ઉદધિને કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

રામનારાયણ વિશ્વનાથ પાઠક–શેષ

ઉદધિને

મને ઉદધિ! માન છે-પૃથિવી આખી વીંટી વળી,

આ કાવ્યમાં સંબોધન સમુદ્રને કરવામાં આવ્યું છે, પણ ધ્વનિ કોઈ લોકોત્તર પુરુષનો છો.

કવિ કહે છે, મને તારે માટે માન છે, મહોદધિ! કેટલો સમર્થ ને આત્મલીન છે તું? આખી પૃથ્વીને ચોતરફથી વીંટી લઈને તું તારી ઘોષણા જ કર્યા કરે છે. રાત ને દિવસ, બારે માસ ને આઠે પહોર! ને કેવાં અદ્ભુત છે ધૈર્ય ને ગાંભીર્ય તારાં? તારા પેટાળમાં પ્રચંડ વડવાનલો ભડકે બળી રહ્યા છે. તેને હૈયામાં ને હૈયામાં ભારી રાખીને, મુખ પર તો તું ધરતો હોય છે માત્ર સ્મિતની જ લહરીઓ, એક શમે ને બીજી ઊઠે તેવી અનંત અનંત લહરીઓ!

તું, આમ, સદાકાળ ગયાં ને મલક્યાં કરતો હોય છે ને તારી માઝા ઓળંગીને તું કદી કોઈના પર આક્રમણ કરતો નથી. એ વાત ખરી; પણ એનો અર્થ એવો નથી કે બીજું કોઈ તને તુચ્છ ગણે ને તારા પ્રત્યે બેઅદબી બતાવે તો તે તું સહન કરી લે. તું પણ ભલે એક મહાભૂત રહ્યો પણ તારું સ્થાન પૃથ્વીની છેક સપાટી પર છે; તે પોતે તો વસે છે તારાથી ઊભી જગ્યાએ, એટલે પોતે તારાથી કંઈક ઊંચા ને ચડિયાતા છે એવા ઘમંડથી બીજાં મહાભૂતો–તેજ, વાયુ ને આકાશ જો ક્યારેક તારા પર આક્રમણ કરવાની ચેષ્ટા કરે, વીજ, વંટોળ ને વાદળદળનાં તાંડવ મચે, તો તું હારી ખાતો નથી, પણ તારું અસાધારણ રુદ્ર રૂપ પ્રકટ કરે છે. વાયુના સૂસવાટ કે મેઘની ગડગડાટી કાને ચડી સંભળાય પણ નાહે એવી ગર્જનાઓ પર ગર્જનાઓ કરી કરીને તું આખી દુનિયાને ખળભળાવી નાખે છે. ને તેરા લાવલશ્કર જેવાં, તે દુશ્મનની છાતી બેસી જાય તેવાં ડુંગર ડુંગર જેવડાં મોજાં પર મોજાં ઉછાળે છે ને સહેજ પણ મચક આપ્યા વિના તારા સ્થાન પર ટકી રહે છે. (ગમે તેવા તોફાનમાં પણ સમુદ્ર પોતાની મર્યાદા નથી ઓળંગતો). તું સામે ચડીને કોઈના પર આક્રમણ કરતો નથી એ વાત ખરી; પણ જો કોઈ તારા પર આક્રમણ કરવા જાય તો તું એના હાથ હેઠા પાડ્યા વિના રહેતો નથી.

તારાં કંઠમાં અહોરાત્ર રમ્યાં કરતું ગાન, હૈયાની ઝાળ હૈયામાં ને મુખ પર માત્ર મરકડલાં જ, એવી તારી ધૃતિ ને તારું પૌરુષ, સામે ચાલીને કોઈ તને છંછેડવા આવે તો તેનું જોર તૂટી જાય ત્યાં સુધી તેની સામે ઝઝૂમવાની તારી દૃઢતા; આ બધું જોઈને મને તારા પ્રત્યે માન થાય છે, ઘણું માન થાય છે, ઘણું જ માન થાય છે, પણ માનથી બહુ બહુ તો ધાક પેસે, સ્નેહ ન જન્મે. તારા પ્રત્યે સ્નેહ જન્મે એવું તારું આચરણ તો તું નાનકડી ને નાચીજ કોઈ નાવડી પાસે સુકુમાર બની જાય છે, તેના કદર કરે છે ને દરકાર રાખે છે તે છે, ભલભલા માંધાતાઓને–સૂર્ય, ચન્દ્ર ને તારાગણોને લેશ પણ લેખાંમાં ન લેતો તું એ નાજુક નાવડીનો સ્પર્શ તારા હૈયા પર જે રેખા આંકતો જાય છે તેને કેવી સુકુમારતાથી ધારણ કરી રહે છે? તારા સમોવડિયાં સાથે કે પોતાને તારાથી ચડિયાતાં માનનારાંઓ સાથેના વ્યવહારમાં, જરૂર પડ્યે, તું વજ્રથી કઠોર બની શકે છે; ને એ જ તું કેવો ફૂલથી પણ સુકુમાર બનીને કોઈ નાજુક નાનકડી નાવડીની સ્પર્શરેખાને તારા હૈયા પર ધારે છે? કેવો ધીર ગંભીર ને વીર! કેવો પ્રતાપી ને પરાક્રમી! કેવો વજ્રથી પણ કઠોર ને કુસુમ કરતાં પણ વિશેષ સુકુમાર! લોકોત્તર પુરુષોમાં માન અને સ્નેહ, બન્ને જન્માવે એવું કેટલું બધું હોય છે!

‘શેષનાં કાવ્યો’ના ટિપ્પણમાં એમ કહેવામાં આવ્યું છે કે ‘કાવ્ય ઉદધિને સંબોધેલું છે, તેમાં વર્ણન ઉદધિનું છે પણ તેમાં ઈશ્વરનો ધ્વનિ છે.’ મને લાગે છે કે કાવ્યમાંનો એકએક ઉલ્લેખ ઈશ્વરને લાગુ પડે છે તેના કરતાં (ગાંધીજી જેવા) કોઈ લોકોત્તર વ્યક્તિવિશેષને વધારે સરળતાથી લાગુ પડે છે. કવિ પોતે જ્યારે પોતાને અમુક અર્થ અભિપ્રેત છે એમ કહેતો હોય ત્યારે તેનાથી જુદા પડીને બીજો કોઈ અર્થ કરવાનો અધિકાર ભાવકને ખરો? પ્રશ્ન ચર્ચાસ્પદ છે. પણ અહીં સંક્ષેપમાં કહી શકાય ખરું કે હા, ભાવકને એ અધિકાર છે, જો કવિએ કરેલો અર્થ પૂરેપૂરો પ્રતીતિકર હોય નહિ અને ભાવક તારવતો હોય તે અર્થ કાવ્યના પદેપદ તેમ જ સમગ્ર સંદર્ભમાંથી સ્વાભાવિક રીતે નીકળતો હોય તો.

(આપણો કવિતા-વૈભવ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book