આતમરામને વિશે – ચંદ્રકાન્ત શેઠ

`શેષ’

આતમરામને

હજીયે ન જાગે મારો આતમરામ!

સાચા કવિને પોતાના અસ્તિત્વમાં મૂળિયાં સુધી પહોંચ્યા વિના જંપ વળતો નથી. એની સચ્ચાઈની ખોજ એને આત્મજા તરફ, આત્મનિરીક્ષણ અને આત્મચિકિત્સા તરફ ન પ્રેરે તો જ નવાઈ. કવિ ભલેને ન્હાનાલાલના ધૂમકેતુની જેમ બ્રહ્માંડોને ખૂંદી વળે પણ તેના દોરનો એક છેડો તો એના પંડમાં – એના આત્મામાં જ જડાયેલો જોવા મળે છે. પરમાત્માએ પિંડ આપ્યું છે તો બ્રહ્માંડ પણ આપ્યું છે, એણે જીવન આપ્યું છે તો મૃત્યુ – મરણ – પણ આપ્યું છે; જાગૃતિ સાથે સુષુપ્તિ અને સંવાદ સાથે સંઘર્ષ પણ આપ્યાં છે. મનુષ્યની મનુષ્યતા – એની હોવાપણાને થવાપણાની ચરિતાર્થતા તો સંકુચિતતામાંથી બૃહત્તામાં – ભૂમામાં, મૃત્યુમાંથી અમૃતત્ત્વ પ્રતિ, સુષુપ્તિમાંથી જાગૃતિમાં – તુરીયાવસ્થામાં, સંઘર્ષમાંથી સંવાદમાં કેટલો વળે છે – સરે છે અને સમુન્નતતા પામે છે તે પર નિર્ભર છે. મનુષ્યનો જન્મ મળ્યો છે – મનુષ્યાવતારનું વરદાન જો પ્રાપ્ત થયું છે તો એ જન્મ કેમ સફળ થાય, કેમ કે સાર્થક થાય એ જોવાનું રહે છે; એ માટે શક્ય તેટલી મથામણ – પુરુષાર્થ કરવાનાં રહે છે. મનુષ્યની જીવનશક્તિ – એની જિંદાદિલી જાગૃતિપૂર્વક પુરુષાર્થ કરતાં આત્મચેતનાનું ઊર્ધ્વીકરણ કરવામાં છે; પિંડ દ્વારા અને પિંડમાં બ્રહ્માંડ સમસ્તની શક્તિનો સાક્ષાત્કાર-સ્પર્શ કરવામાં છે. સુષુપ્ત રહેવું, સ્થગિત થઈ જવું, જડ બની જવું – એ માનવચેતના કે જીવનચેતનાના મૂળમાં જ કુઠારાઘાતરૂપ ક્રિયા છે. એનાથી બચતા રહેવામાં જીવનધર્મ – આત્મધર્મ છે. પ્રસ્તુત કાવ્યકૃતિ જીવનધર્મ – આત્મધર્મનો ઉજાશ પ્રગટ કરતી પરંપરાગત શૈલીની અધ્યાત્મરસિક ભજનરચના છે; જેમાં કવિની આત્મજાગૃતિ માટેની – આધ્યાત્મિક ઉત્થાન માટેની ખેવની ઉત્કટતાથી રજૂ થઈ છે. કાવ્યરચનામાં પુનરાવૃત્ત થતી પંક્તિઓથી એ ખેવનાનો ભાવ ઘૂંટાતો ઘનીભૂત થતો વેધક થતો લહાય છે.

આ કાવ્યનો ઉદ્ગાતા કવિ તો જાગેલો જ છે. (જાગેલો ન હોય તો સાચો કવિ ન હોય.) તેથી તો એ `હજીયે ન જાગે મારો આતમરામ’ એવું નિરીક્ષણ અને કથન કરવાની ભાવસ્થિતિમાં છે. આતમરામને જગાડવાના પ્રયત્નો અનેક થયા જ હશે (`હજીયે’ પદ એ સૂચવે જ છે); પરંતુ એ પ્રયત્નો હજુ કારગત નીવડ્યા નથી. જડતાધારણ એવું છે જે હઠાવવાના પુરુષાર્થ છતાં હઠતું નથી. જાગ્રત કવિને તેથી વેદના પણ છે અને આમ છતાં આતમરામ જાગ્રત થશે એવી આશા-શ્રદ્ધા માટેના ધૃતિ ને દૃઢતાએ એમનામાં છે જ.

આમ તો જે આત્મા છે – અંતરાત્મા છે તેને ઊંઘવાણું હોય જ નહીં; પરંતુ પરિસ્થિતિવશાત્ – સંજોગવશાત્ એવી એક વચગાળાની તમસાવૃત્ત ભૂમિકા આવી જાય છે. કવિ એવી ભૂમિકામાંથી પોતાના આત્માને મુક્ત કરવા, એને ઊર્ધ્વીકરણ-ઉદ્ધાર કરવા મથે છે. એ માટે તેઓ શિવસંકલ્પબદ્ધ છે; એમ કરવામાં એમને એમના જીવનધર્મની-માનવધર્મની ઇષ્ટતા સમજાય છે.

