સાંનિધ્યની પાવન ક્ષણ – હરીન્દ્ર દવે

લાભશંકર ઠાકર

અંતિમ ઇચ્છા

ને વૃદ્ધ હાથે પકડી બપોરના

ઇચ્છાનો પૂર્ણવિરામ ક્યારેય નથી હોતો પણ ક્યાંક વિરમવું તો પડે છે, અને એવા જ વિરામના પ્રતીક સમી અંતિમ ઇચ્છાનું આ કાવ્ય છે. મૃત્યુ પછી વ્યક્તિ ક્ષર દેહે આપણી વચ્ચેથી ચાલી જાય છે, પણ એનું ઇચ્છારૂપ વાતાવરણમાં રહેતું હોય છે, જીવંત વ્યક્તિ કરતાં પણ આ મૃત વ્યક્તિનું સાંનિધ્ય વધારે ઉત્કટતાથી અનુભવાતું હોય છે. આ ઉત્કટતાની જ વાત કરવી છે, એટલે કાવ્યનો આરંભ ‘ને’થી કર્યો છે.

ને એ શબ્દ આગળ આપણે અટકીએ. અગાઉ ઘણું બધું બની ગયું છે. બે વ્યક્તિનું મિલન, એમનું સ્નેહભર્યું સહજીવન અને દૈવને એ સહજીવન ન રુચતાં આવેલો ચિરંતન વિયોગ. આ બધું બની ચૂક્યું છે. જે મૃત્યુ પામ્યો છે અ પતિની આ આખરી ઇચ્છા છે. પ્રેમના રસ્તે પણ સાથે પગલાં ભરી શકાય એવી ક્ષણો કેટલી ઓછી હોય છે? અને સાથે જ આ સૃષ્ટિની વિદાય લેતાં પ્રેમી યુગલો તો વિરલ જ હોય છે. એક વ્યક્તિ જાય, પછી બીજી વ્યક્તિ એનાં સ્મરણોની દુનિયામાં પોતાનું જીવન વિતાવી કાઢે છે.

અહીં પણ પતિની ઇચ્છા એવી છે કે એ નહીં હોય ત્યારે કોઈક બપોરે—

આ બપોરનો સમય સૂચક છે. સવાર રસોઈ ને ઘરના કામકાજમાં વીતી જાય; સાંજ હળવા-મળવા અને દેવદર્શનમાં ચાલી જાય; પણ બપોર કેમે ય હટવાનું નામ ન લે, ત્યારે વૃદ્ધ પત્ની સમક્ષ પોતાનો આખોયે ભૂતકાળ જિવાતો હોય છે. એ સ્મરણોની માધુરી વેદનાથી સભર હોય છે. એ ભૂલવા માટે, બપોરના એ વિષમ એકાંતને વિતાવવા માટે વૃદ્ધ પત્ની રામાયણ વાંચી રહી છે. અહીં કાવ્યનો નાયક એને ‘સખી’ એવું સંબોધન કરે છે. જ્યારે સખ્ય રહ્યું નથી, ત્યારે સખીના સંબોધનની વ્યથા કેવી હૃદય વલોવનારી હોઈ શકે!

બપોરે વૃદ્ધા રામાયણનું પુસ્તક ખોલીને બેઠી છે. એ વાંચી રહી છે એ પ્રસંગ સીતાત્યાગનો છે. રામથી તજાયેલી દગ્ધ સીતાની વેદના પતિના મૃત્યુ પછી પ્રેમભરપૂર દામ્પત્યનાં સ્મરણોની સૃષ્ટિમાં જીવવા મથતી વૃદ્ધા જેટલી સમજી શકે એટલી બીજું કોણ સમજી શકે? વૃદ્ધ હાથ, જીર્ણ પૃષ્ઠો અને દગ્ધ જાનકી.

આ ઘસાઈ ગયેલા જીવનની વાત છે. એટલે જ આ ત્રણે પ્રતીકો સાર્થક લાગે છે.

દગ્ધ જાનકીની આ કૃષકાય કારુણ્યમૂર્તિ રામાયણનાં પૃષ્ઠો પર ઊપસે છે, ત્યારે એ રામાયણનાં પૃષ્ઠને દગમાં ઝીલતી વૃદ્ધાની કૃષકાય કારુણ્યમૂર્તિનું શું? સીતાને રામ અને રામ સાથે વિતાવેલા દિવસો યાદ આવે છે. અહીં આ વૃદ્ધાને પણ પોતાના પતિનું અને પતિ સાથે વિતાવેલાં દિવસોનું સ્મરણ થાય છે; અને એ વેળા એ વૃદ્ધ નેત્રોમાં એકાદ અશ્રુબિંદુ ઝમી ઊઠે છે.

એકાદ અશ્રુબિન્દુની આ વાત છે, આંસુના ધોધની વાત નથી. પણ એકાદ અશ્રુબિન્દુનો દાહ વધારે હોય છે, અને એની શોભા પણ આગવી હોય છે. અશ્રુભરી આંખોમાં એક પ્રકારની સમતા વસે છે. હસતી આંખ વિરૂપ હોઈ શકે રડતી આંખ હમેશાં રમ્ય લાગે છે.

અહીં કાવ્યના નાયકની અંતિમ ઇચ્છા આવે છે. આવી ક્ષણે જ્યારે જાનકીની વેદનાની કોઈ તીવ્રતમ ક્ષણ સાથે એ વૃદ્ધાની પોતીકી વેદનાની ક્ષણ અનાયાસ જોડાઈ ગઈ હોય ત્યારે એ રામાયણનાં પૃષ્ઠો પર સુવર્ણનું પતંગિયું બનીને એકાદ ક્ષણ બેસવાનો કોડ કાવ્યના નાયકને છે.

રામે સીતાની સુવર્ણ પ્રતિમા યજ્ઞમાં રાખી હતી. જીવનના આ શેષ યજ્ઞમાં આ કાવ્યનાયક પોતે અદૃશ્ય સુવર્ણપ્રતિમારૂપે પોતાની જીવનસંગીનીનું સાન્નિધ્ય જાળવવા ઇચ્છે છે.

અશ્રુનો પારદર્શક પડદો લોચન પર બાજ્યો હોય ત્યારે રામાયણનાં જીર્ણ પીળાં પૃષ્ઠો તરતાં લાગે, ઊડતાં લાગે, જળના પડદાની જોડે ઝૂલતાં લાગે. સુવર્ણનું પતંગિયું આવી ક્ષણોમાં એ પૃષ્ઠ પર બેસી જાય એ તદ્દન સહજ છે.

(કવિ અને કવિતા)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book