આપની યાદી વિશે – ચંદ્રકાન્ત શેઠ

કલાપી

આપની યાદી

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની;

ગુજરાતી કાવ્યકુંજમાં કેકા તો કલાપીની જ! તેમાંયે `આપની યાદી’ જેવી ગઝલમાં કલાપીની અંતરાત્માની જે મહેક છે તે તો અપૂર્વ જ. `આપની યાદી’ કલાપીના અક્ષરજીવનનું પરમ આકર્ષક સ્મારક છે.

પ્રસ્તુત કાવ્યનો ઉપાડ – એનો મત્લાનો શેર જ પ્રભાવક છે. કવિની નજર (આ સામાન્ય જનની નજર તો નથી જ) જ્યાં જ્યાં ઠરે છે ત્યાં ત્યાં એને પરમાત્માનું સ્મરણ પ્રાપ્ત થાય છે. આ તો ईशावास्यम् इदम् सर्वम्નો જ અનુભવ! જ્યાંથી પરમાત્માનું દર્શન – સ્મરણ પ્રાપ્ત થતું હોય ત્યાં જ ઠરવા જેવું – નજરને ઠેરવવા જેવું કવિને લાગે ને?! કવિ જ્યારે `ઘટ ઘટમાં સાંઈ રમતા’ હોવાનું દર્શન કરે ત્યારે એમના અંતરનો ઉમળકો – આનંદનો ઉછાળ આંખોમાં પ્રગટ ન થાય એમ બને? પરમાત્માનું – સૃષ્ટિના મહાન સર્જકનું રૂપ એના સર્જનમાંથી કવિને પ્રત્યક્ષ રૂપે અનુભવવા મળ્યું છે અને તેનો સત્ત્વોદ્રેક જ કવિની અશ્રુધારમાં મૂર્તરૂપે પ્રગટ થતો કવિ બતાવે છે.

આ પરમાત્માનું દર્શન જ્યાં જ્યાં પ્રેમ છે, જ્યાં જ્યાં સૌન્દર્ય છે ત્યાં ત્યાં થાય જ. માશૂક-પ્રિયતમા એ જ ઈશ્વર અથવા ઈશ્વર એ જ માશૂક – પ્રિયમા. અહીં માનુષી પ્રેમ (ઇશ્કેમિજાજી) અને દિવ્ય પ્રેમ (ઇશ્કેહકીકી) એકરૂપ થઈ જાય છે. પ્રિયતમાના ગાલની લાલીમાં જ પ્રિયતમાના આંતરબાહ્ય સૌન્દર્યનો ઉઘાડ પામી શકાય. એ સૌન્દર્યનુંયે સૌન્દર્ય – એ ગાલની લાલીમાંનુંયે લાલીપણું તે જ ખુદાઈ નૂર છે. જ્યાં જ્યાં બગીચા (ચમન) છે, જ્યાં જ્યાં ગુલાબ છે – એ રીતે જ્યાં જ્યાં સૌન્દર્યનું વાતાવરણ છે – હવામાન છે ત્યાં ત્યાં બધે જ પરમાત્માની સાક્ષાત્કૃતિ કરાવે એવા અઢળક સંકેતો છે. કવિ ન્હાનાલાલની `બ્રહ્માંડ કહે છે કે બ્રહ્મ છે’ – એ પંક્તિના મર્મની પ્રતીતિ કરાવે એવી કવિ કલાપીનીયે ભાવાનુભૂતિ છે. આ પરમાત્માની સૃષ્ટિમાં જ્યાં જ્યાં સ્નેહ ને સૌન્દર્યનું દર્શન થાય છે ત્યાં ત્યાં કવિને પરમાત્માની યાદ આપતી પગલીઓ જોવા મળે છે. પ્રેમની ઉન્નતતા અને કૃતાર્થતા તો માનુષી પ્રેમમાંથી દિવ્ય પ્રેમમાં સંક્રાન્તિ – ઉત્ક્રાન્તિ સાધવામાં રહેલી છે અને એવી સિદ્ધિ અહીં કવિના સૂફી હૃદયને સહજતયા જ લાધેલી પ્રતીત થાય છે.

