બે જમાનાનાં બે નગરકાવ્યો – વેણીભાઈ પુરોહિત

ચીનુ મોદી

સુરત, અમદાવાદ

તે શા તુજ હાલ, ‘સુરત સોનાની મૂરત!’ (સુરત)

ધૂમાડિયું શહેર (અમદાવાદ)

નગરકાવ્યોમાં જમાનાની અને ઇતિહાસની તસવીર અંકિત થયેલી હોય છે. આવાં કાવ્યોમાં આવતાં વર્ણનો તે તે યુગની પ્રજાના જીવન-વ્યવહારનો ચિતાર આપે છે. પ્રજાની પલટાતી મહત્ત્વાકાંક્ષાના સાકાર થઈ રહેલા શિલ્પની સ્થિર છબી તેમાં (સ્ટીલ્સ) ઝડપાઈ જાય છે. સાથે સાથે એ જીવનવ્યવહારને અને સાધનસમૃદ્ધિના સંચારને આપ્તજનની પેઠે અથવા તો તટસ્થ નિરીક્ષકની માફક જોનાર દૃષ્ટિનો પણ પરિચય આપે છે. આવાં નગરકાવ્યોમાં પ્રજાની ચડતીપડતી અને કાલાનુક્રમની કડીઓ પણ સાંપડે છે. અહીં આપેલાં બે નગરકાવ્યો પોતપોતાના બે જમાનાની ઝાંખી કરાવી જાય છે. એક વખત સુરતની નિરાળી જાહોજલાલી હતી. પ્રવૃત્તિઓથી ધમધમતું તે બંદર હતું. ગુજરાતમાં અંગ્રેજોએ પહેલી કોઠી સુરતમાં સ્થાપી હતી. સુરતનું એ મહત્ત્વ આપણને યાદ છે. ત્યાર પછી કવિ નર્મદના જમાનામાં સુરતની જાહોજલાલીનાં વળતાં પાણી થયાં. એ જોઈને કવિ નર્મદનું હૃદય દ્રવી ઊઠ્યું. ‘સુરત સોનાની મૂરત’ હતું. પણ સમય પલટાતાં ‘રડતી સૂરત’ થઈ ગઈ. કવિ નર્મદ સૂરતના હતા, એટલે જનમભોમકાની મમતા પણ તેમના ‘સૂરત’ નગરકાવ્યમાં ભળી છે. આજની ઘડીના સૂરત વિશે આજના કવિને નર્મદથી કંઈક જુદું કહેવાનું હોય તે સ્વાભાવિક છે. કારણ કે પલટાતા ઇતિહાસમાં રચાતા નગરકાવ્યમાં અમુક તબક્કાની જ તસવીર હોય છે.

1960માં ભાષાવાર પ્રાંતરચના થઈ ત્યારે સ્વાભાવિક રીતે જ અમદાવાદને પાટનગર બનાવવાનો પ્રસ્તાવ આવ્યો હતો. ત્યાર પછી વડોદરા ગાયકવાડી રાજ્યનું પાટનગર હતું જ અને તથી તે સુઘડ, સુવ્યવસ્થિત હતું. તેને ગુજરાતનું પાટનગર બનાવવાની વાતો પણ રજૂ થઈ હતી. અંતે અમદાવાદ પણ નહિ અને વડોદરા પણ નહિ, બલકે ગુજરાત માટે મહાત્મા ગાંધીની સ્મૃતિને જાળવી રાખવા નવું પાટનગર ઊભું કરવું અને તેને ‘ગાંધીનગર’ એવું નામ આપવું એમ ઠર્યું. આજે તો હવે ગાંધીનગર ગુજરાતનું પાટનગર બની ચૂક્યું છે. વચમાં તો ગુજરાતની રાજધાની ગાંધીનગરથી ખસેડવાની વાત પણ વિચારવામાં આવી હતી. છેવટે એ વાત ઊડી ગઈ અને ગાંધીનગર એ અત્યારે ગુજરાતનું પાટનગર સ્થાપિત થઈ ચૂક્યું છે.

પરંતુ અહીં કવિએ અનૌપચારિક રીતે પાટનગર જેવું જ મહત્ત્વ ધરાવતા અમદાવાદને દૃષ્ટિમાં રાખીને નગરકાવ્ય આપ્યું છે. ભલે ગાંધીનગર પાટનગર બન્યું, પણ અમદાવાદનું મહત્ત્વ તો ઇતિહાસ સાથા સંલગ્ન છે. અમદાવાદ શહેરને પોતાનો અનોખો ઇતિહાલ છે. અમદાવાદમાં ઐતિહાસિક સ્થાનો ઊભાં છે અેન વીતી ગયેલા જમાનાની સાક્ષી આપી રહ્યાં છે. અમદાવાદમાં જોવા જેવું અને જાણવા જેવું ઘણું છે. ગાંધીજીએ આદરેલા આઝાદીના આંદોલનના સંક્રાંત સંસ્મરણો પણ છે.

અમદાવાદ આજે માત્ર ઉદ્યોગનગર જ નથી રહ્યું. સાહિત્ય અને કલાનાં, શિક્ષણ અને સંસ્કારનાં ઉપવનો ત્યાં પાંગર્યાં છે, પાંગરી રહ્યાં છે. અમદાવાદનો અદ્યતન નાગરિક વિકાસ જરા ય ઉપેક્ષાપ્તર નથી. ઉદ્યોગનગર હોઈને અમદાવાદમાં ત્યાંની મિલોનાં ભૂંગળાંમાંથી નીકળતા ધુમાડાનો ચંદરવો બંધાતો રહે છે. તે અદ્યતનતાની આરાધના કરે છે, તો સાથે સાથે ધુમાડિયું શહેર છે તે હકીકત મટી જતી નથી. ‘વીજળીનો વ્હોંકળો…’ ‘નિયોન લાઇટનાં દુફૂલ… જેવાં રૂપકોની નવી નજરથી કવિએ’ એ નગરનું એક સજીવ શબ્દચિત્ર આલેખ્યું છે. એ શબ્દચિત્રમાંથી ઘણાં અશબ્દ આંદોલનો આપણા હૃદયમાં જાગી જાય છે. આધુનિકતાને આંબવા મથતા નગરની લાક્ષણિકતા પર કવિનાં ઉરલોચન જે જુએ છે તે એક જુદું જ સચિત્ર સંવેદન ઊભું કરે છે.

(કાવ્યપ્રયાગ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book