ધારાવસ્ત્ર: એક ક્રિયાવિશિષ્ટ કાવ્યકૃતિ — સુમન શાહ

ઍલઓપી કે સંરચનાવાદની વ્યાપક ભૂમિકાનો સ્વીકાર કરીને કોઈપણ ભાષાકૃતિને વિશે સંરચનાવાદી પદ્ધતિનું વિવેચન લખી શકાય, એવી પ્રવૃત્તિ સંરચના રચનાવાદી પ્રવૃત્તિ છે. અહીં ઉમાશંકર જોશીકૃત ‘ધારાવસ્ત્ર’ નામના જાણીતા કાવ્ય વિશે એ પ્રવૃત્તિનું આવશ્યક દિશાસૂચન કરવાનો ઉપક્રમ છે. ‘સમગ્ર કવિતા’માં પ્રકાશિત આ કાવ્યનો પાઠ, એની વાચના, આ મુજબ છે:

ધારાવસ્ત્ર

૧ … કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,

    ક્યાંથી, અચાનક…

૨ … સૂર્ય પણ જાણે

    ક્ષણ હડસેલાઈ જાય.

૩ … ધડાક બારણાં ભિડાય        …A

૪ … આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર

    સૃષ્ટિને લેતું ઝપટમાં

    ઓ…પણે લહેરાય,

૫ … પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા

    મથ્યાં કરે–વ્યર્થ હાથ વીંઝ્યાં કરે…!

પરમ્પરાગત પદ્ધતિનું વિવેચન આ કૃતિને કવિકારકિર્દીના એક ઉન્મેષને રૂપે જશે. ૧૯૭૫ની એની રચનાસાલ, દિલ્હીનું એનું રચનાસ્થળ, ‘નિશીથ’કાર ઉમાશંકરનો પૂર્વ-પરિચય વગેરે વિગતોનું સાયુજ્ય રચશે. અહીં, ‘કોઈ ચાલ્યું જાય તો કોણ એમ પ્રશ્ન કરીને રચનામાં કશું છે રહસ્ય વાંચવા પણ લલચાશે. ‘વસ્ત્ર’ માત્રના ઉલ્લેખથી કવિનો ગાંધીયુગીન પરિવેશ નવેસર ઘૂંટશે. કૃતિમાં ઊર્જિતનું જે ચિત્ર મળે છે તેની સુન્દરતા અંકે કરશે અને કવિના વિશ્વમાં એનું સ્થાન નક્કી કરશે. રૂપવાદી વિવેચન આ કૃતિમાંનાં ગતિદસ્ય અને ગતિશ્રાવ્ય કલ્પનોનું આસ્વાદ્ય ચીંધીને એના રૂપ-સૌન્દર્યને સંકેત આપશે. તો વળી અંતઃકરણને જ પ્રમાણ લેખનારા સહૃદયને આની નિર્વ્યાજ સરળતા એટલી બધી વસી જશે કે તેઓ આ કૃતિની સમીપ વધુ તો મૂંગા રહેવું પસંદ કરશે – વિવેચનને નાહકનું, વ્યવધાન લેખશે.

