ટેકરી કાવ્ય વિશે – રમણીક અગ્રાવત

હરિકૃષ્ણ પાઠક

ટેકરી

આખાયે ઢોળાવ પર હતાં

આ અદદ ભારેખમ કામઢા મલક વચ્ચોવચ શ્રી હરિકૃષ્ણ પાઠકે સાવ રોંચા જેવી અણઘડ અને નકામી ટેકરીને શું કામ અમથેઅમથી લાવી મૂકી દીધી હશે? શું અટકી જવાનું છે આ ટેકરી વગર? ભલીભોળી દુનિયા એના સરપટ વેગમાં મજેથી વળી રહી છે, ચારે ફરતો સુખનો સાગર હિલોળા દઈ રહ્યો છે ત્યારે આ નકરાં દુઃખ દુઃખને દુઃખની ટેકરી એકાએક ક્યાંથી ઊભી થઈ? સર્જકોની જીભે જ્યારે સરસ્વતી સાક્ષાત્ આવીને બેઠી, એમની લેખણમાં હતપત કરતી જીવતી શાહી રેડાઈ ત્યારથી સર્વ સર્જકોમાં શ્રેષ્ઠ એવા બ્રહ્માજીએ સૌ હતપતિયાઓને શાપ કહો તો શાપ, વરદાન કહો તો વરદાન, વગર માગ્યે દીધું છે. ‘તમને ક્યારેય જંપ નહીં વળે’, ‘તમારા લોહીમાં આ અજંપાના જંતુઓ સદાય જીવતાં રહેશે.’ ત્યારથી આ દુનિયાની એકેએક ભાષાનો સર્જક ભોગવતો આવ્યો છે આ કાળગતિ. જો એમ ન હોત તો સાવ મૂંગેમૂંગી ઓગળી જતી, વહેરાયે જતી આ ટેકરીના બોલ આપણે કાને ક્યાંથી પડત?

ગણીને સત્તર લીટીઓમાં આ ટેકરીની વ્યથાકથા મંડાઈ છે. આટલું તો માંડ બોલે આ ઓછાબોલી ટેકરી. અને વળી પાછી થઈ જાય સમયમાં સજડબમ! ૧થી ૧૧ લીટીમાં બધું ભૂતકાળ થઈ પડેલું છે તે ‘આમ હતું’ ઢબે કહેવાયું છે. એમાં ગત સમયને વાગળવામાં આવ્યો છે. બારમી લીટી ‘હવે બધું ઉજ્જડ’ કહી આપણને એક ઝાટકે હળાહળ વાસ્તવમાં મૂકી આપે છે. ૧૩થી ૧૫મી લીટીમાં ‘આમ છે’ કહેતી કહેણી વહેતી થઈ છે. અને છેલ્લી સોળ અને સત્તરમી લીટીમાં માંડ માંડ બોલીને ટેકરી જેવી ટેકરી નંદવાઈ ગઈ છે, ઓઝપાઈ ગઈ છે. પોતીકના પગની લાત જીરવવી કપરી હોય છે. બોલતાં બોલતાં શબ્દો ન સૂઝે, ગળચવા ગળવાં પડે. સાવ જ આશા મૂકી દીધી હોય એમ હાથ ઊંચા કરીને ટેકરી કહી બેસે છે. ‘આવો ખોદી ખાવ મને. હજીય તમારી ભૂખ ભાંગી ન હોય તો ધૂળની છેલ્લી મૂઠી સુધી ઉઝેડી લો મને. મારા પેલાં વાંસામાંથી ઉશેરી લો ઉશેટાય એટલું. જનેતા જ્યારે જણ્યાનું પેટ ભરાવવા બેસે ત્યારે દિલ ચોરી કરતી નથી. દૂધનું છેલ્લું ટીપુંય એ હેતથી નિચોવી દેશે પોતાના લાડકા કે લાડકીના મોંમાં.

