સાકીનો સાક્ષાત્કાર – જગદીશ જોષી

વતનવાટે બપોર

બાલમુકુન્દ દવે

ગાડીથી ઊતરીને, પળભર વિરમી શંભુને શાંત દેરે

એક નાનકડા ગામમાં એક કૂતરો. એને એવી વિચિત્ર ટેવ કે સાંજે દીવાબત્તી ટાણે ઝાલરની પહેલી દાંડી પિટાય કે તરત રોવા લાગે – તેય લાંબો સાદ તાણીને! ગામલોકો તો દરરોજ સાંજે થતા અપશુકનથી વાજ આવી ગયા. કોઈ કોઈ તો આ કૂતરાને બંદૂકની ગોળીએ દેવાનો વિચાર પણ કરતા. પણ એવું ન બન્યું હોય કે સંજોગવશાત્ સ્થળાંતર કરીને આવેલા આ કૂતરાને પોતાના ગામના ટીંબાનું રટણ મનોમન જાગતું હોય?

પોતાને વતન પાછા જવું એ તો પોતે જ પોતાને મળવા જેવો અનુભવ છે. બાલમુકુન્દનું આ કાવ્ય રાજેન્દ્ર શાહની ‘આયુષ્યના અવશેષે’ જેવી સૉનેટમાળા કે રશિયન કવિ યેવટુશેન્કોના ‘ઝિમા જંક્શન’નું સુખદ સ્મરણ કરાવે છે.

ગાડીની ગતિ અટકે છે ને કાવ્યનાયકના મનની અધીર ગતિ આરંભાય છે. શંભુને શાંત દેરે લીધેલો પોરો અને પછી અધીર હૈયે હીંડતા કાવ્યનાયકની અધીરપની ગતિનો લય અને સામે સ્રગ્ધરા જેવા છંદની પ્રલંબ પંક્તિનો લય આ બન્ને ગાડીમાંથી ઊતર્યા પછીનો વચન સુધીનો જે પથ કાપવાનો છે તેને પ્રલંબિત કરે છે. જનની અંકમાં બાળક તરીકે જે ઘૂઘરે રમ્યા હતા એની સ્મૃતિ તાજી થઈ આવે છે. વૈશાખનો વા ચડે ને ખડખડ ખખડી ઊઠતાં ખેતરનાં કાલાં.

પછીની ચાર પંક્તિમાં કવિએ ગામનું જ નહીં. સમગ્ર સંસારનું ચિત્ર ઉપસાવ્યું છે. સામેની ભેખડ ઉપર ભડભડ બળતી ચિતાની આગ અને સામે જ વહી આવતી સરિતાનાં જળની ગતિ: વૈશાખી બપોરની આ અવાક્ સ્તબ્ધ પ્રકૃતિની વચ્ચે વૃક્ષના ઠૂંઠા ઉપર મૂકેલા પંખીના લીલા ટહુકાથી કવિ ત્રસ્ત પ્રકૃતિને પ્રભુની રટણાનાં ઝાંઝર પહેરાવે છે.

‘ઓ આવ્યું’માં પ્રગત થતી મનની અધીરાઈ છતાં પણ કવિની ઝીણી નજર કેટલી બધી વસ્તુઓ નોંધી લે છે! દ્રુમઘટા, દેરું, પતાકા, પરબ, છાપરાં આ બધું કવિ નોંધે છે કારણ કવિના જીવને આની જ તો માયા છે. અને હવે કવિ પોતાનાં ચરણોને – પોતાને જ – સંબોધે છે. આશ્વાસે છે. પોતાના વતનની ભાગોળ આવતાં સુધીમાં વૈશાખી લૂ જે સૌને ત્રસ્ત કરતી હતી તેનું હવે કવિને મન રૂપાંતર થઈ જાય છે – લાગણીના આસવમાં; ના, એ આસવ જે પીરસે છે તે ખુદ સાકીમાં!

પ્રેમના વતન જેવું માણસનું મન અને વતનના પ્રેમ જેવું માણસનું સ્મરણજીવન – આ બન્નેની વાત કરતાં કરતાં કવિ તેરમી પંક્તિમાં કાવ્યને એક નવું જ પરિમાણ બક્ષે છે. પૃથ્વી પરનું વતન વટાવ્યા પછી વતનના પણ વતન જેવું વૈકુંઠનાથનું વતન છે. આ સંસારમાં એ ધામ પહોંચતાં પહેલાંનો જે ખેલ રચાય છે તે તો ‘અધઘડીનો હવે ખેલ બાકી’ છે અને એના સંદર્ભમાં સૂફીવાદની ‘સાકી’નો પણ અણસારો છે. પ્રેમપૂર્વક વતનની વાટ ઝાલનારને તો સાકીનો સાક્ષાત્કાર થાય જ…

આધુનિકતાની ધૂની પટ્ટાબાજી ખેલ્લા વગર પણ જે લોકો સાચા અર્થમાં સાચા કવિઓ છે તેમાં બાલમુકુન્દ સાચું સ્થાન ધરાવે છે.

૩૧-૮-’૭૫

(એકાંતની સભા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book