સ્વજન સુધી વિશે – રમણીક અગ્રાવત

ગની દહીંવાલા

સ્વજન સુધી

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી

કોઈ ઊંડા કૂવાને તળિયે આશાના ઉજાશ સમું પાણી ઊંડે ઊંડે તબકતું કળાય એમ થકવી મૂકે એવા જુદાઈના દિવસોની હારમાળાના છેડે ઊભેલા મુદિત મિલનને કવિ ‘જોઈ’ ગયા છે. હયાતીના વિખરાટો વચ્ચેથી એવું કશું તો હાથ લાગે જ છે જે અંદરની જોડી રાખે. કવિની શ્રદ્ધા તો જુઓઃ ‘મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી!’ અંદરથી સાબૂત રહેવું જરૂરી છે. સમયનો ભીંસતો કસતો સકંજો તો સદાય રહેવાનો જ છે. ઘોંઘાટોની વચ્ચેથી કાનને સંવાદનો પાતળો તો પાતળો સૂર સંભળાયા કરતો હોય તો ચિંતાની કશી વાત નથી. જે પીડનારા છે. જેને શત્રુ ગણી લીધી છે, કદાચ તેઓ જ સ્વજન સુધી લઈ જશે. શત્રુતાનું મહોરું ખરી પડે અને તેની હેઠળથી સ્વજનોનો ગમતો ચહેરો દેખાઈ પડે એમ પણ બને. એથી જ તો વ્યવહારોમાં સંબંધોની સરવાણી કદી સાવ સુકાઈ જતી નથી. શત્રુત્વને સ્વજનપણામાં પલટાવી મૂકતો આ કીમિયો ધ્યાનમાં રાખવા જેવો છે. દુણાયેલા મનનાં ડહોળાયેલાં પાણી આછરે છે અને સમાદરનો હળવો પવન ફરી વળતા વ્યગ્રતાઓ ઠંડી પડતી જાય એવું થતું રહે છે.

ધખારાઓ જો બહુ વધી પડે તો એ અન્યોની પીડે, પોતાને પણ પીડે જ પીડે, જ્યાં એકમેકના મન સુધી જવાની ઉત્સુકતા અને મોકળાશ હોય ત્યાં ધખારાઓની ધૂણી આપોઆપ ઠંડી પડી જાય. પૃથ્વી અને આકાશ સુધીનું બધું જ માપી લઈને અંકે કરી લેવાની ઉતાવળ અને અધીરાઈ ન હોય તો કોઈના મન સુધી જવામાં કશી મુશ્કેલી પડતી નથી. મનને ઓચાઈ જતાં પણ વાર ન લાગે. આ મન છે જ એવું લક્ષ્ય કંઈ ઊંચું કે અઘરું નથી. અધકચરું તો નથી જ નથી. એકમેકના મન સુધી જવાનો જ મનસુબો છે.

બેસુમાર ફૂલો અને પવનની બહુલતા પછીય આખું જગત સૌરભથી કંઈ મહેક મહેક થઈ ગયું નથી. સૌરભનો અનુભવ થાય પણ એથી ઓછપ કઠે એવું બને. છતાં તાજગીને હાથોહાથ સોંપી જતી સૌરભ તો છે જ. પૃથ્વીની સંમતિ હોય તો જ ગગનગામી થવાનું છે. ઉડ્ડયનો ભલે થતાં રહે, પૃથ્વીની ધરપત સાથે હશે તો કંઈ વાંધો નથી. એક પગ ધરતી પર રાખીને જ સ્વજન સુધીની મુસાફરીઓ આદરવાની છે. આ જિંદગીનું રસાયણ ખટમીઠું છે. ક્યારેક બહુ મીઠું લાગે. ક્યારેક મન ખાટું થઈ જાય. ખાટામીઠા અનુભવોને ટકરામણ જિંદગીના ધરાતલ પર સહજ છે. થૂથૂ કરી નાખ્યા પછી પણ ઘૂંટ ભરી લેવાની તલપ ક્યાં તાજી શકાય છે? પ્યારની જિંદગી આમ છેતરામણી છે. ટકી રહેવાની અવઢવ હોવા છતાં જીવ્યાં વિના પણ ક્યાં રહેવાય છે? ખરાબ પાનાં આવ્યાં કે બાજી ફેંકીને ઊભા થઈ જવાની હઠ પોષાય એમ નથી. રમ્યે જ છૂટકો. અને રમતના નિરાળા આનંદની લટાર કેમ ભૂલાય!

