજેલો ‘ઘડીક’ શબ્દ સમજવા જેવો છે. ઘડીની પડખે ઘડીકને મૂકી જુઓ એટલે ખ્યાલ આવશે કે રંગ, રાગ અને પરાગની સૃષ્ટિ તો ક્ષણજીવી, લગભગ stillborn child જેવી જ છે. મનુષ્યના જીવન પર છે દુ:ખની – શ્રાવણની સનાતન મુદ્રા.

માણસને સતત દ્વંદ્વોને જીવવાં અને જીરવવાં પડે છે. તેજ ને તિમિરની ધૂપછાંવ જેવા માનવી હૃદયમાં કુરુક્ષેત્રનો નકશો તો કાયમનો દોરાઈ ચૂક્યો છે. રુદ્રરમ્ય એવી મનુષ્યની જીવન લીલાનો પાર પામ્યો પમાતો નથી. જીવનમાં કેટલીયે વસ્તુઓ જાણ્યા-માણ્યા વિનાની, ઝાંઝવાંની જેમ દૂર દૂર રહીને આંખને આંજ્યા ને માંજ્યા કરે છે. આંસુના નેપથ્યમાં હોય છે વિફળતાના અરવ ઓથાર, ઘોર નિરાશા, વણસેલા મનોરથો, પ્રેમનો નહીં મળેલો પ્રતિભાવ અને કેટકેટલુંયે! આંખમાંથી ઝરમર ઝરતા જલની નીચે જતી ગતિ અને સ્મિતના ઊંચે ઊડતા ફુવારાની ગતિની વચ્ચે માનવીની સ્થિતિ કેટલી વિચિત્ર છે! હોઠ હસે છે પણ પાંપણની કિનારી ભીની જ રહી હોય છે. આપણી જ બંને આંખો વચ્ચે જાણે કે આપણને ભીંસી નાખવાની સ્પર્ધા મચી છે :

એક હસે, એક રડે,
આંખ બે આપસમાં ચડભડે.

– હરીન્દ્ર દવે

તેજ અને છાયાના તાણાવાણા એવા વણાઈ ગયા છે કે માણસ બેમાંથી એકને અણિશુદ્ધ રીતે પામી શકતો નથી. એના મિલન પર વિરહનો પડછાયો હોય છે. ઘડીક આવેલા ફાગણમાં પણ ક્યાંક પાનખરની શૂન્યતા કણસતી હોય છે. સુખ અને દુ:ખ એટલાં બધાં લગોલગ અને એકમેકની અડખેપડખે છે કે એમને કેમે કરીને ક્યારેય અલગ પાડીને જોઈ શકાય એમ નથી.

અંધકારનાં બે બિંદુની વચ્ચે પણ મનુષ્યને માટે તો નર્યો અંધાપો જ છે. વિજન રણની વાટમાં સમ ખાવા પૂરતો વિસામો પણ ક્યાં છે? જીવન અને મૃત્યુનાં બે બિંદુની વચ્ચેની જિંદગીમાં જીવનનો આનંદ નથી અને મૃત્યુની શાંતિ નથી. જન્મ પહેલાં શું અને જન્મ પછી શું અને જન્મ્યા પછી પણ શું? જન્મ અને મૃત્યુ વચ્ચે કહેવાતી આપણી જિંદગી આપણી હોય છે ખરી? ‘બિચમાં બાંધી આંકે પાટા, ઓશિયાળી અથડામણ’ એ પંક્તિમાં માનવજીવનની અસહ્ય અને અકથ્ય લાચારીને વેધક રીતે મૂર્તિમંત કરી છે. ‘ઓશિયાળી’ શબ્દની અનિવાર્યતા કેટલી બધી છે એનો ખ્યાલ તો એને બદલે બીજા પર્યાયોને મૂકી જુઓ પછી આવશે. વૃક્ષ પર બેઠેલું કપોત નીચે જુએ છે તો શિકારી ઊભો છે અને ઊંચે જુએ છે તો બાજપક્ષી એના અસ્તિત્વની આસપાસ ઝૂમી રહ્યું છે. આ બંનેની વચ્ચે મનુષ્યે કપોતની જેમ શ્વાસ લેવાનો છે અને આવી અકળામણ અને અથડામણોને જીવનનું નામ આપીને જીવવાનું છે. પાટા બાંધેલી એની આંખને પાટા ઉતારીને જોશું તો એમાં કદાચ જોવા મળશે વૈશાખના આકાશ જેવી કોરી શૂન્યતા.

પોતાના હાથમાં જીવનનો મર્મ આવી ગયો છે એમ માનીને કેટલીયે વ્યક્તિઓ જીવનના અંત લાગી ભ્રમણામાં ભૂલી પડી ગઈ છે. જીવનનો મર્મ ક્યારેય કોઈની પકડમાં આવ્યો છે? આ તો તડકાને મુઠ્ઠીમાં પકડવા જેવી વાત થઈ. પોતાને મર્મ હાથ લાગી ગયો છે એવી ભ્રમણા કેવી જીવલેણ નીવડે છે! અને છતાંય એનું આકર્ષણ તો એને રહ્યું જ છે. જીવનનો મર્મ તો જાણે કે હાથતાળી આપીને કહેતો હોય કે, ‘I ma a game that nobody can win.’ કેટલાયે માણસો પોતે જીત્યા છે એવી ભ્રમણામાં પરાજય પામી ચૂક્યા છે. માણસ મૃત્યુની સાંકળથી જકડાયેલો છે. એ જરાક ગતિ કરે છે કે મૃત્યુની સાંકળ ખખડે છે. એનો અવાજ બધા અવાજને દબાવીને છવાઈ જાય છે. પણ માણસ માને છે કે એ પોતાના ચરણનો અતૂટ તાલ છે. આપણે જેમ કરોળિયાના જાળાને જોઈએ છીએ તેમ દેવદૂતો પણ આપણી કરોળિયાનાં જાળાં જેવી પ્રવૃત્તિઓ કે પ્રગતિઓને જોતા હશે.

`It is absurd to live in this world, but it’s even more absurd to populate it with new victims and most absurd of all to believe that they will have it better than us.’

અને એટલા માટે જ કાવ્યની પ્રથમ પંક્તિમાં મનુષ્યના જીવનની જેમ જ ભીંસાયેલો ‘રે’, પ્રથમ પંક્તિમાંથી બહાર નીકળી આપણા પૂર્વજો અને વંશજોની હથેળીમાં સનાતન રેખાની જેમ અંકાયેલો છે.

(કાવ્યવિશેષઃ મનસુખલાલ ઝવેરી)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book