વસ્તુલક્ષી અને તત્ત્વલક્ષી સંરચના – રાધેશ્યામ શર્મા

જયા મહેતા

વાવાઝોડા પછીની સવારે

નર્સનાં સફેદ વસ્ત્રો જેવી કડક શાંતિમાં

કાવ્ય-રચનાપ્રક્રિયાના વિવિધ તબક્કા આવે છે. વચમાં એવું મનાતું હતું કે રચનાને શીર્ષકની ફ્રેમમાં મઢી દો એટલે કવિતાતત્ત્વનો શિરચ્છેદ થઈ ગયો! કૃતિ સીમિત થઈ જશેની દહેશત પેસી ગયેલી. પણ એક રૂઢિ સ્થિર થઈ સ્થાણુવત્ જડતા ધારણ કરે ત્યારે એનું ભંજન જરૂરી બની જાય.

અહીં તો મથાળું પોતે જ કવિતાનો મુખ્યાંશ થઈ આવેલ છે: વાવાઝોડા પછીની સવારે. નિસર્ગે, નટરાજની જેમ તાંડવનર્તન કરી ઘોર વિનાશ વેર્યાનો છાપાળવો રિપોર્ટ અહીં પ્રસ્તુત નથી. જે પ્રસ્તુત છે તે શીર્ષકથી જ સૂચવ્યું. વિનષ્ટિચક્રના પ્રવર્તનની ઊર્મિઘેરી વિગતોનો મોહ જતો કરી અથવા એને બૅકગ્રાઉન્ડ રહેવા દઈ, પરિસ્થિતિની ‘ઇમેજિઝ’ને, વિવિધ ઉપમા વડે અભિવ્યંજિત કરવાનો ઉપક્રમ છે.

પ્રારંભની બે પંક્તિઓ આ ગદ્યકાવ્યને, વાસ્તવના જુદા જ સ્તરે મૂકી આપે. સમસ્ત જગત કોઈ હૉસ્પિટલ હોવાનો અનુભવ થઈ જાય! કડક શાંતિ – ‘સ્ટારર્ડ પીસ’ – નર્સનાં સફેદ વસ્ત્રો જેવી વર્ણવ્યા પછી એવી કડક શાંતિમાં ભયભીત પાંખોનો ફફડાટ કરચલીઓ પાડે છે! સફેદ વસ્ત્રો સાથે પાંખોનો ફફડાટ સંકલિત થવાથી નર્સ અને પંખીની ભયગ્રસ્ત દશા મૂર્ત થઈ.

‘તૂટેલા મિજાગરા પર પવન લટકે છે’ પંક્તિ કેટલાકને બૉદલેરની લીટી પાસે તાણી જાય જ્યાં ‘એક જ આંકડે કર્કશ અવાજે લટકતા પાટિયાનો, વાસના ભોગવીને શિથિલ થઈને હાંફતી પડેલી વેશ્યા’ સાથેનો મનોસંદર્ભ જાગ્રત હોય! પણ અહીં નર્સ–પંખીના ફફડાટ પાછળ ‘તૂટેલા મિજાગરા’નો સંદર્ભ ઇસ્પિતાલની બારીની પાળે ભાવકને કર્ષી–ગ્રહી જાય.

બહાર શું છે? જીર્ણ વસ્ત્રની જેમ તડકો ફસડી પડ્યો છે – ની ઉપમા વાસાંસિજીર્ણાનિ યથા વિહાય’ એવા ગીતાશ્લોકને ચિત્તમાં સ્પંદિત કરવાની ક્ષમતા દાખવે. આધુનિક કવિની ‘તડકો કોરો કડાક’ પહેરીને નીકળવાની ઘટના સાથે અહીં મેળ ના માનવો. ફસકી પડેલા તડકાને જીર્ણશીર્ણ વસ્ત્રનું ‘ટેક્ષ્ચર’ બક્ષ્યું છે અહીં તો. રસ્તા ઊબડખાબડ થઈ ગયા છે કેમ કે ત્યાં પડખું ફેરવી રહ્યા છે, જ્યાં વૃક્ષો શિથિલ થઈને પડ્યાં છે!

કરચલીઓ પડવી, પવનનું લટકવું, તડકાનું ફસકી પડવું, રસ્તાઓનું પડખું ફરી જવું. શિથિલ વૃક્ષોનું પડવું – પરિવેશના fractured અંશને ઘૂંટીને આપવા છતાં વસ્તુલક્ષી અભિગમની મર્યાદા સાચવે છે.

