કહે કૃષ્ણ, માતા સુણો કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

ભાલણ

કહે કૃષ્ણ, માતા સુણો

કહે કૃષ્ણ, માતા સુણો, મુજને વહાલો વ્રજનો સાથ રે;

કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા છે. ગોકુળનાં ગોપ ને ગોપીઓ, પશુઓ ને પંખીઓ, કદંબની કુજો ને કાલિન્દીનાં નીર તો કહાનુડાને વિરહે વલખી જ રહ્યાં છે. પણ કહાનુડાનેય ગોકુળ વિના સોરવતું નથી. મથુરામાં કૃષ્ણનાં સગાં માબાપ દેવકી અને વાસુદેવ છે. છતાં એને હૈયેથી વિસરતાં નથી નંદ ને જસોદા. ને તેમાંય ખાસ તો જસોદા જ.

ગોપીઓ રોજ જાતજાતની ફરિયાદો લાવતી હોયઃ ‘એ તો એવો જ છે’ કહીને જસોદામૈયા તેમને મનાવી લેતી હોય. કૃષ્ણ એને એક પણ કામ સમુંસૂતરું ન કરવા દેતો હોય; અને છતાં માતાના મનમાં ન હોય રોષ કે ન હોય રંજ. કહાનુડો પાર વિનાનાં તોફાન કરતો હોય ને મહીમાખણ ઢોળી નાખીને કે વાંદરાઓને ખવડાવી દઈને નુકસાન કરતો હોય, પોતાનાં ધૂળથી રજોટાયેલાં અંગે માતાને ખોળે ચડી બેસતો હોય ને તેની સુંદર સાડીને બગાડી નાખતો હોય, તો પણ માતા મોટું મન રાખીને બધું સાંખી લેતી હોય; ને એવા પ્રેમથી એને છાતી સરસો જકડીને આલિંગન આપતી હોય કે એની આંખનાં આનંદાશ્રુ બાળ કહાનુડાની પીઠ પર પડે!

કૃષ્ણને મથુરામાં વિચાર એ જસોદાનો આવે છે. ને દેવકી પાસે પણ ‘સંતાપી મેં માડી રે’ કહીને પોતાની ‘માડી’ તરીકે ઉલ્લેખ એ જસોદાનો કરે છે. પોતાના વિના જસોદામૈયાની શી સ્થિતિ હશે તે કૃષ્ણ બરાબર કલ્પી શકે છે. ને તેથી જ એ ગોકુળ પાછા જવા અધીરા થઈ જાય છે.

(આપણાં ઊર્મિ-કાવ્યો)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book