સાગર અને શશી કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

મણિશંકર રત્નજી ભટ્ટ—કાન્ત

સાગર અને શશી

આજ મહારાજ! જલ પર ઉદય જોઈને

ગ્રીષ્મની સાંજનો સમય છે. સમુદ્રનાં નીર પર દૂર દૂર પૂર્વ દિશાની ક્ષિતિજે ધીરે ધીરે ચન્દ્રોદય થતો આવે છે. એ જોઈને કવિના હૃદયમાં હર્ષનો ભાવ જાગે છે અને એ ભાવ જાગતાં, એને આખી કુદરત નયનમનોહર લાગવા માંડે છે.

પ્રકૃતિના ગગનમાં જેમ ચંદ્ર ઊગવા લાગે છે તેમ કવિતા હૃદય-ગમનમાં સ્નેહ ઊગવા લાગે છે–હાથી જાગ્યો. ક્યાંથી જાગ્યો, શા માટે જાગ્યો એની કશી ખબર ન પડે અને છતાં પુષ્પના પરિમલની પેઠે અકળ રીતે હૃદયમા ખૂણેખૂણામાં પ્રસરી જતો સ્નેહ.

પરમાત્માના નયન જેવા ચન્દ્રની સમક્ષ કાલના–ગ્રીષ્મ ઋતુના–બધા સંતાપ શમી જાય છે અને સાથોસાથ પરમાત્માના નયન એટલે કે જગતને જોવા સમજવા માટે દૈવી, અલૌકિક દૃષ્ટિ જેવાં સ્નેહભાવની સમક્ષ પણ કાલના–આયુષ્યભરના–સંતાપ શમી જાય છે. ચન્દ્ર અને સ્નેહ, બન્ને ‘નવલરસધવલ’ છે. ચન્દ્ર નવા રસને લીધે ધવલ બન્યો છે, સ્નેહ પણ નવા જાગેયા રસને લીધે ધવલ-સ્વચ્છ, શુદ્ધ, નિર્મળ બન્યો છે.

જીવનમાં હર્ષનો ભાવ જામે છે ને કાલના સર્વ સંતાપ સમે છે કે તરત આખી પૃથ્વી-આકાશ અને પૃથ્વી-સૌન્દર્યમાં એકરસ બની જાય છે. સમુદ્રના જલતરંગો પર નાચતાં, ઊગતા ચન્દ્રનાં કિરણ વીજળીના સળાકા જેવાં લાગે છે ને પૃથ્વી પરની રાત્રિ ઊડીને આકાશમાં પોતાની ગૂઢતા અને શ્યામલતા બિછાવી દે છે. કોયલ કૂજી ઊઠે છે; ને મહેરામણની ભરતી હેલે ચડે છે. આખી સૃષ્ટિ, આમ, સમુલ્લાસભરી બની જાય છે ને સીધી, સરળ, નાની સરખી વિહારનૌકાની માફક અનન્ત અવકાશમાં સડસડાટ ચાલી જતી હોય તેમ લાગે છે.

સ્નેહનો ચમત્કાર પણ એવો જ છે. એના નયન સમક્ષ કાલના બધા સંતાપ શમ્યા એટલે સૃષ્ટિ આખીના, જળથળના કે આકાશ પૃથ્વીના ભેદ લુપ્ત થાય છે. એક જ સૌન્દર્ય સર્વત્ર સભર ભરાયું દેખાય છે. હૃદયમાં કોકિલા–સ્નેહવત્સલ કવિતા–કૂજી રહે છે ને આખું હૃદય ભાવની ભરતી અનુભવી રહે છે.

કવિના હૃદયના આ હર્ષભાવનું પ્રતિબિંબ આખી સૃષ્ટિ પર પડતાં, એ પણ સમુલ્લાસથી છલકાઈ જતી દેખાય છે. ને નાનકડી વિહારનૌકાની માફક સડસડાટ ચાલી જતી લાગે છે–જેમાં નથી ક્યાંય અથડામણ, નથી કશી ગૂંચ કે નથી ક્યાંય વિઘ્ન. સ્નેહનું નયન કવિને મળી જતાં એને માટે આખી સૃષ્ટિનો પ્રવાહ, સરળ, સૌમ્ય, નિર્વિઘ્ન, રસમય બની જાય છે.

આ કાવ્યની વર્ણયોજના, એના અલંકારો, એનો છન્દોલય, આ બધાં એવી મનોરમ તરીકે ગોઠવાયાં છે કે ગ્રીષ્મની પ્રદોષરમણીય સંધ્યાનું આખું શીતલ ને મનોહર વાતાવરણ આપણે અનુભવી રહીએ છીએ. ભરતીએ ચડેલો સમુદ્ર, તેનાં ચંચળ મોજાં પર નાચતાં રૂપેરી ચન્દ્રકિરણો ને કિનારા પરનાં વૃક્ષોની કુંજમાંથી ઊડતું કોકિલાનું કેલિકૂજન, આ બધાંને આપણે પ્રત્યક્ષ કરીએ છીએ.

અને આ કાવ્યનું મુખ્ય વક્તવ્ય–પ્રકૃતિના મનોહર દર્શનથી હૃદયમાં જાગતો હર્ષ, હર્ષને લીધે હૃદયમાં જાગતો પ્રાણીમાત્રને માટેનો સ્નેહભાવ, આ સ્નેહભાવ જાગતાં, શમી જતાં આયુષ્યભરના કલહ અને સંતાપ, ને એ બધાંને પરિણામે સરલ સુતર ને સુંદર બની જતો જીવનનો પ્રવાહ, આ વક્તવ્ય-સ્નેહના મહિમાનું ગામ કરે છે, જે સ્નેહના ચમત્કારને આપણા મોટામાં મોટા કવિઓ, મહાત્માઓ અને તત્ત્વવેત્તાઓ બિરદાવતાં થાક્યા નથી.

(આપણો કવિતા-વૈભવ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book