પ્રથમ પરિચ્છેદની પાંચ પંક્તિઓમાં પરિવેદના, શોક નથી પણ યથાર્થતાના શ્લોક છે. વ્યાપક લોકક્ષય સધાઈ ગયો છે પણ લાગણીઘેરું નિરૂપણ નથી.

બીજા પરિચ્છેદમાં પ્રવેશતાં જ જળસંચાર કહો કે જીવનસંચારનો ધ્વનિ મુદ્રિત થયો. બે ઝીણી ઝીણી આંખો બખોલમાં તગતગતી દર્શાવીને પ્રાણીસૃષ્ટિની હયાતી ચેતાવી છે. ડાળીઓ નિઃશંક તૂટેલી છે. પણ કળીઓ ખીલું ખીલું થઈ રહી છે.

હવે રચના-કૌશલ્યના ઉદાહરણ સમી છેલ્લી પંક્તિનું ત્રીજા પરિચ્છેદની પહેલી પંક્તિ સાથેનું ‘સ્ટ્રક્ચરિંગ’ આસ્વાદ્ય છે: ‘દૂર ખાબોચિયામાં બાળક છબછબિયાં કરી રહ્યું છે…’

ડહોળાયેલી નદીને કાંઠે એક વૃદ્ધ ઊભો છે.’

પૂર્વપ્રસ્તુત પંક્તિ અને અનુવર્તી પંક્તિનું કલ્પન–સન્ધાન બે પેઢીના બચી જવાનો માત્ર સુખદ સંકેત–ઝબકાર વેરી જાય છે. બાળક દૂરના ખાબોચિયામાં છબછબિયાં કરી રહ્યું છે અને ડહોળાયેલી (જીવન)સરિતા તટે એક વૃદ્ધ ઊભો છે. વાવાઝોડું પ્રચંડ હતું, સર્વનાશી હતું એનો ‘ડહોળાયેલી નદીના કાંઠા’ પરથી પૂરો અંદાજ આવે.

અહીંથી વર્ણનનું કૅમેરાનેત્ર રજા લે છે. અને વૃદ્ધની આંખોમાંહ્યલા ભાવોના વાચનમાં કૃતિ પરોવાય છે. એની આંખોમાં લાચારી નથી, આશા નથી, કેવળ એક પ્રશ્ન છે:

— આવા ઓચિંતા વળાંકથી અધુનાતન કાવ્યરસિક ભડકી ઊઠવાનો ભયસંભવ ખરો. કર્તા ક્યાંક તત્ત્વટૂંપણાનું ટીપણું તો નહીં કાઢે?

અહીં ‘ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ નહીં પણ ‘મૅન ઍટ ધ રિવર–બૅન્ક છે. એનાં નેત્રોમાં પ્રકૃતિપ્રલ્ત સર્વનાશ અંગેની લાચારી નથી અથવા નવજીવનસંચારના ઉપર્યુક્ત સંકેતો પેખી મોટી કોઈ આશા પણ નથી. છે કેવળ એક પ્રશ્ન:

આજે જો ઈશ્વર સામે મળે તો પૂછવા માટે – ‘सयुजा सरखा’નો અર્થ.

ઉપનિષદમાં બે પંખીઓની વાત આવે છે. વૃક્ષ પર એક પંખી ખાય છે અને બીજું પંખી એને માત્ર જોયા કરે છે.

રચનાનો અંત્ય સંદર્ભ અસ્પષ્ટ, સંદિગ્ધ રાખી રહસ્ય રમતું રાખ્યું છે. વૃદ્ધ, ઈશ્વરરૂપી બીજા સખા–પંખીને લોકક્ષય કે પ્રલય અંગેનો પ્રશ્ન પૂછવા માગતો હોય! વિસર્જન અને સર્જન પાછળનું પ્રયોજન શું? પ્રયોજનનો કે નિષ્પ્રયોજનનો કર્તા કોણ? ફળભોક્તા કોણ? ફળદ્રષ્ટા કોણ? માત્ર જોનારા – સાક્ષીચૈતન્યની સામે કવિની ગહન ફરિ-યાદ અહીં રસપ્રદ રીતિએ અભિવ્યક્તિ પામી છે. પ્રત્યેક ભાવક, કાવ્યાંતને પોતપોતાની પ્રકૃતિ અને દૃષ્ટિ પ્રમાણે મૂલવી શકે.

(રચનાને રસ્તે)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book