ઝંખના — ઉમાશંકર જોશી

આ એક પ્રાર્થનાનું ગીત છે. એની રચના જૂના ભજનના ઢાળમાં થયેલી છે. આ જાતનાં ભજન તો એની લહેમાં ગવાય ત્યારે એનું વાતાવરણ જામે. ભજનમંડળીઓનો જેને અનુભવ હશે તે એ સહેજે સમજી શકશે. ભોગતી રાતે, આકાશના તારા ટમટમતા ચંદરવા નીચે, મંજીરા અને એકતારાની સાથે ભજન-લલકાર ચાલતા હોય એ વાતાવરણ જ ભક્તિનો કેફ ચઢાવનારું હોય છે. એવા વાતાવરણમાં તમે સૌ બેઠાં છો એમ જરીક ધ્યાનસ્થ થઈને કલ્પી લો. મંજીરા અને તંબૂરો વાગતાં નથી. અને ભજનનો લલકાર પણ કોઈ અઠંગ ભજનિકનો નથી. મને આવડે એવું હું રજૂ કરું છું. આંખો મીંચી લો અને સાંભળો — અરે જુઓ: આખું વિશ્વ સૂરજ, ચંદ્ર, નવલખ તારા, — બધાં જ પ્રભુને ઢૂંઢી રહ્યા છે.

(ભજન)

સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી,
    નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી.
પૃથ્વીપગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ,
    વિશ્વંભર ભરવા નયણે રે હો જી.
                    — સૂરજo

મહેરામણ ભૈરવનાદે અલખ પુકારે,
મૂંગા ગિરિઓનાં મસ્તક ઊંચે ઝંખતાં રે જી.
તલખે પંખી ને પ્રાણી, સરવર નદીઓનાં પાણી,
રાતે ડુંગરિયા દવ નો જંપતા રે હો જી.
            —સૂરજo

તરણાની છાયા હેઠે કાયા ઢંકાય તારી,
આભનાં આભૂષણ તોયે ઓછાં પડે રે જી.
બ્રહ્માંડ ભરીને પોઢ્યા, કીકીમાં માશો શેણે?
જોવા તોયે લોચનિયાં ઘેલાં રડે રે હો જી.
            —સૂરજo

ગગન ઘેરીને આજે દર્શન વરસો રે વ્હાલા!
ઉરે ઝૂરે રે મારો પ્રાણબપૈયો રે હો જી.
            —સૂરજo

કુદરતમાં સૌ કોઈ ભગવાનની શોધમાં જાણે કે નીકળી પડ્યા ન હોય એવું ચિત્ર દેખાય છે. તો શું એકલો માણસ જ પાછળ રહી જશે? ના, એને પણ પ્રકૃતિના પદાર્થો પ્રેરણારૂપ બની રહે છે અને એનું હૃદય પણ ભક્તિવિહ્વલ બની જાય છે.

આ સૂરજ પૂર્વમાં ઊગે છે ને ક્ષણ પણ અટક્યા વગર પશ્ચિમ તરફ વધે છે. શાની શોધમાં એ આટલો બેચેન છે? રાતે ચંદ્રની આંખ મટકું પણ માર્યા વગર શાની શોધ કરી રહ્યો હોય છે? પેલા નવલખ બલકે ગણ્યા ગણાય નહિ એટલા તારાઓનાં વૃંદ કોને શોધી રહ્યાં છે, કોને પામવા ટળવળી રહ્યાં છે? પરમેશ્વર સિવાય બીજા કોને પામવા એ સૌની આવી લગાતાર શોધ ચાલી રહી હોઈ શકે?

અને પૃથ્વીની પગથાર ઉપર કોઈ ભમતા પ્રભુમત્ત અવધૂત પણ એ પરમેશ્વરને ઢૂંઢતા જ પરિક્રમણ કરી રહ્યા છે. એની મહત્ત્વાકાંક્ષા તો જુઓ. જે વિશ્વને ભરી રહ્યો છે તેવા વિશ્વંભરને આ એક નાનકડો માણસ પોતાની આંખમાં ભરવા માગે છે.