શરીરમાંથી એક પવિત્ર ઝરણું પ્રગટે છે, એ છે આંસુ. આંસુની આર્દ્રતા દુઃખની દઝાડતી આંખને મોળી પાડી દે છે. રાંકની મૂડી તો એનાં આંસુ. આંસુને એમ જ સારીને ધૂળમાં મેળવવાથી કંઈ અર્થ ન સરે. આંસુને કરુણામાં પલટાવવાનો કીમિયો સમજણ જાણે છે. કરુણાની સાંદ્રતા મનને સાબૂત રાખી શકશે. અનુભવોની પછડાટો જીરવ્યાં પછી ઊભું રહી શકતા એવું મન જરૂર સક્ષમ હશે. સારા અવરોએ પહેરાતાં કિંમતી વસ્ત્રો અસર વીત્યે પાછાં પેટીમાં પૂરાય. માત્ર સારા અવસરોના જ એ સંગાથી કોઈ ઘસાયેલાં ઘરની ગૃહિણી રોજિંદુ જે વસ્ત્ર પહેરે-ઓઢે, એ રોજિંદા વસ્ત્રનો નાતો કાયમનો. એ ઘડી બે ઘડીનો દેખાડો નહીં, પણ પરસેવામાં ફોરતી જીવંત ફૂંક. છેક અંતઘડી સુધી જળવાતું એ સાતત્ય ઉતાર-ચઢાવોની પાર એ સાથે ને સાથે જ.

હૃદયની વ્યગ્રતા જ્યારે કાબૂ બહારની થઈ પડી ત્યારે જાણે ખુદ ઈશ્વરે જ સહાય કરી. શ્વાસનો ચરખો જેવો બંધ થાય કે પૂર્ણ વિરામ મૂકાઈ જાય તમામ ખટાખટો પર. જે પવન આગને ભડકાવે તે જ પવન એને ઠારે પણ ખરો. શ્વાસનળીઓમાં ઘૂમરાતાં પવનને ઠારીને ઈશ્વરે પવન એને ઠારે પણ ખરો. શ્વાસનળીઓમાં ઘૂમરાતાં પવનને ઠારીને ઈશ્વરે પવન અને આગની અથડામણ જ ટાળી દીધી! આ પૃથ્વીગ્રહ પરનું એકેએક નિવાસી સ્વજન લાગવાં માંડે એવાં મનની મોકળાશને કયા ગજથી માપીશું? એકમેકના મન સુધી પહોંચતા સેતુઓ રચાઈ ગયા હોય અને મનથી મન હળી ગયાં હો ત્યારે બધાં જ માપિયાઓ અપ્રસ્તુત બની જાય. જુદાઈ અને મિલન, રંકત્વ અને ધનાઢ્યતા, ઉન્નતિ અને પતન આ બધાં સમીકરણો ઠરી જાય. ‘સ્વજન’ ભાવમાં ઠરતાં જ જાણે ચમત્કાર થાય છે. ધરા અને ગગન વચ્ચે તરતા કોઈ મોકળાશના ગ્રહમાં જાણે નિવાસ થઈ ચૂક્યો હોય છે. તેની સાબિતી જેવી ‘હાશ’ મનનાં ખૂણેખૂણામાં છવાઈ જાય છે. જાણે અષાઢના પહેલા વરસાદ પછીની ટાઢક! શ્રી ‘ગની’ દહીંવાલા એક મંત્રેલો શબ્દ આપે છેઃ ‘સ્વજન સુધી’ રસ્તા તો એ જ જે લઈ જાય આપણને સ્વજન સુધી, આપણે જેની જેની નજીક પહોંચી શકીએ તે સૌ આપણાં ‘સ્વજન’, ટકી રહેવાની ખાતરી નથી, છતાં જીવટ છોડતી નથી એ જ ઈશકૃપા, ઈષ્ટફળ!

(સંગત)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book