મહાન અને પારાવાર દર્દ – હરીન્દ્ર દવે

મરીઝ

કોણ આવકાર દે?

બસ એટલી સમદ મને પરવરદિગાર દે

પહેલા જ શેરમાં કવિ ઈશ્વર પાસેથી સમજ માગે છે; હૃદયની સમજણ એ ઘણી મોટી વસ્તુ છે. બુદ્ધિથી જે પામીએ તેમાં અહમ્ ભળે છે. હૃદયથી જે પામીએ તેમાં પ્રેમ હોય છે. અહીં કવિ જે સમજ માગે છે એનો નાતો હૃદય જોડે છે, અને એટલે જ જ્યાં પણ કોઈ સુખની ક્ષણ મળે ત્યારે પોતે અહંકેન્દ્રી ન બની જાય, પોતાના સિવાય પણ બીજાના વિચારો કરી શકે એવી સંપત્તિ કવિ ઇચ્છે છે.

આ પ્રેમની જ વાત બીજા શેરમાં આગળ વધે છે. જીવનની સાર્થકતા પ્રેમને કારણે છે; પણ પ્રેમ સાર્થક જ થશે એની બાંહેધરી કોણ આપી શકે? અને પ્રેમનો કોઈ ઇલાજ નથી એવું સ્વીકારીએ ત્યારે પ્રેમ એ જ જેનું જીવન હોય એનું શું? એ પછીના જ શેરમાં કવિ કહે છે એમ જે મિલનતા બિંદુ સુધી પહોંચવાનો નથી એવો ઈંતઝાર જ એમના માટે રહ્યો હોય છે.

અત્યારે આપણે ત્યાં નવી નવી ગઝલોમાં કેટલાંક અસામાન્ય પ્રતિરૂપોથી કામ લેવાઈ રહ્યું છે. ‘મરીઝ’ની આ ગઝલ નવી નથી; પણ એમાંની અભિવ્યક્તિ નવીનતાને અતિક્રમી ગઈ છે, એટલે નિત્ય નૂતન છે. એટલા ખાતર આ શેર આખી યે ગઝલનો ઉત્કૃષ્ટ શેર છેઃ કોઈ બંધ દ્વાર પાસે આવી તેના પર ટકોરા મારવા કે ન મારવા તેની વિમાસણ છે—કવિ આ વિમાસણને કેટલી ઉત્કટતાથી નિરૂપે છે! એ કહે છે — ‘આવીને આંગળીમાં ટકોરા રહી ગયાં!’ આ કેટલી મોટી વાત, કેટલા ઓછા શબ્દોમાં, કેટલા સભર કાવ્યત્વ સાથે કવિ આલેખી શક્યા છે!

એ પછીના શેરમાં કવિ ધાર્મિક ક્રિયાકાંડ પર એક કટાક્ષ કરી લે છે. વ્યસન માણસને સતત વળગેલું હોય છે. જ્યારે ધર્મ તો અઠવાડિયામાં એકાદ વાર યાદ કરી લેવા જેવા ક્રિયાકાંડ કરતાં વિશેષ નથી, એમ મોટા ભાગના લોકો માનતા હોય છે. પીઠામાં સતત હાજરીને કારણે જે ‘માન’ છે અને મસ્જિદમાં ‘આવકાર’ છે. પીઠામાં સતત હાજરીને કારણે જે ‘માન’ છે અને મસ્જિદમાં ‘આવકારનો અભાવ,’ અહીં ‘માન’ અને ‘આવકાર’ બંને શબ્દો કટાક્ષમાં વપરાયેલા છે. આપણે માન અને આવકારના જે ખોટા ખ્યાલો બાંધીને બેઠા છીએ તેની વિડંબના કરવામાં આવી છે. પીઠામાં જે ‘માન’ છે એ વાસ્તવમાં માન કહેવાય ખરું? અને મસ્જિદમાં આવકાર નથી પણ ઈશ્વરના આંગણે બૃહદ્ આવકારમાં વૈયક્તિક આવકારનો સમાવેશ થઈ જાય છે.

જીવનની નાની નાની બાબતો જ માણસને થકવી દે છે, કચડી નાખે છેઃ મહાન વેદના કે મહાન દર્દ હોય તો વ્યક્તિનું ગૌરવ થાય છે. રોજ અસંખ્ય સામાન્ય માણસો નાની નાની વેદનાઓ ભોગવતા જ હોય છે. એ અસહ્ય હોય છે, છતાં વ્યક્તિને પોતાના વાતાવરણથી ઉપર આવવાની તક ક્યાં મળે છે? પણ ઈસુને એક જ દર્દ હતું, ગાંધીજીને એક જ દર્દ હતું: આ મહાન અને પારાવાર દર્દ જો હોય તો જ વ્યક્તિ પોતાની આસપાસના સંજોગોને અતિક્રમી આગળ આવી શકે છે.

કવિ અને સામાન્ય માનવીમાં પણ આ જ ફરક હોય છેઃ સામાન્ય માનવી પાસે નાનાં નાનાં દર્દો હોય છે; કવિ પાસે પારાવાર દર્દ હોય છે. પોતાની વેદનાની પાર પહોંચી શકે છે એ જ સાચો કવિ બને છે. આ મહાન અને પારાવાર દર્દ માટેની યાચના જ કવિની સાચી પ્રાર્થના છે.

ગઝલના પ્રત્યેક શેર આગળ આપણે આથી પણ વધુ અટકી શકીએ કે મનન કરી શકીએઃ ગઝલની આ જ ખૂબી છે. અને એક ગઝલમાં મનન કરવા જેવું એકાદ જગત રચાતું હોય તો પણ ઘણું છે. આ નાનકડી ગઝલમાં એકથી વધુ શેરોમાં એ બની શક્યું છે.

(કવિ અને કવિતા)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book