કવિએ આત્મજાગૃતિની વાત માટે અહીં જાણીતું પરંપરાગત સાગર અને નૌકાનું રૂપક ઉપયોગમાં લીધું છે. `ભવસાગર’ કે `સંસારસાગર’થી ને `જીવનનૌકા’ કે `જીવનનૈયા’થી આપણે અજાણ નથી. આ ભવસાગરમાં આપણે મનુષ્યરૂપ લઈને, જીવન લઈને પ્રવેશ્યા તે એ સાગરમાં ડૂબી મરવા નહીં પણ એ સાગરને સફળતાથી પાર કરી જવા માટે. આ સંસારસાગરમાં જાતભાતનાં વમળો-મોજાં-તોફાનો વગેરે તો સતત ઊઠતાં જ રહેવાનાં છે. આ સંસારસાગરમાં જીવનનૌકાને તરતી રાખવી એ પણ એક કામ છે. કર્તવ્ય છે. એ પણ એક સાધના છે અને વધુમાં એ નૌકાને નિર્ધારિત ધ્યેયે પહોંચાડવી એ બીજું કામ છે. કવિ પણ પોતાની જીવનનૌકાની યાત્રા પૂરી સફળતાથી સિદ્ધ થાય એ માટે પ્રયત્નરત છે. તેઓ કહે છે : `પરિસ્થિતિ વિષમ છે. ભરતી કે તોફાન-કશુંક સામે આવતું લાગે છે; પરંતુ એ ભરતી કે તોફાન જોઈને નાવ કાંઠે બાંધી રાખવાની નથી; બલકે એવી પરિસ્થિતિમાં જ એનાં લંગર ઉઠાવીને એને મઝધારે છોડવાની છે. તોફાનોનો-સંઘર્ષનો મક્કમતાથી મુકાબલો કરવાનો છે. એવો મુકાબલો કરવામાં ઘણીબધી સજ્જતા, ઘણોબધો પુરુષાર્થ અને પરમાત્માની કૃપા ને સતત દોરવણી આવશ્યક છે. કવિ પાસે નાવ તો છે, એ મજબૂત છે; એના બધાયે સઢ ચડાવેલા છે, એનાં સૂત્રો-દોરડાંયે મજબૂત છે, એ નાવને દિશા-દોરવણી આપે; નાવને ભરતી-તોફાનનાં વમળો વચ્ચેથી સલામત રીતે બહાર કાઢી ધારી મંજિલે પહોંચાડે એવી માર્ગદર્શક શક્તિ – નેતૃત્વશક્તિની ખોટ કવિ અનુભવે છે. એવી ખોટ તો પરમાત્માના અનુગ્રહે – પરમાત્મા દ્વારા જ પુરાઈ શકે. પરમાત્મા જ આપણી જીવનનૌકાના ખરા નેતાનિયંતા હોઈ શકે. આપણી પાસે ઇન્દ્રિયોની શક્તિ ભલે હાજર હોય પણ એમને દોરનાર હોવા જોઈએ પરમાત્મા; આપણી પાસે ભલે શક્તિ હોય પણ એને પ્રેરનાર હોવા જોઈએ પરમાત્મા; આપણી પાસે ભલે ગતિ હોય પણ એને નિયંત્રણમાં રાખનાર માર્ગદર્શક હોવા જોઈએ પરમાત્મા. આપણી જીવનનૌકા પરમાત્માની દિશા-દોરવણી વિના સંસારસાગરમાં ક્યાં આડે રડાવે ચઢી જાય, ક્યાં ખરાબે ભટકાય ને ખુવાર થાય – ડૂબે તે કહેવાય નહીં. આપણી જીવનનૌકાની યાત્રામાં પરમાત્માની સતત હાજરી જરૂરી જ નહીં – અનિવાર્ય છે. શરીરમાં જે મજીવ હોવો જોઈએ તેમ આપણી જીવનનૌકામાં પરમાત્મારૂપી સુકાની સતત પડખે હોવા જ જોઈએ.’

