ભરતી કાવ્ય વિશે – ચંદ્રકાન્ત શેઠ

કૃષ્ણલાલ શ્રીધરાણી

ભરતી

સહસ્ર શત ઘોડલાં અગમ પ્રાન્તથી નીકળ્યાં,

આપણે સૌ પંચમહાભૂતોનાં પૂતળાં છીએ અને કદાચ તેથી જ એ તત્ત્વો પ્રતિ આપણું પ્રબળતમ આકર્ષણ રહ્યું છે. સૂર્યદર્શને આપણે આપણી આંતરચેતનાના ઊર્ધ્વીકરણનો આનંદ લઈએ છીએ તો સાગરદર્શને આપણે અબાધિત ચેતોવિસ્તારનો આનંદ લઈએ છીએ. જોકે સૂર્યદર્શને ચેતોવિસ્તાર તો સાગરદર્શને પણ આપણી ચેતનાનું ઊર્ધ્વીકરણ થતું હોય છે.

અહીં લીધેલું `ભરતી’ કાવ્ય દેખીતી રીતે જ સાગરદર્શને ઉત્પ્રેરિત છે. શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી જેવા સૃષ્ટિ-સૌન્દર્યના આશક અને રંગદર્શન પ્રકૃતિના કવિ સાગરનું સૌન્દર્ય, એની અવનવી છટાઓ વગેરેનો મનભર અનુભવ કરી એને મનોહર કલ્પનરમ્ય વાણીમાં રજૂ કરી આપણને આસ્વાદ મળે એ માટેનો આવો ઉપક્રમ ન કરત તો જ નવાઈ લાગત. તેમનું કવિચિત સાગરનું અને તેય ભરતીમાં ઊછળતા સાગરનું ગતિશીલ ચિત્ર અહીં ઝડપે છે.

સૌમ્યશાંત સાગરને જોવો એ એક બાબત છે અને ભરતીનો ભવ્ય-ઊછળતો સાગર જોવો એ બીજી બાબત છે. પ્રતિભાશાળી કવિની કૃષ્ટિને સાગરનું ક્યારે ને કેવું રૂપ ઝડપવું એનો નિર્ણય લેતાં વિલંબ ન જ થાય. આ કવિએ અહીં સાગરની ભરતીને જ પોતાનો વર્ણ્યવિષય કર્યો છે.

શ્રીધરાણીને સાગરની ભરતી જોતાં – ભરતીનાં ક્ષિતિજ બાજુએથી – જાણે કોઈ અજાણ્યા પ્રદેશ વિસ્તારમાંથી ઊઠતાં-ઊઠળતાં-ઘૂઘવતાં-ચોતરફ ધસમસતાં ને વિસ્તરતાં, સફેદ ફીણવાળાં સેંકડો-હજારો જોરદાર મોજાંઓ જોઈને, એ મોજાંઓને ખડકો સાથે ટક્કર લેતાં, ભાંગતાં ને પાછાં ફરીથી ઊઠતાં ને ઉપડતાં જોઈને સેંકડો-હજારો ઘોડાંઓનું ચિત્ર કલ્પના યાદ આવી જાય છે.

સેંકડો હજારો ઘોડાં અજાણી દિશામાંથી ટોળાંબંધ ધસી આવતાં હોય, એ બધાં હણહણતાં હોય, એમના ગતિઉછાળે ને અવાજે જાણે આસપાસની આખી દુનિયા, આકાશ અને બધી દિશાઓ હચમચી ઊઠતાં હોય, એ રીતે દિગ્ગજો ભયત્રસ્ત થઈ જતા હોય, વળી ઘોડાની ડાબલાની જેમ એમના ગતિધસારે ઊઠવા પડછંદાઓએ આસપાસનું બધું વાતાવરણ પ્રતિધ્વનિત થઈ ઊઢતું હોય એવું એક ચિત્ર આંકી ભરતીના ઉછાળ-ધસારાને તેઓ પ્રત્યક્ષ કરે છે.

વળી, આ ધસારાનાં અનિવાર્ય પરિણામો પ્રતિ પણ તેઓ ચિત્રાત્મક રીતે આપણું ધ્યાન દોરે છે. શરીરનો ત્રિભંગ કરી, કમાનની જેમ શરીર ખેંચી, શ્વાસ ઘૂંટી એના જોરે એકદમ ઊછળતા ધસતા ઘોડા સામેની ભેખડે ટકરાઈ, માથં ફૂટતાં છતાંયે તેને તોડવાનો તંત ન છોડે એમ જ ભરતીનાં મોજાં ખડકોએ અથડાતાં, વેરવિખેર થતાં છતાં વળી વળીને ઊઠી ભેખડ પર જોરદાર, પ્રહારો કરવાનું છોડતાં નથી. એમનો આવો જવાંમર્દીભર્યો, જિંદાદિલીભર્યો જોરદાર સંઘર્ષ શું એમના ગતિવિકાસ ને સ્વતંત્રતા આઢે આવતા જડતાભર્યા ભેખડરૂપ અવરોધોને નહીં તોડી શકે? દુનિયા આખીને એમનો આવો સંઘર્ષ નહીં હચમચાવી શકે?