આ બધા અભિગમો ખોટા નથી કે નથી એ અધૂરા. પરન્તુ એમના સાર્થક્યને આધાર એમની સાભિપ્રાયતા ઊભી કરનારા જે તે વિવેચકની પ્રતિભા પર રહેલો છે. એ ખરું છતાં, પોતાની આગવી ભાષા-સંરચનાના મૂળ કારણે આ કૃતિ પ્રતિભાવંતોનો વિવેચનવિહાર શક્ય બનાવે છે એ તથ્યને સ્વીકાર કરવો જોઈએ. એ મુદ્દા પર હું સવિશેષ ભાર મૂકવા માગુ છું. સં૨ચના એક એકદમ મૂળગામી–રૅડિકલ-વસ્તુ છે અને એને આત્મસાત કર્યા પછી એ જેની સંરચના હોય તે વસ્તુપદાર્થને વિશેનું આપણું નિરીક્ષણ-મૂલ્યાંકન ઓછું અત્મનેપદી અને વધુ તે વસ્તુલક્ષી બનતું હોય છે. આ આ પ્રવૃત્તિનો મર્મ છે અને સાહિત્ય-વિવેચનને એક વિદ્યાશાખા તરીકે જોનારાને મને બહુ મૂલ્ય વસ છે. આપણા કાવ્યગત જ્ઞાનબોધને કે આનન્દને આપણે હજાર વાનાંથી સાભિપ્રાય ઠેરવીએ કે તર્કપૂર્ણ ભૂમિકાઓથી નવાજીએ પરંતુ એની સંરચનાના મૂળગામી વર્ણન વિના એ હમેશાં નિરાધાર રહેશે. સંરચના એ દૃષ્ટિએ સૌ આધારોનો આધાર છે. કવિસંવિદ અને ભાવકસંવિદને, અથવા ગમે તે એકને પ્રધાનપણે કાવ્યસંક્રમણનું કારણ લેખનું વિવેચન ઘણીવાર ધૂંધળું અને વાયવ્ય બની ગયાનાં દષ્ટાન્તાે સાહિત્યના ઇતિહાસમાં મળી આવે છે. કાવ્યરચયિતાનો પૂર્વપરિચય હાથ પરની કૃતિને સમજવામાં મદદ કરે છે અથવા તો કાવ્યભોક્તાની પરિર્ભાજિત રુચિ જ એનાં દલદલને ખોલી શકે છે એમ કહેનારુ સિદ્ધાન્ત-વિવેચન દેખીતી રીતે જ કૃતિની સર્વોપરિતાને લેખે લગાડતું નથી – કૃતિનાં તમામ તત્ત્વોની સ્વાયત્ત સમ્બન્ધ ભૂમિકાને એ ભ્રાન્તિપૂર્વક અવગણે છે. સંરચનાવાદી દર્શને સમ્બન્ધ ભૂમિકાની સ્વાયત્ત અને કેન્દ્રવર્તી સત્તાને અનર્ગળ મહિમા કર્યો છે; આપણને એ વાંચવાનો એક અ-પૂર્વ આગ્રહ કર્યો છે.

‘ધારાવસ્ત્ર’નું લિન્ગ્વીસ્ટીક પર્‌સેપ્શન, એનો ભાષા-બોધ, તુર્ત જ દર્શાવી રહે છે કે આ એક ક્રિયાવિશિષ્ટ કાવ્યકૃતિ છે. એક વ્યાપ્ત ક્રિયાની સન્મુખ કરીને એના અનુભવમાં ભાવકને બરાબર સ્થિર કરીને કૃતિ જાણે ખસી જાય છે. અનુભવમાંથી રચાયેલું કાવ્ય અહીં અનુભવમાં અધિકારીને મૂકી જનારું સાધન બની રહે છે એ એ ને નોંધપાત્ર વિશેષ છે. ઉદ્ગ્રીવ એવો એ, ધારાવસ્ત્રને જોતા-સાંભળતો એમાં સંડોવાઈ જાય એટલે શબ્દાર્થ અહીં નિઃશેષપણે વિરમી જાય છે. એવા કાવ્યત્વની સંતતિ, પછી ભાવકમાં વિસ્તરતી સંભવશે—એના પર્યવસાનની, પછી કદાચ ભાળ મળશે જ નહિ. આ સંતતિ મુખ્યત્વે આ કૃતિનાં ક્રિયાવાચી તેની સંરચનાને આભારી છે. કેવી રીતે તે જોઈએ:

૧. કૃતિને ભાષા-બોધ આટલાં તો અંકે કરાવે છે

(અ) આ કૃતિ ક્રિયાવિશિષ્ટ છે, કર્તા-વિશિષ્ટ નહિ:

૧. અહી’ કુલ પાંચ ક્રિયાઓનું આલેખન છે. આખું કાવ્ય એ પાંચ ક્રિયાનું બનેલું છે. ૧…, ૨… એમ મેં દર્શાવ્યું છે.