આમ, પ્રકૃતિમાં જ્યાં જ્યાં નજર પડે છે ત્યાં ત્યાં માનવીને પ્રભુ માટેનો તલસાટ જ ઊભરાતો દેખાય છે. ગિરિવરોનાં શિખરો અડોલ અબોલ ઊભાં છે તો તે પણ જાણે કે ઊંચી ડોક કરીને પ્રભુની ઝાંખી કરવા મથી રહ્યાં ન હોય. પંખીઓ, પ્રાણીમાત્ર, એ જ ઝંખનાથી વ્યાકુળ જણાય છે. સરિતાનાં ઊછળતાં નીરમાં કે સરોવરનાં શાન્ત વારિમાં પણ એ જ તલસાટનાં દર્શન થાય છે. ડુંગરો ઉપર રાતે દવ ભડભડ બળી રહ્યા હોય છે તેની શિખાઓ પણ ઊર્ધ્વમુખે એ જ ઝંખના વ્યક્ત કરતી લાગે છે.

આમ, પ્રકૃતિમાં સૌ કોઈ પરમાત્માને ટૂંઢવા નીકળી પડ્યું હોય એવું ચિત્ર આપણી આગળ રજૂ કરવામાં આવે છે, પણ એ જોઈને કોઈને થશે કે માણસ પોતાના મનોભાવનો પડઘો તો કુદરતમાં પાડી રહ્યો નથી ને? પોતે પ્રભુને ઢૂંઢવા ચાહતો હોય તો ભલે તેમ કરે, પણ કુદરતના જે નિર્જીવ પદાર્થો છે તે બધા પણ માનવીની પેઠે ભગવાનને ખરેખર ટૂંઢવા નીકળી પડ્યા છે એવી અતિશયોક્તિ કરવાની શી જરૂર? નિર્જીવ જડ પ્રકૃતિપદાર્થો ઉપર સજીવારોપણ કરવાથી શું?

આનો જવાબ આ રીતે આપી શકાય, બલકે ભગવાનના બંદાઓ આ રીતે જવાબ આપવાના. બધું જ, શું જડ શું ચેતન, ભગવાને સર્જેલું છે. બધાંમાં જ, શું જડમાં શું ચેતનમાં, ભગવાન જ ભરેલા છે. ‘ઠાલો નહિ કો ઠામ.’ ભગવાન પોતે જ આ બધી જડ ચેતન તમામ સૃષ્ટિ રૂપે પ્રગટ થયાં છે અને એ બધા સજીવ નિર્જીવ પદાર્થો તેમને જ પાછા શોધવા નીકળી પડ્યા છે. ભગવાન પોતે આ રીતે લીલા કરી રહ્યા છે, એકના અનેક બનીને સંતાકુકડીની રમત રમી રહ્યા છે.

જે માનવીના હૃદયમાં ભગવાનની આ લીલાનું રહસ્ય પ્રગટ થાય છે એ પછી બાકળો બનીને ભગવાનને એમની આ સંતાકુકડીની રમતમાં પકડી પાડવા મથે છે.

આપણું પ્રાર્થનાગીત જૂનો ભજનની રીતે રચેલું છે પણ સૉનેટમાં જેમ ચૌદ લીટી હોય છે તેમ એમાં ચૌદ લીટી છે અને સૉનેટમાં આઠ લીટીના ઉપક્રમ પછી, ભૂમિકા રચાઈ ગયા પછી, વળાંક આવે છે તેમ આ ભજનમાં પણ વળાંક છે. અલબત્ત આ ભજન જ છે. પ્રાર્થનાગીત છે, સૉનેટ નથી, પણ સૉનેટના બંધારણનો લાભ અહીં લેવાયો લાગે છે એ જ.