આમ તો આપણો આત્મા એ જ પરમાત્માનો અંશ છે – પરમાત્મા છે, એટલે આ પૂર્વે સૂચવ્યું તેમ એને ઊંઘવાપણું હોય જ નહીં. આપણને એ ઊંઘતા લાગે એવી એક ભાવભૂમિકા જરૂર વરતાય પણ તે તો નિવાર્ય છે. સંસારસાગર પાર કરવાની આપણી ખેવના – આપણી ભાવના – આપણી અભીપ્સા જો તીવ્ર – ઉત્કટ હોય તો પરમાત્માની સહાય – એનું માર્ગદર્શન આપણને મળવાનું જ છે. આપણને છતી શક્તિએ, સજ્જતાએ પ્રમાદી રહેવું પાગલે નહીં. જે બેસી રહે એનું ભાગ્ય પણ બેસી જાય છે, માટે જ બેસી રહેવાનું આપણને પરવડે નહીં. જીવન મળ્યું છે તો તે સાહસપૂર્વક, ઝિંદાદિલીથી જીવી જાણવાનું છે. `કમ-વૉટ મે’ – જે થાય ચે. લાભાલાભમાં સ્થિતપ્રજ્ઞની સમતા-ધારણ જાળવીને જીવનનૌકાને તરતી રાખવાની છે. આપણે જો અંદરથી જાગેલા હોઈશું તો પછી આફણને કોઈ ભય કે હાનિ નથી જ. સમયસર જાગવું એ કર્મ છે ને ધર્મ પણ. આત્મજાગૃતિ સાથે જ આત્મશક્તિનો ને પરમાત્મશક્તિનો આશ્વાસક અને પ્રસન્નકર પ્રેરણા-સંચાર અનુભવાશે. આપણે તો વિનીતભાવે પરમાત્મા આપણા સુકાને આવી બેસે એ જ ઇચ્છવાનું – પ્રાર્થવાનું છે. આપણે ભલે નૌકાને તારનાર માનીએ, આપણને ખરેખરા તારનાર તો પરમાત્મા જ છે. પરમાત્માનું શરણ જ આફણને ઉગારશે, આપણો આ ભવનો ફેર સાર્થક કરશે. જે સર્વાત્મભાવે પરમાત્માને સમર્પિત થાય છે એને ડૂબવાપણું કે ગુમરાહ થવાપણું હોતું જ નથી. અહીં આતમરામને – અંતરાત્માને જાગવાનું કહી કવિ વસ્તુત: તો પોતાનામાં પરમાત્મશક્તિનો સમુદાય થાય, એનો ખરેખરો સાક્ષાત્કાર થાય એ જ વાંછે છે. શ્રેયાર્થી કવિએ કાવ્યારંભે અનેક પ્રયત્નો છતાં પોતાનો અંતરાત્મા – આતમરામ જાગતો નથી એ માટેનો અફસોસ, એ માટેની વેદના વ્યક્ત કરી છે અને અંતમાં તો સીધો અંતરાત્માને જ જાગ્રત થવાનો અનુરોધ `જાગોજી જાગોજી’ એવાં વિનવણીનાં ક્રિયાપદો પ્રયોજીને કર્યો છે. કવિને માટે તો અંતરાત્મા જ પોતાનું સર્વસ્વ છે. એને માટે એમને સહજ જ પ્રેમ પણ છે; કેમ કે એ અંતરાત્મામાં જ પરમાત્માનું સાતત્ય-સંસ્થિતિ તેઓ અનુભવે છે. અંતરાત્મા જાગશે તો પરમાત્માનો સાક્ષાત્કાર થશે જ. એની શક્તિએ જ તેઓ પોતાની હસ્તીની ખરેખરી સાર્થકતા ને પ્રસન્નતા પ્રતીત કરશે.

આમ, આ કાવ્યમાં ઝિંદાદિલ પુરુષાર્થી જીવાત્માનો અંતરાત્મા પ્રત્યેનો, પરમાત્મા પ્રત્યેનો પ્રાર્થનાભાવ પ્રગટ થાય છે. એ ભાવના-ભાવનાની ગહરાઈ અહીં સરળતા ને વેધકતાવાળી ભજનવાણીમાં અભિવ્યક્તિ પામી છે તેનું અનોખું આકર્ષણ છે. આ કાવ્ય એકતારાના રણકાર સાથે ગવાય ત્યારે જ એનું વાઙ્‌મય વાતાવરણ કેવું પ્રભાવક છે તે પ્રતીત થાય છે. `આતમરામ’ જેવા શબ્દનો પ્રયોગ, પંક્તિ-અંશોનું સાભિપ્રાય પુનરાવર્તન, રૂપકાત્મક બંધનો સાદ્યંત નિર્વાહ ભાવાનૂકૂળ સરળ-ઋજુ પદાવલિ, આ બધી આ કાવ્યની પ્રશિષ્ટ કલાત્મકતાની દ્યોતક સંપદા છે. કવિનો પરમાત્મા ને અંતરાત્મા પ્રત્યેનો આસ્તિકતાનો ભાવ અહીં પ્રાસાદિક રીતે પ્રગટ થયો છે. આપણી અર્વાચીન ભજવનવાણીનો આ કાવ્ય એક સુંદર-સરસ અર્થવાહી નમૂનો છે એમ કહેવું જોઈએ. `શેષ’નો પૂરો પરિચય એમના આ કાવ્યગત `આતમરામને’ વિશેષભાવે ઓળખીએ ત્યારે જ થાય એમ કહેવું જોઈએ.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book