૨. કાવ્યના કવિએ બે ખણ્ડ પાડેલા છે. A અને Bથી દર્શાવ્યું છે. પહેલા ખણ્ડમાં ત્રણ ક્રિયાઓ છે, ખીજામાં બે. A: ૧, ૨, ૩: B: ૪, ૫. પહેલા ખણ્ડની ક્રિયાઓ વિશેષો ધરાવે છે, જ્યારે કર્તાઓ વિશેષો વગરના છે: કોઈ સૂર્ય; બારણાં. બીજા ખણ્ડની ક્રિયાઓ પણ વિશેષો ધરાવે છે, જ્યારે એના કર્તાએ વિશેષ વગરના નથી: ફરફરતું, ઝપટમાં લેતું, ધારાવસ્ત્ર; પૃથ્વીરોપ્યાં વૃક્ષ. છતાં, એ વિશે પણ કૃદન્ત-પ્રકારની, ક્રિયાવાચી જ છે.

૩. બીજા ખણ્ડના બે સ-વિશેષ કર્તાઓ કૃતિ ક્રિયાવિશિષ્ટ છે એ નિરીક્ષણને જરાયે બાધક નથી.

(બ) આ કૃતિમાંની બધી જ ક્રિયાઓનું સ્વરૂપ ‘આલેખાતું’ છે, એટલે કે સંતતિમૂલક છે, ગતિધર્મ છે:

૧. પાંચેપાંચ – બધી જ – ક્રિયાઓ ‘છ’ ધાતુનાં જેવાં સાહાય્યકારક ક્રિયાપદોની અનુપસ્થિતિ ધરાવે છે. દા. ત.

‘ચાલ્યું જાય’… ચાલ્યું જાય છે’, એમ નથી; વગેરે.

આ અનુપસ્થિતિ, ક્રિયાને વિધાનમાં ઠારી શકાતી નથી એમ સ્પષ્ટ કરે છે. એટલે કે સાહાય્યકારક ક્રિયાપદોની અનુપસ્થિતિ આ રચનામાં ફન્ક્શનલ છે, ક્રિયા-સંતતિને પોષક છે.

૨. મોટાભાગની ક્રિયાઓ સંયુક્ત ક્રિયાપદો વડે આલેખાઈ છે.

‘ચાલ્યું જાય; હડસેલાઈ જાય; વીંઝ્યાં કરે. ત્રણેય ગતિધર્મી છે. ગતિ-દૃશ્ય અને ગતિ-શ્રાવ્યના બંધ માટે કારણભૂત છે.

૩. બે ક્રિયા આ સયુંક્ત ક્રિયાપદો વિનાની છે:

ભિડાય; લહેરાય. આ બંને, સંયુક્ત ક્રિયાવાચી તત્ત્વો વિનાની છે તે અહીં સાભિપ્રાય છે, કેમકે બને સ્વ-અર્થે પૂરી સંકેતક બની શકે તેવી છે. કાવ્યત્વની ભાવકમાં થનારી સંતતિમાં બેયનો ફાળો છે— ‘લહેરાય’નો ફાળો સારો એવો, વધુ છે. ધારાવસ્ત્ર લહેરાતું રહે એ આ કૃતિનું નિશ્ચિત પરિણામ છે.

૪. ઝપાટાભેર, અચાનક; ક્ષણ (ક્ષણભર) ધડાક; ઓ…પણેમાં કવિના કે કાવ્યનાયકના અવાજની એટલે કે ઘટનાની સન્નિકટતાનો અનુભવ છે. આખી કૃતિમાં સર્વસાધારણપણે સંભળાતો કવિતાનો ‘પ્રથમ અવાજ’ અહીં ‘બીજા અવાજ’માં પરિણમે છે – ભાવકને આ પ્રાકૃતિક ધટનામાં સંડોવવાનું એ વડે વધારે સરળ બની જાય છે.

