બીજું હું કાંઈ ન માગું વિશે – ચંદ્રકાન્ત શેઠ

બાદરાયણ

બીજું હું કાંઈ ન માગું

આપને તારા અન્તરનો એક તાર

પ્રસ્તુત ગીત પ્રાર્થનાગીત છે. એમાં સ્પષ્ટ રીતે પ્રાર્થક કવિના અંતરનો આર્ત પોકાર છે. પોતાની પાસે તૂંબડું તો છે, પણ તેને તાર નથી. માટે તે નકામું પડ્યું છે. કોઈ તેની તરફ નજર સુધ્ધાં કરતું નથી. આ તૂંબડાને જો એકાદોયે તાર મળે, આ તૂંબડું જો એકતારા રૂપે કોઈ ભજનિક કે કલાકારના હાથમાં જાય તો તે તેની રણઝણથી સૌના આકર્ષણનું પાત્ર બની રહે; પરંતુ એ તાર મેળવવો કેમ?

કવિ એ તાર માટે જ પરમાત્માને પ્રાર્થે છે. પરમાત્મા એના અંતરનો એક તાર પણ આપે તો તૂંબડાનો અવતાર ધન્ય ધન્ય થઈ જાય! તૂંબડા પર જો પરમાત્માની કૃપા થાય, પરમાત્મા જો એને રૂડી રીતે ગૂંજવા માટેની ક્ષમતા-શક્તિ બક્ષે તો તૂંબડાનું જન્મવું – હોવું સાર્થક બની જાય. જેવું તૂંબડાનું એવું જ આમનોવતારનું. પરમાત્મની કૃપા, એની પ્રીતિ જ મનખાવતારને જીવનસંગીતથી ભર્યોભર્યો, મીઠો-મધુર કરી શકે.

કવિ અહીં ભગવાન પાસે તૂંબડા માટે અનિવાર્ય એખ માત્ર તારની – અંતરના તારની જ – માગી કરે છે; એય તે પરમાત્માનું રૂડી રીડે નામસ્મરણ ભજનસંકીર્તન થઈ શકે તે માટે. તે સિવાય કવિને કોઈ લૌકિક – ઐહિક અપેક્ષાઓ નથી. ભગવાન જો પોતાના અંતરનો તાર કવિને એના તૂંબડા માટે કાઢી આપે તો તૂંબડું તૂંબડું ન રહેતાં ભક્તિનું મધુર સાજ બની જાય. ભગવાનના અનુગ્રહે કવિનો માંહ્યલો જીવનસંગીતનો રમણીયમધુર સ્રોત બની રહે. કવિને ભગવત્કૃપાએ જો તૂંબડામાંથી તૈયાર થયેલા એકતારાની સંગત મળી રહે તો આધ્યાત્મિક અલૌકિક સંગીતના વૈશ્વિક વ્યાપ સુધી વિસ્તરવાનો કવિને એક મૂલ્યવાન અવસર મળી રહે.

કવિની પ્રાર્થના તેથી ભગવાનના અંતરના તાર સાથે – સ્નેહના તાર સાથે બંધાઈને ખરા અર્થમાં માધુર્યનું મુક્તિસંગીત છેડવાની છે. ભગવાન જ ઇચ્છે તો કવિના પંડના તૂંબડામાંથી પરાવાણીનું સંગીત સ્ફુરાવી શકે. વસ્તુત: તો ભગવાન સાથે કવિના ચિત્તનો તાર બંધાઈ રહે એ માટેની જ આ પ્રાર્થના છે. ભગવાનના સ્નેહતારે જ કવિ પંડના વાદ્યને ગુંજરતું કરવા માગે છે. એ માગણી અહીં સરસ રીતે સરળ અને સાહજિક પદાવલિમાં પ્રગટ થઈ છે. પરમતત્ત્વના સ્નેહતારે જો કવિના આત્મતત્ત્વનું અનુસંધાન થાય તો પરમાત્માના દિવ્યસંગીતનો પ્રસાદ કવિના સંગીતમાંયે ઊતરી શકે અને કવિનું સંગીત એ રીતે લોકોત્તર આનંદનું પ્રબળ નિમિત્ત બની શકે. આ ગીત પણ એવાંના પ્રાર્થનાતત્ત્વે કાવ્ય-ગાનના આનંદનું બળવાન નિમિત્ત બને એવું સુંદર ને તેથી સ્મરણીય છે.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book