ને તમે યાદ આવ્યાં વિશે – દીપક મહેતા

— ને તમે યાદ આવ્યાં

હરીન્દ્ર દવે

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,

હરીન્દ્રભાઈનું આ ગીત એટલે જાણે શાકુંતલનાટકના પાંચમા અંકને આરંભે આવતા પેલા વિખ્યાત શ્લોકનો ભાવ-વિસ્તાર હંસપદિકાનું ગીત સાંભળીને દુષ્યન્ત મનોમન કહે છેઃ

रम्याणि वीक्ष्य मधुरांश्चनिशम्य शब्दान्
पर्युत्सुकीभवती यत् सुखिनोङपि जन्तु ।
तत् चेतसा स्मरति नूतमबोधपूर्वम्
भावस्थिराणि जननान्तर सौहृदनि ।।

રમ્ય દૃશ્ય જોઈને કે મધુર શબ્દ સાંભળીને સુખી મનુષ્યનો જીવ પે બેચેન થઈ ઊઠે છે. તે ગત જન્મનાં વહાલાંઓ, જે આ આ જન્મમાં તો વીસરાઈ ગયાં છે. તેની ચિત્તમાં યાદ ઊભરાતાં, બાહ્યજગતના અનુભવને આત્મસાત્ કરવા માટેના બે ધોરી માર્ગો તે આંખ અને કાન. કાલિદાસ આ બેની વાત કરે છે તો હરીન્દ્રભાઈ પણ તેમના આ ગીતની પહેલી બે કડીમાં દૃશ્યજન્ય અને શ્રુતિજન્ય સ્મૃતિસ્પંદનની વાત કરે છે. અલબત્ત, આપણા આ કવિ વીસમી સદીના છે એટલે ગત જન્મની વાત નથી કરતા. આ જન્મના જ પ્રિય પાત્રની વાત કરે છે.

અત્યંત લોકપ્રિય થયેલું આ ગીત અનેક વાર ‘આવ્યાં’ એમ સાનુસ્વાર અને ‘આવ્યા’ એમ નિરનુસ્વાર, બંને રીતે છપાયેલું જોયું છે અને ગવાતું સાંભળ્યું છે. ‘આવ્યા’ એવો અનુસ્વાર વગરનો પાઠ સ્વીકારીઓ તો આ ગીત કોઈ સ્ત્રીએ પોતાના પ્રિય પुરુષને કરેલા સંબંધન તરીકે જોઈ શકાય. જો ‘આવ્યાં’ એવો અનુસ્વાર સાથેનો પાઠ અપનાવીએ તો તે કોઈ પુરુષે પોતાની પ્રિય સ્ત્રીને કરેલા સંબોધન તરીકે જોઈ શકાય. એક અનુસ્વારના હોવા કે ન હોવાથી આખા ગીતનો સંદર્ભ બદલાઈ જાય એવાં બીજાં ઉદાહરણો ગુજરાતીમાં ઓછાં જ જોવા મળવાનાં.

જોકે આ વાત વ્યાકરણની દૃષ્ટિએ સાચી છે એટલી કાવ્યની આંતરિક સામગ્રી તપાસમાં સાચી રહેતી નથી. પહેલી કડીમાંના ‘પાન’ અને ‘તરણું’ બીજી કડીમાંનું ‘પંખી’ વગેરે ઇશારો તો કરે જ છે કે આ ગીત એ નાયકની નાયિકા પ્રત્યેની ઉક્તિ છે, તેનાથી વિપરીત નહિ. પણ ત્રીજી કડી તો આ અંગે રહ્યોસહ્યો સંદેહ પણ દૂર કરે તેમ છે. ‘ગાગર ઝલકીને તમે યાદ આવ્યાં’ એ પંક્તિ પરંપરાગત સાહચર્યના ઇંગિતને બળે આખા કાવ્યને દૃઢ રીતે નાયિકા પ્રત્યેની ઉક્તિ તરીકે સ્થાપી આપે છે. એટલે ‘આવ્યા’ એનો મીંડા વગરનો પાઠ વ્યાકરણ પ્રત્યેના દુર્લક્ષનું પરિણામ છે એમ જ માનવું રહ્યું.