(અ) અને (બ)નાં તો એમ માનવા પ્રેરે છે કે ઉમાશંકર અહીં સૃષ્ટિ પર વરસતી વર્ષાધારાનું ભારે ગતિસિદ્ધ અને અનુભાવ્ય આલેખન કરી ગયા છે. પહેલા ખણ્ડમાં તૈયારી-સ્વરૂપ પરિવેશ રચાયો છે, જ્યારે બીજામાં લહેરાતું ધારાવસ્ત્ર એની વ્યાપ્તતા સાથે પરિણમતું દર્શાવાયું છે. એ સૃષ્ટિ-વ્યાપી ઘટનામાં પૃથ્વી પરનાંની સક્રિયતા ભળે છે એટલે આલેખના, ક્રિયાની બધી પૂર્તતા સાથે એક ઇન્દ્રિયસંવેદ્ય અનુભવમાં કલવાતી રહે છે; ને પછી વિરમે છે, ઉક્ત સંતતિને પ્રેરીને.

વર્ષાના પ્રચણ્ડકાય વ્યાપ્ત મરુતોના ભારે સંચારની પૂર્વ તૈયારીનો પરિવેશ પ્રથમ ખણ્ડમાં આલેખીને કવિએ બીજા ખંડમાં એનું પરિણામ આલેખ્યું છે—ફરફરતું ધારાવસ્ત્ર આકાશમાં લહેરાય છે, સૃષ્ટિને ઝપટમાં લેતું, એ એનું પરિણામ છે. બે ખણ્ડ વચ્ચેની આ નાટ્યાત્મકતા નોંધપાત્ર છે; એટલા માટે કે પ્રત્યેક ખંડમાં એવી જ નાટ્યાત્મક સંરચનામાં ક્રિયાઓ એકમેકના સબંધમાં ગોઠવાઈ છે. આ ક્રિયાવિશિષ્ટ કૃતિને. ગર્ભિત રહેલી નાટ્યામક સંરચનામાં પણ વાંચવા જેવી છે. એમાં ક્રિયાઓને વિકાસ ઘટનામાં થતા જોઈ શકાય છે તેમજ આલેખનાને અનુભવમાં. પરિણામે ઉમાશંકરની આ કૃતિને, ધારાવસ્ત્રને, સમયમાં વિસ્તરતી – અને નહિ કે માત્ર સ્થળમાં ઓપતી કૃતિ તરીકે ઘટાવવાનું સાભિપ્રાય બને છે:

૨: આ ક્રિયાવિશિષ્ટ કૃતિનો ભાષાબોધ ક્રિયાઓની જ એક ગર્ભિત નાટ્યામક સંરચનાનાં આટલાં તથ્યો અંકે કરાવે છે:

(અ) આખી કૃતિમાં પરિવેશ-પરિણામ અથવા ક્રિયા-પ્રતિક્રિયા સભર એક પૂરી ઘટનાનો આવિર્ભાવે છે? A—>B:

૧. પ્રથમ ખણ્ડમાં વર્ષાધારાની પૂર્વતૈયારી સૂચવતો સંચાર નિષ્પન્ન થયો છે. તેના બીજ ખણ્ડમાં એનું પરિણામ ધારાવસ્ત્રસ્વરૂપની વ્યાપક વર્ષમાં આવે છે, વૃક્ષો પણ એમાં પૂરાં સક્રિય થાય છે.

૨. પ્રથમ ખણ્ડમાં પણ આ જ ક્રિયા-ભાત જોવા મળશે: ૧—>૨, ૩:

કોઈના ‘ઝપાટાભેર’ ચાલ્યા જવાની ક્રિયા વડે સૂર્ય હડસેલાઈ જાય છે, બારણાં ભિડાઈ જાય છે. ‘કોઈ’ જેવું સર્વનામ કર્તાની સંદિગ્ધતા અને ગૂઢતા ઊભી કરે છે, પરંતુ એની ઝપટ સૂર્યને પણ ક્ષણભર હડસેલી મૂકે છે એ પરિણામ પરથી એની સૂર્યોપરિ સત્તાનો સંકેત રચાય છે. બીજું પરિણામ ‘બારણાં’ જેવી પ્રતીક પર હોઈને પૃથ્વીનો, અને સવિશેષ તો મનુષ્યનો સંદર્ભ રચી આપે છે. પ્રથમ ખણ્ડની તૈયારસ્વરૂપ ધટની આમ, કોઈ–>સૂર્ય–>પૃથ્વી–>મનુષ્ય જેવાં પરિમાણમાં વિલસતી છે, એમ સંકેત વિસ્તરે છે.

૩. બીજા ખડમાં પણ ઉક્ત ક્રિયા-ભાત જોવા મળશે: ૪—>૫:

લહેરાતા ધારાવસ્ત્રને પરિણામે જ સક્રિય થયેલાં પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા મથે છે. વર્ષો સાથે વૃક્ષોનું વીંઝાવું આમ તો સહજ ગણાય, પણ એ બધાં ધારાવસ્ત્રને પકડવા મથે છે. કહેવાથી અહીં સૂક્ષ્મ એવી ક્રિયા પ્રતિક્રિયાને સંકેત રચાય છે એમ જ કહેવું જોઈશે. પૃથ્વી સમેતની સૃષ્ટિ આમાં સામેલ છે. પૃથ્વીનાં વૃક્ષ સક્રિય છે, તેમના હાથ ધારાવસ્ત્રને ઝાલવાની મથામણ કરે છે. ‘હાથ’ મનુષ્યને, ચેતન જગતને હોય છે તેથી અહીં સક્રિયતાનો સંકેત પણ વિસ્તરે છે–પૃથ્વીનાં સૌ આ ઘટનામાં સામેલ છે.

(બ) વર્ષાની એક પૂરી ઘટનાને આવિર્ભાવ સિદ્ધ કરતી આ પરિવેશ-પરિણામની ભાત એવી તા નાટ્યાત્મક છે, કે છેલ્લે પરિણામને જ પ્રભાવ બચે છે અને પરિવેશ-સૂચક ક્રિયાઓ ગૌણ બનીને પરિણામમાં ભળી જાય છે:

૧. A ને B સાથે સરખાવી જોવાથી આનું સમર્થન મળે છે.

૨. ક્રિયા ૧ ને ૨, ૩ સાથે તે જ ક્રિયા ૪ ને ૫ સાથે સરખાવી જોવાથી પણ આનું સમર્થન મળશે.

(અ) અને (બ)નાં આ તથ્ય પણ એમ જ માનવા પ્રેરે છે કે ‘ધારાવસ્ત્ર’ કાવ્યકૃતિ માત્ર કશી ચિત્રણા નથી, પણ ક્રિયાવિશિષ્ટ ઘટનામાં ભાવકને સંડોવતી એક—‘સ્મરણીય’ કલાકૃતિ છે—‘સ્મરણીય’ એટલે કે એના સૌન્દર્ય ને ક્ષણે ક્ષણે સંભારી શકાય અને એમ ચર્વણા વડે એને આસ્વાદ કલાનુભૂતિમાં પરિણમે એવી ગુણવત્તા. આ એવી ગુણવત્તા છે જે કાવ્યેતર લલિત કલાઓમાં જવલ્લે જ હોય છે—શબ્દ વડે સમયમાં વિસ્તરનારી સૃષ્ટિને જ એ વિશેષ છે.

(ક) ઉક્ત નાટ્યાત્મક સંરચના અહીં આલેખક કાવ્યનાયક દ્વિધ ઉપસ્થિતિ વડે પણ પ્રગટે છે:

૧. પ્રારમ્ભની ત્રણેય ક્રિયાઓ–(એટલે કે કૃતિનો આખો પ્રથમ ખણ્ડ—) આલેખકની રીતે નાયકે વર્ણવી છે, કથી છે, જાણે કે જે થઈ રહ્યું છે તેનું સ્વગત ‘નૅરેશન’ કર્યું છે. કવિતાને અહીં જે ‘પ્રથમ અવાજ પ્રગટે છે તેને, ભાવક અહીં માત્ર દૃષ્ટ બની રહે છે. જાણે એ ગતિદૃશ્યોમાં વધુ પરોવાયેલો છે અને શ્રાવ્યોમાં ઓછો.