આ કવિને દરિયાની (અહીં `દરિયાવ’ શબ્દ પણ `મીઠો’ લાગે છે – ખારાશ વગરનો!) મધુર લહેરખીનો સ્પર્શાનુભવ થતાંયે પરમાત્માની `નાજુક સવારી’ના સૂક્ષ્મ ને સુકુમાર સૌન્દર્ય દર્શનનો અનુભવ થાય છે. જ્યાં પ્રાણતત્ત્વની ગતિ ત્યાં જ પરમાત્માની સં-ગતિ. હવાની લહેરખીમાં અનાદિ-અનંત એવા પરમાત્માની `નાજુક સવારી’ની ઝાંખી તો કવિની આંખે જ – પરમાત્માદીધી કવિ-પ્રતિભાના પ્રકાશે જ થઈ શકે એવી આધ્યાત્મિક ને આહ્લાદક ઘટના છે. કવિ એ ઘટનાનું સુકુમાર-સુરેખ ચિત્રણ પ્રસ્તુત ગઝલના આ ત્રીજા શેરમાં કરાવે છે તો એના ચોથા શેરમાં એ જ `નાજુક સવારી’ વાળા પરમાત્માની ગેબી કચેરી જેવા આ વિશાળ આકાશનું – વિશ્વદરબારનું ભવ્ય ને ભભકદાર દર્શન કરાવે છે. अणोरणीयान् એવો પરમાત્મા महतो महीयान् પણ છે. એ તો આ જગત્ કચેરી ભરીને બેઠેલો છે. રાત્રે આકાશમાં દેખાતાં તારા-નક્ષત્રો તો એના દરબારખંડને ઝગમગાવનારાં ઝુમ્મરો છે. એ જોતાં જ કવિની દૃષ્ટિને પરમાત્માના પારાવાર પ્રભાવ-પ્રતાપની ઉદાત્ત પ્રતીતિ થાય છે.

જેમ આસપાસનું વિશ્વ તેમ પોતાનું પંડ પણ પરમાત્માની જે સનાતન ઉપસ્થિતિનું સતત પ્રમાણ આપી રહે છે. જે બ્રહ્માંડે છે તે પિંડે છે અને જે પિંડે છે તે બ્રહ્માંડે છે. પોતાનું પિંડ – પંડ જ `લોહીનો ચરખો’ છે – હરઘડી – હરદમ – અવિરત ચાલ્યા જ કરતો! કવિ પરમાત્માની ચેતનાનો સંચાર પોતાના લોહીમાં તેમ પોતાના શ્વાસમાંયે અનુભવે છે. જ્યારે કોઈ નથી હોતું ત્યારે પરમાત્મા જ કવિની સાથે, કવિની સોડમાં – ગોદમાં હોય છે. પરમાત્માનું અનાહત સંગીત – વિશ્વસંગીત કવિની અંદર ને કવિની આસપાસ ચાલ્યા જ કરતું હોય છે. એ સાંભળવા-માણવા માટે અંત: શ્રુતિ – અંદરનો કાન જોઈએ. કવિ તો પરમાત્માનું જ વાદ્ય-વાજું. પરમાત્મા જે સૂર છેડવા ચાહે છે એ જ કવિમાંથી પ્રગટવાનો. પરમાત્માની સિતારીયે કદાચ કવિ સ્વયમ્ છે. પરમાત્મા જ કવિ થકી એનું મધુમય આનંદ – સંગીત રેલાવે છે. એ સંગીત સર્જનનું છે, સ્નેહનું છે; સૌન્દર્યનું છે, શાંતિનું છે. કવિ સંગીતનો સ્વર પોતાની અંત:શ્રુતિથી આબાદ રીતે પકડે છે. પરમાત્મા હાજરાહજૂર હોવાનો અહેસાસ જ કવિનું આંતરબળ છે, કવિની ધરપત છે. કવિને નષ્ટભ્રષ્ટ કરી દેવા તત્પર એવાં આસુરી તત્ત્વોનો – આંતરબાહ્ય રિપુઓનો તોટો નથી; પણ એની સામે ડરવાપણું છે જ નહીં, કેમ કે પરમાત્માની જ, પ્રિયતમાની ગોદ સમી સુરક્ષાભરી ઓથ કવિને સાંપડેલી છે. અજ્ઞાત દુશ્મનો ખંજરનો વરસાદ વરસાવે તોયે હવે લેશ પણ ગભરાવાપણું નથી; કેમ કે રામનામની – પરમાત્માની સ્મૃતિ-સ્મરણરૂપ ઢાલ સતત એ ખંજરો સામે રહીને કવિને સર્વથા સુરક્ષા અર્પે છે. પરમાત્મા જ પોતાના પ્રેમી-ભક્તને માટે જે કંઈ વેઠવું પડે તે બધું જ વેઠી લે છે. પરમાત્માની આવી શ્રદ્ધા – સબળ ઢાલ છે માટે તો જીવનમાં કવિને પરમાત્માદીધ અભયનું વરદાન અનુભવવા મળે છે. કવિ ખુમારીથી, અલગારીપણાના આવેગથી કહે છે કે પોતે હવે બૂરાઈ કે પાપથીયે ગભરાતા નથી; કેમ કે બૂરાઈને પાપમાંથીયે બચાવી લે – ઉદ્ધારે એવી પરમાત્માની કૃપા-કરુણાની પવિત્ર ગંગા પોતાને હવે પ્રાપ્ત થયેલી છે. જે પરમાત્માના શરણે જાય છે એની જવાબદારી પરમાત્મા જ નિભાવે છે. ભગવદ્ગીતામાં તો યોગેશ્વર શ્રીકૃષ્ણે આ બાંયધરી આપેલી જ છે : ‘सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज। अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः’ (તું બધા ધર્મોની આળપંપાળ છોડી એક માત્ર મારા શરણે જ આવી જા. હું તને બધાં પાપોમાંથી છુટકારો અપાવીશ; જરાયે ઉદ્વિગ્ન ન થતો.) જે મનુષ્યને પરમાત્માના પ્રેમનો સંપ્રસાદ સાંપડે એને પછી આધિ, વ્યાધિ ને ઉપાધિ શું કરી શકવાનાં હતાં?