પહેલી આઠ પંક્તિમાં સમગ્ર પ્રકૃતિ પ્રભુને ઢૂંઢી રહી હોય તેનું વર્ણન કર્યા પછી હવે નવમી પંક્તિએ વળાંક લઈ માનવીની આરજૂ આરતે તલસાટ વલવલાટ એ ઉપર વક્તવ્ય કેન્દ્રિત થાય છે. ભગવાન એટલા સુક્ષ્મ છે બલકે આપણે એટલો જડ છીએ કે આપણી આંખ આગળ નાનકડું અમથું તરણું હોય તો તેની પાછળ એ છુપાઈ જાય. અને દેખાય નહિ. આમ જુઓ તો એવડા વિરાટ છે કે નક્ષત્રોના મણિપુંજાની અને નિહારિકાઓની માળાઓ પણ એમને ઓછી પડે. આખા બ્રહ્માંડને ભરીને એ વ્યાપ્યા છે. અને આ નાના સરખા માનવીને ઝંખના લાગી છે કે પોતાની જરીક જેવડી કીકીમાં એ સચરાચરમાં વ્યાપી રહેલી વિરાટ મૂર્તિને સમાવવી. કેવી તો ઘેલછા એને લાગી છે! ગમે તેમ કહો, એને ભલે ગાંડાઘેલામાં ગણી કાઢો, એણે તો રઢ પકડી છે: હે પ્રભુ, ગગન ઘેરીને આજે દર્શન વરસ્યા વગર તમારો છૂટકો નથી. વર્ષાનાં વારિબિંદુ માટે બપૈયા ઝૂર્યા કરે એમ મારો પ્રાણબપૈયો ઝૂર્યા કરે છે તે તમે જોઈ શકતા નથી શું? તમને વધારે કહેવાની જરૂર હોય ખરી કે?

શું ભક્ત જ ભગવાનને ટૂંઢે છે? ભગવાન ભક્તને ઢૂંઢવા ઉત્સુક ઓછા છે શું? લીલા માટે — રમત માટે બે થયા છે. રમતમાં પકડનાર અને પકડાનાર બંનેને સરખો જ રસ. તો જ રમત જામે. જાણકારો તો આપણને સંસારીઓને કાનમાં કહેતા રહે છે કે ભક્તને ભગવાનની જેટલી તાલાવેલી નથી તેટલી ભગવાનને ભક્ત માટે છે. અલબત્ત, આપણામાં તાલાવેલી હોવી જોઈએ. બાકીનું એ સંભાળી લેશે. અખો ભક્ત કહે છે:

જ્યમ છીપને સત્ય ખરી ઊપજે, તો ઉપર આવે જળમાંહેથી;
તેહની સૂરતનો તાણ્યો તે પર્જન્ય આવી વરસે ક્યાંહેથી.

છીપમાં રત જાગી, સ્વાતિ નક્ષત્ર વખતે તે સાગરનાં જળપેટાળ વીંધીને ઉપર આવી. તો મેઘ પણ તેની આરતથી આકર્ષાઈને ત્યાં આવી પહોંચ્યો અને જે મેઘબિંદુ છીપમાં પડવું તે એ છીપમાં મોતી થઈને નીવડ્યું.

જેટલી ઉત્કટ માનવીના હૃદયની ઝંખના, તેટલો ઝડપી પ્રભુનો પ્રત્યુત્તર.

દુનિયાના સૌ સાધુપુરષોએ અને સાધ્વી સન્નારીઓએ એ એક મંગલ દૃશ્યની કલ્પના કરી છે કે પ્રભુની સર્જેલી આ સારી સૃષ્ટિ એના સર્જનહારની સ્તુતિમાં એકલીન થાય.

સમાજજીવનમાં અનેક સામૂહિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે તેમાં મારે મન કોઈ મંગલ પ્રવૃત્તિ હોય તો તે વર્ગ રૂપે ભેગા થઈને શિક્ષક તથા વિદ્યાર્થીગણ વિદ્યાપ્રવૃત્તિ ચલાવે છે એ છે. એથી પણ વધુ મંગલ સામૂહિક પ્રવૃત્તિ હોય તો સૌ ભેગા મળીને આપણા સર્જનહારને સંભારવામાં એકદિલ થઈએ.

૧૯૬૬

(પ્રતિશબ્દ)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book