આજની રાત વિશે – નલિન રાવળ

આજની રાત

હરીન્દ્ર દવે

રાત્રિને કહો કે આજે એની ચમકતી ટીપકીઓવાળી ઓઢણી

પ્રસ્તુત કાવ્યમાં ત્રણ વાર આ ઉક્તિ આવર્તિત થાય છે.

આજની રાત હું ઉદાસ છું.

ભાવદૃઢીકરણ અર્થે પ્રયોજાતી આ પરિચિત પ્રયુક્તિ છે. માણસ ક્યારેક સકારણ-અકારણ ઉદાસ બની જતો હોય છે. વ્યક્તિ ક્યારેક પ્રિયજનના વિયોગને કારણ ઉદાસી અનુભવે છે પણ ત્યારેય પ્રિયજન સાથે ગાળેલ સમયની મધુર સ્મૃતિ તો હૃદયમાં ઝમતી હોય છે. પ્રિયજન વિચ્છેદને લઈ વ્યાપતી ઉદાસીમાં અનુતાપ હોય છે. પણ ક્યારેક વિરલ ક્ષણે મન અનન્ય કહી શકાય તેવી ઉદાસભાવની લહરીનો સ્પર્શ પામતા બોલી ઊઠે છેઃ

નહીં અશ્રુ, નહીં હાસ
મુજ ઉર એવું ઉદાસ!

*

નહીં તૃપ્તિ, નહીં પ્યાસ,
મુજ ઉર એવું ઉદાસ!

ઉદાસ મનોભાવને તાત્ત્વિક દૃષ્ટિએ પણ જોવામાં આવે છે. ઉદાસીન મનઃસ્થિતિ નિઃસંગ-નિસ્પૃહ વૃત્તિનો પર્યાય લેખાય છે. આપણે ત્યાં ઉદાસીન સંપ્રદાય છે.

‘આજની રાત હું ઉદાસ છું’ એમ હૃદયમાં ઘૂંટાયેલા ઉદ્ગારની સામે કવિનો નિર્ધાર તો છે સૌને પુલકિત કરે એવા ગીતની રચના કરવાનો. ગીત રચવું છે અને આહ્લાદક એવો સર્જનાત્મક સ્પંદ ક્યાં છે? અને એટલે સૌને સંબોધે છે — આ રાત્રિને કહો કે આજે એની ચમકતી ટીપકીઓવાળી ઓઢણી ઓઢી વિહરે — એનાં સૌંદર્યને, રહસ્યને ઝિલમિલાવે. આ રસ્તાને કહો ધીમેધીમે ઊઘડતા ફૂલની પાંખડી માફક આવે. ફૂલ વૈશ્વિક સૌંદર્યનું પ્રતીક છે. જે સહજતાથી, નૈસર્ગિક રીતે ફૂલની પાંખડીઓ ઊઘડતી આવે છે તેમ રસ્તો ઊઘડતો આવે. અહીં સૂતન તો એ રહ્યું છે કે આ કાવ્યપથના ઉઘાડની એટલે કે, પ્રેરણાસ્રોતની સક્રિય ગતિની વાત છે. આ બહારનો નહિ પણ મનની ભીતરનો રસ્તો છે. વૃક્ષ ધરતીના અમીને ડાળેડાળે પાંદડેપાંદડે પ્રસરાવે છે. એનાં પર્ણોમાં વૃક્ષ કોઈ રાગિણી રમતી મૂકે છે. અહીં સૌપ્રથમ કાવ્યના મૂળમાં પ્રગટતા રવનો, સંગીતનો સંકેત છે. આ હવા સર્વત્ર લહેરાય. કહો સૌ નિસર્ગ રમણીય તત્ત્વોને પ્રવૃત્ત થાય. કેમ કે,

આજની રાત હું ઉદાસ છું
        અને મારે સૌને પુલકિત કરે એવું ગીત રચવું છે.

બ્રહ્માંડમાં અલૌકિક સંગીત ગુંજી રહ્યું છે પણ કવિને રસ છે તરણાંઓએ પહેરેલ ઝાકળના નેપૂરરવને સાંભળવામાં, મધદરિયે મોજાંને પહેરાવેલ વલયને ઉતારી લેવામાં ને વાદળથી ધરતી સુધી લંબાતા વરસાદના તારને બે હાથ લંબાવી માપી લેવામાં.

કવિ હૃદયબાથમાં નિસર્ગ રમણીય સૃષ્ટિને સાહવા માગે છે. તે ઉદાસ છે. તેની પ્રસન્નતા ખોવાઈ છે પણ પુનઃ પ્રસન્નતાને પ્રાપ્ત કરી લઈ એ વહેંચવા માગે છે સર્વત્ર.

કાવ્યની અંતિમ પંક્તિઓના બેત્રણ ઉલ્લેખો દ્વારા ઉદાસીનું મૂળ ખુલ્લું થાય છે. નગરસમાજની ઉદ્વિગ્નતા જન્માવતી સૃષ્ટિઃ ધૂમ્રસેરોથી આકાશ રુંધતી મિલચીમનીઓ, સિમેન્ટ કોંક્રીટનાં મકાનો, સઘળે આથડતાં ઉદ્ભ્રાન્ત માનવટોળાં. કવિ ફરી જાણે કે જીવ પર આવી કહે છે — મિલચીમનીઓને અગરબત્તીમાં પલટાવી દો, સિમેન્ટ કોંક્રીટનાં મકાનોને સરુવનમાં ફેરવી દો, માણસોનાં ટોળાંને સાગરની લહેરોમાં લહેરાવી દો. કવિ ઉદાસ છે. એને ખડખડાટ હસી લેવું છે. નિસર્ગના સાંનિધ્યમાં ઉદાસીનો પરિહાર છે. મનમાં જાગેરા ચેતનાસ્પંદમાં આવતી પ્રસન્નતાની લહરી અનુભવાય છે અને પોતે આનંદીગીતિ રચી શકશે તેવી કવિશ્રદ્ધાનો ઉદય થાય છે.

(ભમરો વાત વહે ગુંજનમાં)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book