જ્યારે મનુષ્ય સાવ એકલો પડી જાય, એની આસપાસ કોઈ દોસ્તીદાવે ફરકનારુંયે ન હોય ત્યારે જરૂર, જીવવાનોયે થાક લાગે; પરંતુ એવી પરિસ્થિતિમાંયે જો `રામ-અમલમાં રાતામાતા’ રહેવાનો મીરાંના જેવો સંકલ્પ-કીમિયો હાથવગો-હૈયાવગો હોય તો પછી થાકવાનો પ્રશ્ન જ રહેતો નથી. જેમ સિતમ-દુઃખની ઝાળ અડે તેમ, પછી તો રાજેન્દ્ર શાહના ગુલમોરની માફક પ્રફુલ્લવાનું જ રહે. (`આભ ઝરે ભલે આગ હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર!’) કવિ આવા અનુભવમાં પરમાત્માનો પ્રેમની ખુમારીભર્યો, તાજગીભર્યો ભાવસંબંધ જ નિમિત્તભૂત હોવાનું શ્રદ્ધાપૂર્વક દર્શાવે છે. જેનું કોઈ નથી એના પરમાત્મા છે તે પ્રતીતિ જ કવિને જીવવા માટેની મોટી તાકાત આપી રહે છે.

જ્યાં પ્રેમનું – દોસ્તીનું મિલન છે ત્યાં પણ પરમાત્માની રહેમતનો – દયા-કરુણા-કૃપાનો અનુભવ થાય છે. જ્યાં કોઈ મિત્ર બનીને – પ્રેમી બનીને એનો હાથ કવિ તરફ લંબાવે છે ત્યારે એના એ હાથમાં કવિને તો પરમાત્માનો જ હાથ દેખાય છે. જ્યાં પેરમ છે ત્યાં પરમાત્મા છે; જ્યાં કરુણા છે ત્યાં પરમાત્માની કૃપા છે. એ રીતે કવિને પ્રેમ ને મૈત્રીના અનુભવમાં પરમાત્માની જ સક્રિયતા પ્રત્યક્ષ થાય છે અને તેઓ તેથી એના પ્રત્યે અસીમ કૃતજ્ઞતાનો ભાવ અનુભવે છે. કવિ પરમાત્માના સ્નેહમય વરદાને વધુ વિનમ્ર, વધુ શ્રદ્ધાનત બને છે. જીવનમાં જ્યારે જ્યારે કવિ કોઈ સ્નેહીજનની ચિરવિદાયનો અનુભવ કરે છે ત્યારે પણ તેમને પરમાત્માથી જુદા પડવાનો ભાવ જ રડાવી રહે છે. પ્રેમીથી – પ્રેમથી જુદા પડવું એટલે જ પરમાત્માથી જુદા પડવું. આ `પ્રેમ ને આંસુનો કવિ’ એ શી રીતે બરદાસ્ત કરી શકે? જ્યાં જ્યાં પ્રેમ છે, જ્યાં જ્યાં પ્રેમની અભીપ્સા છે, પ્રેમની પ્રતીક્ષા છે ત્યાં ત્યાં અંતતોગત્વા તો પરમતત્ત્વ માટેની – પરમાત્મા માટેની જ અભીપ્સા ને પ્રતીક્ષા હોય છે. કવિની સાર્થકતા અને ધન્યતા તો પરમાત્માને યાદ કરવામાં, એના માટે થઈને ઝૂરવામાં – રોવામાં છે!