પહેલી જ કડીમાં ‘પાન લીલું’ અને ‘તરણું’નું એકવચન ગીતના નાયકના દારુણ વર્તમાનનો અંદાજ આપી દે છે. સૃષ્ટિમાં તો લીલાં પાન અને તરણાં ઢગલાબંધ હોય. પણ અહીં તો જીવનમાં એવો કાળઝાળ ધોમ ધખે છે — નાયિકાની અનુપસ્થિતિને કારણે જ ને — કે ક્યારેક વળી માત્ર એકાદ લીલું પાન કે કોળતું તરણું નજરે ચડી-પડી જાય અને ત્યારે એ અ-સાધારણ દૃશ્યાત્મક અનુભવથી — રમ્યાણિ વીક્ષ્ય — પ્રિયતમાની યાદ આવી જાય.

ગીતની પ્રત્યેક કડીની રચના એવી છે કે પહેલી અને ત્રીજી પંક્તિમાં સ્મૃતિના ઉદ્દીપન અને તજ્જન્ય સ્મૃતિની વાત છે. જ્યારે બીજી-વચલી — પંક્તિમાં આ સ્મૃતિસંવેદનની પ્રભાવકતાની વાત, મુખ્યત્વે સાદૃશ્યબોધ દ્વારા કરી છે. આ બીજી પંક્તિ, ઉંબરા ઉપર રાખેલા દીવા — દીહલીદીપક —ની જેમ આગલી તથા પછીની એમ બંને પંક્તિને ઉછાળે છે.

બીજી કડીમાં પંખીના ટહુકારૂપી શ્રુતિજન્ય સ્મૃતિબોધની વાત છે — मधुरांश्चनिराम्य शब्दान. ફરી,પંખી માટેનું એકવચન પણ ર્થસમર્થ બની રહે છે. નાયિકા-રહિતવેરાન જીવનમાં પંખીઓના ટહુકાની બહુલતા ક્યાંથી હોય? ક્યાંક ભૂલભૂલમાં કોઈક પંખી એકાદ ટહુકો કરે તો કરે. આવું જ તારાનું. કાળાધબ્બ આકાશમાં માંડ એકાદ તારો ટમકે તો ટમકે.

પાન, તરણું, પંખી, તારો એ બધાં પ્રકૃતિનાં ઉદ્દીપન હતાં તો ત્રીજી કડીમાં મનુષ્યનિર્મિત ‘ગાગર’ ઉદ્દીપન બને છે. અગાઉ જોયું તેમ પરંપરાગત સાહચર્યને બળે તે સ્મૃતિમાં દૂર રહેલી નાયિકાને કાવ્યની વધુ નજીક લાવી મૂકે છે. જોકે ત્રીજી પંક્તિમાં ફરી કવિ પ્રાકૃતિક ઉદ્દીપન — ચાંદની — પાસે પહોંચી ગયા છે.

કોણ જાણે કેમ પણ આ કાવ્ય વાંચતાં દરેક વખતે તેની ચોથી કડી નબળી જ નહિ, આગંતુક પણ લાગ્યા કરે છે. પહેલી ત્રણ કડીમાં વિરહનો અનુભવ જ વેધક રીતે વ્યક્ત થયો છે તે ચોથી કડીમાં આછોતરો થઈ જતો લાગે છે. પાન, તરણું, પંખી, તારાની જેમ ઠાલું મલકનાર અને આંખે વળગનારની વિરલતા સ્થપાતી નથી. એટલું જ નહિ, ‘જાણે કાનુડાના મુખમાં વ્રેમાન્ડ દીઠું રામ’ એ પંક્તિ આખા ગીતના પરિવેશમાં આગંતુક લાગે છે અને એટલે અટૂલી પડી જાય છે. જોકે છેલ્લી કડી ગીતને સંભાળી લેવાનો પ્રયત્ન કરે છે. સફળ રીતે કરે છે એમ લાગે.