૨. છેલ્લી બે ક્રિયાઓ—(એટલે કે કૃતિને આખો બીજો ખણ્ડ—) નાયકે એવી રીતે વર્ણવી છે કે એ એક જાતનું ‘ડિસ્ક્રીપ્શન’ બની રહે છે. એવું ડિસ્ક્રીપ્શન કે જેમાં ભાવક માત્ર દૃષ્ટા નથી રહેતો, પણ શ્રોતાયે બને છે. કવિતાને અહીં જે ‘બીજો અવાજ’ પ્રગટે છે તેનું ઇંગિત ‘ઓ…. પણે’માં પૂરી બળવત્તાથી રચાયું છે. ગતિદૃશ્યો અને શ્રાવ્યો ઉપરાન્ત એ નાયકમાં પણ પરોવાય છે.

૩. કવિતાના બીજા અવાજમાં કે ડિસ્ક્રીપ્શનમાં કૃતિનું જોઈ શકાતું આ અભિસરણ ‘વ્યર્થ હાથ વીંઝ્યા કરે’ જેવી ઉક્તિના ‘વિધાન’ને પણ સહ્ય બનાવી રહે છે; ‘વ્યર્થ’ જેવા સાવ જ ગદ્યાળુ શબ્દ આ સાંકેતિકતાઓમાં ઑગળી જાય છે. “ઓ…પણે’થી રચાયેલી સન્નિકટતા એવી તે નિબિડ છે, કે ‘વ્યર્થ’ જેવો, નાયક વડે મળેલો નિર્ણય-સંકેત નગણ્ય બની રહે છે. ભાવકની સંડોવણી હવે એવી ઝડપી અને ચર્વણામૂલ છે કે એ એવી વૈધાનિકતાને ન જ ગણકારે. કેમકે એને બધું જ ‘સાર્થ’ લાગી રહ્યું છે.

(ક)નાં તો એમ માનવા પ્રેરે છે કે આ નાટ્યાત્મકતાની ચરમ સીમા તો કાવ્યનાયકની ‘ઍક્ઝિટ’થી આવે છે. એની દ્વિધ ઉપસ્થિતિનું છેલ્લે અનુપસ્થિતિમાં જે અભિસરણ થયું એણે આ પ્રાકૃતિક ઘટના અને એના સક્રિય ભાવકને એકમેકમાં અને અનુસ્યૂત છોડી દીધાં. ‘ધારાવસ્ત્ર’ છે તેથી વધુ શબ્દસંકેતોને, માટે જ નિરર્થક બનાવે છે અને એમ એક જાતની સર્જનપરક અખિલાઈ રચે છે. કવિના કલાસંયમની પ્રતીતિ પણ આ ભૂમિકાએ જ ઊપસી આવશે. અનુભવ-સંતતિનું સાધન બની રહેવાની ક્ષણે જ કૃતિને પૂર્ણ કરાઈ છે.

‘ધારાવસ્ત્ર’ના ભાષાબોધની દેખીતી અને આ ગર્ભિત નાટ્યાત્મક બંને સંરચનાઓ આ અને આ જ જાતની અન્ય સંરચનાનાદી પ્રવૃત્તિ એના સંભવને અને વિસ્તૃતિને પ્રેરે તથા વિવેચના આવી કશી નકરી ભૂમિકાઓને અંગીકાર કરે એમ ઇચ્છીએ.*

* તા. ૧-૩-૮૩ના રોજ આર. આર. લાલન કૉલેજ, ભુજમાં આપેલું યુનિવર્સિટી-વ્યાખ્યાન.

(સંરચન અને સંરચના)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book