શ્રીધરાણી આ શેક્સપિયરસાઈ સૉનેટની છેલ્લી કડીમાં સાગરની ભરતીની આ વાતને આપણા જુવાનોના સ્વાતંત્ર્ય સંઘર્ષ સાથે સચોટ રીતે સાંકળી લે છે. આપણો આખો દેશ મહાત્મા ગાંધીજી જેવા નેતાઓના પ્રેરણા-પ્રોત્સાહને સ્વાતંત્ર્ય માટેના ભાવાવેગની પ્રબળ ભરતી અનુભવતો હતો. ખાસ તો વછેરા જેવા આપણા યુવાનોનો વર્ગ સૌને બદ્ધ-ગુલામ રાખવા મથતી જડ શાસનવ્યવસ્થા સામે સંઘર્ષમાં ઊતરે છે. એમનો ઉછાળ, એમનો ઉત્સાહ, એમનું સંગઠન અને એમની તાકાત – આ સર્વ સાથે મળીને પેલી ભેખડ જેવી વ્યવસ્થાને હચમચાવવા – તોડવા ક્રિયારત થાય છે. કવિ પોતે એવી સક્રિયતાનો ભરતી-રસ પોતાની ભીતરમાંયે પ્રતીત કરે છે. જો જુવાન હૃદયમાં સ્વાતંત્ર્ય માટેની ભાવભરતી ચઢી જ છે તો તે કદી દબાવાની કે શમવાની નથી જ. એ ભરતીનું જોમ સંઘર્ષમાં ઊતરી, વિપરીત પરિબળોનો સંકલ્પપૂર્વક, શ્રદ્ધાપૂર્વક સામનો કરી, ધાર્યો વિજય હાંસલ કરીને જ વિરમશે. કવિને શ્રદ્ધા છે, ભરતીનું બળ ભરતીનો જુસ્સો ને આવેગ એળે નહીં જ જાય; સફળ થઈને રહેશે.

આ કવિ પાસે ચિત્રકારનીયે નજર છે એ નજર જ જલધિનાં મોજાંમાંથી અશ્વોની ગતિવિધિનું તાદૃશ ચિત્ર નીવજાવે છે. એ ચિત્ર કેવું પ્રભાવક છે તે સૉનેટની બીજી કડી બરોબર રીતે બતાવે છે. `ભણકાર’માં બ. ક. ઠાકોરે રેવાના પ્રવાહમાં પડેલી નાવ ગૌર દેહ પરના તલની જેમ દબાતી ને ઊંચી થતી બતાવવા `તલ સમ પડે ઊપડે નાવ મારી’ એવી પદાવલી યોજી હતી. આ કવિ પણ એવી જ પદાવલી `અશ્વ ધમતા પડી ઊપડી’માં યોજે છે. એમણે એમાં `ધમતા’ ક્રિયાપદ યોજ્યું છે તે પણ કેટલું બધું અર્થવાહી ને તેથી બળવાન છે! વળી, ઘોડાના ડાબલાના પડછંદને પણ સમુચિત વર્ણસંકલના દ્વારા શ્રુતિગોચર કરવાનો પ્રયાસ `પડંત પડછંદ વિશ્વભર ડાબલા ઉચ્ચરી’માંથી પામી શકીએ છીએ. કવિએ ઓજસ્વી પદશૈલી દ્વારા ભરતીની તાકાતને એના આવેગને દૃષ્ટિગોચર કરવા સાથે જ શ્રુતિગોચર કરવા સાથે જ કર્યાની પ્રતીતિ `પછાડી મદમસ્ત ધીંક’ જેવી પદાવલિથી થઈને રહે છે.

આ કાવ્યમાં કવિની રૂપવિધાયક શબ્દશક્તિ સાથે જ તેમની વ્યંજનાત્મક અભિવ્યક્તિની શક્તિનો ઉત્કર્ષ વરતાય છે. `શિર રક્તનાં વારણાં’માં સ્વાતંત્ર્યવીરોની સહનશક્તિ તેમ જ સમર્પણશક્તિની તો `અવનિ-આભ ભેગાં થશે?’માં વાસ્તવ સાથે ભાવનાનો સંબંધમેળ સિદ્ધ કરવાની એમની ખેવનાની વાત વ્યંજિત થતી લાગે છે. કવિએ ભરતીનું અશ્વબળ સાથે અને અશ્વબળનું યુવાબળ સાથેનું સમીકરણ અહીં જે રીતે સિદ્ધ કર્યું છે તે અત્યંત અર્થપૂર્ણ અને પ્રભાવક છે.

આ કવિએ જે વાતાવરણમાં આ કાવ્ય સર્જ્યું તેનો સીધો પ્રતાપ-પ્રભાવ અહીં દાખવ્યો છે. આ કાવ્ય યુવાવર્ગમાં સ્વાતંત્ર્યની જે ભાવભરતી ઉદ્ભવેલી તેનું તો દર્શન કરાવે જ છે તે સાથે કવિચેતનામાં સર્જકતાનું જે જોમ-તેજ છે તેનુંયે ભાન કરાવીને રહે છે. અહીં પૃથ્વી છંદનો લયકૌવતનો સાદ્યંત અનુભવ થાય છે. આમ, દેખીતી રીતે પ્રકૃતિ-કાવ્ય તરીકે આરંભાતું કાવ્ય યુગ-સમાજની એક ભાવસ્થિતિનુંયે કાવ્ય બની રહે છે. કવિનાં ભાવસંદર્ભ અને વાક્સંદર્ભનું આવું આયુજ્ય તો અપૂર્વ જ લેખાય. પ્રકૃતિનો કલ્પનાત્મક રીતે – પ્રતીકાત્મક રીતે – વિનિયોગ કરી બતાવતું આ કાવ્ય તેના ગુણસામર્થ્યે કરીને ગુજરાતી ભાષાના ઉત્તમ સૉનેટોમાં પણ સ્થાન પામી શક્યું છે.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book