ગીત અને ગાયકીને કશો સંબંધ નથી એવું ગુમાન રાખનારા કવિ — વિવેચકોને માટે હરીન્દ્રનાં ગીતો પડકારરૂપ છે. ગીતમાં સમજદાર ગાયકી ભળે ત્યારે કૃતિમાંથી કશાની બાદબાકી થતી નથી, સરવાળો કે ગુણાકાર જ થાય છે. આપણા કોઈ મુખ્ય બંદિશકાર એવા નહિ હોય જેમણે હરીન્દ્રભાઈનાં ગીતોની બંદિશ બાંધી ન હોય. કોઈ મુખ્ય ગાયક — ગાયિકા એવાં નહિ હોય જેમણે હરીન્દ્રભાઈનાં ગીતો ગાયાં ન હોય. લતા મંગેશકરથી માંડીને સ્કૂલમાં ભણતાં, છોકરી સુધીનાંએ એમનાં ગીતો ગાયાં છે. મૂળ કાવ્યત્વ ધરાવતાં હરીન્દ્રભાઈનાં ગીતોને લોકહૃદય સુધી પહોંચાડવામાં સુગમ સંગીતે પણ સારો એવો ફાળો આપ્યો છે.

કેટલાંક ગીતો મોંમાં ચાંદીથી ચમચી લઈને જન્મે છે. આ ગીતનો તો એક નહિ, બે ચાંદીની ચમચી મળી છે. આપણા બે અગ્રગણ્ય સંગીતકારો પુરુષોત્તમ ઉપાધ્યાય અને રાસબિહારી દેસાઈએ આ ગીતની બંદિશો બાંધી છે. બંને સંગીતકારો કૃતિની તાસીર ઓળખીને સ્વર બાંધે એવા છે. બંનેએ પોતીકી રીતે આ ગીતની બંદિશ બાંધી છે. બંનેની બંદિશો આમ તો સગોત્ર લાગે છે. પુરુષોત્તમભાઈની બંદિશ વધુ તરલ છે તો રાસભાઈની બંદિશમાં વેદનાની લકીર લગરીક વધુ સળકે છે. ‘ને તમે યાદ આવ્યાં’ નામની પોતાની કૅસેટમાં ગાતી વખતે રાસભાઈએ ગીતની ત્રીજી અને ચોથી કડી છોડી દીધી છે. એ જ નામની પુરુષોત્તમભાઈની કૅસેટમાં હંસા દવેએ આ ગીતની પાંચે કડી ગાઈ છે. પુરુષોત્તમભાઈ પોતે તથા વિભાબહેન દેસાઈ પણ આ ગીતને સુપેરે રજૂ કરે છે. બીજાં પણ ઘણાં ગાયક-ગાયિકાને કંઠા આ ગીત સાંભળવા મળતું રહે છે.

૧૯૭૬ના માર્ચની ૧૯મી તારીખે આ ગીત લખાયું ત્યારે તો વસંતોત્સવનો સમય હોય. પણ આ ગીતમાં વસંતવિજયનો નહિ, વસંત — વિરહનો અનુભવ થાય છે. બાહ્ય પ્રકૃતિ નહિ, એ સમયની કવિની આંતરિક પ્રકૃતિ જવાબદાર હશે કદાચ. આ ગીતને માટે. ભલે મનની બળબળતી પ્રકૃતિમાંથી સર્જાયું હોય, આજે પણ આ ગીત લીલા પા જેવું, હજુ હમણાં જ કોળેલા તરણા જેવું, તાજું, ચેતનવંતું અને ચમકતું લાગે છે. ફરી કાલિદાસના પેલા શ્લોકને યાદ કરીએઃ रम्याणि वीक्ष्य मधुरांश्चनिशम्य शब्दान् આ ગીત પોતે એવું રમ્ય અને મધુર નીવડી આવ્યું છે કે સાંભળનાર પર્યુત્સુકી — બેચેન — થઈ ઊઠે, ભલે થોડી ક્ષણો માટે… ‘રમ્યો નિહાળી, મધુરા સુણતાં જ શબ્દ.’

(ભમરો વાત વહે ગુંજનમાં)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book