જીવનમાં તો કંઈ કંઈ નવાજૂની અનુભવવા મળવાની; હસવા-રોવાના અનેક પ્રસંગો પડવાના; પણ એવી સમવિષમ અનુભવોવાળી સ્થિતિમાંયે જો પરમાત્માનું સ્નેહસ્મરણ, વિના વિક્ષેપે, ચિત્તમાં કાયમ રહે – તાજું રહે તો ભયો ભયો! જ્ઞાન-ગુમાનનાં ગાંસડાંપોટલાં શા કામનાં છે? શું જોવા મળ્યું અને શું નહીં – એના હિસાબો – એનાં લેખાંજોખાંયે શા કામનાં છે? કામધેનુ જેવું કામનું હોય તો છે પરમાત્માનું સ્મરણમાત્ર! ચિત્તમાં અહર્નિશ પરમાત્માની પ્રત્યક્ષ હાજરીનો અહેસાસ સ્મરણ દ્વારાયે થતો રહે તો આ કવિને પછી દુનિયાદારીની જાળજંજાળની – આળ-પંપાળની કોઈ ફિકરચિંતા નથી. ખુદાઈ પ્રેમમાં મસ્ત કવિ પછી કિસ્મતનીયે પરવા કરતા નથી. પરમાત્માના પ્રેમમાં મસ્ત કવિને જીવનના કંટકમય કઠોર માર્ગે ભુલાવામાં પડવાનું, ઠોકરો ખાવાનું થાય તો એનીયે ચિંતા નથી. એમના ચિત્તમાં તો પરમાત્માનું સ્નેહસ્મરણ જ સદાને માટે જીવંત—તાજું રહે તો એ પૂરતું છે. દુનિયામાંનો એક પણ પદાર્થ, એક પણ ખ્યાલ એવો નથી જે છેવટે પરમાત્માનું સ્મરણ કરાવતો ન હોય. આ સમગ્ર વિશ્વસર્જન એના સર્જનહારની જ યાદી આપતું રહે છે. એ પરમાત્માની યાદ લઈને જીવવામાં જ મનુષ્યના સ્નેહજીવનની અધ્યાત્મજીવનની સાર્થકતા છે. આ કાવ્ય એ સાર્થકતાનો અનુભવ-સંકેત આપતું કાવ્ય છે.

આમ આ કાવ્ય કલાપીની પ્રેમશ્રદ્ધા ને પરમાત્મશ્રદ્ધાના અનુપમ રણકારથી આપણા હૃદયને સભર કરી દે છે. અહીં ભાષાબાજી કે બેતબાજીનો કેર કે ભાર નથી. અહીં તો છે પરમાત્મા પ્રત્યેના શ્રદ્ધાપૂત પ્રેમની નિર્મળ-મધુર સેર-સરવાણી. પરમાત્માની યાદીના ધ્રુવ ભાવને શેરે શેરે ઘૂંટીને ઘનીભૂત કરતી આ `આપની’ રદીફવાળી મુસલ્સલ ગઝલ મુસ્તફ્ઈલુન્ અર્કાનવાળા રજઝછંદમાં રચાઈ છે. કવિએ અહીં ગઝલનું કાફિયા-રદીફવાળું માળખું ચુસ્તીથી જાળવ્યું નથી; આમ છતાં અહીં ગઝલના મિજાજનો – ગઝલિયતનો સંતર્પક અનુભવ થાય છે. કવિએ અહીં પરમાત્માનાં રમ્ય-ભવ્ય રૂપોને જે રીતે શેરોમાં પ્રત્યક્ષ ભાવે રજૂ કર્યાં છે તે રસાકર્ષક છે. એમાંયે ગઝલના પૂર્વાર્ધમાં કવિ અંદ્રિયસંવેદ્યતા સવિશેષ દાખવે છે. ઉત્તરોત્તર તેઓ સંવેદનમાંથી ચિંતન પ્રતિની ગતિ દાખવતા હોય એવું પણ લાગે. આ કૃતિના આરંભમાં જે ભાવસઘનતા ને પ્રત્યક્ષતા છે તે ક્રમશ: દર્શન-ચિંતન પ્રતિનો ઝોક દાખવતી, વૈશ્વિકતામાંથી આધ્યાત્મિકતામાં પરિણમન સાધતી વિરમે છે. આત્મસભરતાની આહ્લાદકતા અને પરમાત્મપરાયણની પ્રસન્નતા અહીં એકરૂપ થતી પ્રશમમાં પરિણમતી અનુભવાય છે. ગઝલની આબોહવાને પોષતી-જમાવતી પદબાનીમાં અધ્યાત્મ સંવેદનાને કાવ્યાત્મક દર્શનની ભૂમિકાએ સફલ રીતે અભિવ્યક્ત કરી શકતી આ ગઝલ ગુજરાતી ગઝલપરંપરાની એક અભૂતપૂર્વ સિદ્ધિ છે એમ કહેવું જોઈએ.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book