કથામાં કશુંય નવું નથી. સંહારની કથામાં બીજું શું હોય? એનું એ જ વીતક સંકીર્ણતા અને સ્વાર્થનું. આખાયે ઢોળાવ પર નાનાંમોટાં ઝાડવાં હતાં, મૂંગાં પશુ જેવાં ઝાડવાં, વાંકા-ચૂંકા થડ-ડાખળાં, ઝીણાં મોટા પાંદ, આછી-ઘેરી છાય, પોતાનાં ઝીણા હાથે બસ આપ આપ ને આપ કરતાં હતાં ઝાડ. એ બધુંય, બધુંય ભૂસી નાખ્યું આ ઘેરી વળેલી ઘીંઘરે. મથાળાની દેરીએ લોક આવે-જાય, ચડે-ઊતરે. ભોગવે લીલા છાંયા, મળી જાય પોરો, ઝાઝો નહીં તો થોડો. ક્યાંક વીંટાતા દોરા-ધાગા, ક્યાંક ચડાવાતી લાલ-પીળી ચૂંદડી, ક્યાંક વળી પથ્થરો ગોઠવીને દેગ ચડાવે લોક. મથાળે દેરી ને મૂળમાં ઘા. ટેકરીઓને મથાળે પીરબાપા કે કોઈ માતાનું થાનક સ્થપાઈ જાય તે જોડાજોડ જ મૂળમાંથી ટેકરીઓને ખોદવાનું થાય ચાલુ. દિવસ અને રાત મકાનો, રસ્તાઓ બનાવવા ખોડાતી રહે ચૂપચાપ ટેકરીઓ. રોજેરોજ કોણ જાણે કેટલી ટેકરીઓ ભૂંસાઈ જતી હશે. દરેકદરેક ટેકરીની પીઠ પાછળ ભૂંડી પીડાના લસરકા પડેલા દેખાશે. આપણને ખબરે ન હોય ને આપણાં પગમાં ટેકરી આવી પથરાઈ ગઈ હોય. કેટકેટલી ટેકરીઓ સમથળ થઈ પડી છે રસ્તા ઉપર. કેટકેટલી ટેકરીઓ ચણાઈ ચૂકી છે દીવાલોમાં. હિસાબ માંડતા થાકશો. મૂળમાંથી વઢાઈ ચૂકેલી ટેકરીઓ તો કદી નહીં દેખાય.

જેવું ટેકરીઓનું થયું છે એવું જ નદીઓનું થયું છે. મોટી નદીઓને છોડીને કોઈ નદી હવે બારમાસી રહી નથી. લોકમાતા ગણાતી નદીઓમાં ઘરનાં ભૂંડામાં ભૂંડાં કૂડાકચરાને ઠંડે કલેજે પધરાવી દેવામાં આવી છે. કોઈ કચવાટ નહીં, કોઈ ખચકાટ નહીં. હા એ નદીઓના મંદિરો અવશ્ય થયાં છે. એની મૂર્તિઓ પૂજાય છે, પૂજાપા ચઢે છે. દોમદોમ મેળાઓ ઉજવાય છે. ટેકરી હોય કે નદી, બધે જ બદે ઉજ્જડતા પ્રસરતી જાય છે. બકરાં કે કૂતરાંય ઢૂંકતા નથી એની પાસે. લીલું તણખલુંય બચ્યું હોય તો પશુડાં આવોને? કાળીબંજર ભોંય વચાળે કોઈ મૂઢ ભરવાડ જેવી ઊભેલી ટેકરી કોઈનુંય ધ્યાન ખેંચી શકે તેમ નથી. રોજેરોજના ખોદાણોથી ખવાતી ટેકરીની બૂમ કોને કાને પડે? ત્રિકમ, કોશ, પાવડા, તગારાનાં ખણખણાટમાં એ માંદી બૂમ સાવ દબાઈ ચૂકી છે. મશીનોની બઘડાટીમાં કોણ કોનો અવાજ સાંભળે?

(સંગત)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book